મહાનુભાવો,
‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રિઝિલિઅન્ટ આઇલેન્ડ સ્ટેટ્સ’- આઇરિસનો શુભારંભ એક નવી આશા આપે છે, એક નવો આત્મવિશ્વાસ આપે છે. તે સૌથી નિર્બળ-હુમલા પાત્ર દેશો માટે કંઇક કરવાનો સંતોષ આપે છે.
- હું આને માટે કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઇ)ને અભિનંદન આપું છું.
- આ અગત્યના મંચ પર, હું ઑસ્ટ્રેલિયા અને યુકે અને ખાસ કરીને મોરિશિયસ અને જમૈકા સહિતના નાના ટાપુ જૂથો સહિતના તમામ સંલગ્ન દેશોના તમામ નેતાઓને હાર્દિક ધન્યવાદ પાઠવું છું.
- આ શુભારંભ માટે યુએનના મહામંત્રીએ એમનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ હું એમનો પણ આભાર માનું છું.
મહાનુભાવો,
- છેલ્લા કેટલાંક દાયકાઓએ સાબિત કર્યું કે આબોહવા ફેરફારના પ્રકોપથી કોઇ અસર વિનાનું રહ્યું નથી. પછી તે વિકસિત દેશો હોય કે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ દેશો હોય, આ દરેકના માટે એક બહુ મોટો ખતરો છે.
- પણ, અહીંયા પણ, આબોહવા પરિવર્તનથી સૌથી મોટો ભય ‘સ્મૉલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ-સિડ્સ’ને છે. એમના માટે આ જીવન-મરણની બાબત છે; તેમના અસ્તિત્વને આ એક પડકાર છે. આબોહવા ફેરફાર દ્વારા સર્જાતી આફતો એમના માટે ખરા અર્થમાં પ્રલયનું સ્વરૂપ લઈ શકે છે.
- આવા દેશોમાં, આબોહવા પરિવર્તન એ એમનાં જીવનની સલામતી માટે જ નહીં પણ એમનાં અર્થતંત્રો માટે પણ એક મોટો પડકાર છે.
- આવા દેશો પર્યટન પર વધારે આધારિત હોય છે પણ કુદરતી આફતોને કારણે, પર્યટકો પણ ત્યાં આવતાં ગભરાય છે.
મિત્રો,
- આમ તો સિડ્સ દેશો સદીઓથી કુદરત સાથે સુમેળ સાધીને જીવે છે અને તેઓ કુદરતી ચક્રો મુજબ કેવી રીતે ફેરફારો કરવા એ જાણે છે.
- પરંતુ, છેલ્લા કેટલાક દાયકાઓમાં દેખાયેલા સ્વાર્થી વહેવારને કારણે, કુદરતનું જે અપ્રાકૃતિક સ્વરૂપ સામે આવ્યું છે, એનું પરિણામ આજે નિર્દોષ નાના ટાપુ દેશો ભોગવી રહ્યા છે.
- અને એટલે, મારા માટે, સીડીઆરઆઇ કે આઇઆરઆઇએસ એ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત નથી પણ માનવ કલ્યાણની સૌથી સંવેદનશીલ જવાબદારીનો ભાગ છે.
- આ માનવજાત પ્રત્યેની આપણા સૌની સામૂહિક જવાબદારી છે.
- એક રીતે, આ આપણાં પાપોનું એક સહિયારું પ્રાયશ્ચિત છે.
મિત્રો,
- સીડીઆરઆઇ એ કોઇ પરિસંવાદમાંથી નીકળેલી કલ્પના નથી પણ સીડીઆરઆઇનો જન્મ વર્ષોનાં મનોમંથન અને અનુભવનું પરિણામ છે.
- નાનકડા દ્વીપ દેશો પર ઝળુંબતા આબોહવા ફેરફારના ખતરાને પામીને ભારતે પ્રશાંત ટાપુઓ અને કેરિકોમ (CARICOM) દેશો સાથે સહકાર માટે વિશેષ વ્યવસ્થાઓ કરી.
- અમે તેમના નાગરિકોને સોલર ટેકનોલોજીઓમાં તાલીમ આપી અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત યોગદાન આપ્યું.
- એ ચાલુ રાખતા, આજે, મંચ પરથી, હું ભારત તરફથી વધુ એક નવી પહેલની જાહેરાત કરું છું.
- ભારતની અવકાશ સંસ્થા ઈસરો સિડ્સ માટે એક વિશેષ ડેટા વિન્ડોનું નિર્માણ કરશે.
- આ સાથે, સિડ્સને વાવાઝોડાં, કોરલ રીફ (પરવાળાના ખડક) પર દેખરેખ, કાંઠા પર દેખરેખ ઇત્યાદિ વિશે ઉપગ્રહો મારફત સમયસરની માહિતી મળવાનું ચાલુ રહેશે.
મિત્રો,
- આઇઆરઆઇએસને સાકાર કરવા સીડીઆરઆઇ અને સિડ્સ બેઉએ ભેગા મળી કાર્ય કર્યું છે- સહ-સર્જન અને સહ-લાભોનું એક સારું ઉદાહરણ છે.
- એટલે જ હું આજે આઇઆરઆઇએસના શુભારંભને બહુ અગત્યનું ગણું છું.
- આઇઆરઆઇએસ મારફત, સિડ્સ માટે ટેકનોલોજી, નાણાં અને જરૂરી માહિતી એકત્ર કરવાનું સરળ અને ઝડપી બની રહેશે. નાના દ્વીપ દેશોમાં ગુણવત્તાવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન મળવાથી ત્યાં જીવન અને આજીવિકા બેઉને લાભ થશે.
- મેં અગાઉ કહ્યું છે કે વિશ્વ આ દેશોને ઓછી વસ્તીવાળા નાના ટાપુઓ ગણે છે પણ હું આ દેશોને મોટી સંભાવનાના મોટા સમુદ્રી દેશો તરીકે જોઉં છું. જેવી રીતે સમુદ્રમાંથી નીકળતાં મોતીની માળા દરેકની શોભા વધારે છે એવી જ રીતે, સમુદ્રથી ઘેરાયેલા સિડ્સ વિશ્વની શોભા છે.
- હું આપને ખાતરી આપું છું કે ભારત આ નવી પરિયોજનાને પૂરો ટેકો આપશે અને એની સફળતા માટે સીડીઆરઆઇ, અન્ય ભાગીદાર દેશો અને સંયુક્ત રાષ્ટ્રો સાથે નિકટતાથી કાર્ય કરશે.
- આ નવી પહેલ માટે સીડીઆરઆઇને અને તમામ નાના આઇલેન્ડ જૂથોને અભિનંદન અને ઘણી શુભેચ્છાઓ.
આપ સૌનો ખૂબ આભાર.