ભારતમાં લોકશાહી બંધારણની ધારાઓનો સમૂહ જ માત્ર નથી પણ એ આપણી જીવનધારા છે: પ્રધાનમંત્રી
સંસદ ટીવી દેશની લોકશાહી અને લોકોનાં પ્રતિનિધિઓનો નવો અવાજ બની જશે: પ્રધાનમંત્રી
‘કન્ટેન્ટ ઈઝ કનેક્ટ’ એ સંસદીય વ્યવસ્થાને પણ સમાન રીતે લાગુ પડે છે: પ્રધાનમંત્રી

 

નમસ્કાર,

કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રાજ્યસભાના માનનીય સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી, લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજી, રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશજી, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાગણ, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.
આજનો દિવસ આપણી સંસદીય વ્યવસ્થામાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય જોડી રહ્યો છે.

આજે દેશને સંસદ ટીવીના રૂપમાં સંચાર અને સંવાદનું એક એવું માધ્યમ મળી રહ્યું છે જે દેશની લોકશાહી અને જનપ્રતિનિધીઓના નવા અવાજના રૂપમાં કામ કરશે.

હું તમને તમામને, આ વિચારને સાકાર કરનારી સંપૂર્ણ ટીમને શુભેચ્છા પાઠવું છું. જેમ કે આપણા અધ્યક્ષ મહાશયે કહ્યું આજે દૂરદર્શનની સ્થાપનાના પણ 62 વર્ષ પૂરા થયા છે. આ ઘણી લાંબી યાત્રા છે. આ યાત્રાને સફળ બનાવવામાં અનેક લોકોનું યોગદાન રહ્યું છે. હું દૂરદર્શનના સંચાલન સાથે સંકળાયેલા તમામ લોકોને પણ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

ઝડપથી બદલાતા સમયમાં મીડિયા અને ટીવી ચેનલની ભૂમિકા પણ ઝડપથી બદલાઈ રહી છે. 21મી સદી તો વિશેષ રૂપથી સંચાર અને સંવાદ મારફતે ક્રાંતિ લાવી રહી છે. એવામાં એ સ્વાભાવિક થઈ જાય છે કે આપણી સંસદ સાથે સંકળાયેલી ચેનલ પ આધુનિક વ્યવસ્થાઓ મુજબ પોતાને પરિવર્તિત કરે.

મને આનંદ છે કે સંસદ ટીવીના રૂપમાં આજે એક નવી શરૂઆત થઈ રહી છે. મને એમ પણ માહિતી આપવામાં આવી છે કે પોતાના આ નવા અવતારમાં સંસદ ટીવી સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ રહેશે અને તેની પોતાની પણ એક એપ હશે. તેનાથી આપણો સંસદીય સંવાદ માત્ર આધુનિક ટેકનોલોજીથી જ જોડાશે નહીં પરંતુ સામાન્ય પ્રજા સુધી તેની પહોંચ વધી જશે.

આજે એ સુખદ યોગાનુયોગ પણ છે કે 15મી સપ્ટેમ્બરને લોકશાહીનો આંતરરાષ્ટ્રીય દિવસ (ઇન્ટરનેશનલ ડે ઓફ ડેમોક્રેસી) પણ મનાવવામાં આવી રહ્યો છે. અને, વાત જ્યારે લોકશાહીની થતી હોય તો ભારતની જવાબદારી કેટલાય ગણા વધી જાય છે. ભારત લોકશાહીની જનેતા છે. ભારત લોકશાહીની માતા છે. ભારત માટે લોકશાહી માત્ર એક વ્યવસ્થા જ નથી પરંતુ એક વિચાર છે. ભારતમાં લોકશાહી એ માત્ર એક બંધારણીય માળખું જ નથી પરંતુ તે એક સ્પિરીટ છે. ભારતમાં લોકશાહી એ માત્ર સંવિધાનની કલમોનો સંગ્રહ માત્ર નથી પણ તે આપણી જીવનધારા છે. તેથી જ આંતરરાષ્ટ્રીય લોકશાહીના દિવસે સંસદ ટીવીનું લોંચિંગ થવું તે પોતાનામાં ઘણું પ્રાસંગિક બની જાય છે.

આમ તો ભારતમાં આજે આપણે બધા એન્જિનિયર્સ દિવસ પણ મનાવી રહ્યા છીએ. એમ. વિશ્વૈશ્વરૈયાજીની જન્મજયંતીનો આ પાવન દિવસ ભારતના મહેનતુ અને કુશળ એન્જિનિયર્સને સમર્પિત છે. ટીવીની દુનિયામાં તો ઓબી એન્જિનિયર, સાઉન્ડ એન્જિનિયર, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ સાથે સંકળાયેલા લોકો, પેનલ સંભાળનારા લોકો, સ્ટુડિયો ડાયરેક્ટર્સ, કેમેરામેન, વીડિયો એડિટર્સ, ઘણા પ્રોફેશનલ્સ, બ્રોડકાસ્ટને શક્ય બનાવતા હોય છે. આજે હું સંસદ ટીવીની સાથે દેશની તમામ ટીવી ચેનલોમાં કામ કરનારા એન્જિનિયર્સને પણ ખાસ અભિનંદન પાઠવી રહ્યો છું.

સાથીઓ,

આજે દેશ જ્યારે પોતાની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે તો આપણી સમક્ષ અતીતનું ગૌરવ પણ છે અને ભવિષ્યનો સંકલ્પ પણ છે. આ બંને ક્ષેત્રમાં મીડિયાની ઘણી મોટી ભૂમિકા રહી છે. મીડિયા જ્યારે કોઈ મુદ્દાને ઉપાડે છે જેવા કે સ્વચ્છ ભારત અભિયાન તો તે ઝડપથી પ્રજા સુધી પહોંચી જાય છે. આઝાદીના અમૃત મહોત્સવમાં દેશવાસીઓના પ્રયાસોને પ્રચારિત-પ્રસારિત કરવાનું કાર્ય મીડિયા સારી રીતે કરી શકે છે. ઉદાહરણરૂપે ટીવી ચેનલ્સ સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા 75 એપિસોડનું પ્લાન કરી શકે છે. ડોક્યુમેન્ટરી બનાવી શકે છે. અખબારો અમૃત મહોત્સવ સાથે સંકળાયેલી આવૃત્તિઓ પ્રકાશિત કરી શકે છે. ડિજિટલ મીડિયા ક્વિઝ કે સ્પર્ધા જેવા આઇડિયા મારફતે યુવાનો સાથે સીધા જ જોડાઈ શકે છે.

મને કહેવામાં આવ્યું છે કે સંસદ ટીવીની ટીમ આ દિશામાં પણ ઘણા કાર્યક્રમો પ્લાન કરી દીધા છે. આ કાર્યક્રમો અમૃત મહોત્સવની ભાવનાને જન માનસ સુધી પહોંચાડવામાં ઘણી મદદ કરશે.
સાથીઓ,
તમે બધા કમ્યુનિકેશન ક્ષેત્રના ક્રિએટીવ લોકો છો. તમે લોકો અવારનવાર કહો છો કે ''કન્ટેન્ટ ઇઝ કિંગ.'' હું તમને તમામને અનુભવની વધુ એક વાત કરવા માગું છું. મારો અનુભવ છે કે ''કન્ટેન્ટ ઇઝ કનેક્ટ.'' એટલે કે જ્યારે તમારી પાસે બહેતર કન્ટેન્ટ હશે તો લોકો સામે ચાલીને તમારી સાથે જોડાઈ જતા હોય છે. આ વાત જેટલી મીડિયા માટે લાગુ થાય છે એટલી જ આપણી સંસદીય વ્યવસ્થા પર પણ લાગુ પડે છે. કેમ કે સંસદમાં માત્ર રાજકારણ જ નહીં પરંતુ નીતિ પણ છે.

આપણી સંસદમાં જ્યારે સત્ર જારી હોય છે, અલગ અલગ વિષયો પર ચર્ચા થતી હોય છે તો યુવાનો માટે ઘણી બાબતો જાણવા શીખવા માટે હોય છે. આપણા માનનીય સદસ્યોને પણ ખબર હોય છે કે દેશ તેમને જોઈ રહ્યો છે તો તેમને પણ સંસદની અંદર બહેતર આચરણ, બહેતર ચર્ચાની પ્રેરણા મળતી હોય છે. તેનાથી સંસદની ફળદ્રૂપતા પણ વધે છે અને જનહિતના કાર્યોને લોકપ્રિયતા પણ મળે છે.

આથી જ એ ખૂબ જ જરૂરી છે કે સદનની કાર્યવાહી દ્વારા સામાન્ય પ્રજાજનો કનેક્ટ રહે, ભલે તે દેશના કોઈ પણ ખૂણામાં હોય પણ સંસદ ગૃહની પ્રક્રિયાનો હિસ્સો બને. આવામાં સંસદ ટીવીએ પણ પોતાના કાર્યક્રમોની પસંદગી, લોકોની અને ખાસ કરીને યુવાનોની રૂચિના આધાર પર કરવી પડશે. તેના માટે ભાષા પર ધ્યાન આપવું પડશે. રસપ્રદ અને જકડી રાખનારા પેકેજ આ કાર્યક્રમો અનિવાર્ય બની જશે.

જેવા કે સંસદમાં થયેલા ઐતિહાસિક ભાષણો લઈ શકાય છે. સાર્થક અને તાર્કિક ચર્ચા વિચારણાની સાથે સાથે ક્યારેય ક્યારેક હળવી, મજાકભરી ક્ષણોને પણ દર્શાવી શકાય છે. અલગ અલગ સંસદો અંગે જાણકારી આપી શકાય છે જેથી પ્રજા તેના કામોની તુલનાત્મક સમીક્ષા કરી શકે. ઘણા સાંસદગણ અલગ અલગ ક્ષેત્રોમાં ઘણા પ્રશંસનીય કાર્યો પણ કરી રહ્યા છે. તેમના આ પ્રયાસોને તમે દેશની સમક્ષ રજૂ કરશો તો તેમનો ઉત્સાહ વધશે અને અન્ય પ્રતિનિધિઓને પણ સકારાત્મક રાજનીતિની પ્રેરણા મળશે.

સાથીઓ,

વધુ એક મહત્વપૂર્ણ વિષય જે આપણે અમૃત મહોત્સવમાં ઉઠાવી શકીએ છીએ તે છે આપણું બંધારણ અને નાગરિકોની ફરજ. દેશના નાગરિકોનું કર્તવ્ય શું છે, તે અંગે સતત જાગૃતિની જરૂર છે. અને મીડિયા આ જાગરૂકતા માટે એક પ્રભાવશાળી માધ્યમ છે. મને કહેવામાં આવ્યું છે કે સંસદ ટીવી આ પ્રકારના ઘણા કાર્યક્રમો લઈને આવી રહ્યું છે.

આ કાર્યક્રમો મારફતે આપણા યુવાનોને આપણી લોકશાહી સંસ્થાઓ વિશે, તેની કાર્યપ્રણાલિની સાથે સાથે નાગરિકોના કર્તવ્ય વિશે પણ ઘણું શીખવા મળશે. આ જ રીતે કારોબારી સમિતિઓ, ધારાસભાની કામગીરીનું મહત્વ અને વિધાનસભાઓની કામગીરી વિશે એવી ઘણી જાણકારી મળશે જે ભારતના લોકતંત્રને ઉંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ બનશે.

મને આશા છે કે સંસદ ટીવીમાં મૂળભૂત લોકશાહીના રૂપમાં કામ કરનારી પંચાયતો પર પણ કાર્યક્રમ ઘડવામાં આવશે. આ કાર્યક્રમ ભારતની લોકશાહીને એક નવી ઉર્જા પ્રદાન કરશે અને એક નવી ચેતના આપશે.
સાથીઓ,

આપણી સંસદ, અલગ અલગ રાજકીય પક્ષો, આપણું મીડિયા, આપણા સંસ્થાનો, તમામનું પોતપોતાનું કાર્યક્ષેત્ર છે. પરંતુ દેશના સંકલ્પોની પૂર્તિ માટે તમામના પ્રયાસોની જરૂર છે, એક સાથે રહીને પ્રયાસની જરૂર છે.

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે બધા પોતપોતાની અલગ અલગ ભૂમિકાઓમાં આ સંકલ્પોને લઈને આગળ ધપીશું અને એક નવા ભારતનું સ્વપ્ન સાકાર કરીશું.

આ જ ભરોસા સાથે હું ભાઈ રવિ કપૂરને પણ અભિનંદન આપવા માગું છું કેમ કે તેમનું કાર્યક્ષેત્ર નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમણે જે રીતે દુનિયાભરના લોકોનો સંપર્ક કર્યો, તેમની પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું, આઇડિયા લીધા અને જે રીતે તેમણે રચના કરી. એક વાર તેઓ મને આ દેખાડવા આવ્યા હતા તો હું ખરેખર પ્રભાવિત થયો હતો. હું રવિને અને તેની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમને તમામને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા.

ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Double engine govt becoming symbol of good governance, says PM Modi

Media Coverage

Double engine govt becoming symbol of good governance, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government