પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર ભારત સેમીનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર બનવા પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ સંરક્ષણ ક્ષેત્રમાં સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવાનો, નવી ટેકનોલોજી વિકસાવવાનો અને ખાનગી કંપનીઓને મહત્વની ભૂમિકા આપવાનો છે.
હેતુલક્ષી ધોરણે કામ કરવા બદલ તેમજ અવિરત પ્રયાસો કરવા બદલ સંરક્ષણ મંત્રી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર થવાના ઉદ્દેશને ચોક્કસપણે આજના આ સેમીનારથી વધુ ગતિ પ્રાપ્ત થશે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે, તેનામાં ઘણું મોટું સામર્થ્ય હતું અને ભારતમાં સંરક્ષણ ઉત્પાદન માટે ઇકોસિસ્ટમ પણ હતી પરંતુ દાયકાઓથી આ દિશામાં કોઈ જ ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા નથી. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે, સંરક્ષણ ક્ષેત્રમાં સુધારા લાવવા માટે સતત અને ખંતપૂર્વકના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે આ દિશામાં લેવામાં આવેલા કેટલાક નક્કર પગલાં ગણાવ્યાં હતાં જેમાં લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં સુધારો, સૌને સમાન તક મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ અને નિકાસની પ્રક્રિયાનું સરળીકરણ વગેરે પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આધુનિક અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મવિશ્વાસની ભાવના જાગે તે આવશ્યક છે. CDSની નિયુક્તિનો પ્રશ્ન કેટલાય દાયકાઓથી પડતર હતો જેનો ઉકેલ લાવીને નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયો છે, તેમાં નવા ભારતનો આત્મવિશ્વાસ પ્રતીત થાય છે. ચીફ ઓફ ડિફેસન્સ સ્ટાફની નિયુક્તિના પરિણામે સૈન્યની ત્રણેય પાંખ વચ્ચે વધુ સારો તાલમેલ અને સંકલન થઇ શક્યું છે અને સંરક્ષણ ખરીદીની કામગીરીમાં વધારો કરવામાં પણ મદદ મળી શકી છે. તેવી જ રીતે, તેમણે એ બાબત ઉપર પ્રકાશ પાડ્યો હતો કે, સ્વયંચાલિત રૂટ દ્વારા 74% FDI માટે સંરક્ષણ ક્ષેત્રને ખુલ્લું મુકવાની છૂટ આપવામાં આવી તેમાં પણ નવા ભારતનો આત્મવિશ્વાસ ઝળકે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક ખરીદી માટે મૂડી બજેટનો એક હિસ્સો અલગ રાખવો, 101 ચીજોની સ્થાનિક ખરીદી જેવા પગલાંથી સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને તેમનામાં નવું જોશ ભરી દેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ખરીદીની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવી, પરીક્ષણની પ્રણાલી વધુ સુવ્યવસ્થિત કરવી વગેરે માટે સરકાર કામ કરી રહી છે. સંરક્ષણ ફેક્ટરીઓના કોર્પોરેટાઇઝેશન અંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એકવાર આ કામગીરી પૂર્ણ થાય તે પછી કામદારો અને સંરક્ષણ ક્ષેત્ર, બંને વધુ શક્તિશાળી બનશે.
અદ્યતન ઉપકરણોમાં આત્મનિર્ભરતા માટે ટેકનોલોજીની કક્ષા ઉંચી લાવવાની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, DRDO ઉપરાંત, સરકાર ખાનગી ક્ષેત્ર તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સંશોધન અને નવીનીકરણને પ્રોત્સાહન આપી રહી છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, વિદેશી ભાગીદારો સાથે સંયુક્ત સાહસો દ્વારા સહ-ઉત્પાદન પર ભાર મૂકવામાં આવે છે.
સરકાર રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ (સુધારો, સારું કામ કરો અને પરિવર્તન લાવો) મંત્ર પર કામ કરી રહી છે તે બાબતે પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બૌદ્ધિક સંપદા, કરવેરા, નાદારી અને દેવાળિયાપણું, અવકાશ અને અણુ ઉર્જાના ક્ષેત્રોમાં મોટા સુધારાની કામગીરી ચાલી રહી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની પહેલ બાબતે પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં હાલમાં કાર્યરત બે સંરક્ષણ કોરિડોર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુની રાજ્ય સરકારોના સહકારથી તે ક્ષેત્રોમાં આધુનિક માળખાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આના માટે આગામી પાંચ વર્ષમાં રૂપિયા 20 હજાર કરોડના રોકાણનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું કે મુખ્યત્વે MSME સાથે સંકળાયેલા અને સ્ટાર્ટ-અપ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે iDEX પહેલની શરૂઆત કરવામાં આવી હતી તેના સકારાત્મક પરિણામો મળી રહ્યાં છે. તેમણે નોંધ્યું હતું કે, આ પ્લેટફોર્મના માધ્યમથી, 50થી વધુ સ્ટાર્ટ-અપે મિલિટરીના ઉપયોગ માટે ટેકનોલોજી અને ઉત્પાદનો વિકસાવ્યા છે.
પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, મૂળ ઉદ્દેશ વૈશ્વિક અર્થતંત્રને વધુ સ્થિતિસ્થાપક બનાવવા, વધુ સ્થિર બનાવવા અને દુનિયામાં શાંતિ સ્થાપવા માટે સક્ષમ ભારતનું નિર્માણ કરવાનો છે. સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભરતા પાછળનો મૂળ વિચાર આ જ છે. ભારત તેના સંખ્યાબંધ મિત્ર રાષ્ટ્રોને સંરક્ષણ ઉપકરણો પૂરાં પાડવા માટે ભરોસાપાત્ર પૂરવઠાકાર બનવાનું સામર્થ્ય ધરાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનાથી ભારતની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે અને હિન્દ મહાસાગર પ્રદેશમાં “ચોખ્ખા સુરક્ષા પ્રદાતા” તરીકે ભારતની ભૂમિકા મજબૂત બનશે.
તેમણે કહ્યું હતું કે, સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ નીતિ મુસદ્દાને મળેલા પ્રતિભાવો અને સૂચનો આ નીતિનો વહેલામાં વહેલી તકે અમલ કરવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ સંબોધનનું સમાપન કરતા કહ્યું હતું કે, આત્મનિર્ભર બનવા માટે, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટેના આપણા સંકલ્પને સાકાર કરવામાં સહિયારા પ્રયાસોથી મદદ મળી શકશે.