સાથીઓ,
આ એક સંયોગ છે કે આજે જ્યારે આપણે કોરોના કટોકટી પર વાત કરી રહ્યા છીએ, ત્યારે દેશના આરોગ્ય ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.
આજથી 2 વર્ષ પહેલા આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી હતી.
ફક્ત 2 વર્ષમાં આ યોજના હેઠળ 1.25 કરોડથી વધુ ગરીબ દર્દીઓ મફત સારવાર મેળવી શક્યા છે.
આજે આ કાર્યક્રમ દ્વારા હું આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબોની સેવા કરનારા તમામ ડોકટરો અને મેડિકલ સ્ટાફની વિશેષ પ્રશંસા કરું છું.
સાથીઓ,
આજે આપણી આ ચર્ચા દરમિયાન એવી ઘણી બાબતો સામે આવી છે, જેનાથી આગળની વ્યૂહરચના માટેનો માર્ગ વધુ સ્પષ્ટ થાય છે.
તે સાચું છે કે ભારતમાં સંક્રમણના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આજે આપણે દરરોજ 10 લાખથી વધુ પરીક્ષણો પણ કરી રહ્યા છીએ અને સાજા થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.
ઘણા રાજ્યોમાં અને સ્થાનિક રીતે રાજ્યોની અંદર શ્રેષ્ઠ પ્રયાસો જોવા મળી રહ્યા છે.
આપણે આ અનુભવોને વધુને વધુ પ્રોત્સાહન આપવું પડશે.
સાથીઓ,
ગયા કેટલાક મહિનાઓમાં કોરોનાની સારવારથી સંબંધિત જે સુવિધાઓ આપણે વિકસિત કરી છે તે કોરોના સામે લડવામાં આપણને ખૂબ મદદ કરી રહી છે.
હવે એક બાજુ જ્યારે આપણે કોરોના-કનેક્ટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું છે, જે આપણા આરોગ્યથી જોડાયેલ, ટ્રેકિંગ અને ટ્રેસીંગ નેટવર્ક છે, ત્યારે આપણે તેમની વધુ સારી તાલીમ પણ સુનિશ્ચિત કરવાની છે.
આજે કોરોના ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્ટેટ ડિઝસ્ટર રિસ્પોન્સ ફંડ- એસડીઆરએફના ઉપયોગ અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઘણા રાજ્યોએ આ અંગે આગ્રહ કર્યો છે.
હવે એસડીઆરએફના ઉપયોગની મર્યાદા 35 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય સાથે રાજ્યો માટે કોરોના સામે લડવા માટે વધુ પૈસા ઉપલબ્ધ થશે.
વધુ એક અગત્યની વસ્તુ જે હું તમને કહેવા માંગુ છું.
જે 1-2 દિવસનું સ્થાનિક લોકડાઉન હોય છે, તે કોરોનાને રોકવામાં કેટલું અસરકારક છે, દરેક રાજ્યોએ પોતાના સ્તરે તેનું અવલોકન કરવું જોઈએ.
એવું તો નથી ને કે તેના કારણે જ તમારા રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં સમસ્યા આવી રહી છે?
હું તમામ રાજ્યોને આ અંગે ગંભીરતાથી વિચારવા વિનંતી કરું છું.
સાથીઓ,
અસરકારક પરીક્ષણ, ટ્રેસિંગ, સારવાર, સર્વેલન્સ અને સ્પષ્ટ સંદેશા, આની ઉપર આપણે આપણું ધ્યાન વધુ વધારવાની જરૂર છે.
અસરકારક મેસેજિંગ પણ જરૂરી છે કારણ કે મોટાભાગના ચેપ લક્ષણો વગરના હોય છે. આવી સ્થિતિમાં અફવાઓ ફેલાવા લાગે છે. સામાન્ય લોકોના મનમાં શંકા ઉત્પન્ન થવા લાગે છે કે ક્યાંક પરીક્ષણ જ તો ખોટુ નથી ને. માત્ર આ જ નહીં, કેટલાક લોકો ચેપની ગંભીરતાને ઓછી આંકવાની ભૂલ પણ કરે છે.
બધા અભ્યાસ સૂચવે છે કે ચેપને રોકવામાં માસ્કની મોટી ભૂમિકા છે. માસ્કની ટેવ કેળવવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તેને રોજિંદા જીવનમાં આવશ્યક બનાવ્યા સિવાય આપણને સાર્થક પરિણામો મળશે નહીં.
સાથીઓ,
ભૂતકાળના અનુભવોથી ત્રીજી વાત બહાર આવી છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં સેવાઓ અને માલની અવરજવરમાં વિક્ષેપ દ્વારા સામાન્ય નાગરિકોને બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
આનાથી જનજીવનને પણ અસર થાય છે અને આજીવિકા પર પણ અસર થાય છે.
હવે છેલ્લા કેટલાક દિવસોમાં ઓક્સિજનના પુરવઠાને કારણે ઘણા રાજ્યોમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે.
જીવનરક્ષક ઓક્સિજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે બધાએ જરૂરી પગલા લેવા પડશે.
ભારતે મુશ્કેલ સમયમાં પણ વિશ્વમાં જીવન બચાવવાની દવાઓના પુરવઠાને સુનિશ્ચિત કર્યો છે. આવી સ્થિતિમાં, દવાઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં સરળતાથી પહોંચી જાય તે આપણે બધાએ મળીને એ જોવું પડશે.
સાથીઓ,
સંયમ, કરુણા, સંવાદ અને સહકારનું જે પ્રદર્શન આ કોરોના કાળમાં દેશએ બતાવ્યું છે, તેને આપણે આગળ પણ ચાલુ રાખવું પડશે.
ચેપ સામેની લડત સાથે હવે આપણે આર્થિક મોરચે સંપૂર્ણ બળ સાથે આગળ વધવું પડશે.
આપણા સહિયારા પ્રયત્નો ચોક્કસ સફળ થશે, આ ઇચ્છા સાથે તમારો ખૂબ-ખૂબ આભાર!