ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવતે આજે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી. તેમણે મહામારીની સામે ટક્કર ઝીલવા સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરાયેલી તૈયારીઓ અને કામગીરીઓની સમીક્ષા કરી હતી.
સીડીએસે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષોમાં સશસ્ત્ર દળોમાંથી નિવૃત્ત થયેલા કે વહેલી નિવૃત્તિ લઈ ચૂકેલા તમામ તબીબી કર્મચારીઓને, તેઓ જ્યાં નિવાસ કરતા હોય એની નજીકની કોવિડ સુવિધાઓમાં કામ કરવા માટે પાછા બોલાવાયા છે. અગાઉ નિવૃત્ત થયેલા અન્ય તબીબી અધિકારીઓને પણ મેડિકલ ઇમરજન્સી હેલ્પ લાઇન્સ મારફત કન્સલ્ટેશન માટે એમની સેવાઓ ઉપલબ્ધ રાખવા માટે વિનંતી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીને એવી પણ માહિતી અપાઇ હતી કે કમાન્ડ વડા મથક, કૉર્પ્સ વડા મથક, ડિવિઝન વડા મથક અને નૌકા દળ અને હવાઇ દળના એવા જ વડા મથકોએ સ્ટાફ નિમણૂક પરના તમામ મેડિકલ અધિકારીઓને હૉસ્પિટલોમાં નિયુક્ત કરવામાં આવશે.
સીડીએસે પ્રધાનમંત્રીને માહિતી આપી કે હૉસ્પિટલોમાં તબીબોની મદદ માટે નર્સિંગ કર્મચારીઓને મોટી સંખ્યામાં નિયુક્ત કરાઇ રહ્યા છે. પ્રધાનમંત્રીને એમ પણ માહિતી આપવામાં આવી હતી કે વિવિધ સંસ્થાઓમાં સશસ્ત્ર દળો પાસે જે ઑક્સિજન સિલિન્ડર્સ ઉપલબ્ધ છે એ હૉસ્પિટલોને આપવામાં આવશે.
સીડીએસે એમ પણ કહ્યું હતું કે તેઓ મેડિકલ સુવિધાઓ મોટી સંખ્યામાં ઊભી કરી રહ્યા છે અને જ્યાં શક્ય હશે ત્યાં લશ્કરી તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાગરિકોને ઉપલબ્ધ કરાશે.
ઑક્સિજનના પરિવહન અને અને અન્ય આવશ્યક વસ્તુઓના ભારત અને વિદેશથી પરિવહન માટે ભારતીય હવાઈ દળ દ્વારા હાથ ધરાયેલી કામગીરીઓની પણ પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીએ સીડીએસ સાથે એ પણ ચર્ચા કરી હતી કે કેન્દ્રીય અને રાજ્ય સૈનિક વેલ્ફેર બૉર્ડ્સ અને વેટરન સેલ્સમાં વિવિધ વડા મથકોએ નિયોજિત અધિકારીઓને પણ દૂરના વિસ્તારો સહિત શક્ય એટલી મહત્તમ પહોંચ માટે લશ્કરમાંથી નિવૃત થયેલાઓની સેવાઓના સંકલનની સૂચના આપવામાં આવે.