એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરીયા આજે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
તેમણે કોવિડ-19 સંબંધિત સ્થિતિ વચ્ચે ભારતીય વાયુદળે હાથ ધરેલા પ્રયાસો અંગે માહિતી આપી હતી.
એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરીયાએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે દેશમાં કોવિડ સંબંધિત કામગીરીઓને પહોંચી વળવા માટે હેવી લિફટ જહાજો અને નોંધપાત્ર પ્રમાણમાં મિડિયમ લીફટ જહાજોના કાફલાને હબ એન્ડ સ્પોક મોડલને આધારે સપ્તાહમાં સાતેય દિવસ ચોવીસ કલાક કામ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તમામ હવાઈ જહાજો આ કામગીરી સતત ચાલુ રાખી શકે તેની ખાતરી માટે વાયુ દળના કાફલો સજ્જ રખાયો છે.
પ્રધાનમંત્રીએ ઓક્સિજન ટેન્કર્સ અને અન્ય આવશ્યક સામગ્રીના પરિવહનની કામગીરીની ઝડપ, વ્યાપ અને સલામતી વધારવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. કોવિડ સંબંધિત કામગીરીમાં જોડાયેલા વાયુદળના જવાનો સંક્રમણથી મુક્ત રહે એ બાબત ઉપર પણ ભાર મુક્યો હતો. તેમણે કોવિડ સંબંધિત તમામ કામગીરીઓમાં સલામતિ જાળવવાનો પણ આગ્રહ રાખ્યો હતો.
એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરીયાએ માહીતી આપી હતી કે ભારતીય વાયુ દળ તમામ વિસ્તારોને આવરી લઈ શકાય તે માટે મોટાં તેમજ મધ્યમ કદનાં હવાઈ જહાજ કામે લગાડી રહ્યુ છે. તેમણે પ્રધાનમંત્રીને કોવિડ સંબંધિત કામગીરીઓ માટે ભારતીય વાયુ દળે વિવિધ મંત્રાલયો અને એજન્સીઓ સાથે ઝડપી સંકલન માટે સ્થાપવામાં આવેલા ડેડિકેટેડ કોવિડ એર સપોર્ટ સેલ અંગે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ ભારતીય વાયુદળના કર્મચારીઓ તથા તેમના પરિવારો અંગે ખબર પુછી હતી. એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરીયાએ માહિતી આપતાં જણાવ્યુ હતું કે ભારતીય વાયુદળે રસીકરણની કામગીરી પૂર્ણ થવાની સ્થિતિ નજીક પહોંચાડવાની સિધ્ધિ હાંસલ કરી છે.
તેમણે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે ભારતીય વાયુ દળ હેઠળનાં હોસ્પિટલોમાં કોવિડ સંબંધિત સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. અને જ્યાં પણ શક્ય હોય ત્યાં નાગરિકોને પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે.