પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાલમાં ચાલી રહેલી આરોગ્ય માળખાકીય સુવિધાઓ માટેની તૈયારીઓ અને લોજિસ્ટિક્સ, રસીકરણ અભિયાનની સ્થિતિ અને દેશમાં કોવિડ-19ના નવા વેરિઅન્ટ ઓમીક્રોનના વધી રહેલા કેસો તેમજ તેના કારણે જાહેર આરોગ્ય પર જોવા મળી રહેલી અસરો વગેરે મુદ્દા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.
આરોગ્ય સચિવ દ્વારા એક સમર્પિત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વૈશ્વિક સ્તરે હાલમાં નોંધાઇ રહેલા કેસોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતમાં કોવિડ-19ની સ્થિતિ અને માહિતી આપી હતી જેમાં વિવિધ ચિંતાજનક રાજ્યો અને જિલ્લામાં કેસોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ અને ઉચ્ચ પોઝિટીવિટી દરના આધારે તેમની સ્થિતિ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યોને આગામી સમયમાં આવી રહેલા પડકારોનું સંચાલન કરવા માટે સહાયતા પૂરી પાડવાના સંદર્ભમાં અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કેસોની સર્વોચ્ચ સંખ્યાની વિવિધ અનુમાનિત સ્થિતિઓ પણ દર્શાવવામાં આવી હતી.
કટોકટી કોવિડ પ્રતિભાવ પેકેજ (ECRP-II) હેઠળ રાજ્યોને આરોગ્ય માળખાકીય સુવિધાઓ અપગ્રેડ કરવાની કામગીરી, ઓક્સિજન અને ICU બેડની ઉપલબ્ધતા અને કોવિડ માટે આવશ્યક દવાઓના વધારાના જથ્થામાં સહાયતા આપવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જિલ્લા સ્તરે પર્યાપ્ત માત્રામાં આરોગ્ય માળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને આ સંદર્ભે રાજ્યો સાથે સતત સંકલન જાળવી રાખવા માટે પણ જણાવ્યું હતું.
પ્રેઝન્ટેશન દ્વારા રસીકરણ અભિયાન પર ભારતના એકધારા પ્રયત્નો તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેમાં આજદિન સુધીમાં 15-18 વર્ષની ઉંમરના 31% કિશોરોને 7 દિવસની અંદર પહેલો ડોઝ આપવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ સિદ્ધિની નોંધ લીધી અને કિશોરો માટે રસીકરણ અભિયાનને મિશન મોડમાં વધુ વેગવાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
વિગતવાર ચર્ચા કર્યા પછી, આદરણીય પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે, જ્યાં ખૂબ વધારે સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યો હોય તેવા ક્લસ્ટરોમાં સઘન નિયંત્રણ અને સક્રિય દેખરેખ ચાલુ રાખવી જોઇએ અને હાલમાં જ્યાં ખૂબ જ વધારે સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યા હોય તેવા રાજ્યોને જરૂરી ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે ન્યૂ નોર્મલ તરીકે માસ્કનો અસરકારક ઉપયોગ અને શારીરિક અંતરના પગલાંનું સુનિશ્ચિતપણે પાલન કરાવવાની જરૂરિયાત છે. પ્રધાનમંત્રીએ વધુમાં એ બાબતે પ્રોત્સાહન આપ્યું હતું કે, હળવા લક્ષણો ધરાવતા/લક્ષણો ન ધરાવતા કેસો માટે હોમ આઇસોલેશનના અસરકારક અમલીકરણની જરૂરિયાત છે અને મોટા પ્રમાણમાં સમુદાયને વાસ્તવિક માહિતી પ્રસારિત કરવાની જરૂરિયાત છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યોની વિશિષ્ટ સ્થિતિ, શ્રેષ્ઠ આચરણો અને જાહેર આરોગ્ય પ્રતિભાવ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવવામાં આવશે.
તેમણે વધુમાં, બિન-કોવિડ આરોગ્ય સેવાઓ એકધારી જળવાઇ રહે અને હાલના કોવિડના કેસોનું વ્યવસ્થિત સંચાલન થાય તેની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે લોકોને દૂરથી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન મળી રહે તે માટે ટેલિમેડિસિનનો લાભ ઉઠાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી.
કોવિડ-19ના વ્યવસ્થાપનમાં આજદિન સુધીમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓએ અથાક અને સમર્પણ સાથે સેવાઓ આપી છે તે બદલ પ્રધાનમંત્રીએ સૌના પ્રત્યે આભારની ભાવના વ્યક્ત કરી હતી અને સૂચન કર્યું હતું કે, આરોગ્ય સંભાળ કર્મચારીઓ, અગ્ર હરોળના કર્મચારીઓ માટે તકેદારીના ડોઝ દ્વારા રસીકરણ કવરેજ સુનિશ્ચિત કરવાની કામગીરી પણ મિશન મોડ પર થવી જોઇએ.
વાઇરસ સતત વિકસી રહ્યો છે તે બાબતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ પરીક્ષણ, રસીઓ અને જીનોમ સિક્વન્સિંગ સહિત ફાર્માકોલોજિકલ હસ્તક્ષેપમાં સતત વૈજ્ઞાનિક સંશોધનના મહત્વ વિશે પણ વાત કરી.
આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રીમતી ભારતી પ્રવીણ પવાર, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૌલ, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા, ગૃહ સચિવ શ્રી એ.કે. ભલ્લા, શ્રી રાજેશ ભૂષણ MoHFW સચિવ, ફાર્માસ્યુટિકલ સચિવ; બાયોટેકનોલોજીના સચિવ ડૉ. રાજેશ ગોખલે; ICMRના DG ડૉ. બલરામ ભાર્ગવ; NHAના CEO શ્રી આર.એસ. શર્મા; ફાર્માસ્યુટિકલ, ઉડ્ડયન, વિદેશ બાબતોના મંત્રાલયના સચિવ, NDMAના સભ્ય તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.