પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિ અને રસીકરણ કાર્યક્રમની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, કોવિડ-19ના ટકાઉક્ષમ વ્યવસ્થાપન માટે જનસમુદાયમાં જાગૃતિ અને લોકોની ભાગીદારી સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને કોવિડ-19 વ્યવસ્થાપન માટે જન ભાગીદારી અને જન આંદોલન ચાલુ રહે તે જરૂરી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પરીક્ષણ, ટ્રેસિંગ, સારવાર, કોવિડ-19 માટે યોગ્ય વર્તણુક અને રસીકરણની પાંચ સ્તરીય વ્યૂહનીતિનો જો ખૂબ જ ગંભીરતા અને કટિબદ્ધતા સાથે ચુસ્ત અમલ કરવામાં આવે તો, આ મહામારીનું સંક્રમણ ફેલાતું રોકવામાં તે ખૂબ જ અસરકારક રહેશે.

06 એપ્રિલથી 14 એપ્રિલ 2021 દરમિયાન 100% માસ્કનો ઉપયોગ, વ્યક્તિગત સ્વચ્છતા અને સાર્વજનિક સ્થળો/ કાર્યસ્થળોએ સફાઇ તેમજ આરોગ્ય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકીને કોવિડ-19 માટે અનુકૂળ આચરણ અંગે વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આવનારા દિવસોમાં કોવિડ માટે અનુકૂળ વર્તણુકનો અમલ કરવાની અને પૂરતા પ્રમાણમાં બેડ, પરીક્ષણની સુવિધાઓ અને દર્દીઓના સમયસર હોસ્પિટલાઇઝેશન વગેરેને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે. પ્રધાનમંત્રીએ કોઇપણ સંજોગોમાં આરોગ્ય સંભાળ માળખાકીય સુવિધા, ઓક્સિજન અને વેન્ટિલેટર્સ અને જરૂરી લોજિસ્ટિક્સની ઉપલબ્ધતામાં વધારો કરીને તેમજ તમામ હોસ્પિટલો દ્વારા અને જેઓ ઘરે સંભાળ લઇ રહ્યાં છે તેમના દ્વારા તબીબી વ્યવસ્થાપનના પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરીને મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે ખાસ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ નિર્દેશો આપતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કેસોનું ભારણ વધી રહ્યું છે અને મૃત્યુઆંક પણ વધારે છે તે બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિશેષજ્ઞો અને ક્લિનિશિઅન્સ ધરાવતી કેન્દ્રીય ટીમોને ત્યાં મોકલવામાં આવશે અને મહારાષ્ટ્રની જેમ જ પંજાબ તેમજ છત્તીસગઢમાં પણ મૃત્યુનો આંકડો અસામાન્ય રીતે વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી ખાસ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, સક્રિય કેસોને શોધવામાં અને કન્ટેઇન્મેન્ટ ઝોનના વ્યવસ્થાપનમાં સામુદાયિક સ્વયંસેવકોની ભાગીદારી ઉપરાંત કન્ટેઇન્મેન્ટના પગલાંઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવે તે પણ જરૂરી છે. તેમણે આગ્રહપૂર્વક કહ્યું હતું કે, તમામ રાજ્યોએ જ્યાં મોટી સંખ્યામાં કેસો વધારી રહ્યાં છે ત્યાં સંક્રમણની સાંકળ તોડવા માટે વ્યાપક પ્રતિબંધોની સાથે સાથે જરૂરી ચુસ્ત પગલાં લેવાની પણ જરૂરિયાત છે.

એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે, દેશમાં 10 રાજ્યોમાં કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં વૃદ્ધિ અને તેના કારણે વધી રહેલો મૃત્યુઆંક ચેતવણીજનક તબક્કે છે અને દેશમાં નોંધાતા નવા કેસો તેમજ મૃત્યુમાંથી 91% આ રાજ્યોમાંથી જ છે. એવું પણ નોંધવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં પરિસ્થિતિ ઘણી ગંભીર છે. હાલની તારીખે, છેલ્લા 14 દિવસમાં સમગ્ર દેશમાં નોંધાયેલા નવા કેસોમાંથી 57% દર્દીઓ અને આ સમયગાળામાં જ નોંધાયેલા કુલ મૃત્યુમાંથી 47% મૃત્યુઆંક માત્ર મહારાષ્ટ્રમાં જ નોંધાયો છે. મહારાષ્ટ્રમાં દૈનિક નવા કેસો નોંધાવાનો આંકડો 47,913 સુધી પહોંચી ગયો છે જે અગાઉ નોંધાયેલા સર્વોચ્ચ આંકડા કરતા બમણાથી પણ વધારે છે. દેશમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 4.5% દર્દીઓ માત્ર પંજાબમાં જ નોંધાયા છે. જોકે, આ સમયમાં કુલ મૃત્યુઆંકમાંથી 16.3% દર્દીઓ પંજાબમાં મૃત્યુ પામ્યા છે જે ઘેરી ચિંતાની બાબત છે. તેવી જ રીતે છેલ્લા 14 દિવસમાં કુલ નોંધાયેલા કેસોમાંથી 4.3% દર્દીઓ છત્તીસગઢમાં નોંધાયા છે જ્યારે આ સમય દરમિયાન કુલ મૃત્યુઆંક 7%થી પણ વધી ગયો છે. દેશમાં સૌથી વધારે કેસોનું ભારણ ધરાવતા ટોચના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ કેસોમાંથી 91.4% દર્દીઓ અને કુલ મૃત્યુમાંથી 90.9% મૃત્યુ છે.

બેઠકમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળાનું કારણ મુખ્યત્વે કોવિડ માટે અનુકૂળ વર્તણુકના પાલનમાં આવેલો નોંધનીય ઘટાડો છે જેમાં ખાસ કરીને માસ્કનો ઉપયોગ અને ‘2 ગજ કી દૂરી’ (બે ગજના અંતર)નું પાલન કરવાનો અભાવ, મહામારીથી લોકો થાકી ગયા હોવાની સ્થિતિ, ફિલ્ડ સ્તરે કન્ટેઇન્મેન્ટ માપદંડોના અસરકારક અમલનો અભાવ છે.

ભલે કેટલાક રાજ્યોમાં કેસોની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિ માટે મ્યૂટન્ટ સ્ટ્રેઇન જવાબદાર હોવાની અટકળો ચાલી રહી હોય તેમ છતાં, આ મહામારીને નિયંત્રણમાં લેવા માટેના પગલાં તો સરખાં જ છે અને તેથી આવા વિસ્તારોમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે વિવિધ પ્રોટોકોલનો અમલ કરવામાં આવે તે વધુ મહત્વપૂર્ણ છે.

કોવિડ-19 વિરોધી રસીકરણ સંબંધિત એક સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન પણ આ બેઠક દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સમૂહોમાં રસીકરણ કવરેજ, અન્ય દેશોના સંદર્ભમાં કામગીરી અને રાજ્યોની કામગીરીના વિશ્લેષણની વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી. એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું કે, સુધારાત્મક પગલાં લેવા માટે પ્રતિભાવ તરીકે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કામગીરીનું દૈનિક વિશ્લેષણ શેર કરવું જોઇએ.

બેઠકમાં રસીકરણના સંશોધન અને વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને હાલની વિનિર્માણ ક્ષમતા તેમજ હાલમાં પરીક્ષણ હેઠળ હોય તેવી રસીઓની ક્ષમતા વિશે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. એવી માહિતી આપવામાં આવી હતી કે, રસીના ઉત્પાદકો તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી રહ્યાં છે અને તેઓ ક્ષમતામાં વધારો કરવા માટે અન્ય સ્થાનિક તેમજ દરિયાપારની કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહ્યાં છે. સ્થાનિક સ્તરે રસીની વધી રહેલી માંગ તેમજ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે અન્ય દેશોની ઉમદા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો સુરક્ષિત કરવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે તે બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, જે રાજ્યો અને જિલ્લાઓમાં મોટી સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યાં છે ત્યાં મિશન મોડના અભિગમ સાથે પ્રયાસો ચાલુ રાખવામાં આવે જેથી દેશમાં છેલ્લા 15 મહિનામાં કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે જે સહિયારા પ્રયાસોથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે તે વ્યર્થ ના જાય.

આ બેઠકમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, ચેરપર્સન (રસી સંચાલન માટે અધિકારપ્રાપ્ત સમૂહ), આરોગ્ય સચિવ, ફાર્માસ્યુટિકલ્સ સચિવ, બાયોટેકનોલોજી સચિવ, આયુષ સચિવ, ICMRના મહાનિદેશક, ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર અને નીતિ આયોગના સભ્ય તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi