10 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂત પરિવારોને રૂપિયા 20,000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી
પ્રધાનમંત્રીએ લગભગ 351 FPOને રૂ. 14 કરોડ કરતાં વધારેની ઇક્વિટી ગ્રાન્ટ પણ રિલીઝ કરી; 1.24 લાખ કરતાં વધારે ખેડૂતોને લાભ થશે
“FPO આપણા નાના ખેડૂતોની વધી રહેલી તાકાતને સામૂહિક આકાર આપવામાં અદભૂત ભૂમિકા નિભાવી રહ્યા છે”
“દેશના ખેડૂતોમાં રહેલો આત્મવિશ્વાસ દેશની મુખ્ય તાકાત છે”
“આપણે 2021માં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ પરથી પ્રેરણા લઇને નવી સફરનો આરંભ કરવાની જરૂર છે”
“આજે દરેક ભારતીયની લાગણી ‘દેશ સર્વોપરિ’ની ભાવના સાથે રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહેવાની થઇ ગઇ છે. આથી જ, આજે આપણા પ્રયાસોમાં અને આપણા સંકલ્પોમાં એકતા છે. આજે આપણી નીતિઓમાં સાતત્ય છે અને આપણા નિર્ણયોમાં દૂરંદેશી છે.”
“PM કિસાન સન્માન નિધિ ભારતના ખેડૂતો માટે ખૂબ જ મોટો આધાર છે. જો આપણે આજે ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ સામેલ કરીએ તો, ખેડૂતોના ખાતાઓમાં આજદિન સુધીમાં રૂપિયા 1.80 લાખ કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે”

દેશના ખેડૂતોને પાયાના સ્તરેથી સશક્ત બનાવવા માટેની અવિરત કટિબદ્ધતા અને સંકલ્પ અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક લાભની 10મા હપતાની રકમ રીલિઝ કરી છે. આના કારણે 10 કરોડ કરતાં વધારે ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા 20,000 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ અંદાજે 351 ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ને રૂ. 14 કરોડ કરતાં વધારે ઇક્વિટી ગ્રાન્ટ પેટે રીલિઝ કર્યા છે, જેનાથી 1.24 લાખ કરતાં વધારે ખેડૂતોને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન FPO સાથે સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, લેફ્ટેનન્ટ ગવર્નર, કૃષિ મંત્રીઓ અને ખેડૂતો ઑનલાઇન લિંક દ્વારા જોડાયા હતા.

ઉત્તરાખંડના FPO સાથે સંવાદ કરતા, પ્રધાનમંત્રીએ તેમને ઓર્ગેનિક ખેતીનો વિકલ્પ પસંદ કરવા અંગે પૂછપરછ કરી હતી અને ઓર્ગેનિક ઉત્પાદનોના પ્રમાણીકરણ માટેની વિવિધ રીતો વિશે પણ પૂછ્યું હતું. તેમણે FPO ના ઓર્ગેનિક ઉત્પાદનોનું માર્કેટિંગ કેવી રીતે થઇ શકે તે વિશે પણ વાત કરી. FPO એ પણ, તેઓ કેવી રીતે ઓર્ગેનિક ખાતરોની વ્યવસ્થા કરે છે તેના વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકારના હંમેશા એવા પ્રયાસો રહ્યા છે કે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને વ્યાપકપણે પ્રોત્સાહન આપવામાં આવે કારણ કે તે રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઓછી કરે છે અને તેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે.

પંજાબના FPOએ પ્રધાનમંત્રીને પરાળને સળગાવ્યા વગર કેવી રીતે તેનો નિકાલ થઇ શકે તેની વિવિધ રીતોની માહિતી આપી હતી. તેમણે સુપરસીડર વિશે અને સરકારી એજન્સીઓ તરફથી પ્રાપ્ત થતી મદદ વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, પરાળના વ્યવસ્થાપન માટેના તેમના અનુભવનું બધે જ અનુસરણ કરવામાં આવશે.

રાજસ્થાનના FPO એ મધના ઉત્પાદન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, NAFED (નાફેડ)ની મદદથી તૈયાર કરવામાં આવેલી પરિકલ્પના FPOની પરિકલ્પના તેમના માટે ખૂબ જ ઉપયોગી છે.

ઉત્તરપ્રદેશના FPO એ ખેડૂતોની સમૃદ્ધિના આધાર તરીકે FPOનું સર્જન કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બિયારણ, ઓર્ગેનિક ખાતરો, વિવિધ બાગાયતી ઉત્પાદનોમાં સભ્યોને મદદ કરવાની તેમની પ્રક્રિયા વિશે વાત કરી હતી. ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મદદ કરવા વિશે પણ તેમણે વાત કરી હતી. તેઓ e-NAM સુવિધાઓનો લાભ પ્રાપ્ત કરી રહ્યા હોવાનું પણ કહ્યું હતું. ખેડૂતોની આવક બમણી કરવા માટેની પ્રધાનમંત્રીની દૂરંદેશી પૂર્ણ કરવાનું તેમણે વચન આપ્યું હતું. ત્યારે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોમાં રહેલો આત્મવિશ્વાસ દેશની મુખ્ય તાકાત છે.

તમિલનાડુના FPOએ માહિતી આપી હતી કે, નાબાર્ડ (NABARD)ના સહકારથી તેમણે વધુ સારા ભાવો મેળવવા માટે FPOની રચના કરી હતી અને આ FPO સંપૂર્ણપણે મહિલાઓની માલિકી હેઠળ છે અને સંપૂર્ણપણે તેઓ જ તેનું સંચાલન કરે છે. તેમણે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે, તેમના વિસ્તારની હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જુવારનો પાક લેવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નારીશક્તિની સફળતા એ તેમની અજોડ અને અજેય ઇચ્છાશક્તિનો સંકેત છે. તેમણે ખેડૂતોને બાજરીના પાકનો લાભ લેવાનું પણ કહ્યું હતું.

ગુજરાતના FPOએ પ્રાકૃતિક ખેતી વિશે વાત કરી હતી અને ગાય આધારિત ખેતી કેવી રીતે ખર્ચ અને જમીન પર પડતો તણાવ ઓછો કરી શકે છે તેના વિશે વાત કરી હતી. આ પ્રદેશમાં આદિવાસી સમુદાયો પણ આ વિભાવનાથી લાભ મેળવી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે બોલતી વખતે પ્રધાનમંત્રીએ, માતા વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી નાસભાગની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, તેમણે ઇજાગ્રસ્તો માટે યોગ્ય વ્યવસ્થા કરવા અંગે લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા સાથે વાત કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છીએ ત્યારે, આપણે ગયા વર્ષમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ પરથી પ્રેરણા લઇને નવી સફરનો પ્રારંભ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ મહામારી સામે લડતી વખતે, રસીકરણ વખતે અને મુશ્કેલીના સમયગાળા દરમિયાન નબળા વર્ગો માટે વ્યવસ્થા કરવામાં રાષ્ટ્રએ હાથ ધરેલા પ્રયાસોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, નબળા વર્ગોને રાશન ઉપલબ્ધ કરાવવા માટે દેશ રૂપિયા 2 લાખ 60 હજાર કરોડ ખર્ચી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર પોતાની તબીબી માળખાકીય સુવિધાઓ વધારે મજબૂત કરવા માટે અવિરતપણે કામ કરી રહી છે. તેમણે દેશમાં તબીબી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાની દિશામાં હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રયાસો જેમકે, નવા ઓક્સિજન પ્લાન્ટ્સ, નવી મેડિકલ કોલેજે, સુખાકારી કેન્દ્રો, આયુષ્માન ભારત આરોગ્ય માળખાકીય સુવિધા મિશન અને આયુષમાન ભારત ડિજિટલ હેલ્થ મિશન પણ ગણાવ્યા હતા.

દેશ હાલમાં ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ’ના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. સંખ્યાબંધ લોકો દેશ માટે પોતાનું જીવન ખર્ચી રહ્યા છે, તેઓ રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કામ તેઓ પહેલાં પણ કરતા જ હતા, પરંતુ હવે તેમના કામની ઓળખ થઈ રહી છે, નોંધ લેવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, “આ વર્ષે આપણે આપણી આઝાદીના 75 વર્ષ પૂરાં કરીશું. આ સમય છે દેશના સંકલ્પોની નવી ગતિશીલ યાત્રાનો શુભારંભ કરવાનો, આ સમય છે નવેસરથી ઉત્સાહ સાથે આગળ વધવાનો”. સામૂહિક રીતે કરવામાં આવેલા પ્રયાસોમાં કેટલી તાકાત છે તેના વિશે પ્રધાનમંત્રીએ વિગતવાર સમજાવતા ટાંક્યું હતું કે, “જ્યારે 130 કરોડ ભારતીયો એક પગલું આગળ ભરે છે, ત્યારે તે માત્ર એક ડગલું નથી, પરંતુ તે 130 કરોડ ડગલાં જેટલું અંતર છે.”

દેશના અર્થતંત્ર વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંખ્યાબંધ માપદંડો પર ભારતનું અર્થતંત્ર કોવિડ પહેલાંના દિવસો કરતાં બહેતર દેખાઇ રહ્યું છે. તેમણે ટાંક્યું હતું કે, “આજે આપણા અર્થતંત્રનો વૃદ્ધિ દર 8% કરતાં વધારે છે. વિક્રમી પ્રમાણમાં ભારતમાં વિદેશી રોકાણ આવ્યું છે. આપણું વિદેશી હુંડિયામણ વિક્રમી સ્તરે પહોંચી ગયું છે. GSTના કલેક્શનમાં પણ જૂના વિક્રમો તૂટી ગયા છે. આપણે નિકાસની બાબતમાં પણ નવા વિક્રમો સ્થાપિત કર્યા છે જેમાં ખાસ કરીને કૃષિમાં આપણી પ્રગતિ ઘણી નોંધણીય છે.” તેમણે કહ્યું હતું કે, વર્ષ 2021 દરમિયાન UPIના માધ્યમથી રૂપિયા 70 લાખ કરોડ કરતાં વધારે મૂલ્યના વ્યવહારો થયા હતા. ભારતમાં 50 હજાર કરતાં વધારે સ્ટાર્ટઅપ કામ કરી રહ્યાં છે જેમાંથી 10 હજાર કરતાં વધારે તો છેલ્લા છ મહિનામાં જ આવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2021, ભારત માટે સાંસ્કૃતિક વારસાને પણ વધારે મજબૂત બનાવનારું રહ્યું. કાશી વિશ્વનાથધામ અને કેદારનાથ ધામના સૌંદર્યકરણ અને વિકાસ, આદિ શંકરાચાર્યની સમાધિનો જીર્ણોદ્ધાર, દેવી અન્નપૂર્ણાની ચોરાયેલી મૂર્તિની ફરી પ્રાણ પ્રતિષ્ઠા, અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ અને ધોળાવીરા તેમજ દુર્ગા પૂજાને વિશ્વ ધરોહરનો દરજ્જો પ્રાપ્ત થવા જેવી વિવિધ પહેલ ભારતની ધરોહરને મજબૂત બનાવે છે અને તેની પર્યટન તેમજ તીર્થયાત્રાની સંભાવનાઓમાં વધારો કરે છે.

માતૃશક્તિ માટે પણ વર્ષ 2021 ઘણું આશાવાદનું વર્ષ રહ્યું હતું. છોકરીઓ માટે રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમીના દરવાજા ખોલવાની સાથે સાથે સૈનિક શાળાઓમાં પણ તેમને પ્રવેશ મેળવવાની મંજૂરી આપવામાં આવી હતી. હમણાં જ ગયા વર્ષે, છોકરીઓ માટે લગ્નની લઘુતમ ઉંમરની મર્યાદા વધારીને 21, એટલે કે છોકરાઓની સમાન કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ભારતીય રમતવીરોએ પણ 2021માં રાષ્ટ્રને ઘણું ગૌરવ અપાવ્યું હતું. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારત અત્યારે રમતગમત ક્ષેત્રે માળખાકીય સુવિધાઓમાં અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે.

આબોહવા પરિવર્તનની સમસ્યા સામે સમગ્ર દુનિયામાં અગ્રેસર રહીને ભારતે 2070 સુધીમાં દુનિયા સમક્ષ નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પણ નિર્ધારિત કર્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત દ્વારા અક્ષય ઉર્જા ક્ષેત્રે સંખ્યાબંધ વિક્રમો સમય કરતાં પહેલાં જ નોંધાવવામાં આવ્યા છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, આજે ભારત હાઇડ્રોજન મિશન પર કામ કરી રહ્યું છે, ઇલેક્ટ્રિક વાહનોમાં અગ્રેસર રહેવાની વાતો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ મુદ્દે પોતાની વાતને આગળ ધપાવી હતી અને જણાવ્યું હતું કે, PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન દેશમાં માળખાકીય સુવિધાઓના નિર્માણની ગતિને નવી ધાર આપવા જઇ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણા રાષ્ટ્રએ મેક ઇન ઇન્ડિયાને નવા આયામો આપતા, ચિપ વિનિર્માણ અને સેમી કન્ડક્ટર જેવા નવા ક્ષેત્રો માટે મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે”.

પ્રધાનમંત્રીએ આજના યુવાન ભારતીયોના મૂડનો સાર આપતા કહ્યું હતું કે, “આજે દરેક ભારતીયની લાગણી ‘દેશ સર્વોપરી’ની ભાવના સાથે રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહેવાની થઇ ગઇ છે. આથી જ, આજે આપણા પ્રયાસોમાં અને આપણા સંકલ્પોમાં એકતા છે. કાર્યો પૂરાં કરવા માટે સૌ લોકોમાં તત્પરા જોવા મળે છે. આજે આપણી નીતિઓમાં સાતત્ય છે અને આપણા નિર્ણયોમાં દૂરંદેશી છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, PM કિસાન સન્માન નિધિ ભારતના ખેડૂતો માટે ખૂબ જ મોટો આધાર છે. તેમણે કહ્યું હતું કે, જો આપણે આજે ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ સામેલ કરીએ તો, ખેડૂતોના ખાતાઓમાં આજદિન સુધીમાં રૂપિયા 1.80 લાખ કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, FPOના માધ્યમથી નાના ખેડૂતો સામૂહિક શક્તિમાં રહેલા તાકાતનો અહેસાસ કરી રહ્યા છે. તેમણે FPOના કારણે નાના ખેડૂતોને પ્રાપ્ત થઇ રહેલા પાંચ લાભોનો ઉલ્લેખ કર્યો હતો. આ લાભો છે, તેમની ભાવતાલ કરવાની શક્તિમાં થયેલી વૃદ્ધિ, વ્યાપકતા, આવિષ્કાર, જોખમ વ્યવસ્થાપન અને બજારની પરિસ્થિતિઓ સાથે અનુકૂલનતા. FPOના લાભોને ધ્યાનમાં રાખીને સરકાર તેમને દરેક સ્તરે પ્રોત્સાહન આપી રહી છે. આ FPO ને રૂપિયા 15 લાખ સુધીની મદદ મળી રહી છે. તેના પરિણામે, સમગ્ર દેશમાં ઓર્ગેનિક FPO, તેલબિયાં FPO, વાંસ ક્લસ્ટર અને મધ ઉત્પાદન FPO જેવા વિવિધ FPO નિર્માણ પામી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, “આજે આપણા ખેડૂતોને ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ જેવી યોજનાઓનો લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે અને તેમના માટે દેશ અને સમગ્ર વિશ્વના બજારો ખુલી રહ્યા છે”. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 11 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે નેશનલ પામ ઓઈલ મિશન જેવી યોજનાઓ દ્વારા આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે..

પ્રધાનમંત્રીએ તાજેતરના વર્ષોમાં દેશમાં કૃષિ ક્ષેત્રમાં પ્રાપ્ત કરવામાં આવેલી વિવિધ સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ વિશે પણ વાત કરી હતી. ખાદ્યાનું ઉત્પાદન 300 મિલિયન ટનના વિક્રમી સ્તરે પહોંચી ગયું છે, તેવી જ રીતે બાગાયતી અને ફુલોનું ઉત્પાદન પણ 330 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. દૂધ ઉત્પાદનમાં પણ વધારો છો છે અને છેલ્લા 6-7 વર્ષમાં તેમાં લગભગ 45 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. અંદાજે 60 લખ હેક્ટર જેટલી કૃષિની જમીનને માઇક્રો સિંચાઇ હેઠળ લાવવામાં આવી છે; 1 લાખ કરોડ કરતાં વધારે રૂપિયા ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ આપવામાં આવ્યા છે જ્યારે તેની સામે પ્રીમિયમ પેટે માત્ર રૂપિયા 21 હજાર કરોડ લેવામાં આવ્યા છે. માત્ર સાત વર્ષમાં જ ઇથોનોલનું ઉત્પાદન 40 કરોડ લીટરથી વધારીને 340 કરોડ લીટર સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ વધુમાં બાયોગેસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી ગોવર્ધન યોજના વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો આપણે ગાયના છાણનું મૂલ્ય સમજીએ તો, દૂધ આપવાનું બંધ કરી દીધું હોય તેવા પશુઓ ખેડૂતો પર બોજો નહીં બને. સરકારે કામધેનૂ કમિશનની સ્થાપના કરી છે અને ડેરી ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓને પણ મજબૂત કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ ફરી એકવાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, રસાયણમુક્ત ખેતી માટીના આરોગ્યનું રક્ષણ કરવા માટેની એક મુખ્ય રીત છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી આ દિશામાં મુખ્ય પગલું છે. પ્રધાનમંત્રીએ દરેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા અને તેના લાભોથી અવગત રહેવા માટે કહ્યું હતો. પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપન વખતે ખેતીવાડીમાં સતત આવિષ્કારો કરતા રહેવાનું આહ્વાન કર્યું હતું અને સ્વચ્છતાની જેમ આ ચળવળને પણ સહકાર આપવાનો અનુરોધ કર્યો હતો.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi