અમેરિકાનાં વિદેશ મંત્રી મહામહિમ શ્રી એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી મહામહિમ શ્રી લોઇડ ઑસ્ટિન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
બંને સચિવોએ પ્રધાનમંત્રીને "2+2" ફોર્મેટમાં ભારતનાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે તેમની ચર્ચા પર ટૂંકમાં જાણકારી આપી હતી.
તેમણે દ્વિપક્ષીય સહકારનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં સંરક્ષણ, સેમિકન્ડક્ટર્સ, ઉભરતી ટેકનોલોજી, અંતરિક્ષ, સ્વાસ્થ્ય, જૂન, 2023માં પ્રધાનમંત્રીની અમેરિકાની સત્તાવાર મુલાકાત અને નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનની સાથે-સાથે બંને નેતાઓ વચ્ચેની બેઠક સામેલ છે.
પ્રધાનમંત્રીએ તમામ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી લોકશાહી, બહુલવાદ અને કાયદાનાં શાસન માટે સન્માનમાં મહત્ત્વપૂર્ણ છે.
તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વિકાસ સહિત પારસ્પરિક હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે આ મુદ્દાઓ પર ભારત અને અમેરિકા વચ્ચે સતત ગાઢ સંકલન સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ બાઈડેનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, તેઓ તેમની સાથે આદાનપ્રદાન ચાલુ રાખવા આતુર છે.
Glad to receive @SecBlinken and @SecDef. The “2+2” Format is a key enabler for further strengthening the India-US Comprehensive Global Strategic Partnership. Our shared belief in democracy, pluralism and the rule of law underpins our mutually beneficial cooperation in diverse… pic.twitter.com/IGku8yJJsj
— Narendra Modi (@narendramodi) November 10, 2023