પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રૂપિયા 12,600 કરોડ કરતાં વધુ મૂલ્યની માર્ગ, રેલવે, ગેસ પાઇપલાઇન, આવાસ અને પીવાના શુદ્ધ પાણી જેવા વિવિધ ક્ષેત્રોને લગતી રાષ્ટ્ર વિકાસની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને જે કાર્યો પૂર્ણ થઇ ગયા હોય તેનું લોકાર્પણ કર્યું હતું. શ્રી મોદીએ રાણી દુર્ગાવતીની 500મી જન્મ શતાબ્દી પ્રસંગની ઉજવણીના અનુસંધાનમાં જબલપુર ખાતે ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’નું ‘ભૂમિપૂજન’ કર્યું હતું. આ પરિયોજનામાં ઇન્દોરમાં લાઇટ હાઉસ પરિયોજના અતંર્ગત બાંધવામાં આવેલા 1000 કરતાં વધુ ઘરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, મંડલા, જબલપુર અને ડિંડોરી જિલ્લામાં બહુવિધ જલ જીવન મિશન પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને સિવની જિલ્લામાં જલ જીવન મિશન પરિયોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ મધ્યપ્રદેશમાં માર્ગ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 4800 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ, રૂ. 1850 કરોડથી વધુની કિંમતની રેલ યોજનાઓનું લોકાર્પણ, વિજયપુર - ઔરૈયા-ફુલપુર પાઇપલાઇન પરિયોજના અને જબલપુરમાં એક નવો બોટલિંગ પ્લાન્ટ, તેમજ મુંબઇ નાગપુર ઝારસુગુડા પાઇપલાઇન પરિયોજનાના નાગપુર જબલપુર વિભાગ (317 કિમી)ના શિલાન્યાસનો પણ સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ઉભા કરવામાં આવેલા પ્રદર્શનમાં લટાર મારી હતી અને વીરાંગના રાણી દુર્ગાવતીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતી વખતે શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ માતા નર્મદાની પુણ્ય ભૂમિ સમક્ષ વંદન કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેઓ જબલપુર શહેર જુસ્સા, ઉત્સાહ અને ઉત્તેજનાથી ભરેલું છે જે આ શહેરની ભાવનાને પ્રતિબિંબિત કરે છે તેથી તેમને આ શહેર તદ્દન નવા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે સમગ્ર રાષ્ટ્ર ઉત્સાહ અને ઉલ્લાસ સાથે વીરંગના રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. રાણી દુર્ગાવતી ગૌરવ યાત્રાના સમાપન દરમિયાન, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેમણે રાષ્ટ્રીય સ્તરે તેમની જયંતિની ઉજવણી કરવા માટે આહ્વાન કર્યું હતું અને આજનો આ મેળાવડો એ જ ભાવના દર્શાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણે ભારતના પૂર્વજોનું ઋણ ચુકવવા માટે અહીં ભેગા થયા છીએ". વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન માટેની પરિયોજનાના આયોજન વિશે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં દરેક માતા તેમજ દેશના યુવાનોને આ સ્થળની મુલાકાત લેવાની ચોક્કસ ઇચ્છા થશે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સ્થળ એક તીર્થધામમાં પરિવર્તિત થઇ જશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, રાણી દુર્ગાવતીનું જીવન આપણને બીજાની ભલાઇ કરવા માટે જીવવાનું શીખવાડે છે અને માતૃભૂમિ માટે કંઇક કરવાની પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રીએ રાણી દુર્ગાવગતીની 500મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ, મધ્યપ્રદેશના લોકો તેમજ દેશના 140 કરોડ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ ભારતની આઝાદી પછી આ ભૂમિના પૂર્વજોને જે મહત્વ આપવું જોઇએ તેના અભાવ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ભૂમિના નાયકો વિસરાઇ ગયા હતા.
લગભગ 12,000 કરોડ રૂપિયાની આજની પરિયોજનાઓ વિશે વાત કરતી વખતે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ પરિયોજનાઓ ખેડૂતો અને યુવાનો સહિત લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, "આ પરિયોજનાઓથી પ્રદેશમાં નવા ઉદ્યોગોનું આગમન થવાની સાથે સાથે, યુવાનોને હવે અહીં નોકરીઓ પણ મળશે."
પ્રધાનમંત્રીએ એ વાતને રેખાંકિત કરી હતી કે, માતાઓ અને બહેનો માટે રસોડામાં ધૂમાડા વગરનો માહોલ પૂરો પાડવો એ વર્તમાન સરકારની ટોચની પ્રાથમિકતા છે. એક સંશોધન અભ્યાસને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ધુમાડાનું ઉત્સર્જન કરતા ચુલામાંથી 24 કલાકમાં 400 સિગારેટ પીવા જેટલો ધૂમાડો ઉત્પન્ન થાય છે. તેમણે મહિલાઓ માટે સલામત માહોલ પૂરો પાડવા માટે અગાઉની સરકાર દ્વારા પ્રયાસોના અભાવ અંગે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજના વિશે બોલતી વખતે, અગાઉના સમયમાં ગેસ જોડાણ મેળવવામાં પારાવાર મુશ્કેલીઓ આવતી હતી તે સ્થિતિને યાદ કરી હતી. તેમણે વર્તમાન સરકાર દ્વારા રક્ષાબંધનના તહેવારોના સમયગાળા દરમિયાન ગેસના ભાવમાં ઘટાડો કરવાના નિર્ણય પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેના કારણે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ગેસના સિલિન્ડર 400 રૂપિયા સસ્તા થઇ ગયા છે. તેમણે તહેવારોની આગમી મોસમની શરૂઆત સાથે ગેસના સિલિન્ડરના ભાવમાં વધુ 100 રૂપિયાનો ઘટાડો કરવાના સરકારના નિર્ણય વિશે પણ માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ગેસના સિલિન્ડરના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે". રાજ્યમાં ગેસની પાઇપલાઇન નાખવાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાઇપલાઇન દ્વારા સસ્તા રાંધણ ગેસનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાની દિશામાં મોટા પગલાંઓ લઇ રહી છે.
પ્રધાનમંત્રીએ અગાઉની સરકારોના શાસન દરમિયાન આચરવામાં આવેલા કૌભાંડો પર પ્રકાશ પડતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગરીબો માટે જે ભંડોળ ફાળવવામાં આવતું હતું તેનાથી ભ્રષ્ટાચારીઓની તિજોરી ભરાતી હતી. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, લોકોએ ઑનલાઇન થઇને દસ વર્ષ પહેલાંના સમાચારપત્રોમાં છપાયેલા સમાચારોના શીર્ષકો પણ તપાસવા જોઇએ, જે વિવિધ કૌભાંડો વિશેના સમાચારોથી ભરેલા રહેતા હતા.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2014 પછી, વર્તમાન સરકારે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે 'સ્વચ્છતા' ઝુંબેશ હાથ ધરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી યાદીમાંથી 11 કરોડ એવા નકલી લાભાર્થીઓને દૂર કરવામાં આવ્યા હતા, જેઓ ક્યારેય અસ્તિત્વમાં હતા જ નહીં.", તેમજ તેમણે આગળ કહ્યું હતું કે, "2014 પછી, મોદીએ ખાતરી કરી કે ગરીબો માટેનું ભંડોળ કોઇના દ્વારા લૂંટવામાં ન આવે." તેમણે વ્યવસ્થાતંત્રમાંથી ભ્રષ્ટાચાર નાશ કરવાનો શ્રેય જન ધન, આધાર અને મોબાઇલની ત્રિપુટીની રચનાને આપ્યો હતો. પ્રધાનમંત્રીએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, "આજે, આ ત્રિશક્તિને કારણે, 2.5 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ખોટા લોકોના હાથમાં જતા બચી ગઇ છે". તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર માત્ર 500 રૂપિયામાં ઉજ્જવલા સિલિન્ડર આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, કરોડો પરિવારોને મફત રાશન પૂરું પાડવા માટે 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, આયુષ્માન યોજના હેઠળ દેશમાં લગભગ 5 કરોડ પરિવારોને મફત સારવાર પૂરી પાડવા માટે 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ખેડૂતોને સસ્તા ભાવે યુરિયા મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રૂપિયા 8 લાખ કરોડનો ખર્ચ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. 2.5 લાખ કરોડ કરતાં વધુની રકમ જમા કરવામાં આવી છે, અને ગરીબ પરિવારોને પાકા મકાનો મળી રહે તે માટે રૂ. 4 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ઇન્દોરમાં ગરીબ પરિવારોને આધુનિક ટેક્નોલોજીથી બાંધવામાં આવેલા 1,000 પાકા મકાનો મળ્યાં છે.
મધ્યપ્રદેશ માટે આ એક નિર્ણાયક સમય છે તે વાત પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ ઉપસ્થિતોનું ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, વિકાસમાં કોઇપણ અવરોધ આવશે તો છેલ્લા બે દાયકામાં કરેલી મહેનત બરબાદ થઇ જશે. પ્રધાનમંત્રીએ પોતાના સંબંધોનને 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો તરફ લઇ જતા કહ્યું હતું કે, આગામી 25 વર્ષમાં તેમના બાળકો વિકસિત મધ્યપ્રદેશ જોવા માટે મોટા થાય તે સુનિશ્ચિત કરવાની તેમની જવાબદારી છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, વર્તમાન સરકારે વિતલા કેટલાક વર્ષોમાં મધ્યપ્રદેશને કૃષિની નિકાસ મામલે ટોચના ક્રમે લાવી દીધું છે અને ઔદ્યોગિક વિકાસ મામલે પણ રાજ્ય અગ્રેસર હોય તેના મહત્વ પર તેમણે ભાર મૂક્યો હતો. વિતેલા વર્ષોમાં સંરક્ષણ ઉત્પાદનની નિકાસમાં ભારતે કરેલી અનેકગણી વૃદ્ધિની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જબલપુરમાં સંરક્ષણ સંબંધિત ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી 4 ફેક્ટરીઓ હોવાથી આમાં જબલપુરનું યોગદાન ઘણું મોટું છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેની સેનાને ‘મેડ ઇન ઇન્ડિયા’ હથિયારો પૂરાં પાડી રહી છે અને સમગ્ર વિશ્વમાં ભારત દ્વારા ઉત્પાદિત સંરક્ષણ સામાનની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "મધ્યપ્રદેશને પણ આનાથી ઘણો ફાયદો થવાનો છે, કારણ કે અહીં હજારો નવી રોજગારીની તકો ઉભી થવા જઇ રહી છે".
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે ભારતનો આત્મવિશ્વાસ નવી ઊંચાઇ પર પહોંચ્યો છે. રમતના મેદાનથી માંડીને ખેતરો અને કોઠાર સુધી ભારતનો ઝંડો લહેરાઇ રહ્યો છે”. તેમણે હાલમાં ચાલી રહેલા એશિયન રમતોત્સવમાં ભારતના શાનદાર પ્રદર્શન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે ભારતના દરેક યુવાનોને લાગે છે કે, આ સમય ભારતનો છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, જ્યારે યુવાનોને આવી તકો મળે છે, ત્યારે વિકસિત ભારતનું નિર્માણ કરવાના તેમના જુસ્સાને પણ વેગ મળે છે. તેમણે G-20 જેવા ભવ્ય વૈશ્વિક સમારંભનું આયોજન અને ભારતના ચંદ્રયાનને મળેલી સફળતાનાં ઉદાહરણો પણ આપ્યા હતા અને આગળ કહ્યું હતું કે, ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર આવી સફળતાઓથી દૂર દૂર સુધી ગુંજવા લાગે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ગાંધી જયંતિના અવસરે દિલ્હીની એક દુકાનમાં રૂ. 1.5 કરોડથી વધુની કિંમતના ખાદી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સ્વદેશીની લાગણી, દેશને આગળ લઇ જવાની ભાવના આજે સાર્વત્રિક રીતે વધી રહી છે”. તેમણે સ્ટાર્ટઅપ્સની દુનિયામાં સફળતા પ્રાપ્ત કરવામાં ભારતના યુવાનોએ નિભાવેલી ભૂમિકાને પણ સ્પર્શ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 1 ઓક્ટોબરના રોજ દેશ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં લગભગ 9 કરોડ નાગરિકોની સહભાગીતાની મદદથી 9 લાખ કરતાં વધુ સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. તેમણે મધ્યપ્રદેશને સ્વચ્છતાના મામલે ટોચ પર લઇ જવાનો શ્રેય રાજ્યના લોકોને આપ્યો હતો.
સમગ્ર દુનિયામાં દેશની સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવી રહી છે, તેવા સમયે પ્રધાનમંત્રીએ કેટલાક રાજકીય પક્ષોના ભારત વિશે ખરાબ કહેવાના અભિગમ સામે ચેતવણી આપી હતી. તેમણે ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને ભારતની કોવિડ રસી સંબંધે આવા પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનાં ઉદાહરણો આપ્યા હતા. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આવા રાજકીય પક્ષો દેશના દુશ્મનોની વાત પર ભરોસો મૂકે છે અને ભારતીય સૈન્ય અંગે પ્રશ્નો ઉઠાવવાની હદ સુધી પણ જાય છે. તેમણે આવા તત્વો દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી અને અમૃત સરોવરની રચનાની ટીકા કરવામાં આવી તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શ્રી મોદીએ ભારતના આદિવાસી સમાજની આઝાદીથી માંડીને સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ સુધીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને આઝાદી પછી દાયકાઓ સુધી શાસન કરનારા લોકો દ્વારા તેમની જે પ્રકારે ઉપેક્ષા કરવામાં આવી તે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે રેખાંકિત કર્યું હતું કે, અટલજીની સરકારે જ એક અલગ મંત્રાલયનું ગઠન કર્યું હતું અને આદિવાસી સમાજના કલ્યાણ માટે બજેટમાં અલગથી ફાળવણી કરવામાં આવી હતી. શ્રી મોદીએ માહિતી આપી હતી કે છેલ્લાં 9 વર્ષમાં આ સંબંધિત બજેટમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. તેમણે ભારતને પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ પ્રાપ્ત થયા અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો તે બાબતોને પણ સ્પર્શ કર્યો હતો. શ્રી મોદીએ દેશના સૌથી આધુનિક રેલ્વે સ્ટેશનો પૈકી એકનું નામ બદલીને રાણી કમલાપતિના નામે રાખવામાં આવ્યું, પાતાલપાણી સ્ટેશનનું નામ બદલીને જનનાયક તાંત્યાભીલ કરવામાં આવ્યું અને ગોંડ સમુદાયના પ્રેરક રાણી દુર્ગાવતીજીના નામે બની રહેલા ભવ્ય સ્મારકની આજની પરિયોજના પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, સમૃદ્ધ ગોંડ પરંપરા વિશે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથેનું સંગ્રહાલય ગોંડ સંસ્કૃતિ, ઇતિહાસ અને કળાનું પ્રદર્શન કરશે. પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક નેતાઓને ગોંડ ચિત્રો ભેટ આપવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, આ વર્તમાન સરકાર દ્વારા જ મહુ સહિત સમગ્ર દુનિયામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર સાથે સંકળાયેલા સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવાનું કામ કાર્યું છે. તેમણે થોડા અઠવાડિયા પહેલાં સાગરમાં સંત રવિદાસજીના સ્મારક સ્થળનું ભૂમિપૂજન કરવામાં આવ્યું તે પ્રસંગ પણ યાદ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "આ બાબત સામાજિક સમરસતા અને વારસા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે".
તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે પક્ષો ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પોષવાનું કામ કરે છે, તેમણે આદિવાસી સમાજના સંસાધનોને લૂંટી લીધા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 2014 પહેલાં, લઘુતમ ટેકાના ભાવ માત્ર 8 થી 10 વન પેદાશો માટે જ આપવામાં આવતા હતા જ્યારે બાકીની વસ્તુઓ નજીવા ભાવે વેચવામાં આવતી હતી, જ્યારે હાલના સમયમાં લગભગ 90 વન પેદાશોને લઘુતમ ટેકાના ભાવના પરિઘમાં સમાવી લેવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આદિવાસી અને નાના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવતા કોડો-કુટકી જેવા બરછટ અનાજને ખાસ કંઇ મહત્વ આપવામાં આવતું ન હતું. તેમણે પ્રકાશ પાડતા કહ્યું હતું કે, તમારા કોડો-કુટકીમાંથી G20 મહેમાનો માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, "વર્તમાન સરકાર શ્રી અન્નના રૂપમાં કોડો-કુટકીને દેશ-વિદેશના બજારોમાં પહોંચાડવા માંગે છે".
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ડબલ એન્જિનની સરકાર વંચિતોને પ્રાથમિકતા આપે છે". ગરીબોના સારા આરોગ્ય માટે પીવાના સ્વચ્છ પાણીનો પુરવઠો પહોંચાડવાના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આજની પરિયોજનાનો ઉલ્લેખ કર્યો જેમાં લગભગ 1600 ગામડાઓને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં તેમના અધિકારો આપવા અંગેની વાતને પણ સ્પર્શી હતી. પ્રધાનમંત્રીએ 13 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે નાગરિકોને મોદીની ખાતરી આપી હતી કે, તેઓ મધ્યપ્રદેશને વિકાસના સંદર્ભમાં ટોચના સ્થાને લઇ જશે. તેમણે અંતમાં કહ્યું હતું કે, "મને પૂરો વિશ્વાસ છે કે મધ્યપ્રદેશનું મહાકૌશલ્ય મોદી અને સરકારના આ સંકલ્પને વધુ મજબૂત બનાવશે".
આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ સી. પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
ભારત સરકાર દ્વારા રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. જુલાઇ 2023માં મધ્યપ્રદેશના શહડોલની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા આ ઉજવણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે આ વર્ષના ઐતિહાસિક સ્વતંત્રતા દિવસના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને આપેલા સંબોધન દરમિયાન આ ઘોષણાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ ઉજવણીઓને અનુરૂપ, પ્રધાનમંત્રીએ ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’નું ભૂમિપૂજન કર્યું હતું.
જબલપુરમાં આશરે રૂ. 100 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવનારા ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’ને લગભગ 21 એકર વિસ્તારમાં તૈયાર કરવામાં આવશે. આ ઉદ્યાનમાં રાણી દુર્ગાવતીની પ્રભાવશાળી 52 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. તેમાં રાણી દુર્ગાવતીના શૌર્ય અને હિંમત સહિત ગોંડવાના ક્ષેત્રના ઇતિહાસને ઉજાગર કરતું ભવ્ય સંગ્રહાલય ઉભું કરરવામાં આવશે. આ સંગ્રહાલય ગોંડ લોકો અને અન્ય આદિવાસી સમુદાયોના ભોજન, કળા, સંસ્કૃતિ, જીવન જીવવાની રીત વગેરે પર પણ પ્રકાશ પાડશે. વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાનના પરિસરમાં ઔષધીય વનસ્પતિઓ માટેનો બગીચો, વિવિધ પ્રકારના થોરનો બગીતો અને રૉક ગાર્ડન સહિત અનેક ઉદ્યાનો અને બગીચાઓનું પણ નિર્માણ કરવામાં આવશે. રાણી દુર્ગાવતી 16મી સદીના મધ્યમાં ગોંડવાનાના શાસક રાણી હતા. તેમને એક બહાદુર, નીડર અને હિંમતવાન યોદ્ધાના રૂપમાં યાદ કરવામાં આવે છે. તેમણે મુઘલો સામે આઝાદી માટે લડત આપી હતી.
મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે લાઇટ હાઉસ પરિયોજનાના ઉદ્ઘાટન સાથે ‘સૌના માટે આવાસ’ પૂરું પાડવાની પ્રધાનમંત્રીની દૂરંદેશી વધુ મજબૂત બની હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી હેઠળ લગભગ રૂ. 128 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી આ પરિયોજના 1000 કરતાં વધુ લાભાર્થી પરિવારોને લાભ થશે. આનું નિર્માણ કરવામાં ‘પ્રિ-એન્જિનિયર્ડ સ્ટીલ સ્ટ્રક્ચરલ સિસ્ટમ સાથે પ્રિ-ફેબ્રિકેટેડ સેન્ડવીચ પેનલ સિસ્ટમ’ નામની આવિષ્કારી તકનીકનો ઉપયોગ કરીને તમામ પ્રકારની પાયાની સુવિધાઓથી સજ્જ ગુણવત્તાપૂર્ણ મકાનો બાંધવામાં આવ્યા છે અને સાથે જ નોંધપાત્ર પ્રમાણમાં બાંધકામના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
વ્યક્તિગત ઘરેલું નળના જોડાણો દ્વારા સુરક્ષિત અને પૂરતી માત્રામાં પીવાનું પાણી પૂરું પાડવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને સાકાર કરવાની દિશામાં લેવામાં આવેલા પગલા તરીકે, મંડલા, જબલપુર અને ડિંડોરી જિલ્લામાં રૂ. 2350 કરોડથી વધુની કિંમતની બહુવિધ જલ જીવન મિશન પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ સિવની જિલ્લામાં 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતની જલ જીવન મિશન પરિયોજનાનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. મધ્યપ્રદેશના ચાર જિલ્લાઓમાં આ પરિયોજના લાવવાથી રાજ્યના લગભગ 1575 ગામોને ફાયદો થશે.
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં માર્ગ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 4800 કરોડથી વધુની કિંમતની બહુવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 346ના ઝારખેડા-બેરસિયા-ધોલખેડીને જોડતા રસ્તાના ઉન્નતીકરણ; બાલાઘાના ચાર માર્ગીય – રાષ્ટ્રીય ધોરીમાર્ગ 543ના ગોંદિયા વિભાગનું કામ; રૂધિ અને દેશગાંવને જોડતા ખંડવા બાયપાસને ચાર માર્ગીય કરવાનું કામ; રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47ના તેમાગાંવથી ચિચોલી વિભાગ સુધીના હિસ્સાને ચાર માર્ગીય કરવાનું કામ; બોરેગાંવથી શાહપુરને જોડતા રસ્તાને ચાર માર્ગીય કરવાનું કામ; અને શાહપુરથી મુક્તાનગરને જોડતા રસ્તાને ચારમાર્ગી કરવાના કામનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 347C ના ખલઘાટથી સરવર્દેવલાને જોડતા રસ્તાના ઉન્નતીકરણના પૂર્ણ થયેલા કામનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ 1850 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની રેલવે પરિયોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આમાં કટની - વિજયસોટા (102 કિમી) અને મારવાસગ્રામ - સિંગરૌલી (78.50 કિમી)ને જોડતી રેલવે લાઇનનું ડબલિંગ કરવાનો સમાવેશ થાય છે. આ બંને પરિયોજનાઓ કટની-સિંગરૌલી વિભાગને જોડતી રેલવે લાઇનનું ડબલિંગ કરવાની પરિયોજનાનો એક ભાગ છે. આ પરિયોજના મધ્યપ્રદેશમાં રેલવે માળખાકીય સુવિધાઓમાં સુધારો કરશે અને રાજ્યમાં વેપાર તેમજ પ્રવાસનને આનાથી ફાયદો થશે.
પ્રધાનમંત્રીએ વિજયપુર - ઔરૈયા- ફુલપુર પાઇપલાઇન પરિયોજના રાષ્ટ્રને લોકાર્પિત કરી હતી. 1750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 352 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ મુંબઇ નાગપુર ઝારસુગુડા પાઇપલાઇન પરિયોજનાના નાગપુર જબલપુર વિભાગ (317 કિમી)નો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજના 1100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ગેસ પાઇપલાઇન પરિયોજનાથી ઉદ્યોગો અને ઘરોને સ્વચ્છ તેમજ સસ્તો કુદરતી ગેસ મળી શકશે અને પર્યાવરણમાં ઉત્સર્જનમાં ઘટાડવાની દિશામાં એક પગલું પુરવાર થશે. પ્રધાનમંત્રીએ જબલપુર ખાતે લગભગ 147 કરોડ રૂપિયાના ખર્ચે ઉભા કરવામાં આવેલા એક નવા બોટલિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.