પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોરસૉ ખાતેના ડોબરી મહારાજા સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.
વોરસૉના ગુડ મહારાજા સ્ક્વેર ખાતે આવેલું સ્મારક પોલેન્ડના લોકો અને સરકાર વચ્ચે નવાનગર જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા [ગુજરાતના આધુનિક જામનગરના] પ્રત્યે ઊંડા આદર અને કૃતજ્ઞતાનું સંભારણું છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, જામસાહેબે એક હજારથી વધુ પોલિશ બાળકોને આશ્રય આપ્યો અને આજે તેમને પોલેન્ડમાં ડોબરી (ગુડ) મહારાજા તરીકે યાદ કરવામાં આવે છે. તેમની ઉદારતાની ઊંડી અસર પોલિશ લોકોમાં આજે પણ કાયમ છે. સ્મારક ખાતે પ્રધાનમંત્રીએ પોલિશ લોકોના વંશજો સાથે મુલાકાત કરી જેમને જામસાહેબે આશ્રય આપ્યો હતો.
પ્રધાનમંત્રીની સ્મારકની મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના વિશેષ ઐતિહાસિક જોડાણને દર્શાવે છે જે બંને દેશોના લોકો દ્વારા આજે પણ પ્રેમથી રાખવામાં આવે છે.