પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે તુંગીપરામાં બંગબંધુ સમાધિ સ્થળ ખાતે શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બંગબંધુ સમાધિ સ્મારક ખાતે કોઇ વિદેશી સરકારના વડાએ મુલાકાત લઇને શ્રદ્ધાંજલી અર્પણ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે અહીં બકુલનું વૃક્ષ રોપ્યું હતું. તેમના સમકક્ષ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બહેન શેખ રેહાના પણ આ પ્રસંગે પ્રધાનમંત્રીની સાથે જોડાયા હતા.
પ્રધાનમંત્રીએ મોદીએ સમાધિ સંકુલ ખાતે રાખવામાં આવેલી મુલાકાત પોથીમાં પણ ટિપ્પણી લખી હતી. તેમણે લખ્યું હતું કે,- “બંગબંધુનું જીવન બાંગ્લાદેશના લોકોના અધિકારો માટે, તેમની સહિયારી સંસ્કૃતિ અને તેમની ઓળખને જાળવી રાખવા માટે તેમણે કરેલા સ્વતંત્રતાના સંગ્રામને રજૂ કરે છે.”