પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈટાલીના અપુલિયામાં જી-7 સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, એનર્જી, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર પરના આઉટરીચ સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે ગ્રુપને તેમની 50મી વર્ષગાંઠના માઈલસ્ટોન પર અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે માનવજાતના ઈતિહાસમાં સૌથી મોટી લોકતાંત્રિક કવાયતમાં તેમની પુનઃચૂંટણી બાદ સમિટમાં ભાગ લેવો એ તેમના માટે ખૂબ જ સંતોષની વાત છે. તેમણે વ્યક્ત કર્યું કે ટેક્નોલોજીને સફળ બનાવવા માટે તેને માનવ-કેન્દ્રિત અભિગમ દ્વારા આધારીત કરવાની જરૂર છે. આ સંદર્ભમાં, તેમણે જાહેર સેવા વિતરણ માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં ભારતની સફળતા શેર કરી.
"એઆઈ ફોર ઓલ" પર આધારિત ભારતના એઆઈ મિશનની ચર્ચા કરતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ટેકનોલોજીનો ઉદ્દેશ્ય તમામની પ્રગતિ અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો હોવો જોઈએ. તેમણે તે વાત પર ભાર આપ્યો કે આ વ્યાપક ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ભારત એઆઈ માટે વૈશ્વિક ભાગીદારીના સંસ્થાપક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ભારતના ઉર્જા સંક્રમણના માર્ગ વિશે વિગતે જણાવ્યું કે તેનો અભિગમ ઉપલબ્ધતા, સુલભતા, સામર્થ્ય અને સ્વીકાર્યતા પર આધારિત છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવા માટે કામ કરી રહ્યું છે. ભારતના મિશન LiFE [પર્યાવરણ માટેની જીવનશૈલી]નો ઉલ્લેખ કરતા તેમણે વૈશ્વિક સમુદાયને વિશ્વ પર્યાવરણ દિવસ પર તેમના દ્વારા શરૂ કરાયેલ વૃક્ષારોપણ અભિયાન- "પ્લાન્ટ4મધર" [એક પેડ મા કે નામ]માં સામેલ થવા અને તેને વ્યક્તિગત સ્પર્શ અને વૈશ્વિક જવાબદારી સાથે જન ચળવળ બનાવવાનું આહ્વાન કર્યું.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક દક્ષિણ, ખાસ કરીને આફ્રિકાની ચિંતાઓને પ્રાથમિકતા આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે યાદ કર્યું કે ભારત માટે એ સન્માનની વાત છે કે તેમના પ્રમુખપદ હેઠળ એ.યૂ.ને જી-20ના કાયમી સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું હતું.