પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુએસએના પ્રથમ મહિલા ડો. જીલ બિડેને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ સાયન્સ સેન્ટર ખાતે "ભારત અને યુએસએ: ભવિષ્ય માટે કૌશલ્ય" પર કેન્દ્રીત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ ઇવેન્ટ સમગ્ર સમાજમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચને વિસ્તારવા અને વધારવા માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કર્મચારીઓના પુનઃવિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
પ્રધાનમંત્રીએ શિક્ષણ, કૌશલ્ય અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા અસંખ્ય પગલાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતીય અને યુએસ શૈક્ષણિક અને સંશોધન ઇકોસિસ્ટમ વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય શૈક્ષણિક વિનિમય અને સહયોગની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ભારત-યુએસએ સહયોગને ઊર્જાવાન બનાવવા માટે 5-પોઇન્ટ દરખાસ્તો રજૂ કરી, જે નીચે મુજબ છે:
સરકાર, ઉદ્યોગ અને શિક્ષણવિભાગને એકસાથે લાવવાનો સંકલિત અભિગમ
શિક્ષકો અને વિદ્યાર્થીઓના વિનિમયને પ્રોત્સાહિત કરવા
બંને દેશો વચ્ચે વિવિધ વિષયો પર હેકાથોનનું આયોજન
વ્યાવસાયિક કૌશલ્યની લાયકાતની પરસ્પર માન્યતા
શિક્ષણ અને સંશોધન સાથે સંકળાયેલા લોકોની મુલાકાતને પ્રોત્સાહિત કરવી.
આ કાર્યક્રમમાં ઉત્તરીય વર્જિનિયા કોમ્યુનિટી કોલેજના પ્રમુખ, અમેરિકન યુનિવર્સિટીઓના એસોસિએશનના પ્રમુખ, માઇક્રોન ટેકનોલોજીના પ્રમુખ અને સીઇઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.