પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે ઐતિહાસિક ગીતા પ્રેસની શતાબ્દી ઉજવણીના સમાપન સમારંભમાં સંબોધન આપ્યું હતું અને ચિત્રમય શિવ પુરાણ ગ્રંથનું વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગીતા પ્રેસમાં લીલા-ચિત્ર મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ભગવાન શ્રી રામના ચિત્રને પુષ્પ અર્પણ કરીને વંદન કર્યા હતા.
આ સમારંભમાં ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, શ્રાવણના પવિત્ર મહિનામાં, અને ઇન્દ્રદેવના આશીર્વાદથી, તેમને શિવ અવતાર ગુરુ ગોરખનાથના પૂજા સ્થળ છે તેમજ અનેક સંતોના કાર્યસ્થળ એવા ગોરખપુરમાં આવેલા ગીતા પ્રેસમાં હાજર રહેવાની તક પ્રાપ્ત થઇ છે. પ્રધાનમંત્રીએ ગોરખપુરની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ સ્થળ વિકાસ અને વારસો સાથે રહે તેનું એક અદ્ભુત ઉદાહરણ છે. તેમણે માહિતી આપી હતી કે, તેઓ ગોરખપુર રેલ્વે સ્ટેશનના કાયાકલ્પ માટે શિલાન્યાસ કરવા માટે ગોરખપુર રેલ્વે સ્ટેશન જશે અને ગીતા પ્રેસમાં કાર્યક્રમ પૂરો થયા પછી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે સૂચિત રેલવે સ્ટેશનની તસવીરોએ નાગરિકોમાં ઉત્સાહ અને ઉત્સુકતાનો માહોલ ઉભો કર્યો છે. વંદે ભારત એક્સપ્રેસનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ટ્રેને મધ્યમ વર્ગ માટે સુવિધાના સ્તરને ઉન્નત કર્યું છે. જ્યારે મંત્રીઓને તેમના પ્રદેશમાં ટ્રેનને થોભાવવા માટે ઉમેરો કરવા માટે પત્રો લખવા પડતા હતા તે સમયને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે મંત્રીઓ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવા માટે પત્રો લખી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, "વંદે ભારત ટ્રેનો એક ક્રેઝ બની ગઇ છે". શ્રી મોદીએ આજની પરિયોજનાઓ બદલ ગોરખપુર અને ભારતના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "ગીતા પ્રેસ એ માત્ર પ્રિન્ટિંગ પ્રેસ નથી પરંતુ એક જીવંત આસ્થા છે". તેમણે આગળ કહ્યું હતું કે, ગીતા પ્રેસનું કાર્યાલય કરોડો લોકો માટે મંદિરથી જરાય ઓછું નથી. તેમણે કહ્યું હતું કે, ગીતા સાથે કૃષ્ણ આવે છે, કૃષ્ણ સાથે કરુણા અને ‘કર્મ’ છે અને જ્ઞાનની સાથે સાથે વૈજ્ઞાનિક સંશોધન પણ છે. પ્રધાનમંત્રીએ ગીતાને ટાંકીને કહ્યું હતું કે, "વાસુદેવ સર્વમ એટલે કે બધું જ વાસુદેવથી છે અને તેમનામાં છે."
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1923માં ગીતા પ્રેસના રૂપમાં જે આધ્યાત્મિક જ્યોત પ્રગટી હતી તે આજે સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક પ્રકાશ બની ગઇ છે. આ માનવતાવાદી મિશનની સોનેરી સદીના સાક્ષી બનવાનો અવસર મળ્યો તે બદલ તેમણે સદભાગ્યનો આભાર માન્યો હતો. આ ઐતિહાસિક અવસર પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કર્યો છે. ગીતા પ્રેસ સાથે મહાત્મા ગાંધીના ભાવનાત્મક જોડાણનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ગાંધીજી એક સમયે કલ્યાણ પત્રિકા દ્વારા ગીતા પ્રેસ માટે લખતા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીજીએ જ સૂચન કર્યું હતું કે, કલ્યાણ પત્રિકામાં જાહેરાતો પ્રકાશિત ન થવી જોઇએ અને તે સૂચનનું હજુ પણ પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ એ વાતનો આનંદ વ્યક્ત કર્યો હતો કે, દેશે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરીને તેનું સન્માન કર્યું છે કારણ કે, આ પ્રેસે આપેલા યોગદાન અને તેના 100 વર્ષ જૂના વારસાનું તે સન્માન કરે છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત ચાલુ રાખીને આગળ જણાવ્યું હતું કે, આ 100 વર્ષોમાં ગીતા પ્રેસે કરોડો પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જે કિંમત કરતા ઓછા ભાવે વેચાય છે અને ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. જ્ઞાનના આ પ્રવાહે ચોક્કસ પણે ઘણા વાચકોને આધ્યાત્મિક અને બૌદ્ધિક સંતોષ પૂરા પાડ્યા હશે અને સાથે સાથે સમાજ માટે ઘણા સમર્પિત નાગરિકો પણ બનાવ્યા હશે તે વાતની પ્રધાનમંત્રીએ નોંધ લીધી હતી તેમજ તેમણે આ યજ્ઞમાં કોઇપણ પ્રકારની ખ્યાતિ કે પ્રચારની ઇચ્છા રાખ્યા વગર નિઃસ્વાર્થ ભાવે યોગદાન અને સહકાર આપનારા લોકોને અભિનંદન આપ્યા હતા અને શેઠજી જયદયાળ ગોયંદકા અને ભાઇજી શ્રી હનુમાન પ્રસાદ પોદ્દાર જેવી હસ્તીઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ એ વાતને રેખાંકિત કરી હતી કે, ગીતા પ્રેસ જેવી સંસ્થા માત્ર ધર્મ અને કાર્ય સાથે જ જોડાયેલી નથી પરંતુ તેની રાષ્ટ્રીય ભૂમિકા પણ છે. શ્રી મોદીએ દેશભરમાં તેની 20 શાખાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ગીતા પ્રેસ ભારતને જોડે છે, ભારતની એકતાને મજબૂત કરે છે”. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, દેશના દરેક રેલવે સ્ટેશન પર ગીતા પ્રેસના સ્ટોલ મળી શકે છે. તેમણે માહિતી આપી હતી કે, ગીતા પ્રેસ 15 વિવિધ ભાષાઓમાં 1600 શીર્ષકો પ્રકાશિત કરે છે અને ભારતના મૂળભૂત વિચારોને વિવિધ ભાષાઓમાં લોકો સુધી પહોંચાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ગીતા પ્રેસ એક રીતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે".
પ્રધાનમંત્રીએ ખાસ ટાંક્યું હતું કે, દેશ તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગીતા પ્રેસે તેની 100 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે તે માત્ર એક સંયોગ નથી. 1947 પહેલાંના સમયમાં જ્યારે ભારતે તેના પુનરુત્કર્ષ માટે વિવિધ ક્ષેત્રોમાં સતત પ્રયાસો કર્યા હતા તે સમય પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના આત્માને જાગૃત કરવા માટે વિવિધ સંસ્થાઓએ આકાર લીધો હતો. તેમણે આગળ વાત ચાલુ રાખતા કહ્યું હતું કે, તેના પરિણામે 1947 સુધીમાં, ભારત મન અને આત્માથી ગુલામીની બેડીઓ તોડવા માટે સંપૂર્ણપણે તૈયાર થઇ ગયું હતું. તેમણે નોંધ્યું હતું કે, ગીતા પ્રેસની સ્થાપના પણ તેના માટે મુખ્ય આધાર બની હતી. જ્યારે સદીઓની ગુલામીએ સો વર્ષ પહેલાં ભારતની ચેતનાને કલંકિત કરી દીધી હતી અને વિદેશી આક્રમણકારોએ ભારતના પુસ્તકાલયોને બાળી નાખ્યા હતા તે સમય પર પ્રધાનમંત્રીએ ઘણો અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "ગુરુકુળ અને ગુરુ પરંપરા અંગ્રેજોના સમયમાં લગભગ નાશ પામી હતી." તેમણે ભારતના પવિત્ર ગ્રંથોના અદૃશ્ય થવાની શરૂઆત પર પણ પ્રકાશ પાડ્યો હતો કારણ કે તે સમયે પ્રિન્ટિંગ પ્રેસ તેની ઊંચી કિંમતને કારણે સામાન્ય માણસની પહોંચની બહાર હતા. પ્રધાનમંત્રીએ ઉદ્ગારપૂર્વક કહ્યું હતું કે, ગીતા અને રામાયણ વિના આપણો સમાજ કેવી રીતે ચાલશે? જ્યારે મૂલ્યો અને આદર્શોના સ્રોતો જ સુકાઇ જાય છે, ત્યારે સમાજનો પ્રવાહ આપોઆપ થંભી જાય છે”.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે અધર્મ અને આતંકનું જોર વધ્યું છે અને સત્ય ભયના વાદળોથી ઘેરાયું છે ત્યારે ભગવદ ગીતા હંમેશા પ્રેરણા સ્રોત બની છે. ગીતાને ટાંકીને પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, જ્યારે પણ ધર્મ અને સત્યની અધિકૃતતા પર સંકટ આવે છે ત્યારે તેના રક્ષણ માટે ભગવાન પૃથ્વી પર અવતરે છે. ગીતાના દસમા અધ્યાયમાં ભગવાન કોઇપણ સ્વરૂપમાં અવતાર ધારણ કરે છે તે વિશે સમજાવ્યું છે, તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલીકવાર ગીતા પ્રેસ જેવી સંસ્થાઓ માનવ મૂલ્યો અને આદર્શોને પુનર્જીવિત કરવા માટે જન્મે છે. તેમણે કહ્યું હતું કે, ગીતા પ્રેસે 1923માં તેની સ્થાપના થતા જ ભારત માટે ચેતના અને વિચારના પ્રવાહને વેગ આપ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ગીતા સહિતના આપણાં ગ્રંથોનો ફરી એકવાર દરેક ઘરમાં પડઘો પડવા લાગ્યો છે અને આપણા મન ભારતના મન સાથે સંમિલિત થઇ ગયા છે. તેમણે કહ્યું હતું કે, “કૌટુંબિક પરંપરાઓ અને નવી પેઢીઓ આ પુસ્તકો સાથે જોડાવાનું શરૂ કરી દીધું છે અને આપણા પવિત્ર પુસ્તકો આવનારી પેઢીઓ માટે આધાર બનવા લાગ્યા છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "ગીતા પ્રેસ એ વાતનો પુરાવો છે કે જ્યારે તમારા ઉદ્દેશ્ય શુદ્ધ હોય, તમારા મૂલ્યો શુદ્ધ હોય ત્યારે સફળતાનો પર્યાય બની જાય છે". તેમણે રેખાંકિત કર્યું હતું કે, ગીતા પ્રેસે એક સંસ્થા તરીકે હંમેશા સામાજિક મૂલ્યોને સમૃદ્ધ કર્યાં છે અને લોકોને ફરજનો માર્ગ ચિંધ્યો છે, તેમણે ગંગા નદીની સ્વચ્છતા, યોગના વિજ્ઞાન, પતંજલિ યોગ સૂત્રના પ્રકાશન, આયુર્વેદ સાથે સંકળાયેલ 'આરોગ્યાંક'. લોકોને ભારતીય જીવનશૈલીથી પરિચિત કરવા માટેના ‘જીવનચર્યાંક’, સમાજની સેવાના આદર્શો માટેના 'સેવાંક' અને 'દાન મહિમા'નાં ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "આ તમામ પ્રયાસો પાછળ દેશની સેવા કરવાની પ્રેરણા જોડાયેલી છે અને રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સંકલ્પ રહેલો છે."
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "સંતોની તપસ્યા ક્યારેય એળે નથી જતી, તેમના સંકલ્પો ક્યારેય ખાલી નથી હોતા!". ગુલામીની માનસિકતામાંથી આઝાદી અને આપણા વારસા પર ગર્વ લેવા વિશે લાલ કિલ્લા પરથી આપેલા પોતાના સંબોધનને યાદ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ અને વારસો બંનેને સાથે લઇને રાષ્ટ્ર આગળ વધી રહ્યું છે. દેશ એક તરફ ભારત ડિજિટલ ટેક્નોલોજીમાં નવા રેકોર્ડ બનાવી રહ્યો છે, તો બીજી તરફ કાશી કોરિડોરના પુનર્વિકાસ બાદ કાશીમાં વિશ્વનાથધામનું દિવ્ય સ્વરૂપ પણ ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રીએ કેદારનાથ અને મહાકાલ મહાલોક જેવા તીર્થધામો ભવ્યતાના સાક્ષી બનવાની સાથે ત્યાં ઉભી કરવામાં આવેલી વિશ્વ-સ્તરીય માળખાકીય સુવિધાઓના નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ એ હકીકત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સપનું પણ સદીઓ પછી પૂર્ણ થવા જઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજના સમયની નિશાની દર્શાવતા નૌકાદળના નવા ચિહ્નનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કર્તવ્યની ભાવનાને પ્રેરિત કરવા માટે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવ્યું, આદિવાસી પરંપરાઓ અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવા માટે સમગ્ર દેશમાં તેમના યોગદાનને રજૂ કરતા સંગ્રહાલયોના નિર્માણ અને ચોરી કરીને દેશની બહાર મોકલવામાં આવેલી પવિત્ર પ્રાચીન મૂર્તિઓને ફરી પાછા સ્વદેશમાં લાવવાની બાબતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતા જણાવ્યું હતું કે, વિકસિત અને આધ્યાત્મિક ભારતનો વિચાર આપણા ઋષિ મુનિઓએ આપણને આપ્યો હતો અને આજે આપણે તેને સાર્થક બનતા જોઇ શકીએ છીએ. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આપણા સંતો અને ઋષિઓની આધ્યાત્મિક સાધના ભારતના સર્વાંગી વિકાસમાં આવી ઉર્જા આપતી રહેશે. પ્રધાનમંત્રીએ સમાપન કરતા કહ્યું હતું કે, "આપણે એક નવા ભારતનું નિર્માણ કરીશું, અને વિશ્વ કલ્યાણની આપણી દૂરંદેશીને સફળ બનાવીશું".
આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, ગોરખપુરના સાંસદ શ્રી રવિ કિશન, મહાસચિવ શ્રી વિષ્ણુ પ્રસાદ ચાંદગોઠિયા અને ગીતા પ્રેસના ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ કેશોરામ અગ્રવાલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
गीता प्रेस विश्व का ऐसा इकलौता प्रिंटिंग प्रेस है, जो सिर्फ एक संस्था नहीं है बल्कि, एक जीवंत आस्था है। pic.twitter.com/zuibgq4YEL
— PMO India (@PMOIndia) July 7, 2023
1923 में गीता प्रेस के रूप में यहाँ जो आध्यात्मिक ज्योति प्रज्ज्वलित हुई, आज उसका प्रकाश पूरी मानवता का मार्गदर्शन कर रहा है। pic.twitter.com/FgIUibxFl3
— PMO India (@PMOIndia) July 7, 2023
गीता प्रेस, भारत को जोड़ती है, भारत की एकजुटता को सशक्त करती है। pic.twitter.com/ijJE1elNkf
— PMO India (@PMOIndia) July 7, 2023
गीताप्रेस इस बात का भी प्रमाण है कि जब आपके उद्देश्य पवित्र होते हैं, आपके मूल्य पवित्र होते हैं तो सफलता आपका पर्याय बन जाती है। pic.twitter.com/JvvrOGDUSa
— PMO India (@PMOIndia) July 7, 2023
ये समय गुलामी की मानसिकता से मुक्त होकर अपनी विरासत पर गर्व करने का समय है: PM @narendramodi pic.twitter.com/wzUepAqoYe
— PMO India (@PMOIndia) July 7, 2023