પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરમાં આશરે રૂ. 19,260 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે, પીએમએવાય હેઠળ નિર્મિત 2.2 લાખથી વધારે મકાનોનાં ગૃહ પ્રવેશ અને પીએમએવાય – અર્બન હેઠળ નિર્મિત મકાનોનું લોકાર્પણ, જલ જીવન મિશનનાં પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ, આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત 9 હેલ્થ સેન્ટર્સ, આઇઆઇટી ઇન્દોરનાં શૈક્ષણિક ભવનનું લોકાર્પણ અને કૅમ્પસમાં છાત્રાલય અને અન્ય ઇમારતો માટે ખાતમુહૂર્ત તથા ઇન્દોરમાં મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્કનું લોકાર્પણ સામેલ છે.
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્વાલિયરની ભૂમિ બહાદુરી, સ્વાભિમાન, ગર્વ, સંગીત, સ્વાદ અને સરસવનું પ્રતીક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ભૂમિએ દેશ માટે તેમજ સશસ્ત્ર દળોમાં સેવા આપતા લોકો માટે ઘણા ક્રાંતિકારીઓ પેદા કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્વાલિયરની ભૂમિએ શાસક પક્ષની નીતિઓ અને નેતૃત્વને આકાર આપ્યો છે તથા રાજમાતા વિજયા રાજે સિંધિયા, કુશાભાઉ ઠાકરે અને અટલ બિહારી વાજપેયીનાં ઉદાહરણો આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ગ્વાલિયરની ભૂમિ પોતે જ એક પ્રેરણાસ્રોત છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશનાં હિત માટે આ ભૂમિના સપૂતોએ પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પેઢીનાં લોકોને આઝાદીની લડતમાં સહભાગી થવાની તક મળી નથી, પણ ભારતને વિકસિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી ચોક્કસપણે આપણી છે. જે પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અથવા જેના માટે શિલારોપાણ કરવામાં આવ્યું હતું, તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર એક જ દિવસમાં એટલી બધી પરિયોજનાઓ લાવી રહી છે, જેટલી ઘણી સરકારો એક વર્ષમાં તેને લાવી શકતી નથી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે દશેરા દિવાળી અને ધનતેરસના ઠીક પહેલા લગભગ 2 લાખ પરિવારો ગૃહ પ્રવેશ કરી રહ્યા છે અને કનેક્ટિવિટીના ઘણા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ઉજ્જૈનમાં વિક્રમ ઉદ્યોગપુરી અને મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્ક મધ્ય પ્રદેશના ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. તેમણે ગ્વાલિયર આઈઆઈટીમાં નવી પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત વિદિશા, બૈતુલ, કટની, બુરહાનપુર, નરસિંહપુર, દમોહ અને શાજાપુરમાં નવાં સ્વાસ્થ્ય કેન્દ્રો વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ડબલ એન્જિન ધરાવતી સરકારના પ્રયાસોને શ્રેય આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે જનતાને સમર્પિત સિદ્ધાંતો સાથેની સરકાર દિલ્હી અને ભોપાલ બંનેમાં હોય છે, ત્યારે વિકાસની ગતિ વધે છે. એટલે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મધ્ય પ્રદેશનાં લોકો ડબલ એન્જિન ધરાવતી સરકારમાં માને છે. "ડબલ-એન્જિનનો અર્થ મધ્ય પ્રદેશનો બેવડો વિકાસ થાય છે," એમ શ્રી મોદીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારે મધ્ય પ્રદેશને 'બિમારુ રાજ્ય'માંથી દેશનાં ટોચનાં 10 રાજ્યોમાંનું એક રાજ્ય બનાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે, "અહીંથી જ સરકારનું લક્ષ્ય મધ્ય પ્રદેશને ભારતનાં ટોચનાં 3 રાજ્યોમાં લઈ જવાનું છે." તેમણે દરેકને એક જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવા વિનંતી કરી હતી, જે મધ્ય પ્રદેશને ટોચનાં ૩ રાજ્યોનાં સ્થાન પર લઈ જશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ ભારતમાં તેનું ભવિષ્ય જુએ છે. તેમણે કહ્યું હતું કે, ભારત માત્ર 9 વર્ષમાં 10મા સ્થાનેથી 5મું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમણે ભારતની પળમાં વિશ્વાસ ન રાખનારાઓની ટીકા કરી અને કહ્યું કે "આ મોદીની ગૅરંટી છે કે સરકારના આગામી કાર્યકાળમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં પ્રવેશ કરશે."
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "મોદીએ ગરીબો, દલિતો, પછાત અને આદિવાસી પરિવારોને પાકાં મકાનોની ગૅરંટી આપી છે." તેમણે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ પરિવારોને પાકાં મકાનો આપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મધ્યપ્ર દેશમાં અત્યાર સુધીમાં લાખો મકાનો ગરીબ પરિવારોને સુપરત કરવામાં આવ્યાં છે અને આજે પણ ઘણાં ઘરોનું ઉદ્ઘાટન થયું છે. અગાઉની સરકાર પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કપટપૂર્ણ યોજનાઓ અને ગરીબો સુધી પહોંચાડવામાં આવેલાં ઘરોની નબળી ગુણવત્તા પર સંતાપ વ્યક્ત કર્યો હતો. તેનાથી વિપરીત, પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્તમાન સરકાર દરમિયાન સોંપવામાં આવેલાં ઘરો લાભાર્થીઓની જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવી રહ્યાં છે અને તકનીકીની મદદથી પ્રગતિનું નિરીક્ષણ કર્યા પછી પૈસા સીધા તેમના બૅન્ક ખાતાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. તેમણે નોંધ્યું હતું કે, આ ઘરો શૌચાલયો, વીજળી, નળનાં પાણીનાં જોડાણ અને ઉજ્જવલા ગેસ કનેક્શનથી સજ્જ છે. આજની જલ જીવન મિશનની પરિયોજનાઓ પર બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી આ ઘરોમાં પાણી પહોંચાડવામાં મદદ મળશે.
તેમણે કહ્યું કે, આ ઘર ઘરની મહિલાઓનાં નામ પર જ હોય તેની ખાતરી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી કરોડો બહેનો 'લખપતિ' થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ મકાનોની મહિલા માલિકોને તેમનાં બાળકોનાં શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "મહિલા સશક્તિકરણ એ વોટ બૅન્કના મુદ્દાને બદલે રાષ્ટ્રીય પુનર્નિર્માણ અને રાષ્ટ્રીય કલ્યાણનું મિશન છે." પ્રધાનમંત્રીએ તાજેતરમાં પસાર થયેલા 'નારીશક્તિ વંદન અધિનિયમ'નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, "મોદી ગૅરંટીનો અર્થ તમામ ગૅરંટીની પૂર્તિની ગૅરંટી છે." તેમણે રાષ્ટ્રની વિકાસ યાત્રામાં માતૃશક્તિની વધુ ભાગીદારી માટે શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગ્વાલિયર અને ચંબલ તકોની ભૂમિ બની રહ્યાં છે, જે અગાઉનાં અધર્મ, અપૂરતા વિકાસ અને સામાજિક ન્યાયનાં ઉલ્લંઘનના સમય પછી સરકારની આકરી મહેનતનું પરિણામ છે. તેમણે કહ્યું કે આપણને પાછળ ફરીને જોવાનું પોસાય તેમ નથી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આધુનિક માળખાગત સુવિધા અને મજબૂત કાયદો અને વ્યવસ્થાથી ખેડૂતો અને ઉદ્યોગો બંનેને લાભ થાય છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "જ્યારે બંને વ્યવસ્થાઓ વિકાસવિરોધી સરકારની હાજરીને કારણે પડી ભાંગે છે." તેમણે જણાવ્યું હતું કે, વિકાસ વિરોધી સરકાર ગુનાખોરી અને તુષ્ટિકરણને પણ જન્મ આપે છે, જેથી ગુંડાઓ, ગુનેગારો, તોફાનીઓ અને ભ્રષ્ટ લોકોને મુક્ત હાથ આપવામાં આવે છે, જેનાં કારણે મહિલાઓ, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ પર અત્યાચારોમાં વધારો થાય છે. પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશની જનતાને આ પ્રકારનાં વિકાસવિરોધી તત્ત્વોથી સતર્ક રહેવા અપીલ કરી હતી.
વંચિતોને પ્રાથમિકતા આપવાની સરકારની નીતિનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમારી સરકાર દરેક વર્ગ અને દરેક ક્ષેત્રને વિકાસ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. જેમની કોઈએ પરવા ન કરી, મોદી તેમની ચિંતા કરે છે, મોદી તેમની પૂજા કરે છે." તેમણે દિવ્યાંગો માટે આધુનિક ઉપકરણો અને સામાન્ય સાંકેતિક ભાષાના વિકાસ જેવા વિવિધ પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. આજે ગ્વાલિયરમાં દિવ્યાંગ રમતવીરો માટે નવાં રમત-ગમત કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ જ રીતે, દાયકાઓથી નાના ખેડૂતોની અવગણના કરવામાં આવી હતી, હવે તેમની સંભાળ લેવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ મારફતે દેશના દરેક નાના ખેડૂતનાં ખાતાંમાં રૂ. 28 હજાર મોકલ્યા છે. આપણા દેશમાં અઢી કરોડ નાના ખેડૂતો છે જે બરછટ અનાજ ઉગાડે છે. "અગાઉ બરછટ અનાજ ઉગાડતા નાના ખેડૂતોની કોઈને પરવા નહોતી. તે અમારી સરકાર છે જેણે ભારતીય ખાદ્યપદાર્થોને બાજરીની ઓળખ આપી છે અને તેને વિશ્વભરનાં બજારોમાં લઈ જઈ રહી છે," એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ ચાલુ રાખ્યું અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે વાત કરી જેનાથી કુંભાર, લુહાર, સુથાર, સુનાર, માલાકાર, દરજી, ધોબી અને મોચીઓ અને વાળંદોને લાભ થશે. સમાજનો આ વર્ગ પાછળ રહી ગયો છે તે તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મોદીએ તેમને આગળ લાવવા માટે એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે". તેમણે માહિતી આપી હતી કે, સરકાર તેમની તાલીમનો ખર્ચ ઉપાડશે અને આધુનિક ઉપકરણો માટે 15,000 રૂપિયા પણ આપશે. તેમણે એ પણ નોંધ્યું હતું કે, તેમને લાખો રૂપિયાની સસ્તી લોન આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું, "મોદીએ વિશ્વકર્માઓના દેવાંની ગૅરંટી લીધી છે.
પ્રધાનમંત્રીએ ડબલ એન્જિનવાળી સરકારના ભવિષ્યલક્ષી અભિગમ પર ભાર મૂક્યો હતો અને મધ્ય પ્રદેશને દેશનાં ટોચનાં રાજ્યોમાં લાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી નરેન્દ્ર સિંહ તોમર, ડૉ. વિરેન્દ્ર કુમાર અને જ્યોતિરાદિત્ય સિંધિયા, સંસદ સભ્યો અને મધ્ય પ્રદેશ સરકારના મંત્રીઓ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચાદભૂમિકા
સમગ્ર દેશમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની વધુ એક પહેલ સ્વરૂપે પ્રધાનમંત્રીએ રૂ. 11,895 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવેલા દિલ્હી-વડોદરા એક્સપ્રેસવેનું લોકાર્પણ કર્યું હતું. તેઓ રૂ. 1880 કરોડથી વધારેનાં મૂલ્યનાં પાંચ વિવિધ રોડ પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ પણ કરશે.
દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર હોય તે સુનિશ્ચિત કરવાનો પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે. આ વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રીએ પીએમએવાય- ગ્રામીણ હેઠળ નિર્મિત 2.2 લાખથી વધારે મકાનોનાં ગૃહ પ્રવેશની શરૂઆત કરી હતી. તેમણે આશરે રૂ. 140 કરોડના ખર્ચે પીએમએવાય - અર્બન હેઠળ નિર્માણ પામેલાં મકાનોનું લોકાર્પણ પણ કર્યું હતું.
સરકારનાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાંનું એક સલામત અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવાનું છે. આ ઉદ્દેશ પાર પાડવા પ્રધાનમંત્રીએ ગ્વાલિયર અને શ્યોપુર જિલ્લાઓમાં રૂ. 1530 કરોડથી વધારેનાં મૂલ્યનાં જલ જીવન મિશનના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓથી આ વિસ્તારનાં 720થી વધારે ગામડાઓને લાભ થશે.
સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાને વધારે વેગ આપવાનાં એક પગલામાં પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય માળખાગત મિશન અંતર્ગત નવ સ્વાસ્થ્ય કેન્દ્રોનો શિલાન્યાસ કર્યો હતો. 150 કરોડથી વધુના ખર્ચે તેનો વિકાસ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ આઇઆઇટી ઇન્દોરનાં શૈક્ષણિક ભવનનું લોકાર્પણ કર્યું હતું તથા સંકુલમાં છાત્રાલય અને અન્ય ઇમારતો માટે શિલારોપણ કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રીએ ઇન્દોરમાં મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે ઉજ્જૈનમાં ઇન્ટિગ્રેટેડ ઔદ્યોગિક ટાઉનશિપ, આઇઓસીએલ બોટલિંગ પ્લાન્ટ અને ગ્વાલિયરમાં અટલ બિહારી વાજપેયી દિવ્યાંગ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર સહિતની વિવિધ યોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.