પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શેખ અહમદ અલ-અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ સાથે વાતચીત કરી હતી.
બંને નેતાઓએ રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, ટેક્નોલોજી, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો સહિતના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા રોડમેપ પર ચર્ચા કરી હતી. તેઓએ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કુવૈતી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને અન્ય હિતધારકોના બનેલા પ્રતિનિધિમંડળને ઉર્જા, સંરક્ષણ, તબીબી ઉપકરણો, ફાર્મા, ફૂડ પાર્ક સહિત અન્ય ક્ષેત્રોમાં નવી તકો જોવા માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. નેતાઓએ પરંપરાગત ચિકિત્સા અને કૃષિ સંશોધનમાં સહકાર અંગે પણ ચર્ચા કરી હતી. તેઓએ તાજેતરના સંયુક્ત કમિશન ફોર કોઓપરેશન (JCC) પર હસ્તાક્ષરનું સ્વાગત કર્યું, જેના હેઠળ સ્વાસ્થ્ય, માનવશક્તિ અને હાઇડ્રોકાર્બન પર હાલના JWGs ઉપરાંત વેપાર, રોકાણ, શિક્ષણ, ટેકનોલોજી, કૃષિ, સુરક્ષા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં નવા સંયુક્ત કાર્યકારી જૂથોની સ્થાપના કરવામાં આવી છે.
વાટાઘાટો બાદ બંને નેતાઓએ દ્વિપક્ષીય કરારો અને એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં અને તેનું આદાનપ્રદાન કર્યું હતું. જેમાં સંરક્ષણ સહકાર પર સહમતિ પત્ર, સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ, રમતગમતના ક્ષેત્રમાં સહકાર પર એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને કુવૈત ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાવા પર ફ્રેમવર્ક કરારનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ કુવૈતના મહામહિમ પ્રધાનમંત્રીને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.