પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડના મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ કે પ્રકલ્પનું શિલારોપાણ કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતા. આ પ્રકલ્પોમાં મહેસાણા – ભટિન્ડા – ગુરદાસપુર ગેસ પાઇપલાઇન, આબુ રોડ પર એચપીસીએલ (હિંદુસ્તાન પેટ્રોલિયમ નિગમ લિમિટેડ)નો એલપીજી પ્લાન્ટ, આઇઓસીએલ (ભારતીય ઓઇલ નિગમ લિમિટેડ)ના અજમેર બોટલિંગ પ્લાન્ટની સંગ્રહક્ષમતામાં વધારો, રેલવે અને માર્ગ સાથે સંબંધિત પ્રકલ્પો, નાથદ્વારામાં પ્રવાસનલક્ષી સુવિધાઓ અને કોટામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું કાયમી સંકુલ સામેલ છે.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિઓને યાદ કરી હતી. તેમણે સમગ્ર દેશમાં 1 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન વિશે વાત કરી હતી અને આ જનઅભિયાનમાં મોટી સંખ્યામાં સામેલ થવા માટે નાગરિકોનો આભાર માન્યો હતો.
સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને સ્પર્ધાત્મક વિકાસ પ્રત્યે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં નવ વર્ષ દરમિયાન તેમના દ્વારા આ સિદ્ધાંતોને અમલમાં લાવવા તથા તેનો વ્યાપ વધારવા દેશ કામ કરી રહ્યો છે તથા આજે શરૂ થયેલા રૂ. 7,000 કરોડથી વધારે મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો એનું પ્રતિબિંબ છે એવી જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગેસ કે વાયુ આધારિત અર્થતંત્રની કામગીરી વધારવા સમગ્ર દેશમાં ગેસ પાઇપલાઇનો પાથરવા અસાધારણ અભિયાન ચાલુ છે. મહેસાણા – ભટિન્ડા – ગુરદાસપુર ગેસના પાલી-હનુગાનગઢ વિભાગ આજે દેશને અર્પણ થયો હતો, જે રાજસ્થાનમાં ઉદ્યોગની કામગીરીઓને વેગ આપશે અને રોજગારીની તકોમાં વધારો કરશે. એનાથી રસોડાઓમાં પાઇપ મારફતે ગેસ પ્રદાન કરવાના અભિયાનને પણ વેગ મળશે એવું તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ આજે શરૂ થયેલા રેલવે અને માર્ગ સાથે સંબંધિત વિવિધ પ્રકલ્પો વિશે પણ વાત કરી હતી તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ તમામ પ્રકલ્પો મેવાડના લોકોના જીવનની સરળતામાં વધારો કરશે. તેમણે કહ્યું હતું કે, એનાથી રોજગારીની નવી તકોનું સર્જન થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઇઆઇઆઇટી કેમ્પસના વિકાસ સાથે કોટાની શૈક્ષણિક કેન્દ્ર તરીકેની ઓળખ વધારે મજબૂત થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજસ્થાન એક એવું રાજ્ય છે, જે ભૂતકાળનો વારસો ધરાવે છે, વર્તમાનને મજબૂત કરે છે અને ભવિષ્યની સંભવિતતાઓ ધરાવે છે. નાથદ્રારા પ્રવાસન અને સાંસ્કૃતિક કેન્દ્રનો સંદર્ભ આપીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રવાસન સર્કિટનો ભાગ છે, જેમાં જયપુરનું ગોવિંદ દેવજીનું મંદિર, સિકરનું ખાટુ શ્યામ મંદિર અને રાજસમંદમાં નાથદ્વારા સામેલ છે. આ રાજસ્થાનના ભવ્ય વારસાને વધારશે અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળતાં એને ફાયદો થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ચિત્તોડગઢ નજીક સાંવરિયા સેઠનું મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ મંદિર આધ્યાત્મિકતા માટેનું એક કેન્દ્ર છે.” તેમણે જણાવ્યું હતું કે, અહીં દર વર્ષે સાંવરિયા સેઠની પૂજાઅર્ચના કરવા લાખો શ્રદ્ધાળુઓ આવે છે. વેપારી સમુદાય વચ્ચે એનું મહત્વ દર્શાવીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આ મંદિરમાં ઘણી આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. તેમણે વોટર-લેસર શૉ, પ્રવાસન સુવિધા કેન્દ્ર, એમ્ફિથિયેટર અને કાફેટેરિયાના ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ સુવિધાઓ યાત્રાળુઓ માટે સુવિધાઓમાં વધારો કરશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “રાજસ્થાનના વિકાસને ભારત સરકાર અતિ પ્રાથમિકતા આપે છે. અમે રાજસ્થાનમાં એક્સપ્રેસવે, રાજમાર્ગો અને રેલવે જેવી આધુનિક માળખાગત સુવિધાઓ વિકસાવવા પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પછી એ દિલ્હી – મુંબઈ એક્સપ્રેસવે હોય, કે અમૃતસર – જામનગર એક્સપ્રેસવે હોય, આ તમામ રાજસ્થાનમાં પરિવહન સંચાલન ક્ષેત્રને નવી તાકાત આપશે.” તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, ઉદેપુર – જયપુર વંદે ભારત ટ્રેનને તાજેતરમાં શરૂ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાલા પ્રોજેક્ટના સૌથી મોટા લાભાર્થી રાજ્યોમાં રાજસ્થાન સામેલ છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “રાજસ્થાનનો ઇતિહાસ આપણને શીખવે છે કે, આપણે સાહસિકતા, ભવ્યતા અને વિકાસ સાથે અગ્રેસર થવું જોઈએ.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, “અત્યારે ભારત એ જ દિશામાં આગેકૂચ કરી રહ્યો છે. દરેકના સાથસહકાર અને પ્રયાસો સાથે અમે વિકસિત ભારતનું નિર્માણ કરવાની કામગીરીઓમાં સંકળાયેલા છીએ. ભૂતકાળમાં વંચિત અને પછાત રહી ગયેલા વિસ્તારો અને વર્ગોને હાલ તેમના વિકાસમાં દેશ અને સરકાર પ્રાથમિકતા આપી રહ્યો છે.” છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન દેશમાં સફળતાપૂર્વક ચાલી રહેલાં આકાંક્ષી (વિકાસ માટેની આકાંક્ષા ધરાવતા) જિલ્લા કાર્યક્રમનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, મેવાડ અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને આ અભિયાન અંતર્ગત વિકસાવવામાં આવે છે. તેમણે માહિતી આપી હતી કે, આ દિશામાં એક ડગલું વધારે ભરીને કેન્દ્ર સરકાર હવે વિકાસ માટે ઝંખતા તાલુકાઓઓની ઓળખ કરીને તેમનો ઝડપી વિકાસ કરવા ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં રાજસ્થાનના ઘણા તાલુકાઓ આ અભિયાન હેઠળ વિકસાવવામાં આવે છે.
પ્રધાનમંત્રી વંચિત સમુદાયોને પ્રાથમિકતા આપવા માટે જાણકારી આપીને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “સરહદી વિસ્તારોના ગામડાંઓને અગાઉ અંતિમ ગામડાંઓ ગણવામાં આવતાં હતાં. પરંતુ હવે અમારી સરકારે તેને દેશના પ્રથમ ગામડાઓ ગણીને તેને વિકસાવવાની શરૂઆત કરી દીધી છે. રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં અનેક ગામડાંઓને આમાંથી મોટો ફાયદો થશે એની ખાતરી છે.”
પૃષ્ઠભૂમિ
ગેસ કે વાયુ-આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે વધુ એક પગલાં સ્વરૂપે મહેસાણા – ભટિન્ડા – ગુરદાસપુર ગેસ પાઇપલાઇનને પ્રધાનમંત્રીએ અર્પણ કરી હતી. આ પાઇપલાઇનનું નિર્માણ આશરે રૂ. 4,500 કરોડના ખર્ચે થયું છે. પ્રધાનમંત્રીએ આબુ રોડ પર હિંદુસ્તાન પેટ્રોલિયમ નિગમ લિમિટેડ (એચપીસીએલ)ના એલપીજી પ્લાન્ટ પણ દેશને અર્પણ કર્યો હતો. આ પ્લાન્ટ દર વર્ષે 86 લાખ સીલિન્ડર કે બાટલા ભરશે અને તેનું વિતરણ કરશે, જેનાં પરિણામે દર વર્ષે સિલિન્ડરનું વહન કરતાં ટ્રકોના પરિવહનમાં આશરે 0.75 મિલિયન કે 7.5 લાખ કિલોમીટર સુધીનો ચોખ્ખો ઘટાડો થશે. આ રીતે દર વર્ષે આશરે 0.5 મિલયન ટન કે 5 લાખ ટન કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઘટશે. તેમણે આઇઓસીએલ (ઇન્ડિયન ઓઇલ નિગમ લિમિટેડ)ના અજમેર બોટલિંગ ખાતે વધારાની સંગ્રહ સુવિધા પણ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ દારાહ-ઝાલાવાડ-તીનધાર વિભાગ પર રાષ્ટ્રીય રાજમાર્ગ-12 (એનએચ-12) (નવો એનએચ-52) પર 4-લેન માર્ગ સમર્પિત કર્યો હતો, જેનું નિર્માણ રૂ. 1480 કરોડથી વધારે ખર્ચે થયું છે. આ પ્રકલ્પ કોટા અને ઝાલાવાડ જિલ્લાઓમાંથી ખનીજ ઉત્પાદનોના પરિવહનની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ થશે. વળી સવાઈ માધોપુરમાં રેલવે ઓવર બ્રિજ (આરઓબી – રેલવેની લાઇન પર પુલ)ને ટૂ-લેનમાંથી ફોર-લેનનું નિર્માણ કરવા અને પહોળો કરવા માટે શિલારોપણ પણ કરવામાં આવશે. આ પ્રકલ્પ ટ્રાફિક જામ થઈ જવાની સમસ્યામાંથી રાહત પ્રદાન કરશે.
પ્રધાનમંત્રીએ રેલવે સાથે સંકળાયેલા વિવિધ પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતા, જેમાં ચિત્તોડગઢ – નીમુચ રેલવે લાઇન અને કોટા – ચિત્તોડગઢ વીજકૃત રેલવે લાઇનનું ડબલિંગ સાથે સંકળાયેલા પ્રોજેક્ટ સામેલ છે. આ વિવિધ પ્રોજેક્ટ કે પ્રકલ્પનું નિર્માણ રૂ 650 કરોડથી વધારે ખર્ચે થયું છે તથા આ વિસ્તારમાં રેલવે સાથે સંબંધિત માળખાગત સુવિધાને મજબૂત કરશે. આ સુવિધાઓ રાજસ્થાનમાં ઐતિહાસિક પ્રવાસન કેન્દ્રોમાં પ્રવાસનને પણ વેગ આપશે.
પ્રધાનમંત્રીએ સ્વદેશ દર્શન યોજના અંતર્ગત નાથદ્વારા ખાતે વિકસાવવામાં આવેલી પ્રવાસનલક્ષી સુવિધાઓ દેશને સમર્પિત કરી હતી. નાથદ્વારા સંત વલ્લભાચાર્ય દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગ સંપ્રદાયના લાખો-કરોડો અનુયાયીઓના આસ્થાનું મુખ્ય અને મહત્વપૂર્ણ કેન્દ્ર છે. નાથદ્વારા ખાતે આધુનિક 'પ્રવાસનલક્ષી અર્થઘટન અને સાંસ્કૃતિક કેન્દ્ર' વિકસાવવામાં આવ્યું છે, જ્યાં પ્રવાસીઓ શ્રીનાથજીના જીવનના વિવિધ પાસાં કે ઝાંખીને અનુભવી શકે છે. ઉપરાંત પ્રધાનમંત્રીએ કોટામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કાયમી કેમ્પસ કે સંકુલને પણ દેશને અર્પણ કર્યું હતું.