પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુણે મેટ્રોનાં પૂર્ણ થયેલા સેક્શનોનું ઉદ્ઘાટન દર્શાવતી મેટ્રો ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 1280થી વધારે મકાનો અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત 2650થી વધારે પીએમએવાય મકાનો લાભાર્થીઓને સુપરત કર્યાં હતાં. તેમણે પીસીએમસી દ્વારા નિર્માણ પામનારાં આશરે 1190 પીએમએવાય મકાનો અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા બાંધવામાં આવેલાં 6400થી વધુ મકાનો માટે શિલારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ પીસીએમસી અંતર્ગત આશરે રૂ. 300 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઑગસ્ટ એ ઉજવણી અને ક્રાંતિનો મહિનો છે. સ્વતંત્રતા સંગ્રામમાં પુણે શહેરનાં યોગદાન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ શહેરે બાલ ગંગાધર તિલક સહિત દેશને અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓ આપ્યા છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આજે મહાન અન્ના ભાઉ સાઠેની જન્મજયંતિ છે, જેઓ સમાજ સુધારક હતા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના આદર્શોથી પ્રેરિત હતા. આજે પણ, પ્રધાનમંત્રીએ જાણકારી આપી કે, ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો તેમનાં સાહિત્યિક કાર્યો પર સંશોધન કરે છે તથા તેમનું કાર્ય અને આદર્શો દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
પુણે એક જીવંત શહેર છે જે દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપે છે અને સમગ્ર દેશના યુવાનોનાં સપનાને પૂર્ણ કરે છે. આશરે 15,000 કરોડ સાથેની આજની પરિયોજનાઓ આ ઓળખને વધારે મજબૂત કરશે," એમ પ્રધાનમંત્રીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ શહેરી મધ્યમ વર્ગનાં જીવનની ગુણવત્તા અંગે સરકારની ગંભીરતા પર ભાર મૂક્યો હતો. પાંચ વર્ષ અગાઉ મેટ્રોનું કામ શરૂ થયું હતું તેને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સમયગાળામાં 24 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક કાર્યરત થઈ ચૂક્યું છે.
શ્રી મોદીએ દરેક શહેરમાં રહેતાં લોકોનાં જીવનની ગુણવત્તા સુધારવા માટે જાહેર પરિવહન માળખાગત સુવિધામાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એટલે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મેટ્રો નેટવર્કનું વિસ્તરણ થઈ રહ્યું છે, નવા ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે અને ટ્રાફિક લાઇટની સંખ્યા ઘટાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014 અગાઉ દેશમાં ફક્ત 250 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક હતું અને મોટા ભાગની મેટ્રો લાઇન દિલ્હી પૂરતી મર્યાદિત હતી, ત્યારે અત્યારે મેટ્રોનું નેટવર્ક 800 કિલોમીટરને વટાવી ગયું છે અને દેશમાં 1000 કિલોમીટરની નવી મેટ્રો લાઇન માટે કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014 અગાઉ મેટ્રોનું નેટવર્ક ભારતમાં ફક્ત 5 શહેરો પૂરતું મર્યાદિત હતું, ત્યારે અત્યારે પુણે, નાગપુર અને મુંબઈ સહિત 20 શહેરોમાં મેટ્રો કાર્યરત છે, જ્યાં નેટવર્કનું વિસ્તરણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મેટ્રો આધુનિક ભારતનાં શહેરો માટે નવી જીવનરેખા બની રહી છે." તેમણે પુણે જેવાં શહેરમાં આબોહવામાં ફેરફારનો સામનો કરવા મેટ્રોનાં વિસ્તરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ શહેરી જીવનની ગુણવત્તા સુધારવામાં સ્વચ્છતાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન શૌચાલયની સુવિધા સુધી જ મર્યાદિત નથી, પણ કચરાનું વ્યવસ્થાપન એ મોટું ધ્યાન કેન્દ્રિત ક્ષેત્ર પણ છે. મિશન મોડમાં કચરાના ડુંગરો હટાવવામાં આવી રહ્યા છે. તેમણે પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી) હેઠળ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લાભો સમજાવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસે આઝાદી પછી ભારતના ઔદ્યોગિક વિકાસ માટે માર્ગ મોકળો કર્યો છે." રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને આગળ વધારવાની જરૂરિયાત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા થઈ રહેલાં અભૂતપૂર્વ રોકાણો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે રાજ્યમાં નવા એક્સપ્રેસવે, રેલવે રૂટ અને એરપોર્ટના વિકાસનું ઉદાહરણ આપ્યું હતું. રેલવેનાં વિસ્તરણ માટે, પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014 અગાઉની સરખામણીમાં ખર્ચમાં 12 ગણો વધારો થયો છે. મહારાષ્ટ્રનાં વિવિધ શહેરો પડોશી રાજ્યોનાં આર્થિક કેન્દ્રો સાથે પણ જોડાયેલાં છે. પ્રધાનમંત્રીએ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલનું ઉદાહરણ આપ્યું હતું, જેનાથી મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેને લાભ થશે, દિલ્હી-મુંબઈ ઈકોનોમિક કૉરિડોર, જે મહારાષ્ટ્રને મધ્ય પ્રદેશ અને ઉત્તર ભારતનાં અન્ય રાજ્યો સાથે જોડશે, નેશનલ ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર, જે મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત વચ્ચે રેલવે કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવશે તથા રાજ્યને છત્તીસગઢ, તેલંગાણા, અન્ય પડોશી રાજ્યો સાથે જોડવા માટે ટ્રાન્સમિશન લાઈન નેટવર્કનું પણ ઉદાહરણ આપ્યું હતું, જે ઉદ્યોગો, ઓઇલ અને ગેસ પાઇપલાઇન્સ, ઔરંગાબાદ ઔદ્યોગિક શહેર, નવી મુંબઈ એરપોર્ટ અને શેન્દ્ર બિડકીન ઔદ્યોગિક પાર્કને લાભ આપશે. તેમણે કહ્યું કે આવા પ્રોજેક્ટ્સમાં મહારાષ્ટ્રનાં અર્થતંત્રમાં નવી ઊર્જાનો ઉત્સાહ વધારવાની ક્ષમતા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્યના વિકાસ થકી સરકાર દેશના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહી છે. "જ્યારે મહારાષ્ટ્રનો વિકાસ થશે, ત્યારે ભારતનો વિકાસ થશે. જ્યારે ભારતનો વિકાસ થશે, ત્યારે મહારાષ્ટ્રને પણ તેનો લાભ મળશે." નવીનીકરણ અને સ્ટાર્ટઅપનાં કેન્દ્ર તરીકે ભારતની વધતી જતી ઓળખનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 9 વર્ષ અગાઉ કેટલાંક જૂજ સો સ્ટાર્ટઅપ્સ હતાં એની સરખામણીએ ભારતે 1 લાખ સ્ટાર્ટઅપ્સને પાર કરી દીધાં છે. તેમણે આ સફળતા માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિસ્તરણને શ્રેય આપ્યો અને ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાયામાં તેની ભૂમિકા માટે પુણેની પ્રશંસા કરી. તેમણે ઉમેર્યું હતું કે, "દરેક ગામમાં સસ્તા ડેટા, સસ્તા ફોન અને ઈન્ટરનેટની સુવિધાઓ પહોંચવાથી આ ક્ષેત્ર મજબૂત બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત 5G સેવાઓની સૌથી ઝડપી શરૂઆત ધરાવતા દેશોમાંનો એક છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફિનટેક, બાયોટેક અને એગ્રિટેકમાં યુવાનોએ ભરેલી હરણફાળથી પુણેને લાભ થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રીએ કર્ણાટક અને બેંગાલુરુ માટે રાજકીય સ્વાર્થનાં પરિણામો માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કર્ણાટક અને રાજસ્થાનમાં વિકાસ અટકી જવા અંગે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "દેશને પ્રગતિના માર્ગે અગ્રેસર કરવા નીતિઓ, ઇરાદાઓ અને નિયમો (નીતિ નિષ્ઠા અને નિયમ) પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ છે." વિકાસ માટે આ નિર્ણાયક શરત છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 2014 અગાઉનાં 10 વર્ષમાં તે સમયની બે યોજનાઓમાં ફક્ત 8 લાખ મકાનોનું નિર્માણ થયું હતું. મહારાષ્ટ્રમાં 50 હજાર સહિત આવાં 2 લાખથી વધારે મકાનોને લાભાર્થીઓએ નબળી ગુણવત્તાને કારણે નકારી કાઢ્યાં હતાં, એવી માહિતી તેમણે આપી હતી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે યોગ્ય ઇરાદા સાથે કામ કરવાનું શરૂ કર્યું છે અને વર્ષ 2014માં સત્તામાં આવ્યા પછી નીતિમાં ફેરફાર કર્યો છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં સરકારે ગામડાંઓ અને શહેરોમાં ગરીબો માટે 4 કરોડથી વધારે પાકાં મકાનોનું નિર્માણ કર્યું છે, જ્યાં શહેરી ગરીબો માટે 75 લાખથી વધારે મકાનોનું નિર્માણ થયું છે. તેમણે બાંધકામમાં રજૂ કરવામાં આવેલી પારદર્શિતા અને તેની ગુણવત્તામાં થયેલા સુધારા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, દેશમાં સૌપ્રથમ વાર આજે નોંધાયેલાં મોટા ભાગનાં મકાનો મહિલાઓનાં નામે છે. આ મકાનોની કિંમત લાખો રૂપિયા છે એની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં દેશમાં કરોડો મહિલાઓ 'લખપતિ' બની ગઈ છે. પ્રધાનમંત્રીએ જેમને નવું ઘર મળ્યું છે એ તમામ લોકોને અભિનંદન આપ્યાં હતાં અને શુભેચ્છા પાઠવી હતી.
તેમણે કહ્યું હતું કે, "ગરીબ હોય કે મધ્યમ વર્ગીય પરિવાર, દરેક સ્વપ્નને પૂર્ણ કરવું એ મોદીની ગૅરંટી છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક સ્વપ્ન સાકાર થવાથી બહુવિધ સંકલ્પોની શરૂઆત થાય છે અને તે વ્યક્તિનાં જીવનમાં પ્રેરક બળ બની જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમે તમારાં બાળકો, તમારી વર્તમાન અને તમારી ભવિષ્યની પેઢીઓની કાળજી લઈએ છીએ."
સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ એક મરાઠી કહેવતને ટાંકીને સમજાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ છે કે, માત્ર આજને જ નહીં, પણ આવતી કાલને પણ અજવાળીએ. તેમણે કહ્યું હતું કે, વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ આ જ પ્રકારની ભાવનાનું પ્રગટીકરણ છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે, અહીં મહારાષ્ટ્રમાં એક જ ઉદ્દેશથી જેમ વિવિધ પક્ષો ભેગા થયા છે એમ ખભેખભો મિલાવીને કામ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "ઉદ્દેશ એ છે કે દરેકની ભાગીદારીથી મહારાષ્ટ્ર માટે વધુ સારું કામ થઈ શકે, મહારાષ્ટ્રનો ઝડપી ગતિએ વિકાસ થવો જોઈએ."
આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીઓ શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને શ્રી અજિત પવાર તથા મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચાદભૂમિકા
પ્રધાનમંત્રીએ પુણે મેટ્રોના પ્રથમ તબક્કાના બે કૉરિડોરનાં પૂર્ણ થયેલા સેક્શનો પર સેવાઓનું ઉદ્ઘાટન દર્શાવતી મેટ્રો ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ વિભાગો ફુગેવાડી સ્ટેશનથી સિવિલ કૉર્ટ સ્ટેશન અને ગરવારે કૉલેજ સ્ટેશનથી રૂબી હોલ ક્લિનિક સ્ટેશન સુધીના છે. વર્ષ 2016માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીએ જ કર્યો હતો. નવા વિભાગો પુણે શહેરનાં મહત્વનાં સ્થળો જેવાં કે શિવાજી નગર, સિવિલ કૉર્ટ, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફિસ, પુણે આરટીઓ અને પુણે રેલવે સ્ટેશનને જોડશે. આ ઉદ્ઘાટન સમગ્ર દેશમાં નાગરિકોને આધુનિક અને પર્યાવરણને અનુકૂળ સામૂહિક ઝડપી શહેરી પરિવહન વ્યવસ્થા પ્રદાન કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
માર્ગ પરના કેટલાક મેટ્રો સ્ટેશનોની ડિઝાઇન છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લે છે. છત્રપતિ સંભાજી ઉદ્યાન મેટ્રો સ્ટેશન અને ડેક્કન જીમખાના મેટ્રો સ્ટેશનો છત્રપતિ શિવાજી મહારાજના સૈનિકો દ્વારા પહેરવામાં આવતી પાઘડી જેવી જ એક અનોખી ડિઝાઇન ધરાવે છે - જેને 'માવલા પગડી' તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવાજી નગર ભૂગર્ભ મેટ્રો સ્ટેશનની એક વિશિષ્ટ ડિઝાઇન છે જે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાઓની યાદ અપાવે છે.
એક વિશિષ્ટ વિશેષતા એ છે કે સિવિલ કૉર્ટ મેટ્રો સ્ટેશન દેશનાં સૌથી ઊંડાં મેટ્રો સ્ટેશનોમાંનું એક છે, જે 33.1 મીટરે સૌથી ઊંડું બિંદુ ધરાવે છે. સ્ટેશનની છત એવી રીતે બનાવવામાં આવી છે કે સીધો સૂર્યપ્રકાશ પ્લેટફોર્મ પર પડે છે.
તમામ માટે મકાન હાંસલ કરવાનાં અભિયાનને આગળ વધારતા પ્રધાનમંત્રીએ પીસીએમસી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 1280થી વધારે મકાનો અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત 2650થી વધારે પીએમએવાય મકાનો સુપરત કર્યાં હતાં. ઉપરાંત, પ્રધાનમંત્રીએ પીસીએમસી દ્વારા નિર્માણ પામનારાં આશરે 1190 પીએમએવાય મકાનો અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા બાંધવામાં આવેલાં 6400થી વધારે મકાનોનો શિલાન્યાસ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી) હેઠળ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ પ્લાન્ટ વાર્ષિક લગભગ 2.5 લાખ મેટ્રિક ટન કચરાનો ઉપયોગ વીજળીનું ઉત્પાદન કરવા માટે કરશે.
Our government is committed to enhancing quality of life of citizens. pic.twitter.com/mpnNNTR1Xo
— PMO India (@PMOIndia) August 1, 2023
हमें भारत के शहरों में रहने वाले लोगों का जीवन स्तर बढ़ाना है, तो हमें पब्लिक ट्रांसपोर्ट को आधुनिक बनाना ही होगा। pic.twitter.com/EC9Fc5orN4
— PMO India (@PMOIndia) August 1, 2023
आजादी के बाद से ही महाराष्ट्र के औद्योगिक विकास ने भारत के औद्योगिक विकास को निरंतर गति दी है। pic.twitter.com/PN7ApB0Npm
— PMO India (@PMOIndia) August 1, 2023