રાષ્ટ્રને IIT ધારવાડનું લોકાર્પણ કર્યું
શ્રી સિદ્ધારુધા સ્વામીજી હુબલી સ્ટેશન પર વિશ્વના સૌથી લાંબા નવનિર્મિત રેલ્વે પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું
હમ્પીના સ્મારકો સાથે મેળ ખાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવેલા પુનર્વિકસિત હોસાપેટે સ્ટેશનનું લોકાર્પણ કર્યું
ધારવાડ મલ્ટી વિલેજ પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કર્યો
હુબલી-ધારવાડ સ્માર્ટ સિટીની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો
"ડબલ એન્જિનની સરકાર રાજ્યના દરેક જિલ્લા, ગામ અને વસાહતોના સંપૂર્ણ વિકાસ માટે અત્યંત પ્રમાણિકતાથી પ્રયત્નશીલ છે"
“ધારવાડ ખાસ છે. તે ભારતની સાંસ્કૃતિક ગતિશીલતાનું પ્રતિબિંબ છે”
“ધારવાડમાં નવનિર્મિત IITનું નવું કેમ્પસ ગુણવત્તાપૂર્ણ શિક્ષણની સુવિધા પૂરી પાડશે. તે વધુ સારી આવતીકાલ માટે યુવા માનસનો ઉછેર કરશે”
"ડબલ એન્જિન સરકાર શિલાન્યાસથી લઇને પ્રોજેક્ટના ઉદ્ઘાટન સુધી, એકધારી ગતિએ કામ કરે છે"
“સારું શિક્ષણ દરેક જગ્યાએ, દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઇએ. ગુણવત્તાપૂર્ણ સંસ્થાઓની મોટી સંખ્યા વધુ લોકો સુધી સારું શિક્ષણ પહોંચે તેવું સુનિશ્ચિત કરશે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસલક્ષી મુખ્ય પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવેલી વિવિધ પરિયોજનાઓમાં IIT ધારવાડનો સમાવેશ થાય છે જેનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા જ ફેબ્રુઆરી 2019માં કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત, શ્રી સિદ્ધારુધા સ્વામીજી હુબલી સ્ટેશન પર વિશ્વનું સૌથી લાંબુ નવનિર્મિત રેલ્વે પ્લેટફોર્મ કે જેની લંબાઇ 1507 મીટર હોવાથી તેને તાજેતરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે, આ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટેના  હોસાપેટે - હુબલી - તિનાઇઘાટ સેક્શનનું વિદ્યુતીકરણ અને હોસાપેટે સ્ટેશનનું અપગ્રેડેશનની કામગીરીનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ હુબલી-ધારવાડ સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે જયદેવ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર, ધારવાડ મલ્ટી વિલેજ પાણી પુરવઠા યોજના અને તુપ્પરીહલ્લા ફ્લડ ડેમેજ કંટ્રોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ આ વર્ષની શરૂઆતમાં હુબલીની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો તેની યાદો તાજી કરી હતી અને તેમના સ્વાગત માટે બહાર આવેલા લોકો દ્વારા તેમના પર વરસાવેલા આશીર્વાદનો ઉલ્લેખ કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંગલુરુથી બેલગાવી, કલબુરાગીથી શિવમોગા અને મૈસુરથી તુમકુરુ સુધી પ્રધાનમંત્રીએ લીધેલી કર્ણાટકની મુલાકાતોને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ કન્નડીગાઓ (કન્નડ લોકો) દ્વારા બતાવવામાં આવેલા અપાર પ્રેમ અને સ્નેહના ઋણી છે અને એવું પણ રેખાંકિત કર્યું હતું કે સરકાર લોકોના જીવનને સરળ બનાવીને, યુવાનો માટે રોજગારીની ઘણી તકો ઊભી કરીને, પ્રદેશની મહિલાઓનું પુન:ચુકવણીના માર્ગ તરીકે સશક્તિકરણ કરીને તેમની જરૂરિયાતો પૂરી કરવાની દિશામાં કામ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કર્ણાટકની ડબલ એન્જિનની સરકાર અત્યંત પ્રામાણિકતા સાથે રાજ્યના દરેક જિલ્લા, ગામ અને વસાહતોના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્નશીલ છે”.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ધારવાડ સદીઓથી મલેનાડુ અને બયાલુસીમ પ્રદેશો વચ્ચેનું એક પ્રવેશદ્વાર રહ્યું છે જેણે ખુલ્લા દિલથી દરેકને આવકાર આપ્યો છે અને દરેક વ્યક્તિ પાસેથી કંઇકને કંઇક શીખીને પોતાને સમૃદ્ધ બનાવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તેથી, ધારવાડ માત્ર એક પ્રવેશદ્વાર જ નથી રહ્યું પરંતુ કર્ણાટક અને ભારતની ગતિશીલતાનું પ્રતિબિંબ બની ગયું છે”. ધારવાડ કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની તરીકે જાણીતું છે જે તેના સાહિત્ય અને સંગીત માટે પ્રખ્યાત છે. પ્રધાનમંત્રીએ ધારવાડના સાંસ્કૃતિક અગ્રણીઓને વંદન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ અગાઉની મંડ્યામાં તેમણે લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નવો બેંગુલુરુ મૈસુર એક્સપ્રેસ-વે કર્ણાટકની સોફ્ટવેર હબ ઓળખને વધુ આગળ લઇ જવાનો માર્ગ મોકળો કરશે. પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, એવી જ રીતે, બેલાગવીમાં ઘણી વિકાસ યોજનાઓનું કાં તો લોકાર્પણ કરવામાં આવ્યું હતું અથવા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમણે શિવમોગા કુવેમ્પુ હવાઇમથકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજના પ્રોજેક્ટ્સની સાથે સાથે આ પ્રોજેક્ટ કર્ણાટકની નવી વિકાસ ગાથા લખી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ધારવાડમાં IITનું નવું નિર્માણ પામેલું કેમ્પસ ગુણવત્તાપૂર્ણ શિક્ષણની સુવિધા પૂરી પાડશે અને સારી આવતીકાલ માટે યુવા માનસનો ઉછેર કરશે". તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, IITનું નવું કેમ્પસ કર્ણાટકની વિકાસ યાત્રાના ઇતિહાસમાં એક નવો અધ્યાય રચી રહ્યું છે. તેમણે ધારવાડ IIT કેમ્પસની ઉચ્ચ ટેકનોલોજીની સુવિધાઓની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, આ ટેકનોલોજીઓ પ્રેરણાના સ્રોત તરીકે કામ કરશે અને તે સંસ્થાને વિશ્વની અન્ય અગ્રણી સંસ્થાઓ જેટલી ઊંચાઇ પર લઇ જશે. પ્રધાનમંત્રીએ IIT ધારવાડ કેમ્પસ વર્તમાન સરકારની 'સંકલ્પ સે સિદ્ધિ' (એટલે ​​કે સંકલ્પ દ્વારા સિદ્ધિ)ની ભાવનાનું મુખ્ય ઉદાહરણ પૂરું છે તે બાબત પર પ્રકાશ પાડીને, ફેબ્રુઆરી 2019માં તેમણે આ સંસ્થાનો શિલાન્યાસ કર્યો હતો તે પ્રસંગની યાદો તાજી કરી હતી અને કોરોના વાઇરસ મહામારીના કારણે માર્ગમાં અનેક અવરોધો આવ્યા હોવા છતાં 4 વર્ષ જેટલા ખૂબ જ ટૂંકા ગાળામાં તેનું કામ પૂરું થવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, "ડબલ એન્જિન સરકાર શિલાન્યાસથી લઇને પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સુધી, સતત ગતિએ કામ કરે છે". તેમણે ઉમેર્યું હતું કે, "જે પરિયોજનાનો શિલાન્યાસ અમારા દ્વારા કરવામાં આવ્યો હોય એ જ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવાના સંકલ્પમાં અમે વિશ્વાસ રાખીએ છીએ."

પ્રધાનમંત્રીએ વિતેલા વર્ષો દરમિયાન ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સંસ્થાઓનું વિસ્તરણ બ્રાન્ડનું નામોનિશાન નાબૂદ કરી દેશે તેવી વિચારસરણી અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વિચારસરણીને કારણે યુવા પેઢીને ઘણું મોટું નુકસાન થયું છે અને નવું ભારત આ વિચારની રીતને પાછળ છોડી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “સારું શિક્ષણ દરેક જગ્યાએ, દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઇએ. ગુણવત્તાપૂર્ણ સંસ્થાઓની મોટી સંખ્યા વધુ લોકો સુધી સારા શિક્ષણની પહોંચ સુનિશ્ચિત કરશે”. તેમણે પોતાની વાતને આગળ વધારતા કહ્યું હતું કે, આ કારણે જ, છેલ્લા 9 વર્ષમાં ભારતમાં ગુણવત્તાપૂર્ણ સંસ્થાઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. એઇમ્સની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, આઝાદી પછીના સાત દાયકામાં 380 મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી હતી જેની સરખામણીએ છેલ્લા 9 વર્ષમાં 250 મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે. આ 9 વર્ષોમાં સંખ્યાબંધ નવી IIM અને IIT શરૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 21મી સદીનું ભારત તેના શહેરોનું આધુનિકીકરણ કરીને આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં હુબલી-ધારવાડનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આજે ઘણા સ્માર્ટ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, "ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ ગવર્નન્સ હુબલી-ધારવાડ પ્રદેશને નવી ઊંચાઇઓ પર લઇ જશે".

બેંગુલુરુ, મૈસુર અને કલબુર્ગીમાં સેવા આપી રહેલી શ્રી જયદેવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર સાયન્સ એન્ડ રિસર્ચ સંસ્થા પર કર્ણાટકના લોકો પર વિશ્વાસ રાખે છે તેને પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યો હતો. હવે આજે હુબલીમાં આની ત્રીજી શાખાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારો ધારવાડ અને તેની આસપાસના વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે સાથે મળીને કામ કરી રહી છે તે વાત પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, જલ જીવન મિશન અંતર્ગત 1,000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની વિવિધ યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે જેમાં રેણુકાસાગર જળાશય અને માલાપ્રભા નદીનેમાંથી પાણી લાવીને 1.25 લાખથી વધુ ઘરો સુધી નળ દ્વારા પહોંચાડવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ધારવાડમાં નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે ત્યારે સમગ્ર જિલ્લાના લોકોને તેનો લાભ મળશે. પ્રધાનમંત્રીએ તુપરીહલ્લા ફ્લડ ડેમેજ કંટ્રોલ પ્રોજેક્ટના મુદ્દાને પણ સ્પર્શ કર્યો હતો. આજે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. તમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટની મદદથી આ પ્રદેશમાં આવાત પૂરને કારણે જે નુકસાન થાય છે તેમાં ઘટાડો થશે.

પ્રધાનમંત્રીએ કર્ણાટક કનેક્ટિવિટીની દૃષ્ટિએ વધુ એક સીમાચિહ્ન સુધી પહોંચ્યું હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો કારણ કે સિદ્ધારુધા સ્વામીજી સ્ટેશન પાસે હવે વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે તે ફક્ત કોઇ પ્લેટફોર્મનો કોઇ રેકોર્ડ અથવા વિસ્તરણ નથી પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવાના વિચારને પણ તે આગળ ધપાવે છે. તેમણે એ વાતની પણ નોંધ લીધી હતી કે, હોસાપેટે – હુબ્બલી – તિનાઇઘાટ સેક્શનનું વિદ્યુતીકરણ અને હોસાપેટે સ્ટેશનનું અપગ્રેડેશન આ દૂરંદેશીનું વધુ મજબૂતીકરણ કરે છે. પ્રધાનમંત્રીએ એવી માહિતી આપી હતી કે, આ માર્ગ દ્વારા ઉદ્યોગો માટે મોટા પાયે કોલસાનું પરિવહન કરવામં આવે છે અને આ લાઇનનું વિદ્યુતીકરણ કર્યા પછી ડીઝલ પરની નિર્ભરતા ઘટશે અને આ પ્રક્રિયામાં પર્યાવરણનું રક્ષણ પણ થશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રયાસોથી પ્રદેશના આર્થિક વિકાસને વેગ મળશે અને તે જ સમયે પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "વધુ સારું અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર જોવા માટે જ સારું છે એવું નથી પરંતુ તે લોકોના જીવનને સરળ પણ બનાવે છે". વધુ સારા માર્ગો અને હોસ્પિટલોના અભાવે તમામ સમુદાયો અને વયના લોકોએ જે મુશ્કેલીઓ ભોગવવી પડે છે તેના પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દેશનો દરેક નાગરિક સમગ્ર દેશમાં વિકાસ પામી રહેલી અદ્યતન માળખાકીય સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મધ્યમ વર્ગના ઉદાહરણો આપ્યા હતા, જેઓ તેમના મુકામ સ્થળ સુધી પહોંચવા માટે વધુ સારી કનેક્ટિવિટીનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ છેલ્લા 9 વર્ષોમાં માળખાકીય સુવિધાઓને આધુનિક બનાવવા માટે કરવામાં આવેલા કામ પર પ્રકાશ પાડતા માહિતી આપી હતી કે, પીએમ સડક યોજના દ્વારા ગામડાઓમાં રસ્તાઓનું નેટવર્ક બમણું કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નેટવર્કમાં 55% કરતાં વધુનો વધારો થયો છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે, છેલ્લા 9 વર્ષમાં દેશમાં હવાઇમથકોની સંખ્યા બમણીથી પણ વધુ થઇ ગઇ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં ભારત ઇન્ટરનેટની દુનિયામાં એટલું પ્રખ્યાત નહોતું. આજે ભારત સમગ્ર દુનિયાના સૌથી શક્તિશાળી ડિજિટલ અર્થતંત્રોમાં સામેલ છે. આવું થવાનું કારણ એ છે કે સરકારે સસ્તું ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવ્યું છે અને તેને ગામડાઓ સુધી પહોંચાડ્યું પણ છે. તેમણે માહિતી આપી હતી કે, "છેલ્લા 9 વર્ષમાં દરરોજ સરેરાશ 2.5 લાખ બ્રોડબેન્ડ કનેક્શન આપવામાં આવ્યા હતા". તેમણે ઉમેર્યું હતું કે, “માળખાકીય સુવિધાઓના વિકાસમાં આ ગતિ આવી રહી છે તેનું કારણ એ છે કે આજે, દેશની જરૂરિયાતો અનુસાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ રાજકીય નફા-નુકસાનને તોલ્યા બાદ રેલ અને માર્ગ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવતી હતી. અમે સમગ્ર દેશ માટે પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લઇને આવ્યા છીએ. જેથી દેશમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ઝડપી ગતિએ થઇ શકે,”

પ્રધાનમંત્રીએ સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરીને, આવાસ, શૌચાલય, રાંધણ ગેસ, હોસ્પિટલો અને પીવાલાયક પાણી વગેરે નિર્ણાયક ક્ષેત્રોમાં અછતના દિવસોને યાદ કર્યા હતા. તેમણે આ ક્ષેત્રોની સમસ્યાઓનો કેવી રીતે ઉકેલ લાવવામાં આવ્યો છે અને આ બધી સુવિધાઓ કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તે વિશે વિગતવાર જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "આજે અમે યુવાનોને આગામી 25 વર્ષમાં તેમના સંકલ્પોને સાકાર કરવા માટે તમામ સંસાધનો પૂરા પાડી રહ્યા છીએ".

ભગવાન બસવેશ્વરે આપેલા યોગદાન પર પ્રકાશ પાડીને, પ્રધાનમંત્રીએ ભગવાન બસવેશ્વર દ્વારા અનુભવ મંડપમની સ્થાપનાને તેમણે આપેલા સંખ્યાબંધ યોગદાનમાં સૌથી મહત્વપૂર્ણ ગણાવી હતી અને નોંધ્યું હતું કે આ લોકશાહી પ્રણાલીનો સમગ્ર વિશ્વમાં અભ્યાસ કરવામાં આવે છે. તેમણે લંડનમાં ભગવાન બસવેશ્વરની પ્રતિમાનું અનાવરણ કરવાના પ્રસંગને યાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જોકે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લંડનમાં જ ભારતની લોકશાહી પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “ભારતની લોકશાહીના મૂળ આપણા સદીઓ જૂના ઇતિહાસમાંથી લેવામાં આવ્યા છે. વિશ્વની કોઇ શક્તિ ભારતની લોકશાહી પરંપરાઓને નુકસાન પહોંચાડી શકે નહીં”. પ્રધાનમંત્રીએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું હતું કે “આમ હોવા છતાં, કેટલાક લોકો સતત ભારતની લોકશાહીને વગોવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકો ભગવાન બસવેશ્વર અને કર્ણાટક અને દેશની જનતાનું અપમાન કરી રહ્યા છે. તેમણે કર્ણાટકની જનતાને આવા લોકોથી સાવધાન રહેવા માટે ચેતવી હતી.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે ટેક-ફ્યુચર ઓફ ઇન્ડિયા તરીકેની કર્ણાટકની ઓળખને વધુ આગળ લઇ જવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્યના આ હાઇટેક એન્જિનને પાવર આપવા માટે ડબલ એન્જિન સરકારની જરૂરિયાત પર ભાર મૂકતી વખતે જણાવ્યું હતું કે “કર્ણાટક હાઇટેક ઇન્ડિયાનું એન્જિન છે’.

આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને કર્ણાટક સરકારના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ નવનિર્મિત IIT ધારવાડના કેમ્પસનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. ફેબ્રુઆરી 2019માં પ્રધાનમંત્રી દ્વારા જ સંસ્થાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. 850 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ સંસ્થામાં હાલમાં 4 વર્ષના બીટેક અભ્યાસ પ્રોગ્રામ, આંતર-શાખીય 5-વર્ષનો BS-MS પ્રોગ્રામ, એમટેક અને પીએચડી પ્રોગ્રામો ભણાવવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ શ્રી સિદ્ધારુધા સ્વામીજી હુબલી સ્ટેશન પર નવું નિર્માણ પામેલું વિશ્વનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ પણ રાષ્ટ્રને લોકાર્પિત કર્યું હતું. આ રેકોર્ડને તાજેતરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવી છે. લગભગ 20 કરોડના ખર્ચે અહીં 1507 મીટર લાંબુ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટે હોસાપેટે - હુબલી - તિનાઇઘાટ સેક્શનના વિદ્યુતીકરણ અને અપગ્રેડ કરવામાં આવેલા હોસાપેટે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. 530 કરોડથી વધુના ખર્ચે વિકસિત, વિદ્યુતીકરણ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક ટ્રેક્શન પર વિના અવરોધે ટ્રેનોનું પરિચાલન સ્થાપિત કરે છે. ફરી વિકસાવવામાં આવેલા હોસાપેટે સ્ટેશન પર પ્રવાસીઓને અનુકૂળ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. હમ્પીના સ્મારકો સાથે મેળખાય તેવી રીતે તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ હુબલી-ધારવાડ સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓની કુલ અંદાજિત કિંમત લગભગ 520 કરોડ રૂપિયા છે. આ પ્રયાસો આરોગ્યપ્રદ, સલામત અને કાર્યાત્મક જાહેર જગ્યાઓનું નિર્માણ કરીને અને શહેરને ભવિષ્યવાદી શહેરી કેન્દ્રમાં પરિવર્તિત કરીને જીવનની ગુણવત્તામાં વધારો કરશે.

પ્રધાનમંત્રીએ જયદેવ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ હોસ્પિટલનું નિર્માણ લગભગ રૂ. 250 કરોડના ખર્ચે કરવામાં આવે આવશે અને તૈયાર થઇ ગયા પછી આ પ્રદેશના લોકોને તૃતીય કાર્ડિયાક સંભાળ પૂરી પાડશે. પ્રધાનમંત્રીએ આ પ્રદેશમાં પાણી પુરવઠામાં વધુ વૃદ્ધિ કરવા માટે, ધારવાડ મલ્ટી વિલેજ પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાનું રૂ. 1040 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. તેમણે તુપ્પરીહલ્લા ફ્લડ ડેમેજ કંટ્રોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો, જે લગભગ રૂ. 150 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પૂરથી થતા નુકસાનને ઘટાડવાનો છે અને તેમાં રિટેનિંગ વોલ અને પાળા બાંધવાની કામગીરીનો સમાવેશ થાય છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage