પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢનાં રાયપુરમાં આશરે રૂ. 7500 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમણે આશરે રૂ. 6,400 કરોડનાં મૂલ્યનાં 5 રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રૂ. 750 કરોડનાં ખર્ચે પૂર્ણ થયેલ 103 કિલોમીટર લાંબી રાયપુર-ખરિયાર રોડ રેલ લાઇનનાં ડબલિંગને અને રૂ. 290 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવેલી કેવટી-અંતાગઢને જોડતી 17 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કોરબામાં વાર્ષિક 60 હજાર મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો બોટલિંગ પ્લાન્ટ દેશને અર્પણ કર્યો હતો, જેનું નિર્માણ રૂ. 130 કરોડથી વધારેના ખર્ચે થયું છે. તેમણે વીડિયો લિન્ક મારફતે અંતાગઢ- રાયપુર ટ્રેનને લીલી ઝંડી પણ આપી હતી. ઉપરાંત પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત અંતર્ગત લાભાર્થીઓને 75 લાખ કાર્ડ્સનાં વિતરણની શરૂઆત કરી હતી.
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો પ્રસંગ છત્તીસગઢની વિકાસલક્ષી યાત્રા માટે અતિ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે રાજ્યને માળખાગત સુવિધા અને કનેક્ટિવિટી જેવાં ક્ષેત્રોમાં 7,000 કરોડથી વધારે મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજની આ પરિયોજનાઓથી લોકોનું જીવન સરળ બનશે અને રાજ્યમાં હેલ્થકેર સિસ્ટમ મજબૂત થશે. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ્સથી રાજ્યમાં રોજગારીની તકો વધશે, ત્યારે છત્તીસગઢના ડાંગરના ખેડૂતો, ખનિજ ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગને પણ લાભ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજની આ પરિયોજનાઓ છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં વિકાસ અને સુવિધાની નવી સફરની નિશાની છે." તેમણે રાજ્યનાં લોકોને વિવિધ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ ચોક્કસ પ્રદેશના વિકાસમાં વિલંબનો સીધો સંબંધ માળખાગત સુવિધાઓની ઊણપ સાથે છે. એટલે, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર એ ચોક્કસ વિસ્તારોમાં માળખાગત વિકાસને પ્રાથમિકતા આપી રહી છે, જે વિકાસની દ્રષ્ટિએ પાછળ રહી ગયા છે. તેમણે પ્રતિપાદિત કર્યું હતું કે, "ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતા અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ- વેપાર-વાણિજ્યની સરળતા. માળખાગત સુવિધા એટલે રોજગારીની તકો અને ઝડપી ગતિએ વિકાસ." તેમણે કહ્યું હતું કે, આધુનિક માળખાગત વિકાસ પણ છત્તીસગઢમાં જોવા મળી શકે છે, જ્યાં છેલ્લાં 9 વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ રાજ્યનાં હજારો આદિવાસી ગામડાંઓમાં રોડ કનેક્ટિવિટીનું વિસ્તરણ થયું છે. તેમણે નોંધ્યું હતું કે, સરકારે આશરે 3,500 કિલોમીટરની લંબાઈ ધરાવતાં રાષ્ટ્રીય રાજમાર્ગના વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જ્યાં આશરે 3,000 કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ પૂર્ણ પણ થયું છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ પણ કર્યો હતો કે, આજે રાયપુર-કોડેબોડ અને બિલાસપુર-પથરાપાલી રાજમાર્ગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, "રેલવે હોય, રોડ હોય, દૂરસંચાર હોય, સરકારે છેલ્લાં 9 વર્ષમાં છત્તીસગઢમાં તમામ પ્રકારનાં જોડાણને પ્રોત્સાહન આપવા માટે અભૂતપૂર્વ કામગીરી કરી છે."
પ્રધાનમંત્રીએ આધુનિક માળખાગત સુવિધા સામાજિક ન્યાય સાથે પણ સંબંધિત છે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ગરીબો, દલિતો, પછાત અને આદિવાસીઓની વસાહતોને જોડતી રોડ અને રેલવે લાઇન સહિત આજની વિવિધ પરિયોજનાઓથી દર્દીઓ અને મહિલાઓ માટે હૉસ્પિટલો સાથેની કનેક્ટિવિટી વધશે. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, 9 વર્ષ અગાઉ છત્તીસગઢનાં 20 ટકાથી વધારે ગામડાંઓમાં કોઈ પણ પ્રકારની મોબાઇલ કનેક્ટિવિટી નહોતી, ત્યારે અત્યારે આ સંખ્યા ઘટીને 6 ટકા થઈ ગઈ છે અને આ વિસ્તારના ખેડૂતો અને શ્રમિકો આ યોજનાના સૌથી મોટા લાભાર્થી છે. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે જ્યાં કનેક્ટિવિટીમાં સુધારો થયો છે એવાં મોટાભાગનાં આદિવાસી ગામો એક સમયે નક્સલવાદી હિંસાથી અસરગ્રસ્ત હતાં. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સરકાર સારી 4G કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા 700થી વધારે મોબાઇલ ટાવર્સ સ્થાપિત કરી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે લગભગ ૩૦૦ ટાવરો કાર્યરત થઈ ચૂક્યા છે. એક સમયે શાંત પડી ગયેલાં આદિવાસી ગામડાંઓ હવે રિંગટોનની ગુંજારવ સાંભળી શકે છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોબાઇલ કનેક્ટિવિટીનાં આગમનથી ગામનાં લોકોને ઘણાં કામમાં મદદ મળી છે. "આ સામાજિક ન્યાય છે. અને આ છે સબકા સાથ, સબકા વિકાસ," એમ પ્રધાનમંત્રીએ કહ્યું.
"આજે છત્તીસગઢ બે આર્થિક કૉરિડોર્સ સાથે જોડાઈ રહ્યું છે," એમ જણાવતા પ્રધાનમંત્રીએ પ્રતિપાદિત કર્યું હતું કે, રાયપુર- ધનબાદ ઇકોનોમિક કૉરિડોર અને રાયપુર-વિશાખાપટ્ટનમ ઇકોનોમિક કૉરિડોર સમગ્ર વિસ્તારનાં ભાગ્યમાં પરિવર્તન લાવવાનાં છે. તેમણે નોંધ્યું હતું કે, આર્થિક કૉરિડોર્સ આકાંક્ષી જિલ્લાઓમાંથી પસાર થઈ રહ્યાં છે, જે એક સમયે પછાત કહેવાતા હતા અને જ્યાં એક સમયે હિંસા અને અરાજકતા પ્રવર્તતી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે જેનો શિલાન્યાસ થયો છે એ રાયપુર-વિશાખાપટ્ટનમ ઇકોનોમિક કૉરિડોર આ વિસ્તારની નવી જીવાદોરી બની જશે, કારણ કે રાયપુર અને વિશાખાપટ્ટનમ વચ્ચેની સફર ઘટીને અડધી થઈ જશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 6 લેનનો રસ્તો ધમતરીના ડાંગર પટ્ટા, કાંકેરનો બોક્સાઈટ પટ્ટો અને કોંડાગાંવની હસ્તકળાઓની સમૃદ્ધિને દેશના અન્ય ભાગો સાથે જોડશે. પ્રધાનમંત્રીએ વન્યજીવોની સુવિધા માટે ટનલ્સ અને એનિમલ પાસ બનાવવાની પણ પ્રશંસા કરી હતી, કારણ કે આ રસ્તો વન્યજીવ ક્ષેત્રમાંથી પસાર થશે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "દલ્લી રાજહરાથી જગદલપુર સુધીની રેલવે લાઇન અને અંતાગઢથી રાયપુર સુધીની સીધી ટ્રેન સેવાને કારણે દૂર-સુદૂરના વિસ્તારોની મુસાફરી કરવામાં પણ સરળતા રહેશે."
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સરકાર કુદરતી સંપત્તિનાં ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરવા અને વધારે ઉદ્યોગો સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે." તેમણે છેલ્લાં 9 વર્ષમાં આ દિશામાં થયેલા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો, જેણે છત્તીસગઢમાં ઔદ્યોગિકરણને નવી ઊર્જા પ્રદાન કરી છે. તેમણે માહિતી આપી હતી કે, સરકારની નીતિઓને કારણે છત્તીસગઢમાં મહેસૂલ સ્વરૂપે ભંડોળમાં વધારો થયો છે. તેમણે નોંધ્યું હતું કે, છત્તીસગઢને રોયલ્ટી સ્વરૂપે વધારે ભંડોળ મળવાનું શરૂ થયું છે, ખાસ કરીને ખાણ અને ખનિજ ધારામાં ફેરફાર પછી. વર્ષ 2014 અગાઉનાં ચાર વર્ષ દરમિયાન, પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છત્તીસગઢને રોયલ્ટી સ્વરૂપે રૂ. 1300 કરોડ મળ્યા હતા, જ્યારે રાજ્યને વર્ષ 2015-16થી વર્ષ 2020-21 વચ્ચે આશરે રૂ. 2800 કરોડ મળ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા ખનીજ ભંડોળમાં વધારો થવાને પરિણામે ખનીજ સંપત્તિ ધરાવતા જિલ્લાઓમાં વિકાસની કામગીરી વેગવંતી બની છે. તેમણે ઉમેર્યું હતું કે, "બાળકો માટે શાળાઓ હોય, પુસ્તકાલયો હોય, માર્ગો હોય, પાણીની વ્યવસ્થા હોય, હવે જિલ્લા ખનિજ ભંડોળનાં નાણાં આ પ્રકારનાં અનેક વિકાસકાર્યોમાં ખર્ચાઈ રહ્યાં છે."
છત્તીસગઢમાં ખોલવામાં આવેલાં 1 કરોડ 60 લાખથી વધારે જન ધન બૅન્ક ખાતાઓમાં આજે રૂ. 6000 કરોડથી વધારે રકમ જમા થઈ છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ખાતાઓ ગરીબ પરિવારો, ખેડૂતો અને શ્રમિકોનાં છે, જેમને એક સમયે તેને અન્યત્ર રાખવાની ફરજ પડી હતી. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, જન ધન ખાતાઓ ગરીબોને સરકાર પાસેથી સીધી સહાય મેળવવામાં મદદ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર છત્તીસગઢના યુવાનો માટે રોજગારી અને સ્વરોજગારની તકો ઊભી કરવા માટે સતત કામ કરી રહી છે. તેમણે જાણકારી આપી હતી કે, મુદ્રા યોજના મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો અને ગરીબ પરિવારોનાં યુવાનોની મદદ માટે આવી છે અને આ યોજના હેઠળ છત્તીસગઢના યુવાનોને રૂ. 40,000 કરોડથી વધારે રકમ આપવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકારે કોરોના કાળમાં દેશના લઘુ ઉદ્યોગોને મદદ કરવા માટે લાખો કરોડ રૂપિયાની એક વિશેષ યોજના શરૂ કરી છે જ્યાં છત્તીસગઢના લગભગ 2 લાખ ઉદ્યોગોને લગભગ 5000 કરોડ રૂપિયાની સહાય મળી છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે પણ વાત કરી હતી, જે શેરી વિક્રેતાઓને ગૅરન્ટી વિના લોન પ્રદાન કરે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, 60,000થી વધારે લાભાર્થીઓ છત્તીસગઢના છે. તેમણે માહિતી આપી હતી કે, સરકારે ગામડાઓમાં મનરેગા હેઠળ પર્યાપ્ત રોજગારી પ્રદાન કરવા માટે છત્તીસગઢને રૂ. 25,000 કરોડથી વધારેની રકમ પૂરી પાડી છે.
75 લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ્સનું વિતરણ ચાલી રહ્યું છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ગરીબ અને આદિવાસી પરિવારો માટે રાજ્યની 1500થી વધારે મોટી હૉસ્પિટલોમાં દર વર્ષે રૂ. 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારની ગૅરન્ટી પર ભાર મૂક્યો હતો. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, આયુષ્માન યોજના ગરીબો, આદિવાસી, પછાત અને દલિત પરિવારોનાં જીવનની મદદે આવી રહી છે. સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ છત્તીસગઢના દરેક પરિવારની સેવાની આ જ ભાવના સાથે સેવા કરવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બિસ્વભૂષણ હરિચંદન, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બઘેલ, છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી શ્રી ટી એસ સિંહ દેવ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને સાંસદો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચાદભૂમિકા
માળખાગત વિકાસને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે પ્રધાનમંત્રીએ આશરે રૂ. 6,400 કરોડનાં મૂલ્યનાં 5 રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. જે પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં જબલપુર-જગદલપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર રાયપુરથી કોડેબોડ સેક્શનની 33 કિલોમીટરની લંબાઈ ધરાવતી 4 લેનિંગની યોજના સામેલ છે. પર્યટનને પ્રોત્સાહન આપવા ઉપરાંત, આ વિભાગ જગદલપુર નજીક કાચા માલની હેરફેર, સ્ટીલ પ્લાન્ટનાં ફિનિશ્ડ ઉત્પાદનોની હેરફેર માટે પણ અભિન્ન અંગ છે અને આયર્ન ઓરથી સમૃદ્ધ વિસ્તારોને કનેક્ટિવિટી પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રાજમાર્ગ – 130ના 53 કિલોમીટરની લંબાઈ ધરાવતાં 4-લેનના બિલાસપુર-પથરાપાલી વિભાગને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. તે ઉત્તરપ્રદેશ સાથે છત્તીસગઢનાં જોડાણને સુધારવામાં મદદ કરશે અને આસપાસનાં વિસ્તારોમાં કોલસાની ખાણોને જોડાણ પ્રદાન કરીને કોલસાની અવરજવરને વેગ આપશે.
પ્રધાનમંત્રીએ 6-લેન ગ્રીનફિલ્ડ રાયપુર-વિશાખાપટ્ટનમ કૉરિડોરનાં છત્તીસગઢ સેક્શન માટે 3 રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ પણ કર્યું હતું. તેમાં એનએચ 130 સીડી પર 43 કિલોમીટર લાંબો છ લેનનો ઝંકી-સરગી વિભાગ વિકસાવવાનો; એનએચ 130 સીડી પર 57 કિલોમીટર લાંબો છ લેનનો સરગી-બસનવાહી વિભાગ; અને રાષ્ટ્રીય રાજમાર્ગ – 130 સીડીનો 25 કિલોમીટર લાંબો છ લેનનો બસાન વહી-મરંગપુરી વિભાગ સામેલ છે. તેનો મુખ્ય ભાગ 2.8 કિ.મી.ની લંબાઈ ધરાવતી 6-લેન ટનલ છે, જેમાં ઉદંતી વન્યજીવન અભયારણ્ય વિસ્તારમાં વન્યપ્રાણીઓની અનિયંત્રિત અવરજવર માટે 27 પ્રાણીઓના પાસીસ અને વાનરો માટેનાં 17 છત્રનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રોજેક્ટ્સથી ધમતરી અને કાંકેરમાં બોક્સાઈટથી સમૃદ્ધ વિસ્તારોમાં ચોખાની મિલોને શ્રેષ્ઠ કનેક્ટિવિટી મળશે તથા કોંડાગાંવમાં હસ્તકળા ઉદ્યોગને પણ લાભ થશે. એકંદરે, આ પ્રોજેક્ટ્સ આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસને મોટો વેગ આપશે.
પ્રધાનમંત્રીએ 103 કિલોમીટરની લંબાઈ ધરાવતા રાયપુર-ખરિયાર રોડ રેલ લાઈનનાં ડબલિંગને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું, જેનું કામ રૂ. 750 કરોડનાં ખર્ચે પૂર્ણ થયું છે. એનાથી છત્તીસગઢમાં ઉદ્યોગો માટે બંદરો પરથી કોલસો, સ્ટીલ, ખાતરો અને અન્ય ચીજવસ્તુઓનું પરિવહન સરળ બનશે. તેમણે રૂ. 290 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવેલી કેવટી-અંતાગઢને જોડતી 17 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇનનું લોકાર્પણ પણ કર્યું હતું. નવી રેલવે લાઇન ભિલાઈ સ્ટીલ પ્લાન્ટને દલ્લી રાજહરા અને રોઘાટ વિસ્તારોની આયર્ન ઓર માઈન્સ સાથે કનેક્ટિવિટી પ્રદાન કરશે તથા ગાઢ જંગલોમાંથી પસાર થતા દક્ષિણ છત્તીસગઢના અંતરિયાળ વિસ્તારોને જોડશે.
પ્રધાનમંત્રીએ કોરબામાં વાર્ષિક 60,000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કર્યું હતું, જેનું નિર્માણ રૂ. 130 કરોડથી વધારેના ખર્ચે થયું છે. તેમણે વીડિયો લિન્ક મારફતે અંતાગઢ- રાયપુર ટ્રેનને લીલી ઝંડી પણ આપી હતી. ઉપરાંત પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત અંતર્ગત લાભાર્થીઓને 75 લાખ કાર્ડ્સનાં વિતરણની શરૂઆત કરી હતી.
छत्तीसगढ़ की विकास यात्रा में आज का दिन बहुत बड़ा है। pic.twitter.com/k9dPPKcREk
— PMO India (@PMOIndia) July 7, 2023
आज भारत उन क्षेत्रों में आधिक इंफ्रास्ट्रक्चर विकसित कर रहा है, जो विकास की दौड़ में पीछे रह गए। pic.twitter.com/0n8vp83MlH
— PMO India (@PMOIndia) July 7, 2023
आधुनिक इंफ्रास्ट्रक्चर का संबंध सामाजिक न्याय से भी है। pic.twitter.com/gHueRunyEe
— PMO India (@PMOIndia) July 7, 2023
आज छत्तीसगढ़ दो-दो इकॉनॉमिक कॉरिडोर से जुड़ रहा है। pic.twitter.com/ffgu4a0m20
— PMO India (@PMOIndia) July 7, 2023