“ફરિયાદ નિવારણની વ્યવસ્થાની તાકાત એ લોકશાહીના સૌથી મોટા માપદંડો પૈકીનો એક છે. ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ આ દિશામાં લાંબા ગાળે સહાયભૂત બનશે”
“રીટેલ ડાયરેક્ટ સ્કીમના કારણે મધ્યમ વર્ગ, કર્મચારીઓ, નાના ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ નાગરિકો પોતાની નાની બચત સાથે પ્રત્યક્ષ સ્વરૂપે અને સલામત રીતે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં આવશે, જેના કારણે અર્થતંત્રમાં દરેક વ્યક્તિના સમાવેશને પ્રોત્સાહન મળશે”
“સરકારના પગલાના લીધે આ બેન્કોના સંચાલનમાં સુધાર થઈ રહ્યો છે અને લાખો થાપણદારોમાં વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનતો જાય છે”
“તાજેતરના સમયમાં સરકારે જે મોટા નિર્ણયો લીધા હતાં તેની અસરકારકતા વધારવામાં આરબીઆઇના નિર્ણયો પણ મદદરૂપ થયા હતાં”
“6-7 વર્ષ પહેલા સુધી ભારતમાં બેન્કિંગ, પેન્શન, ઇન્સ્યોરન્સ આ બધું જ એક એક્સક્લુઝિવ ક્લબ જેવું હતું”
“ફક્ત સાત વર્ષમાં ભારતમાં ડિજિટલ વિનિમયમાં 19 ગણી વૃદ્ધિ થઈ છે. આજે આપણી બેન્કિંગ વ્યવસ્થા દેશમાં કોઇ પણ સ્થળે અને 24 કલાક, સાતેય દિવસ અને 12 મહિનામાં કોઇ પણ સમયે કાર્યાન્વિત રહે છે”
“આપણે દેશના નાગરિકો આવશ્યક્તાઓને કેન્દ્રમાં રાખવી જ પડશે, રોકાણકારોના વિશ્વાસને સતત મજબૂત કરતો રહેવો પડશે”
“મને પૂર્ણ વિશ્વાસ છે કે એક સંવેદનશીલ અને રોકાણકારો માટે અનુકૂળ એવા દેશ તરીકેની ભારતની નવી ઓળખને આરબીઆઇ સતત મજબૂત કરતી રહેશે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતીય રિઝર્વ બેન્કની બે નવીનતાસભર ગ્રાહકલક્ષી યોજનાઓ – રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેન્ક – ઇન્ટિગ્રેટેડ ઓમ્બ્ડ્સમેન સ્કીમનો પ્રારંભ કર્યો છે. આ અવસરે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શ્રી શક્તિકાંત દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અવસરે પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન કરાયેલા પ્રયાસો બદલ નાણા મંત્રાલય અને આરબીઆઇ જેવી સંસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “દેશના વિકાસ માટે અમૃત મહોત્સવનો આ સમયગાળો, 21મી સદીનું આ દશક ખુબ જ મહત્વપૂર્ણ છે. આ સંજોગોમાં આરબીઆઇની ભૂમિકા પણ ખુબ જ વિશાળ છે. ટીમ આરબીઆઇ દેશની અપેક્ષાની એરણે ખરી ઉતરશે તેનો મને વિશ્વાસ છે.”

શુક્રવારે લોન્ચ કરાયેલી બે યોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ યોજનાઓ દેશમાં મૂડીરોકાણનો અવકાશ વિસ્તારશે તેમજ રોકાણકારો માટે મૂડીબજારમાં કામ કરવાનું વધુ સરળ અને વધુ સુરક્ષિત બનશે. રિટેલ ડાયરેક્ટ સ્કીમે દેશના નાના રોકાણકારોને ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ માટેનું એક સરળ અને સલામત માધ્યમ પ્રદાન કર્યું છે. એવી જ રીતે ઇન્ટિગ્રેટેડ ઓમ્બુડ્સમેન સ્કીમ સાથે બેન્કિંગ ક્ષેત્રે વન નેશન, વન ઓમ્બુડ્સમેન વ્યવસ્થાએ આકાર પામી છે. 

પ્રધાનમંત્રીએ આ યોજનાઓના નાગરિક લક્ષી અભિગમ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ફરિયાદ નિવારણ વ્યવસ્થા એ કોઇ પણ લોકશાહીના સૌથી મોટા માપદંડો પૈકીનો એક માપદંડ હોય છે. આ ઇન્ટિગ્રેટેડ ઓમ્બુડ્સમેન સ્કીમ આ દિશામાં લાંબાગાળે સહાયભૂત બનશે. એવી જ રીતે રીટેલ ડાયરેક્ટ સ્કીમના કારણે મધ્યમ વર્ગ, કર્મચારીઓ, નાના ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ નાગરિકો પોતાની નાની બચત સાથે પ્રત્યક્ષ સ્વરૂપે અને સલામત રીતે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં આવશે, જેના કારણે  અર્થતંત્રમાં દરેક વ્યક્તિના સમાવેશને પ્રોત્સાહન મળશે. ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં બાંયધરીપૂર્વકના સેટલમેન્ટની જોગવાઇ હોય છે, જેનાથી નાના રોકાણકારને સલામતીનો વિશ્વાસ મળે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પાછલા સાત વર્ષમાં પારદર્શક્તા સાથે એનપીએને ઓળખી કાઢવામાં આવ્યું છે, ઉકેલ અને રિકવરી ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, જાહેર ક્ષેત્રની બેન્કોનું પુનઃ મૂડીકરણ કરવામાં આવ્યું છે, નાણાકીય વ્યવસ્થામાં તથા જાહેર ક્ષેત્રની બેન્કોમાં એક પછી એક સુધારા હાથ ધરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે, બેન્કિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે સહકારી બેન્કોને આરબીઆઈના કાર્ય ક્ષેત્ર હેઠળ લાવવામાં આવી છે. આના લીધે આ બેન્કોના સંચાલનમાં સુધાર થઈ રહ્યો છે અને લાખો થાપણદારોમાં આ વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનતો જાય છે.   

પ્રધાનમંત્રીએ કહ્યું કે પાછલા કેટલાક વર્ષમાં દેશના બેન્કિંગ ક્ષેત્રે નાણાકીય ક્ષેત્રમાં ઇન્ક્લુઝનથી લઇને ટેક્નોલોજિકલ ઇન્ટિગ્રેશન સહિતના સુધારા હાથ ધરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે “આ સુધારાઓની તાકાત આપણે કોવિડના આ મુશ્કેલ સમયમાં જોઇ છે. તાજેતરના સમયમાં સરકારે જે મોટા નિર્ણયો લીધા હતાં તેની અસરકારકતા વધારવામાં આરબીઆઇના નિર્ણયો પણ મદદરૂપ થયા હતાં.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે 6-7 વર્ષ પહેલા સુધી ભારતમાં બેન્કિંગ, પેન્શન, ઇન્સ્યોરન્સ આ બધું જ એક એક્સક્લુઝિવ ક્લબ જેવું હતું. દેશના સામાન્ય નાગરિકો, ગરીબ પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ- ઉદ્યોગપતિઓ, મહિલાઓ, દલિતો-વંચિતો-પીડિતો વગેરે લોકો માટે આ સુવિધાઓ ખૂબ દૂર હતી. અગાઉની વ્યવસ્થાની ટીકા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, જે લોકોના શિરે ગરીબ લોકો સુધી આ સુવિધાઓને લઇ જવાની જવાબદારી હતી તે લોકોએ આના ઉપર ક્યારેય કોઇ પણ પ્રકારનું ધ્યાન આપ્યું જ નહોતું. ઊલટાનું, પરિવર્તન ન થાય તે માટે જાત જાતના બહાના અપાતા હતાં. કહેવાતુ હતું કે બેન્કની શાખા નથી, સ્ટાફ નથી, ઇન્ટરનેટ નથી, જાગૃતિ નથી, શી ખબર કેવી કેવી દલીલો થતી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે યુપીઆઇ એ ખુબ જ ટૂંકા સમયગાળાની અંદર ડિજિટલ વિનિમયના સંદર્ભમાં ભારતને વિશ્વનો અગ્રણી દેશ બનાવી દીધો છે. ફક્ત સાત વર્ષમાં ભારતમાં ડિજિટલ વિનિમયમાં 19 ગણી વૃદ્ધિ થઈ છે. આજે આપણી બેન્કિંગ વ્યવસ્થા દેશમાં કોઇ પણ સ્થળે અને 24 કલાક, સાતેય દિવસ અને 12 મહિનામાં કોઇ પણ સમયે કાર્યાન્વિત રહે છે.  

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે દેશના નાગરિકો આવશ્યક્તાઓને કેન્દ્રમાં રાખવી જ પડશે, રોકાણકારોના વિશ્વાસને સતત મજબૂત કરતો રહેવો પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મને પૂર્ણ વિશ્વાસ છે કે એક સંવેદનશીલ અને રોકાણકારો માટે અનુકૂળ એવા દેશ તરીકેની ભારતની નવી ઓળખને આરબીઆઇ સતત મજબૂત કરતી રહેશે.”

अमृत महोत्सव का ये कालखंड, 21वीं सदी का ये दशक देश के विकास के लिए बहुत अहम है।

ऐसे में RBI की भी भूमिका बहुत बड़ी है।

मुझे पूरा विश्वास है कि टीम RBI, देश की अपेक्षाओं पर खरा उतरेगी: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 12, 2021

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi