પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઓડિશામાં રૂ. 8000 કરોડથી વધારે મૂલ્યનાં કેટલાંક રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કર્યા હતા. આ પ્રોજેક્ટમાં પુરી અને હાવરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ, પુરી અને કટક રેલવે સ્ટેશનોના નવિનીકરણ માટે શિલાન્યાસ, ઓડિશામાં રેલવે નેટવર્કના 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન (વીજળીકરણ) દેશને અર્પણ કરવું, સમ્બલપુર-ટિટલગઢ રેલવે લાઇનનું ડબલિંગ, અંગુલ-સુકિન્દા વચ્ચે એક નવી બ્રોડગેજ રેલવે લાઇન, મનોહરપુર-રાઉરકેલા-ઝારસુગુડા-જમ્ગાને જોડતી ત્રીજી લાઇન અને બિચ્છુપાલી-ઝારતર્ભા વચ્ચે એક નવી બ્રોડગેજ લાઇન સામેલ છે.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એકત્રિત જનસમુદાયને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ઓડિશા અને પશ્ચિમ બંગાળના લોકોને આજે વંદે ભારત એક્સપ્રેસની ભેટ ધરવામાં આવી છે. આ ટ્રેન આધુનિક અને મહત્વાકાંક્ષી ભારતનું પ્રતીક છે. તેમણે કહ્યું હતું કે, “જ્યાં વંદે ભારત ટ્રેન એક શહેરથી બીજા શહેર સુધી દોડે છે, ત્યાં ભારતના વિકાસની ઝડપ અને પ્રગતિ જોઈ શકાશે.” તેમણે જણાવ્યું હતું કે, હવે આ ઝડપ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ જોઈ શકાશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ટ્રેન વિકાસના અર્થને સંપૂર્ણ રીતે બદલવાની સાથે મુસાફરોને પ્રવાસનો શ્રેષ્ઠ અનુભવ આપશે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, તમે દર્શન માટે કોલકતાથી પુરી સુધી પ્રવાસ કરો કે તમારે પુરીથી કોલકાતા જવું હોય – તમારા પ્રવાસનો સમય ઘટીને ફક્ત સાડા છ કલાકનો થઈ જશે, જેથી તમારો સમય બચશે, વ્યવસાયની તકો વધશે અને યુવા પેઢી માટે નવી તકો ઊભી થશે.
પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, લાંબા અંતરનો કે દૂર પ્રવાસ કરવા ઇચ્છતાં કોઈ પણ નાગરિક માટે રેલવે પ્રથમ પસંદગી અને પ્રાથમિકતા છે. તેમણે રેલવે સાથે સંબંધિત અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેનો શિલાન્યાસ આજે થયો છે, જેમાં પુરી અને કટક રેલવે સ્ટેશનોનું નવિનીકરણ અને આધુનિકીકરણ તેમજ આ વિસ્તારમાં દેશને અર્પણ થયેલું રેલવે લાઇન્સનું ડબલિંગ અને ઓડિશામાં રેલવે લાઇનોનું 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન સામેલ છે.
‘આઝાદી કા અમૃતકાળ’નો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ દેશની એકતા અને અખંડિતતાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ વિશે કહ્યું હતું કે, જો દેશ સંપૂર્ણપણે એકતાંતણે બંધાયેલો રહે, તો દેશની સહિયારી ક્ષમતાઓ હાંસલ કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસ દેશ માટે વિકાસનું એન્જિન બનીને આ પ્રકારની માન્યતાને પ્રતિબિંબિત કરે છે, ત્યારે આ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારતના જુસ્સા’ને આગળ વધારે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતીય રેલવે દરેકને એકબીજા સાથે જોડે છે અને એકતાંતણે બાંધે છે. વંદે ભારત એક્સપ્રેસ એ જ વિચાર સાથે અગ્રેસર પણ થશે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રેન પુરી અને હાવરા વચ્ચે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જોડાણને મજબૂત કરશે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, દેશના વિવિધ રાજ્યોમાં 15 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે, જે દેશના અર્થતંત્રને વેગ આપે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક પ્રતિકૂળ સ્થિતિસંજોગો વચ્ચે પણ ભારતે તાજેતરમાં પોતાના વિકાસની ઝડપ કે ગતિ જાળવી રાખી છે. શ્રી મોદીએ આ સફરનો શ્રેય દરેક રાજ્યની ભાગીદારીને આપ્યો હતો અને કહ્યું હતું કે, દેશ દરેક રાજ્યને સાથે રાખીને અગ્રેસર થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉના સમયગાળાથી વિપરીત ન્યૂ ઇન્ડિયા સ્વદેશી રીતે ટેકનોલોજી બનાવે છે અને તેને દેશના દરેક ખૂણા સુધી પહોંચાડે પણ છે. વંદે ભારત ટ્રેનોના સ્વદેશી સ્વરૂપનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતે 5જી જેવી ટેકનોલોજી વિકસાવી છે અને મહામારી દરમિયાન વિવિધ રસીઓનું સ્વદેશી ધોરણે ઉત્પાદન કર્યું છે. તેમણે ભાર મૂક્યો હતો કે, આ તમામ ઇનોવેશન કે નવીનતા એક રાજ્ય કે શહેર પૂરતી મર્યાદિત રહી નથી, પણ સમગ્ર દેશમાં સમાન રીતે વિકસી હતી. તેમણે જણાવ્યું હતું કે, એ જ રીતે વંદે ભારત દેશનાં દરેક ખૂણાને સ્પર્શે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની આ નીતિ વિકાસમાં પાછળ રહી ગયેલા રાજ્યો માટે લાભદાયક છે. તેમણે જણાવ્યું હતું કે, ઓડિશામાં રેલવેની વિવિધ યોજનાઓ માટે બજેટમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 2014 અગાઉ 10 વર્ષમાં રાજ્યમાં વર્ષે 20 કિલોમીટરની રેલવે લાઇન જ પાથરવામાં આવતી હતી, જેની સરખામણીમાં વર્ષ 2022-23માં એક જ વર્ષમાં 120 કિલોમીટરની લંબાઈ ધરાવતી લાઇનો પાથરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ખુર્દા બોલાંગીર લાઇન અને હરિદાસપુર-પારાદીપ લાઇન જેવા લાંબા સમયથી અટકી ગયેલા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થયા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઓડિશા દેશમાં એવા રાજ્યો પૈકીનું એક રાજ્ય છે, જ્યાં રેલવે લાઇનોનું 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન હાંસલ થયું છે.” તેમણે જાણકારી આપી હતી કે, પશ્ચિમ બંગાળમાં પણ આ કામગીરી હાંસલ કરવા ઝડપથી કાર્ય આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રેલવે લાઇનોના ઇલેક્ટ્રિફિકેશનને પરિણામે ટ્રેનોની સંપૂર્ણ ઝડપમાં વધારો થયો છે અને માલવાહક ટ્રેનો માટે સમયની બચત થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, ખનિજથી સમૃદ્ધ ઓડિશા રાજ્યને રેલવે લાઇનોના ઇલેક્ટ્રિફિકેશનથી મોટો ફાયદો થશે, જ્યાં ડિઝલ એન્જિનોથી થતું પ્રદૂષણ નોંધપાત્ર રીતે ઘટશે અને રાજ્યનાં ઔદ્યોગિક વિકાસમાં મદદ મળશે.
પ્રધાનમંત્રીએ માળખાગત સુવિધાના અન્ય એક પાસાં વિશે પણ વાત કરી હતી, જેની બહુ ચર્ચા થતી નથી. તેમણે જણાવ્યું હતું કે, માળખાગત સુવિધા લોકોના જીવનને સરળ બનાવવાની સાથે સમાજનું સશક્તિકરણ પણ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે માળખાગત સુવિધાનો અભાવ હોય છે, ત્યારે લોકો વિકાસની દોટમાં પાછળ રહી જાય છે. જ્યારે માળખાગત સુવિધાનો વિકાસ થાય છે, ત્યારે તેની સાથે સાથે લોકોનો વિકાસ પણ ઝડપથી થાય છે.” પ્રધાનમંત્રીએ સરકારની વિવિધ વિકાસલક્ષી પહેલો વિશે વાત કરીને પીએમ સૌભાગ્ય યોજનાનું ઉદાહરણ આપ્યું હતું, જે અંતર્ગત સરકારે 2.5 કરોડથી વધારે કુટુંબોને વીજળીનું નિઃશુલ્ક જોડાણ પ્રદાન કર્યું છે, જેમાં 25 લાખ કુટુંબો ઓડિશામાં અને 7.25 લાખ કુટુંબો પશ્ચિમ બંગાળમાં છે.
પ્રધાનમંત્રીએ દેશમાં એરપોર્ટની સંખ્યા 75થી વધીને અત્યારે 150 થઈ છે એવી જાણકારી આપીને સોશિયલ મીડિયા પર વિવિધ ફોટોગ્રાફ અને વીડિયો પર ધ્યાન દોર્યું હતું, જેમાં દેશના સામાન્ય નાગરિકો તેમના હવાઈ પ્રવાસના અનુભવોને વહેંચતા જોઈ શકાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે માળખાગત સુવિધાના ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિઓ અભ્યાસનો વિષય બની ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે દેશમાં માળખાગત સુવિધાના વિકાસ માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે, ત્યારે એનાથી લાખોની સંખ્યામાં રોજગારીનું સર્જન થશે તથા રેલવે અને રાજમાર્ગોનું જોડાણ પ્રવાસને સરળ બનાવશે અને ખેડૂતોને નવા બજાર સાથે જોડશે તેમજ પ્રવાસીઓને નવા પ્રવાસન કેન્દ્રો સાથે જોડશે અને વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કોલેજો સાથે જોડશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ ‘જનસેવા હી પ્રભુસેવા’ના જુસ્સા સાથે અગ્રેસર થઈ રહ્યો છે. તેમણે જગન્નાથ જેવા મંદિરો અને પુરી જેવા યાત્રાધામોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં સદીઓથી પ્રસાદ વહેંચાય છે અને હજારો ગરીબો તેમનું પેટ ભરે છે. તેમણે કહ્યું હતું કે, પીએમ ગરીબ કલ્યાણ યોજના જેવી પહેલો આ જ ભાવના સાથે 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડે છે તથા આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા, જલ જીવન અભિયાન અને પીએમ આવાસ યોજના જેવી યોજનાઓ લોકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે, “ગરીબો જે મૂળભૂત સુવિધાઓની વર્ષોથી રાહ જોતાં હતાં એ સુવિધાઓ અત્યારે તેમને મળી છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતના ઝડપી વિકાસ માટે રાજ્યોનો સંતુલિત વિકાસ એટલો જ જરૂરી છે.” તેમણે દેશના એવા પ્રયાસો વિશે વાત કરી હતી કે, જે અંતર્ગત સંસાધનોના અભાવે વિકાસની દોટમાં કોઈ પણ રાજ્ય પાછળ ન રહેવું જોઈએ એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એ જ કારણે 15મા નાણાં પંચે ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો માટે વધારે બજેટની ફાળવણી કરવાની ભલામણ કરી હતી. પ્રધાનમંત્રીએ ઓડિશાને પ્રચૂર કુદરતી સંસાધનો ધરાવતું, પણ ખામીયુક્ત નીતિઓને કારણે પોતાના જ સંસાધનોથી વંચિત રહી ગયેલું રાજ્ય ગણાવીને કહ્યું હતું કે, ખનીજ સંપત્તિને ધ્યાનમાં રાખીને સરકારે ખાણખનીજ નીતિમાં સુધારો કર્યો છે, જે ખનીજ સંપત્તિ ધરાવતા દેશનાં તમામ રાજ્યોની આવકમાં નોંધપાત્ર વધારા તરફ દોરી ગઈ છે. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, દેશમાં જીએસટીનો અમલ થયા પછી કરવેરામાંથી આવકમાં પણ વધારો થયો છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, સંસાધનોનો ઉપયોગ રાજ્યના વિકાસ માટે અને ગામડાંઓમાં ગરીબોની સેવા માટે થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કેન્દ્ર એ સુનિશ્ચિત કરવા સંપૂર્ણપણે ધ્યાન આપી રહી છે કે, ઓડિશા કુદરતી આફતોનો સફળતાપૂર્વક સામનો કરી શકે.” તેમણે જાણકારી આપી હતી કે, સરકારે આફતમાં શ્રેષ્ઠ કામગીરી કરવા અને NDRF (રાષ્ટ્રીય આપદા રાહત ભંડોળ) માટે રાજ્યને 8 હજાર કરોડ રૂપિયાથી વધારે પ્રદાન કર્યા છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સમગ્ર દેશમાં વિકાસની ગતિને વેગ મળશે અને આપણે એક રાષ્ટ્ર તરીકે નવા અને વિકસિત ભારતનો લક્ષ્યાંક પાર પાડીશું.
આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ શ્રી ગણેશી લાલ, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તથા કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
પૃષ્ઠભૂમિ
પ્રધાનમંત્રીએ પુરી અને હાવરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કર્યો હતો. આ ટ્રેન ઓડિશામાં ખોરઢા, કટક, જાજપુર, ભદ્રક અને બાલાસોર જિલ્લાઓ તથા પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ મેદિનીપુર અને પૂર્વ મેદિનીપુર જિલ્લાઓમાંથી પસાર થશે. આ ટ્રેન રેલવેના પેસેન્જર્સ માટે ઝડપ, વધારે સુવિધા અને વધારે સાનુકૂળતા પ્રદાન કરશે, પ્રવાસનને વેગ આપશે અને આ વિસ્તારોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.
પ્રધાનમંત્રીએ પુરી અને કટક રેલવે સ્ટેશનોના નવિનીકરણ માટે શિલાન્યાસ પણ કર્યો હતો. સ્ટેશનોનનું નવિનીકરણ રેલવેના પેસેન્જરોને આંતરરાષ્ટ્રીય સ્તરનાં અનુભવો પ્રદાન કરવા તમામ આધુનિક સુવિધાઓ પૂરી પાડશે.
પ્રધાનમંત્રીએ ઓડિશામાં રેલવે નેટવર્કના 100 ટકા ઇલેક્ટ્રિફિકેશનને અર્પણ કર્યું હતું. એનાથી આયાત થતાં ક્રૂડ ઓઇલ પર નિર્ભરતામાં ઘટાડો થશે તેમજ કાર્યકારી અને જાળવણીનો ખર્ચ પણ ઘટશે. પ્રધાનમંત્રીએ સમ્બલપુર-ટિટલાગઢ રેલવે લાઇનનું ડબલિંગ, અંગુલ-સુકિન્દા વચ્ચે એક નવી બ્રોડગેજ રેલવે લાઇન, મનોહરપુર-રાઉરકેલા-ઝરસુગુડા-જામ્ગાને જોડતી ત્રીજ લાઇન અને બિચ્છુપુરી-ઝારતર્ભા વચ્ચે એક નવી બ્રોડગેજ લાઇન પણ દેશને અર્પણ કરી હતી. એનાથી વધતા ટ્રાફિકની માગ પૂર્ણ થશે, જેનાં પરિણામે ઓડિશામાં સ્ટીલ, વીજળી અને ખાણ ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી થશે તેમજ આ રેલવે વિભાગોમાં પેસેન્જર ટ્રાફિક પર દબાણ હળવું થવામાં પણ મદદ મળશે.
वंदेभारत ट्रेन, आधुनिक भारत और आकांक्षी भारतीय, दोनों का प्रतीक बन रही है। pic.twitter.com/wjtQHsOYiX
— PMO India (@PMOIndia) May 18, 2023
बीते वर्षों में भारत ने कठिन से कठिन वैश्विक हालातों में भी अपने विकास की गति को बनाए रखा है। pic.twitter.com/O8yk4MN0D7
— PMO India (@PMOIndia) May 18, 2023
आज का नया भारत टेक्नोलॉजी भी खुद बना रहा है और नई सुविधाओं को तेजी से देश के कोने-कोने में पहुंचा रहा है। pic.twitter.com/96bQksEbwJ
— PMO India (@PMOIndia) May 18, 2023
जहां infrastructure का विकास होता है, वहां लोगों का विकास भी तेजी से होता है। pic.twitter.com/7v1WRyWENU
— PMO India (@PMOIndia) May 18, 2023
जन सेवा ही प्रभु सेवा। pic.twitter.com/zDsViKHHKt
— PMO India (@PMOIndia) May 18, 2023
भारत के तेज विकास के लिए, भारत के राज्यों का संतुलित विकास भी उतना ही आवश्यक है। pic.twitter.com/UnU4xvlMaD
— PMO India (@PMOIndia) May 18, 2023