નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી અને તેને રાષ્ટ્રને સમર્પિત કરી
દીવ અને સિલવાસાના પીએમએવાય શહેરીના લાભાર્થીઓને ચાવીઓ સોંપી
"આ વિવિધ પ્રોજેક્ટ્સથી ઈઝ ઑફ લિવિંગ, પ્રવાસન, પરિવહન અને વેપાર-ધંધામાં સુધારો થશે. તે ઓન-ટાઇમ ડિલિવરીનાં નવાં વર્ક કલ્ચરનું ઉદાહરણ છે"
"દરેક ક્ષેત્રનો સંતુલિત વિકાસ એ એક મોટી પ્રાથમિકતા છે"
"સેવાની ભાવના આ વિસ્તારના લોકોની ઓળખ છે"
"હું દરેક વિદ્યાર્થીને ખાતરી આપું છું કે અમારી સરકાર તેમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈ કસર છોડશે નહીં"
"મન કી બાત' ભારતનાં લોકોના પ્રયાસો અને ભારતની વિશેષતાઓને ઉજાગર કરવા માટે એક ખૂબ જ સારો મંચ બની ગયું છે”
"હું દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીને દરિયાકિનારાનાં પર્યટનનાં ઉજ્જવળ સ્થળ તરીકે જોઈ રહ્યો છું"
"દેશ 'તુષ્ટિકરણ' પર નહીં પરંતુ 'સંતુષ્ટિકરણ' પર ભાર મૂકી રહ્યો છે"
"વંચિતોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી એ છેલ્લાં 9 વર્ષમાં સુશાસનની વિશેષતા બની ગઈ છે"
"વિકસિત ભારતનો સંકલ્પ અને સમૃદ્ધિ 'સબ કા પ્રયાસો'થી પ્રાપ્ત થશે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિલવાસા, દાદરા અને નગર હવેલીમાં રૂ. 4850 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ અને સરકારી શાળાઓ, દમણમાં સરકારી એન્જિનીયરિંગ કૉલેજ, બ્યુટિફિકેશન, વિવિધ માર્ગોને મજબૂત અને પહોળા કરવા, મત્સ્ય બજાર અને શૉપિંગ કોમ્પ્લેક્સ તથા પ્રદેશમાં પાણી પુરવઠા યોજનાનું વિસ્તરણ જેવા 96 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ સામેલ છે. પ્રધાનમંત્રીએ દીવ અને સિલવાસાના પીએમએવાય શહેરી વિસ્તારના લાભાર્થીઓને ઘરની ચાવીઓ પણ સોંપી હતી.

 

આ અગાઉ આજે પ્રધાનમંત્રીએ સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ તથા લક્ષદ્વીપના વહીવટકર્તા શ્રી પ્રફુલ પટેલ પણ હતા. તેમણે આ સંસ્થાનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને ભગવાન ધનવંતરીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કૉલેજ કેમ્પસનાં મૉડલનું નિરીક્ષણ કર્યું હતું અને એકેડેમિક બ્લોકમાં એનાટોમી મ્યુઝિયમ અને ડિસેક્શન રૂમમાં લટાર મારી હતી. પ્રધાનમંત્રીએ સેન્ટ્રલ લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી હતી અને વિઝિટર’ઝ બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. તેઓ એમ્ફિથિયેટર તરફ આગળ વધ્યા જ્યાં તેમણે બાંધકામ શ્રમિકો સાથે વાતચીત કરી.

 

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીની વિકાસ યાત્રાના સાક્ષી બનવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સિલવાસાનાં વધતા જતા કોસ્મોપોલિટનિઝમની નોંધ લીધી કારણ કે તે દેશના દરેક ખૂણાનાં લોકોનું ઘર છે. તેમણે, પરંપરા અને આધુનિકતા બંને માટે લોકોનાં પ્રેમની નોંધ લઈને, કહ્યું હતું કે સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભૌતિક અને સામાજિક માળખાગત સુવિધા પર ઘણું કામ થયું છે, જેમાં 5500 કરોડની ફાળવણી થઈ છે. તેમણે એલઇડી-લાઇટિંગ સાથેની શેરીઓ, ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને 100 ટકા વેસ્ટ પ્રોસેસિંગ વિશે વાત કરી હતી. તેમણે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉદ્યોગ અને રોજગાર વધારવાનાં સાધન તરીકે રાજ્યની નવી ઔદ્યોગિક નીતિની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું હતું કે, "આજે મને 5000 કરોડના નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાની તક મળી છે." આ પરિયોજનાઓ સ્વાસ્થ્ય, આવાસ, પર્યટન, શિક્ષણ અને શહેરી વિકાસ સાથે સંબંધિત છે. તેમણે ઉમેર્યું હતું કે, "તે ઈઝ ઑફ લિવિંગ, પ્રવાસન, પરિવહન અને વેપાર-ધંધામાં સુધારો કરશે."

આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરીને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી કે, કેટલીક પરિયોજનાઓનો શિલાન્યાસ પ્રધાનમંત્રીએ પોતે કર્યો હતો. તેમણે એ હકીકત પર ખેદ વ્યક્ત કર્યો હતો કે ઘણા લાંબા સમય સુધી દેશના વિકાસ માટેના સરકારી પ્રોજેક્ટો કાં તો અટવાયેલા રહ્યા હતા, ત્યજી દેવામાં આવ્યા હતા અથવા તો તેમને અવળે રસ્તે દોરવામાં આવ્યા હતા, કેટલીકવાર તો એ હદે કે શિલાન્યાસ પોતે જ કાટમાળમાં ફેરવાઈ જતો હતો અને પ્રોજેક્ટ્સ અધૂરા રહી જતા હતા. પરંતુ છેલ્લાં 9 વર્ષમાં, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી કાર્યશૈલી વિકસાવવામાં આવી છે અને કાર્યસંસ્કૃતિ  શરૂ કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલની સરકાર આ પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા આતુર છે અને પૂર્ણ થયા પછી તરત જ અન્ય વિકાસલક્ષી કાર્યો તરફ પણ આગળ વધે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજની પરિયોજનાઓ આ કાર્યસંસ્કૃતિનું ઉદાહરણ છે અને વિકાસ કાર્યો માટે દરેકને અભિનંદન આપ્યાં હતાં.        

 

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, કેન્દ્ર સરકાર "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ"ના મંત્ર સાથે આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રનો સંતુલિત વિકાસ બહુ મોટી પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીએ વિકાસને વોટ બૅન્કની રાજનીતિના ચશ્માથી જોવાના લાંબા સમયથી ચાલી રહેલાં વલણની આલોચના કરી હતી. જેના કારણે આદિવાસી અને સરહદી વિસ્તારો વંચિત રહી ગયા હતા. માછીમારોને તેમનાં ભાગ્ય પર છોડી દેવામાં આવ્યા હતા અને દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીએ આ માટે ભારે કિંમત ચૂકવી હતી, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ એ વાત તરફ ધ્યાન દોર્યું હતું કે, આઝાદીના દાયકાઓ પછી પણ દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીના પ્રદેશોમાં એક પણ મેડિકલ કૉલેજ નહોતી અને યુવાનોને ડૉક્ટર બનવા માટે દેશના અન્ય પ્રદેશોમાં જવું પડતું હતું. તેમણે ધ્યાન દોર્યું હતું કે, આદિવાસી સમુદાયના યુવાનોની સંખ્યા, જેમને આ પ્રકારની તકો મળી છે, તે શૂન્યની નજીક છે, જ્યારે જેમણે દાયકાઓ સુધી દેશ પર શાસન કર્યું, તેમણે આ ક્ષેત્રનાં લોકોની ઇચ્છાઓ અને આકાંક્ષાઓ પર કોઈ ધ્યાન આપ્યું નહીં. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દમણ, દીવ, દાદરા અને નગર હવેલીને વર્ષ 2014 પછી સત્તામાં આવેલી વર્તમાન સરકારના સેવાલક્ષી અભિગમ અને સમર્પણને કારણે જ પ્રથમ નેશનલ એકેડેમિક મેડિકલ ઓર્ગેનાઇઝેશન અથવા નમો-એનએએમઓ મેડિકલ કૉલેજ મળી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હવે દર વર્ષે આ વિસ્તારના આશરે 150 યુવાનોને ચિકિત્સાનો અભ્યાસ કરવાની તક મળશે." તેમણે જાણકારી આપી હતી કે, નજીકનાં ભવિષ્યમાં આ વિસ્તારમાંથી આશરે 1000 ડૉક્ટર્સ બહાર પડશે. પ્રધાનમંત્રીએ પોતાનાં પહેલા વર્ષમાં જ ચિકિત્સાનો અભ્યાસ કરી રહેલી એક કન્યાના એક સમાચાર અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેણે કહ્યું હતું કે, માત્ર પોતાના પરિવારમાં જ નહીં પરંતુ આખા ગામમાં આવું કરનારી તે પહેલી વ્યક્તિ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સેવાની ભાવના આ વિસ્તારનાં લોકોની ઓળખ છે અને મહામારી દરમિયાન સ્થાનિક તબીબી વિદ્યાર્થીઓએ પ્રદાન કરેલી સક્રિય મદદને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે 'મન કી બાત'માં સ્થાનિક વિદ્યાર્થીના ગામ દત્તક કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ મેડિકલ કૉલેજથી સ્થાનિક તબીબી સુવિધાઓ પરનું દબાણ ઘટશે. તેમણે ઉમેર્યું હતું કે, "300 પથારીની નવી હૉસ્પિટલનું નિર્માણ ચાલી રહ્યું છે અને નવી આયુર્વેદિક હૉસ્પિટલ માટે મંજૂરી આપવામાં આવી છે."

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી તરીકેના પોતાના દિવસોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, તેમણે આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં વિજ્ઞાનનું શિક્ષણ શરૂ કર્યું. તેમણે શિક્ષણ માતૃભાષામાં ન હોવાના મુદ્દાને પણ વાચા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "હવે તબીબી અને ઇજનેરી શિક્ષણનો વિકલ્પ પણ સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે સ્થાનિક વિદ્યાર્થીઓને ખૂબ જ મદદ કરશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે એન્જિનીયરિંગ કૉલેજ સમર્પિત થવાથી દર વર્ષે 300 વિદ્યાર્થીઓને એન્જિનીયરિંગ શીખવાની તક મળશે." તેમણે મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ દાદરા અને નગર હવેલીમાં કૅમ્પસ ખોલી રહી છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે દમણમાં નિફ્ટ સેટેલાઇટ કૅમ્પસ, સિલવાસામાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કૅમ્પસ, દીવમાં આઇઆઇઆઇટી વડોદરા કૅમ્પસનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વચન આપ્યું હતું કે, "હું દરેક વિદ્યાર્થીને ખાતરી આપું છું કે અમારી સરકાર તેમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈ કસર છોડશે નહીં."

જ્યારે પ્રધાનમંત્રીએ સિલવાસાની તેમની અગાઉની મુલાકાતને યાદ કરી હતી જ્યારે તેમણે બાળકોનું શિક્ષણ, યુવાનો માટે આવકનો સ્ત્રોત, વડીલો માટે સ્વાસ્થ્ય સુવિધા, ખેડૂતો માટે સિંચાઈની સુવિધાઓ અને સામાન્ય નાગરિકો માટે નિવારણ જેવા વિકાસના પાંચ માપદંડો અથવા ‘પંચધારા’ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની મહિલા લાભાર્થીઓ માટે પાકાં મકાનોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ઉપર જણાવેલા માપદંડોમાં આ વધુ એક માપદંડ ઉમેરવા ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકારે છેલ્લાં થોડાં વર્ષોમાં દેશમાં 3 કરોડથી વધારે ગરીબ પરિવારોને પાકાં મકાનો પૂરાં પાડ્યાં છે, જ્યાં 15,000થી વધારે મકાનોનું નિર્માણ સરકારે પોતે જ કરીને તેમને સુપરત કર્યાં છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે અહીં 1200થી વધારે કુટુંબોને તેમનાં પોતાનાં મકાનો મળ્યાં છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોમાં મહિલાઓને સમાન હિસ્સો આપવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સરકારે દમણ, દીવ, દાદરા અને નગર હવેલીની હજારો મહિલાઓને ઘરમાલિક બનાવી દીધી છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલાં દરેક મકાનની કિંમત કેટલાંક લાખ રૂપિયા છે, જે આ મહિલાઓને 'લખપતિ દીદી' બનાવે છે.

આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નાગલી અને નચની જેવાં સ્થાનિક જાડાં ધાન્યનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, સરકાર સ્થાનિક શ્રી અન્નને વિવિધ સ્વરૂપે પ્રોત્સાહન આપી રહી છે. પ્રધાનમંત્રીએ આગામી રવિવારે 'મન કી બાત'ના આગામી 100મા ઍપિસોડનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મન કી બાત' ભારતનાં લોકોના પ્રયાસો અને ભારતની વિશેષતાઓને ઉજાગર કરવા માટે એક ખૂબ જ સારું પ્લેટફોર્મ બની ગયું છે. તમારી જેમ જ હું પણ 100મા ઍપિસોડની રાહ જોઈ રહ્યો છું," એમ તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ દમણ, દીવ અને દાદરા તથા નગર હવેલીને મુખ્ય પ્રવાસન સ્થળો તરીકે વિકસવાની સંભવિતતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, "હું દમણ, દીવ અને દાદરા તથા નગર હવેલીને દરિયાકિનારાનાં પ્રવાસનનાં ઉજ્જવળ સ્થળ તરીકે જોઉં છું." તેમણે કહ્યું હતું કે, જ્યારે સરકાર ભારતને વિશ્વનું અગ્રણી પ્રવાસન સ્થળ બનાવવા કામ કરી રહી છે, ત્યારે આ બાબત વધારે મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, નાની દમણ મરીન ઓવરવ્યુ (વિહંગાવલોકન) (નમો) પથનાં નામે બે સી ફ્રન્ટ્સ પ્રવાસનને વેગ આપશે. તેમણે કહ્યું કે બીચ વિસ્તારમાં એક નવું ટેન્ટ સિટી ઉભરી રહ્યું છે. તદુપરાંત, પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, ખાનવેલ રિવરફ્રન્ટ, દુધની જેટી, ઇકો-રિસોર્ટ અને કોસ્ટલ પ્રૉમિનાડ (વિહાર સ્થળ)  જ્યારે પૂર્ણ થશે ત્યાર પછી પ્રવાસીઓ માટે આકર્ષણમાં વધારો કરશે. 

 

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ 'તુષ્ટિકરણ' પર નહીં, પણ 'સંતુષ્ટિકરણ' પર ભાર મૂકી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છેલ્લાં 9 વર્ષમાં વંચિતોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી એ સુશાસનની ઓળખ બની ગઈ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સમાજના દરેક વંચિત વર્ગ અને દેશના દરેક વંચિત વિસ્તારને સુવિધાઓ પ્રદાન કરવા ઝડપથી કામ કરી રહી છે. જ્યારે સરકાર નાગરિકોનાં ઘરના દરવાજે પહોંચે છે અને યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત થાય છે ત્યારે ભ્રષ્ટાચાર અને ભેદભાવ દૂર થાય છે. શ્રી મોદીએ દમણ, દીવ, દાદરા અને નગર હવેલી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ સાથે સંતૃપ્તિની ખૂબ જ નજીક હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "વિકસિત ભારતનો સંકલ્પ અને સમૃદ્ધિ 'સબકા પ્રયાસો'થી પ્રાપ્ત થશે.

આ પ્રસંગે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ તથા દીવ તથા લક્ષદ્વીપના વહીવટકર્તા શ્રી પ્રફુલ્લ પટેલ, દાદરા અને નગર હવેલી તથા કૌશાંબીનાં સાંસદ અનુક્રમે શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકર અને વિનોદ સોનકર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીએ સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને લોકાર્પણ કર્યું હતું, જેનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીએ જાન્યુઆરી, 2019માં કર્યો હતો. તે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના નાગરિકો માટે આરોગ્ય સેવાઓમાં પરિવર્તન લાવશે. અત્યાધુનિક મેડિકલ કૉલેજમાં નવીનતમ સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલની સુલભતાથી સજ્જ 24×7 કેન્દ્રીય પુસ્તકાલય, વિશેષ તબીબી સ્ટાફ, તબીબી પ્રયોગશાળાઓ, સ્માર્ટ લેક્ચર હૉલ, સંશોધન પ્રયોગશાળાઓ, એનાટોમી મ્યુઝિયમ, ક્લબ હાઉસ, રમતગમતની સુવિધાઓ અને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો માટેનાં રહેઠાણોનો સમાવેશ થાય છે.

 

પ્રધાનમંત્રીએ સિલવાસાનાં સાયલી મેદાન ખાતે રૂ. 4850 કરોડથી વધુની કિંમતની 96 પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં દાદરા અને નગર હવેલી જિલ્લાની મોરખલ, ખેરડી, સિંડોની અને મસતની સરકારી શાળાઓ; દમણમાં આંબાવાડી, પરિયારી, દમણવાડા, ખારીવાડ ખાતે સરકારી શાળાઓ અને દમણની સરકારી ઇજનેરી કૉલેજ; દાદરા અને નગર હવેલી જિલ્લામાં વિવિધ માર્ગોનું બ્યુટિફિકેશન, મજબૂતીકરણ અને પહોળા કરવા;  મોટી દમણ અને નાની દમણ ખાતે ફિશ માર્કેટ અને શૉપિંગ સંકુલ અને નાની દમણમાં પાણી પુરવઠા યોજનામાં વધારોનો સમાવેશ થાય છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”