પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક લાખથી વધુ લાભાર્થીઓની મંજૂર કરવામાં આવેલી લોન ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી
મુંબઇ મેટ્રો રેલ લાઇન 2A અને 7 રાષ્ટ્રને સમર્પિત કરી
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને સાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કર્યો
20મા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું
મુંબઇમાં લગભગ 400 કિલોમીટરના રસ્તાઓ માટે રોડ કોંક્રીટાઇઝેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો
"ભારતના સંકલ્પમાં દુનિયા ભરોસો બતાવી રહી છે"
"છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઇને, ડબલ એન્જિનની સરકારમાં 'સૂરજ' અને 'સ્વરાજ'ની ભાવના પ્રબળ રીતે સ્પષ્ટ થાય છે"
"ભારત ભવિષ્યવાદી વિચારસરણી અને આધુનિક અભિગમ સાથે પોતાના ભૌતિક અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરી રહ્યું છે"
"આજની જરૂરિયાતો અને ભવિષ્યની સંભાવનાઓ બંને પર કામ ચાલી રહ્યું છે"
"અમૃતકાળ દરમિયાન, મહારાષ્ટ્રના ઘણા શહેરો ભારતના વિકાસને આગળ ધપાવશે"
"શહેરોનો વિકાસ કરવા માટે ક્ષમતા અને રાજકીય ઇચ્છાશક્તિનો કોઇ જ અભાવ નથી"
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે ભારત અભૂતપૂર્વ આત્મવિશ્વાસથી છલકાઇ રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઇને, ડબલ એન્જિનવાળી સરકારમાં 'સૂરજ' અને 'સ્વરાજ'ની ભાવના પ્રબળ રીતે સ્પષ્ટ થાય છે".
પ્રધાનમંત્રીએ મુંબઇમાં રસ્તાઓના સુધારણા માટે આજે હાથ ધરવામાં આવેલા કામના મુદ્દાને પણ સ્પર્શ્યો હતો અને ટિપ્પણી કરી કે, ડબલ એન્જિનની સરકાર દ્વારા દાખવવામાં આવેલી પ્રતિબદ્ધતા આ કાર્યોમાં દેખાઇ આવે છે
તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે સબકા પ્રયાસ હોય ત્યારે કશું જ અશક્ય નથી એ વાતનું જીવંત દૃશ્ટાંત ડિજિટલ ઇન્ડિયા છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઇમાં બહુવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક લાખ કરતાં વધુ લાભાર્થીઓની મંજૂર કરવામાં આવેલી લોનને ટ્રાન્સફરની પણ શરૂઆત કરી હતી. આ પરિયોજનાઓમાં મુંબઇ મેટ્રો રેલ લાઇન 2A અને 7નું રાષ્ટ્રને લોકાર્પણ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસના કાર્યો અને સાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ, 20 હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું ઉદ્ઘાટન અને મુંબઇની આસપાસમાં 400 મીટરના રસ્તાઓનું રોડ કોન્ક્રીટાઇઝેશન માટેના પ્રોજેક્ટનો આરંભ કરવાનું સામેલ છે.

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની પરિયોજનાઓ મુંબઇને વધુ સારું મેટ્રોપોલિટન શહેર બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે અને લાભાર્થીઓ તેમજ મુંબઇકરોને આ બાબતે અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ ભારતમાં અગાઉના સમયગાળાને યાદ કર્યો હતો જેમાં માત્ર ગરીબીની ચર્ચા થતી હતી અને દુનિયામાંથી સહાય મેળવવી તે એકમાત્ર વિકલ્પ હતો અને કહ્યું હતું કે, "સ્વતંત્રતા મળ્યા પછી આ પ્રથમ વખત એવું બન્યું છે કે ભારતમાં તેના સપનાને વાસ્તવિકતામાં બદલવાની હિંમત છે". તેમણે એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, આ પહેલું એવું ઉદાહરણ છે જ્યારે ભારતના સંકલ્પમાં દુનિયા વિશ્વાસ બતાવી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જેમ ભારતીયો વિકસિત ભારતની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યાં છે, એવી જ રીતે વિશ્વમાં ભારત માટે આશાવાદ જોવા મળી શકે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સકારાત્મકતા ભારત તેની ક્ષમતાઓનો સારો ઉપયોગ કરી રહ્યું છે તેવા વિશ્વાસના કારણે જાગી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે ભારત અભૂતપૂર્વ આત્મવિશ્વાસથી છલકાઇ રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઇને, ડબલ એન્જિનવાળી સરકારમાં 'સૂરજ' અને 'સ્વરાજ'ની ભાવના પ્રબળ રીતે સ્પષ્ટ થાય છે".

 

પ્રધાનમંત્રીએ દેશમાં અગાઉ થયેલા કૌભાંડોના યુગને યાદ કર્યો હતો જેણે દેશ અને તેના કરોડો નાગરિકોને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "અમે આ વિચારસરણીમાં જ પરિવર્તન લાવી દીધું છે અને આજે ભારત ભવિષ્યવાદી વિચારસરણી તેમજ આધુનિક અભિગમ સાથે પોતાના ભૌતિક અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરી રહ્યું છે". તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, આવાસ, શૌચાલય, વીજળી, પાણી, રાંધણ ગેસ, મફત તબીબી સારવાર, મેડિકલ કોલેજો, એઇમ્સ, IIT અને IIM ઝડપથી વિસ્તરણ પામી રહ્યા છે, તો બીજી તરફ આધુનિક કનેક્ટિવિટી પણ એવી જ રીતે આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, "આજની જરૂરિયાતો અને ભવિષ્યની સંભાવનાઓ બંને પર કામ ચાલી રહ્યું છે". તેમણે ઉમેર્યું હતું કે, આ કપરા સમયમાં પણ ભારત 80 કરોડ નાગરિકોને મફત રાશન પૂરું પાડી રહ્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, "આ આજના ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને વિકસિત ભારતની પરિકલ્પનાનું પ્રતિબિંબ છે".

પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં શહેરોની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હોવાની બાબત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમૃતકાળ દરમિયાન મહારાષ્ટ્રના ઘણા શહેરો ભારતના વિકાસને આગળ લઇ જશે. તેમણે કહ્યું હતું કે, 'તેથી જ મુંબઇને ભવિષ્ય માટે તૈયાર કરવું એ ડબલ એન્જિન સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ પૈકી એક છે. શ્રી મોદીએ મુંબઇમાં મેટ્રોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મુંબઇમાં 10-11 કિલોમીટર લાંબો મેટ્રોનો રૂટ હતો, જેમાં ડબલ એન્જિનવાળી સરકાર સાથે મેટ્રોને નવી સ્પીડ અને વ્યાપકતા મળ્યા છે કારણ કે મુંબઇ ઝડપથી 300 કિલોમીટરના મેટ્રો નેટવર્ક તરફ આગળ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ એવી માહિતી આપી હતી કે, ભારતીય રેલ્વે અને મુંબઇ મેટ્રોની પ્રગતિ માટે આખા દેશમાં મિશન મોડમાં કામ કરવામાં આવી રહ્યું છે અને લોકલ ટ્રેનો પણ તેનો ફાયદો ઉઠાવી રહી છે. તેમણે ટાંક્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર સામાન્ય લોકોને સમાન અદ્યતન સેવાઓ, સ્વચ્છતા અને મુસાફરીની ઝડપનો અનુભવ પૂરો પાડવાનો પ્રયત્ન કરે છે જે અત્યાર સુધી માત્ર સંસાધનો ધરાવતા લોકોની પહોંચમાં જ હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેના પરિણામ સ્વરૂપે આજના રેલ્વે સ્ટેશનોનો વિકાસ હવાઇમથકોની જેમ કરવામાં આવી રહ્યો છે અને ભારતના સૌથી જૂના રેલ્વે સ્ટેશનો પૈકીના એક એવા, છત્રપતિ મહારાજ ટર્મિનસને આ પહેલના ભાગ રૂપે કાયાકલ્પ પ્રાપ્ત થવા જઇ રહ્યો છે અને 21મી સદીના ભારતનું ઝળહળતું ઉદાહરણ તરીકે તેનો વિકાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “આની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકો માટે વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો અને મુસાફરીનો અનુભવ વધુ સરળ બનાવવાનો છે.” તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, રેલ્વે સ્ટેશન માત્ર રેલ્વે સંબંધિત સેવાઓ સુધી સિમિત નહીં રહે પરંતુ મલ્ટિમોડલ કનેક્ટિવિટી માટેના હબ તરીકે પણ કામ કરશે. પ્રધાનમંત્રીએ આવા મલ્ટિમોડલ કનેક્ટિવિટી હબનો દરેક શહેરમાં વિકાસ કરવામાં આવશે તેવી માહિતી આપતા જણાવ્યું હતું કે, "બસ, મેટ્રો, ટેક્સી અથવા ઓટો, પરિવહનના તમામ માધ્યમો એક છત નીચે જોડાયેલા હશે અને આ તમામ પ્રવાસીઓને વિના અવરોધે કનેક્ટિવિટી પ્રદાન કરશે".

 

મુંબઇ લોકલની ટેકનિકલ પ્રગતિ, મેટ્રો નેટવર્કના વિસ્તરણ, વંદે ભારત ટ્રેન અને બુલેટ ટ્રેન કરતાં વધુ ઝડપથી અદ્યતન કનેક્ટિવિટી સાથે મુંબઇ શહેરનો આવનારા વર્ષોમાં કાયાકલ્પ થઇ જશે તેવી માહિતી પણ પ્રધાનમંત્રીએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ગરીબ શ્રમિકો અને કર્મચારીઓથી લઇને દુકાનદારો અને મોટા બિઝનેસ માલિકો સુધીના તમામ લોકો માટે, મુંબઇમાં રહેવાનું ખૂબ જ અનુકૂળ થઇ જશે.” તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આસપાસના જિલ્લાઓમાંથી મુંબઇ આવવા-જવાનું હવે સરળ બનશે. સમુદ્રકાંઠાનો માર્ગ, ઇન્દુ મિલ્સ સ્મારક, નવી મુંબઇ હવાઇમથક, ફ્રાન્સ હાર્બર લિન્ક અને આવા બીજા કેટલાય પ્રોજેક્ટ્સ મુંબઇને નવી તાકાત આપી રહ્યા છે તે વાત પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ પણ ધ્યાનમાં લીધું હતું કે, ધારાવી પુનર્વિકાસ અને જૂની ચાલીઓના વિકાસ જેવા પ્રોજેક્ટ પણ ફરી પાટા પર પાછા આવી રહ્યા છે અને આ નોંધપાત્ર સિદ્ધિ માટે શ્રી એકનાથ શિંદે અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ મુંબઇમાં રસ્તાઓના સુધારણા માટે આજે હાથ ધરવામાં આવેલા કામના મુદ્દાને પણ સ્પર્શ્યો હતો અને ટિપ્પણી કરી કે, ડબલ એન્જિનની સરકાર દ્વારા દાખવવામાં આવેલી પ્રતિબદ્ધતા આ કાર્યોમાં દેખાઇ આવે છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના શહેરોના સંપૂર્ણ પરિવર્તન માટે કામગીરી ચાલી રહી છે. પ્રદૂષણ અને સ્વચ્છતા જેવી શહેરોની વ્યાપક સમસ્યાઓના ઉકેલો શોધવામાં આવી રહ્યા છે. ઇલેક્ટ્રિક પરિવહન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોફ્યુઅલ આધારિત પરિવહન સિસ્ટમ, હાઇડ્રોજન ઇંધણ પર મિશન મોડમાં ધ્યાન કેન્દ્રિત કરવું, વેસ્ટ-ટુ-વેલ્થ ઝુંબેશ અને સ્વચ્છ નદીઓ સુનિશ્ચિત કરવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ દિશામાં લેવામાં આવેલા કેટલાક મુખ્ય પગલાં છે. મેટ્રોપોલિટનને ફાળવવામાં આવેલા નાણાંના યોગ્ય ઉપયોગની જરૂરિયાત પર પ્રધાનમંત્રી ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, “શહેરોના વિકાસ માટે ક્ષમતા અને રાજકીય ઇચ્છાશક્તિનો કોઇ જ અભાવ નથી. તેમ છતાં, જ્યાં સુધી શહેરી સ્થાનિક સંસ્થાઓ પણ ઝડપી વિકાસ માટે સમાન પ્રાથમિકતા ધરાવે નહીં ત્યાં સુધી મુંબઇ જેવા શહેરમાં પણ વિકાસ સાકાર થઇ શકતો નથી. આથી જ મુંબઇના વિકાસમાં સ્થાનિક શહેરી સંસ્થાની ભૂમિકા મહત્વપૂર્ણ છે”. તેમણે વિકાસની બાબતોમાં કરવામાં આવતી રાજનીતિ સામે પણ સૌને ચેતવ્યા હતા. સ્વનિધિ જેવી ભૂતકાળની યોજનાઓ કે, જેણે શેરી પરના 35 લાખ ફેરિયા સસ્તી અને જામીન મુક્ત લોનનો લાભ આપ્યો છે અને મહારાષ્ટ્રમાંથી પણ 5 લાખ લાભાર્થીઓ છે, તે યોજનામાં રાજકીય કારણોસર ભૂતકાળમાં અવરોધો આવ્યા હતા તે બાબતે પ્રધાનમંત્રીએ અફસોસ વ્યક્ત કર્યો હતો. આ માટે તેમણે સંપૂર્ણ સંકલન અને કેન્દ્રથી મહારાષ્ટ્રથી મુંબઇ સુધી સુમેળમાં કામ કરતી પ્રણાલીની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, સ્વનિધિએ માત્ર લોનની એક યોજના કરતાં ઘણી વિશેષ છે અને તેણે શેરી પરના ફેરિયાઓ માટે માટે આત્મસન્માનનો પાયો નાંખ્યો છે. લાભાર્થીઓની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ એ વાસ્તવિકતાની પ્રશંસા કરી હતી કે, તેમણે ટૂંકા ગાળામાં 50 હજાર કરોડ રૂપિયાના ડિજિટલ વ્યવહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે સબકા પ્રયાસ હોય ત્યારે કશું જ અશક્ય નથી એ વાતનું જીવંત દૃશ્ટાંત ડિજિટલ ઇન્ડિયા છે".

 

પોતાના સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ શેરી પરના ફેરિયાઓને કહ્યું હતું કે, “હું તમારી પડખે ઉભો છું. જો તમે દસ પગલાં ભરશો તો હું અગિયાર પગલાં ભરવા માટે તૈયાર છું.” તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશના નાના ધારકોના કામ અને સમર્પણથી દેશ નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરશે જે વિશાળ પરિવર્તન સર્જશે. તેમણે મુંબઇ અને મહારાષ્ટ્રના લોકોને આજના વિકાસ કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ખાતરી આપી કે, શિંદેજી અને દેવેન્દ્રજીની જોડી મહારાષ્ટ્રના સપનાને સાકાર કરશે.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારી, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી પીયૂષ ગોયલ, શ્રી નારાયણ રાણે, કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ, સંસદ સભ્યો અને મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ મુંબઇમાં આશરે રૂપિયા 38,800 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. વિના અવરોધે શહેરી આવન-જાવનની સુવિધા પૂરી પાડવી એ પ્રધાનમંત્રી દ્વારા ધ્યાનમાં રાખવામાં આવતા મુખ્ય ક્ષેત્રો પૈકી એક છે અને આ બાબતને અનુરૂપ, તેમણે લગભગ રૂ. 12,600 કરોડની કિંમતની મુંબઇ મેટ્રો રેલ લાઇન્સ 2A અને 7નું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. મેટ્રોલાઇન 2A દહિસર E અને DN નગર (યલો લાઇન)ને જોડતી અંદાજે 18.6 કિમી લાંબી લાઇન છે, જ્યારે મેટ્રો લાઇન 7 અંધેરી E - દહિસર E (રેડ લાઇન)ને જોડતી 7 લગભગ 16.5 કિમી લાંબી લાઇન છે. આ લાઇનોનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીના હસ્તે જ વર્ષ 2015માં કરવામાં આવ્યો હતો.

 

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, જેને અંદાજે રૂ. 17,200 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. આ સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મલાડ, ભાંડુપ, વર્સોવા, ઘાટકોપર, બાંદ્રા, ધારાવી અને વરલીમાં સ્થાપિત કરવામાં આવશે. તેમની સંયુક્ત ક્ષમતા લગભગ 2,460 MLD હશે.

મુંબઇમાં આરોગ્ય સંભાળ સંબંધિત માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે, પ્રધાનમંત્રીએ 20 હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવતર પહેલ લોકોને આરોગ્ય તપાસ, દવાઓ, તપાસ અને નિદાન જેવી આવશ્યક તબીબી સેવાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડે છે. પ્રધાનમંત્રી મુંબઇમાં ત્રણ હોસ્પિટલોના પુનર્વિકાસ માટે પણ શિલાન્યાસ કરશે. 360 પથારીવાળી ભાંડુપ મલ્ટિસ્પેશિયાલિટી મ્યુનિસિપલ હોસ્પિટલ, 306 પથારીવાળી સિદ્ધાર્થ નગર હોસ્પિટલ, ગોરેગાંવ (વેસ્ટ) અને 152 પથારીવાળું ઓશિવારા પ્રસૂતિ ગૃહ તેમાં સામેલ છે. આનાથી શહેરના લાખો રહેવાસીઓને લાભ મળશે અને ઉચ્ચ-કક્ષાની તબીબી સુવિધાઓ તેમના સુધી પહોંચાડવામાં આવશે.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન મુંબઇમાં લગભગ 400 કિલોમીટરના રસ્તાઓ માટે રોડ કોંક્રીટાઇઝેશનના પ્રોજેક્ટનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ લગભગ 6,100 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે. મુંબઇમાં લગભગ 2050 કિલોમીટર સુધી ફેલાયેલા કુલ માર્ગોના નેટવર્કમાંથી 1200 કિલોમીટરથી વધુ લંબાઇના માર્ગો કાં તો કોંક્રીટના બનેલા છે અથવા તો તેનું કોંક્રીટાઇઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે, લગભગ 850 કિમી લંબાઇના બાકીના માર્ગોમાં હજુ પણ ખાડાની સમસ્યાઓ ઉભી જ છે જેના કારણે પરિવહન પર ગંભીર અસર પડી રહી છે. રોડ કોંક્રીટાઇઝેશન પ્રોજેક્ટનો હેતુ આવા પડકારોને દૂર કરવાનો છે. કોંક્રિટના આ રસ્તાઓ ઉન્નત સુરક્ષાની સાથે સાથે ઝડપી મુસાફરી સુનિશ્ચિત કરશે, જ્યારે સારી ડ્રેનેજ સુવિધાઓ અને યુટિલિટી ડક્ટ્સ પણ સુનિશ્ચિત કરશે જેના કારણે રસ્તાઓનું નિયમિત ખોદકામ ટાળી શકાશે.

પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. ટર્મિનસના દક્ષિણ હેરિટેજ છેડાની ભીડ ઓછી કરવા, સુવિધાઓમાં વૃદ્ધિ કરવા, વધુ સારી મલ્ટિમોડલ એકીકૃતતા અને વિશ્વ-પ્રસિદ્ધ આઇકોનિક માળખાને તેના ભૂતકાળના ગૌરવમાં સાચવવા તેમજ પુનઃસ્થાપિત કરવાના હેતુથી પુનર્વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ રૂ. 1,800 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક લાખથી વધુ લાભાર્થીઓની મંજૂર કરવામાં આવેલી લોન ટ્રાન્સફરની શરૂઆત પણ કરી હતી.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi