પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે એસોચેમ, ફિક્કી, સીઆઇઆઈ અને દેશભરના 18 શહેરોમાંથી કેટલીક સ્થાનિક ચેમ્બર્સના ઉદ્યોગનાં પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે સરકાર દેશમાં વૃદ્ધિને વેગ આપવા માટે કામ કરી રહી છે, ત્યારે અર્થતંત્ર સામે કોવિડ-19 સ્વરૂપે અનપેક્ષિત અવરોધ ઊભો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ સમયે અર્થતંત્ર સામે જે પડકાર હતો એના કરતાં પણ મોટો પડકાર આ રોગચાળાને કારણે ઊભો થયો છે અને આપણે એના પ્રસારને નિયંત્રણમાં લેવા સતત સતર્ક રહેવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અર્થતંત્રનો આધાર વિશ્વાસ છે. વિશ્વાસ એક વિશિષ્ટ માપદંડ છે – આ મુશ્કેલ અને પડકારજનક સમયમાં મેળવી શકાય અથવા ગુમાવી શકાય છે. વિશ્વાસનો આ માપદંડ અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ તબક્કામાં છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસન, નિર્માણ, હોસ્પિટાલિટી અને ડેઇલી લાઇફ એંગેજમેન્ટ તેમજ અનૌપચારિક ક્ષેત્ર સહિત કેટલાંક ક્ષેત્રોને કોવિડ-19ને કારણે ફટકો પડ્યો છે. એની અર્થતંત્ર પર અસર આગામી થોડા સમય માટે અનુભવાશે.
ઉદ્યોગના પ્રતિનિધિઓએ પ્રધાનમંત્રીનો મોખરે રહીને નેતૃત્વ કરવા બદલ અને ઝડપથી, જોખમનો સામનો કરવા મજબૂત કામગીરી કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રીને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવા અને તબીબી ઉપકરણો પૂરા પાડવા તેમણે હાથ ધરેલા પગલાં વિશે જાણકારી આપી હતી, જેમાં વેન્ટિલટર્સ, આઇસોલેશન વોર્ડ ઊભા કરવા, કોવિડ-19 સામે લડવા માટે સીએસઆર ફંડનો ઉપયોગ અને માઇગ્રન્ટ લેબરને સહાયની જોગવાઈ સામેલ છે.
તેમણે બેંકિંગ, ફાઇનાન્સ, હોસ્પિટાલિટી, પર્યટન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોની ચોક્કસ સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી તથા નાણાકીય અને રાજકોષીય સહાય દ્વારા આ પડકારોને સફળતાપૂર્વક ઝીલવામાં મદદ કરવા માટે વિનંતી કરી હતી. ઉદ્યોગનાં પ્રતિનિધિઓએ આર્થિક નુકસાનને ધ્યાનમાં લીધા વિના વાયરસનાં પ્રસારને નિવારવા શહેરો કે રાજ્યોને બંધ કરવાના મહત્ત્વની પ્રશંસા પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ અસંગઠિત ક્ષેત્રની જરૂરિયાતો પર એક અવાજે વાત કરવા બદલ ઉદ્યોગનાં પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ આર્થિક સંકલનની નવી શરૂઆતનો સંકેત છે. તેમણે કર્મચારીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શક્ય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવા જણાવ્યું હતું. તેમણે માનવીય અભિગમ અપનાવવા બદલ અને તેમના વ્યવસાયો પર નકારાત્મક અસર થઈ હોવા છતાં કર્મચારીઓમાં કાપ નહીં મૂકવા બદલ ઉદ્યોગની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અત્યારે કટોકટીના ગાળામાં આવશ્યક ચીજવસ્તુઓનાં ઉત્પાદનને અસર ન થાય તથા એના કાળા બજાર ન થાય અને એનો સંગ્રહ ન થાય એ જરૂરી છે. તેમણે ઉદ્યોગનાં પ્રતિનિધિઓને ‘સ્વચ્છતા’નું મહત્ત્વ યાદ અપાવ્યું હતું અને તેમને કારખાનાઓ, ઓફિસો અને કાર્યસ્થળે કોવિડ-19ના પ્રસારને નિવારવા તબીબી સલાહનું પાલન કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વાયરસના પ્રસાર સામેની આપણી લડાઈમાં આપણું સૌથી મોટું શસ્ત્ર સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ) છે. તેમણે આ કટોકટીનાં ગાળામાં રોગચાળા સાથે સંબંધિત માનવતાવાદી કાર્યો માટે તેમના સીએસઆર ફંડનો ઉપયોગ કરવાની વિનંતી પણ કરી હતી.
આ ચર્ચા-વિચારણામાં ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી તથા સેક્રેટરી પણ સહભાગી થયા હતા.