પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આખા દેશમાંથી પ્રિન્ટ મીડિયાના 20થી વધારે પત્રકારો અને હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. આ પત્રકારો 14 સ્થળેથી આ વર્ચ્યુઅલ બેઠકમાં સામેલ થયા હતા, જેમાં 11 જુદી-જુદી ભાષાઓનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય અને પ્રાદેશિક એમ બંને મીડિયાના પ્રતિનિધિઓ સામેલ હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મીડિયાએ આ દેશનાં ખૂણે-ખૂણે માહિતીનો પ્રસાર કરવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે, મીડિયાનું નેટવર્ક આખા ભારતમાં છે તેમજ દરેક શહેરો અને ગામડાઓમાં ફેલાયેલું છે. એટલે કોવિડ-19ને કારણે ઊભા થયેલા પડકાર સામે લડવામાં મીડિયાની ભૂમિકા વધારે મહત્ત્વપૂર્ણ બની છે. મીડિયા છેવાડના માનવી સુધી સાચી માહિતી પહોંચાડે છે.
તેમણે જણાવ્યું હતું કે, અખબારો અતિ વિશ્વસનિયતા ધરાવે છે અને કોઈ પણ પ્રદેશનું સ્થાનિક પાનું વાંચતો વર્ગ બહોળો છે. એટલે કોરોનાવાયરસ વિશે સાચી માહિતી આ પાનાં પર પ્રકાશિત કરીને તેમાના સુધી પહોંચાડવી જરૂરી છે. પરીક્ષણ કેન્દ્રો ક્યાં છે, કોને પરીક્ષણ કરાવવું જોઈએ, પરીક્ષણ કરાવવા માટે કોનો સંપર્ક કરવો જોઈએ અને હોમ આઇસોલેશનનાં પ્રોટોકોલનું પાલન કેવી રીતે કરવું જોઈએ વગેરે માહિતી લોકોને પૂરી પાડવી મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ માહિતી અખબારો અને વેબ પોર્ટલ પર શેર કરવી જોઈએ. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે, લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતાના સ્થળો જેવી માહિતી પ્રાદેશિક પાનાંઓ પર પણ આપી શકાશે.
પ્રધાનમંત્રીએ સરકાર અને લોકો વચ્ચે સાંકળ બનવા તેમજ રાષ્ટ્રીય અને પ્રાદેશિક એમ બંને સ્તરે સતત પ્રતિભાવો આપવા મીડિયાના પ્રતિનિધિઓને જણાવ્યું હતું. તેમણે સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ)નાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને મીડિયાનાં પ્રતિનિધિઓને એના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારોએ લોકડાઉનનો નિર્ણય શા માટે લીધો એ વિશે લોકોને જાણકારી આપવી જોઈએ અને વાયરસના પ્રસારની અસર વિશે જણાવવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, આ માટે અખબારોમાં અન્ય દેશો વિશે થયેલા કેસ સ્ટડી અને આંતરરાષ્ટ્રીય આંકડાને સામેલ કરવા જોઈએ.
લોકોનો રોગચાળા સામે લડવાનો જુસ્સો જળવાઈ રહે એ જરૂરી છે એના પર પ્રધાનમંત્રીએ ભાર મૂકીને જણાવ્યું હતું કે, અત્યારે નિરાશા, હતાશા, નકારાત્મકતા અને અફવાઓનો સફળતાપૂર્વક સામનો કરવો મહત્ત્વપૂર્ણ છે. નાગરિકોએ ખાતરી આપવાની જરૂર છે કે, સરકાર કોવિડ-19ની અસર ઝીલવા પ્રતિબદ્ધ છે.
પ્રિન્ટ મીડિયાના પત્રકારો અને અન્ય પ્રતિનિધિઓએ અત્યારે કટોકટીના સમયગાળા દરમિયાન દેશનું સુકાન મોખરે રહીને સંભાળવા બદલ અને અસરકાર રીતે જનતા સુધી વાત પહોંચાડવા બદલ પ્રધાનમંત્રીની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રીનાં સૂચનો પર કામ કરશે તથા પ્રેરક અને સકારાત્મક સ્ટોરી પ્રકાશિત કરશે. તેમણે પ્રિન્ટ મીડિયાની વિશ્વસનિયતા વ્યક્ત કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, આખો દેશ આ વિકરાળ પડકારને ઝીલવા એકમંચ પર આવે એ માટે એમના સંદેશનું પાલન કરશે.
પ્રધાનમંત્રીએ પત્રકારો અને પ્રતિનિધિઓનો પ્રતિભાવ આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે તેમને વંચિત વર્ગનાં લોકો પ્રત્યે પત્રકારો અને સમૂહ માધ્યમોની સામાજિક જવાબદારીની યાદ અપાવી હતી. તેમણે કહ્યું હતું કે, આપણા દેશની સુરક્ષાને અક્ષુણ રાખવા માટે સામાજિક સંવાદિતા વધારવી મહત્ત્વપૂર્ણ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સચિવે સક્રિય, પૂર્વવ્યાપી અને સરકારનાં પ્રતિભાવ વિશે માહિતી પૂરી પાડીને કોરોનાવાયરસનો પ્રસાર અટકાવવા માટે પત્રકારોનો આભાર માન્યો હતો. તેમણે પ્રિન્ટ મીડિયાને અત્યારે કટોકટીનાં સમયમાં ખોટી માહિતી ન ફેલાય એ માટે અપીલ કરી હતી.
આ વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રીય માહિતી અને પ્રસાર મંત્રી અને કેન્દ્રીય માહિતી અને પ્રસાર મંત્રાલયનાં સચિવ પણ સહભાગી થયા હતા.