પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવો તરીકે જોડાયેલા આઈએએસ 2022ની બેચના 181 તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન વિવિધ અધિકારીઓએ તેમનાં દ્વારા લેવાયેલી તાલીમનાં પોતાનાં અનુભવો વહેંચ્યાં હતાં. પ્રધાનમંત્રીએ વર્ષ 2022માં આરંભ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે અગાઉ થયેલી વાતચીતને યાદ કરી હતી. સહાયક સચિવ કાર્યક્રમ વિશે બોલતાં તેમણે જણાવ્યું હતું કે, તેની પાછળનો આશય વહીવટી પિરામિડની ટોચથી નીચે સુધીના યુવાન અધિકારીઓને પ્રાયોગિક શિક્ષણની તક પૂરી પાડવાનો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવું ભારત ઉદાસીન અભિગમથી સંતુષ્ટ નથી અને સક્રિયતા ઇચ્છે છે તથા તેમણે તમામ નાગરિકોને શ્રેષ્ઠ શાસન, ઉત્પાદનની ગુણવત્તા અને જીવનની ગુણવત્તા પ્રદાન કરવા પ્રયાસ કરવા જોઈએ. લખપતિ દીદી, ડ્રોન દીદી, પીએમ આવાસ યોજના વગેરે જેવી યોજનાઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ તમામ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે સંતૃપ્તિ અભિગમ સાથે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે સંતૃપ્તિનો અભિગમ સામાજિક ન્યાયની ખાતરી આપે છે અને ભેદભાવને અટકાવે છે. તેમણે કહ્યું કે હવે તે તેમની પસંદગી છે કે તેઓ સર્વિસ ડિલિવરીમાં સ્પીડ બ્રેકર હશે કે સુપરફાસ્ટ હાઇવે. તેમણે ઉમેર્યું કે તેઓએ ઉત્પ્રેરક એજન્ટો બનવાની ઇચ્છા રાખવી જોઈએ અને જ્યારે તેઓ તેમની આંખોની સામે પરિવર્તન જોશે ત્યારે તેઓ સંતોષ અનુભવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્ર પ્રથમ એ માત્ર એક સૂત્ર જ નથી, પણ તેમનાં જીવનનું ધ્યેય છે તથા તેમણે અધિકારીઓને આ સફરમાં તેમની સાથે ચાલવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, આઈએએસ તરીકે તેમની પસંદગી બાદ તેમને જે પ્રશંસા મળી હતી તે ભૂતકાળની વાતો છે અને ભૂતકાળમાં રહેવાને બદલે તેમણે ભવિષ્ય તરફ આગળ વધવું જોઈએ.
આ બેઠકમાં રાજ્ય કક્ષાનાં મંત્રી (કર્મચારી) શ્રી જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ શ્રી પી. કે. મિશ્રા, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા અને શ્રી એ. કે. ભલ્લા, સચિવ (ગૃહ અને ડીઓપીટી) તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.