પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે સ્થાનિક રસીના ઉત્પાદકો સાથે સંવાદ કર્યો હતો.
રસીના ઉત્પાદકોએ કરેલા પ્રયાસોની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમના પ્રયાસોના પરિણામરૂપે જ દેશમાં 100 કરોડના રસીકરણનું સીમાચિહ્ન ઓળખી શકાયું છે, અને તેમણે કહ્યું હતું કે ભારતની સાફલ્ય ગાથામાં તેમણે ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે. મહામારી દરમિયાન તેમણે કરેલા સખત પરિશ્રમ અને તેમના દ્વારા પ્રાપ્ત થયેલા આત્મવિશ્વાસની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ ખાસ અનુરોધ કર્યો હતો કે, છેલ્લા દોઢ વર્ષ દરમિયાન ભારતે જે કોઇ શ્રેષ્ઠ આચરણો શીખ્યા છે તેને સંસ્થાગત કરવાની જરૂર છે અને કહ્યું હતું કે, વૈશ્વિક ધોરણો અનુસાર આપણા આચરણોમાં સુધારો લાવવાની આ એક તક છે. તેમણે કહ્યું હતું કે, રસીકરણ કવાયતમાં મળેલી સફળતાના કારણે આખી દુનિયાની નજર અત્યારે ભારત પર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભવિષ્યમાં આવનારા કોઇપણ પડકારોનો સામનો કરવા માટે રસીના ઉત્પાદકોએ સતત સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઇએ.
સ્થાનિક રસીના ઉત્પાદકોએ એકધારું માર્ગદર્શન પૂરું પાડવામાં અને રસી વિકસાવવા માટે આપેલા સહકાર બદલ પ્રધાનમંત્રીની દૂરંદેશી અને તેમના ગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે સરકાર અને ઉદ્યોગજગત વચ્ચે જોવા મળેલા અભૂતપૂર્વ સહયોગને બિરદાવ્યો હતો અને નિયમનકારી સુધારાઓ, પ્રક્રિયાઓના સરળીકરણ, સમયસર મંજૂરીઓ અને આ ભગીરથ કાર્યની સમગ્ર પ્રક્રિયા દરમિયાન આગળ આવીને ઉભા રહેવાના અને સહકાર આપવાના સરકારના અભિગમની પણ પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, દેશમાં એક સમયે જૂના ધારા-ધોરણો હતા, નોંધપાત્ર પ્રમાણમાં વિલંબ થતો હતો અને તેવી સ્થિતિ હોત તો અત્યાર સુધીમાં રસીકરણના જે સ્તર સુધી પહોંચી શક્યા કે ક્યારેય શક્ય ના બન્યું હોત.
શ્રી અદાર પુનાવાલાએ સરકાર દ્વારા કરવામાં આવેલા નિયમનકારી સુધારાઓની પ્રશંસા કરી હતી. શ્રી સાઇરસ પુનાવાલાએ મહામારીના સમગ્ર સમય દરમિયાન પ્રધાનમંત્રીએ સંભાળેલા નેતૃત્વના વખાણ કર્યા હતા. કોવેક્સિન રસી લેવા બદલ ડૉ. ક્રિશ્ના એલ્લાએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેને વિકસાવવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત આપેલા સહકાર તેમજ પ્રેરણા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી પંકજ પટેલે UNની મહાસભામાં DNA આધારિત રસી અંગે વાત કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સુશ્રી મહિલા દાત્લાએ પ્રધાનમંત્રીની દૂરંદેશીની પ્રશંસા કરી હતી, જેના કારણે દેશ રસીકરણ મામલે મહત્વના મુકામ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. ડૉ. સંજયસિંહે રસી વિકસાવવાના ક્ષેત્રમાં આવિષ્કાર અને બેકવર્ડ ઇન્ટિગ્રેશનના મહત્વ અંગે વાત કરી હતી. શ્રી સતિષ રેડ્ડીએ આ સમગ્ર કાર્ય દરમિયાન સરકાર અને ઉદ્યોગજગત વચ્ચે જોવા મળેલા સહયોગની પ્રશંસા કરી હતી. ડૉ. રાજેશ જૈને મહામારીના સમય દરમિયાન સતત સરકાર દ્વારા કરવામાં આવેલા કમ્યુનિકેશનની પ્રશંસા કરી હતી.
આ સંવાદમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના શ્રી સાઇરસ પુનાવાલા અને શ્રી અદાર પુનાવાલા, ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડના ડૉ. ક્રિશ્ના એલ્લા અને સુશ્રી સુચિત્રા એલ્લા, ઝાયડસ કેડિલાના શ્રી પંકજ પટેલ અને ડૉ. શેર્વીલ પટેલ, બાયોલોજિકલ ઇ લિમિટેડના સુશ્રી મહિમા દાત્લા અને શ્રી નરેન્દ્ર મંતેલા, ગુન્નોવા બાયોફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ડૉ. સંજયસિંહ અને શ્રી સતિષ રમણલાલ મહેતા, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીના શ્રી સતિષ રેડ્ડી અને શ્રી દીપક સાપ્રા તેમજ પેનેસીઆ બાયોટેક લિમિટેડના ડૉ. રાજેશ જૈન અને શ્રી હર્ષિત જૈન, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, રાજ્ય આરોગ્ય મંત્રી અને રાજ્ય રસાયણ અને ખાતર મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
India’s #VaccineCentury has drawn widespread acclaim. Our vaccination drive wouldn’t be successful without the efforts of our dynamic vaccine manufacturers, who I had the opportunity to meet today. We had an excellent interaction. https://t.co/IqFqwMP1ww pic.twitter.com/WX1XE8AKlG
— Narendra Modi (@narendramodi) October 23, 2021