પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વૈશ્વિક ઑઇલ અને ગેસ ક્ષેત્રના સીઈઓઝ અને નિષ્ણાતો સાથે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ સાધ્યો હતો.
છેલ્લા સાત વર્ષોમાં ઑઇલ અને ગેસ ક્ષેત્રે હાથ ધરવામાં આવેલા સુધારાઓ વિશે પ્રધાનમંત્રીએ વિગતે ચર્ચા કરી હતી જેમાં શોધખોળ અને લાયસન્સિંગ નીતિ, ગેસ માર્કેટિંગ, કૉલ બૅડ મિથેન અંગેની નીતિઓ, કોલસાનું વાયુમાં રૂપાંતરણ અને ઈન્ડિયન ગેસ એક્સ્ચેન્જમાં તાજેતરના સુધારાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતને ઑઇલ અને ગેસ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનાં લક્ષ્ય સાથે આવા સુધારાઓ ચાલુ જ રહેશે.’
ઑઇલ ક્ષેત્ર વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે ધ્યાન હવે ‘આવક’ પરથી ખસીને ‘ઉત્પાદન’ મહત્તમ કરવા તરફ ગયું છે. ક્રુડ ઑઇલ માટે સંગ્રહની સુવિધાઓ વધારવાની જરૂરિયાત પર પણ તેઓ બોલ્યા હતા. તેમણે વધુમાં દેશમાં ઝડપથી વધતી જતી કુદરતી ગેસની માગ વિશે પણ વાત કરી હતી. તેમણે પાઇપલાઇન, સિટી ગેસ વિતરણ અને એલએનજી રિગેસિફિકેશન ટર્મિનલ્સ સહિત હાલના અને સંભવિત ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ વિશે પણ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે 2016થી, આ મીટિંગ્સમાં પૂરાં પડાયેલાં સૂચનો ઑઇલ અને ગેસ ક્ષેત્ર દ્વારા સામનો કરાયેલ પડકારોને સમજવામાં અપાર ઉપયોગી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે ભારત ખુલ્લાપણા, આશાવાદ અને તકોની ભૂમિ છે અને નવા વિચારો, નવી કલ્પનાઓ અને નવીન ફેરફારોથી છલકાઈ રહ્યું છે. તેમણે ભારતમાં ઑઇલ અને ગેસ ક્ષેત્રની શોધખોળ અને વિકાસમાં ભારત સાથે ભાગીદારી કરવા સીઈઓઝ અને નિષ્ણાતોને આમંત્રણ આપ્યું હતું.
આ સંવાદમાં રોસનેફ્ટના ચેરમેન અને સીઈઓ ડૉ. ઈગોર સિકેન, સાઉદી અરામ્કોના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી અમિન નાસર, બ્રિટિશ પેટ્રોલિયમના સીઈઓ શ્રી બર્નાર્ડ લૂની, આઇએચએસ માર્કિટના વાઇસ ચેરમેન ડૉ. ડેનિયલ યેર્ગિન, શ્લમબર્જેર લિમિટેડના સીઈઓ શ્રી ઓલિવિયર લિ પુએચ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણી, વેદાંતા લિમિટેડના ચેરમેન શ્રી અનિલ અગરવાલ સહિત વિશ્વભરના ઉદ્યોગ અગ્રણીઓ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે ઊર્જાની પહોંચ, ઊર્જાને પરવડે એવી બનાવવા અને ઊર્જાની સલામતી પ્રતિ સરકારની તાજેતરની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે ભારતમાં દૂરંદેશી અને મહત્વકાંક્ષી લક્ષ્યો દ્વારા વધુ સ્વચ્છ ઊર્જા તરફની સંક્રાંતિ માટે પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત સ્વચ્છ ઊર્જા ટેકનોલોજીના નવા સ્વરૂપોને ઝડપથી અપનાવી રહ્યું છે અને વૈશ્વિક ઊર્જા પુરવઠા સાંકળને ઘડવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. તેમણે ટકાઉ અને સમાન ઊર્જા સંક્રાંતિ સુનિશ્ચિત કરવા વિશે વાતો કરી હતી અને સ્વચ્છ વૃદ્ધિ અને ટકાઉપણાને વધુ ઉત્તેજન વિશે એમના સૂચનો અને અભિપ્રાયો પણ આપ્યા હતા.