એક આશ્ચર્યજનક પહેલ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઈના ધોરણ-12ના વિદ્યાર્થીઓ સાથે અરસ પરસ સંવાદ યોજ્યો હતો. આ સંવાદનું આયોજન શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હાજરી આપી હતી.
આ વર્ચ્યુઅલ સંવાદ સત્રમાં ભારતના વિવિધ પ્રાંતના વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ સાથે ઘરોબો કેળવાય તે હેતુથી પ્રધાનમંત્રીએ બિન હિન્દી પ્રાંતના વિદ્યાર્થીઓ સાથે જ્યારે વાત કરતા હતા ત્યારે તેમના પ્રાંતની ભાષાના શબ્દનો પ્રયોગ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓની સકારાત્મકતા અને સક્રિયતાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે એ આપણા દેશ માટે ગૌરવપ્રદ બાબત છે કે આપણા વિદ્યાર્થીઓ તેમની મુશ્કેલી અને પડકારોને તેમની તાકાતમાં પરિવર્તિત કરી રહ્યા છે અને આ જ તો દેશની તાકાત છે. આ ચર્ચા સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ દાખવેલા આત્મવિશ્વાસની પણ પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તમારો અનુભવ તમારા જીવનમાં અત્યંત મહત્વનો છે અને જીવનના દરેક તબક્કે તે તમને ઉપયોગી બની રહેશે. તેમણે ટીમની ખેલદિલીની ભાવનાનું ઉદાહરણ આપ્યું હતું જે આપણે શાળા અને કોલેજમાં શીખીએ છીએ. કોરોનાના કપરા સમયગાળામાં આપણે આ બાબત નવી રીતે શીખ્યા છીએ અને આ કપરા સમયમાં આપણા દેશમાં રહેલી ખેલદિલીની ભાવનાની તાકાત જોવા મળી છે.
પ્રધાનમંત્રીએ પાંચમી જૂને પર્યાવરણ માટે કાંઈક કરવાનો વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. પાંચમી જૂન પર્યાવરણ દિવસ છે અને સાથે સાથે 21મી જૂને પરિવાર સાથે યોગા કરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો.
21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. પ્રધાનમંત્રીએ વેક્સિનેશનની નોંધણી માટે તેમના પરિવારના સદસ્યો તથા પડોશીઓને મદદ કરવા પણ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.