પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવા ભાઉપુર- નવા ખુર્જા સેકશન અને ઈસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરનુ વીડિયો કોન્ફરન્સ મારફતે ઉદ્ઘાટન કર્યુ હતું. કેન્દ્રીયમંત્રી શ્રી પિયુષ ગોયલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ સાકાર થતો જોઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે જ્યારે પ્રથમ ગુડઝ ટ્રેન ખુર્જા-ભાઉપુર ફ્રેઈટ કોરીડોર ઉપર દોડશે ત્યારે આપણે આત્મનિર્ભર ભારતની ગર્જના સાંભળી શકીશું. તેમણે કહ્યું કે પ્રયાગરાજ ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરનો સમાવેશ આધુનિક કન્ટ્રોલ સેન્ટર્સમાંના એક તરીકે થાય છે. અને તે નૂતન ભારતની નવી તાકાત બની રહ્યુ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે માળખાગત સુવિધાઓએ કોઈ પણ દેશની તાકાતનો સૌથી મોટો સ્ત્રોત છે. તેમણે કહ્યું કે ભારત જ્યારે મોટી આર્થિક સત્તા બનવા માટેના માર્ગ તરફ આગળ ધપી રહ્યુ છે ત્યારે ઉત્તમ કનેક્ટિવિટી એ દેશની અગ્રતા બની રહે છે. તેમણે કહ્યું કે સરકાર છેલ્લાં 6 વર્ષથી આ બાબત ધ્યાનમાં રાખીને આધુનિક કનેક્ટિવિટીના દરેક પાસા ઉપર ધ્યાન આપી રહી છે. સરકાર ધોરીમાર્ગો, રેલવેઝ, એરવેઝ, વૉટરવેઝ અને આઈ-વેઝ સહિતના પાંચ ચક્રો ઉપર ધ્યાન કેન્દ્રત કરી રહી છે. તેમણે કહ્યું કે આજે ઈસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરનો મોટા સેકશનનો પ્રારંભ એ આ દિશાનુ મોટું કદમ છે.
પ્રધાનમંત્રીએ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે જેમ જેમ વસતીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ફ્રેઈટની માંગમાં અનેક ઘણો વધારો થયો છે. તેમણે કહ્યું કે પેસેન્જર્સ ટ્રેઈન્સ અને ગુડઝ ટ્રેઈન્સ બંને એક જ ટ્રેક ઉપર ચાલતી હોવાથી ગુડઝ ટ્રેઈનની ઝડપ ધીમી પડે છે. તેમણે કહ્યું કે જ્યારે ગુડઝ ટ્રેઈનની ઝડપ ધીમી પડે છે ત્યારે અવરોધ ઉભો થાય છે. સ્વાભાવિક છે કે પરિવહનનો ખર્ચ ઉંચો આવશે. તેમણે કહ્યું કે સ્વાભાવિક છે કે આપણાં ઉત્પાદનો મોંઘાં બનવાને કારણે આપણાં દેશનાં બજારોની સાથે સાથે વિદેશમાં પણ સ્પર્ધાત્મકતા ગુમાવશે. તેમણે કહ્યું કે ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરનુ આયોજન આ પરિસ્થિતિ બદલવા માટે કરવામાં આવ્યુ છે. શરૂઆતમાં 2 ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરનુ આયોજન કરવામાંઆવ્યું હતું. લુધિયાણાથી દનકુની સુધીનો ઈસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરમાં કોલસાની ખાણો, થર્મલ પાવર પ્લાન્ટસ અને ઔદ્યોગિક શહેરો આવેલાં છે. આ કોરિડોરમાં મુન્દ્રા, કંડલા,પીપાવાવ, દવારી અને હજીરાને ફીડર રૂટ વડે સેવા આપવામાં આવશે. તેમણે કહ્યું કે બંને ફ્રેઈટ કોરીડોરની આસપાસ દિલ્હી- મુંબઈ અને અમૃતસર- કોલકતાના ઔદ્યોગિક કોરિડોર વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સમાન પ્રકારે પૂર્વથી પશ્ચિમ સુધીના કોરિડોરનુ પણ આયોજન થઈ રહ્યુ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના કારણે પેસેન્જર ટ્રેનો મોડી પડવા જેવી ઘટનાઓની સમસ્યા હલ થશે. આ કારણે ફ્રેઈટ ટ્રેઈન્સની સ્પીડમાં પણ 3 ઘણો વધારો થશે અને બમણા કદમાં માલસામાનનું વહન કરી શકશે. તેમણે વધુમાં જણાવ્યું હતં કે ગુડઝ ટ્રેઈન સમયસર આવવાના કારણે આપણો લોજીસ્ટીક નેટવર્કનો ખર્ચ પણ સસ્તો થશે. જ્યારે આપણો માલસામાન સસ્તો થશે એટલે તેનો લાભ આપણા નિકાસકારોને મળશે. તેમણે કહ્યું કે આ કારણે બહેતર વાતાવરણ ઉભુ થશે અને જીવન જીવવામાં આસાની પણ વધશે અને ભારત મૂડીરોકાણ માટે એક આકર્ષક સ્થાન બની રહેશે તથા સ્વ- રોજગાર માટે ઘણી નવી તકો ઉભી થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઉદ્યોગો, વેપારીઓ, ખેડૂતો અથવા તો ગ્રાહકો, આ તમામને આ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરથી લાભ થશે. તેમણે કહ્યું કે ફ્રેઈટ કોરિડોરના કારણે ઔદ્યોગિક બાબતોમાં પાછળ રહેતા પૂર્વ ભારતને વેગ મળશે. તેમણે કહ્યુ કે કોરિડોરનો આશરે 60 ટકા હિસ્સો ઉત્તર પ્રદેશમાં પડે છે. આથી ઉત્તર પ્રદેશ તરફ અનેક ઉદ્યોગો આકર્ષાશે. આ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના કારણે કિસાન રેલવેને પણ લાભ થશે. ખેડૂતો રેલવે મારફતે દેશભરનાં મોટાં બજારોમાં સલામત રીતે તથા ઓછી કીંમતે તેમની પેદાશો મોકલી શકશે. હવે ફ્રેઈટ કોરિડોર મારફતે તેમની પેદાશો વધુ ઝડપથી પહોંચશે. કિસાન રેલવેના કારણે ઉત્તર પ્રદેશમાં સંગ્રહ અને કોલ્ડ સ્ટોરેજની ઘણી ક્ષમતા ઉભી થઈ રહી છે.
ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના અમલીકરણમાં ભૂતકાળમાં થયેલા ભારે વિલંબ અંગે તેમણે દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014 સુધીમાં એક કિલોમીટરના પાટા પણ નાખવામાં આવ્યા ન હતા, પણ વર્ષ 2014માં સરકાર રચાઈ તે પછી સતત મોનિટરીંગ અને સહયોગીઓ સાથે બેઠકો કરીને પછીના થોડા મહીનાઓમાં 100 કિલોમીટરનુ કામ પૂરૂ કરવામાં આવ્યુ છે. તેમણે જેની ઉપર ટ્રેન દોડી શકે તેવા ટ્રેક વધારવાને બદલે ટ્રેઈનની સંખ્યા વધારવાની અગાઉની સરકારોની માનસિકતાની ટીકા કરતાં જણાવ્યુ હતું કે રેલવે નેટવર્કના આધુનિકીકરણ ઉપર ખાસ મૂડીરોકાણ કરવામાં આવતુ ન હતું. તેમણે કહ્યું કે અલગ રેલવે બજેટ રજૂ કરવાની પ્રથા રદ કરાતાં અને રેલવે ટ્રેક માટે વધુ મૂડીરોકાણ કરાતાં આ પરિસ્થિતિ બદલાઈ છે. તેમણે કહ્યું કે સરકાર રેલવે નેટવર્કને પહોળુ કરવા બાબતે તથા તેના વીજળીકરણ ઉપર તેમજ માનવ વિહોણા રેલવે ક્રોસિંગ બંધ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રેલવેમાં દરેક સ્તરે સ્વચ્છતા, બહેતર આહાર અને પીણાં જેવી સુવિધાઓ જેવા સુધારા હાથ ધરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ઉપરાંત આવી જ રીતે ઉત્પાદનમાં આત્મનિર્ભરતા બાબતે પણ મોટી સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ભારતમાં હવે આધુનિક ટ્રેનોનુ નિર્માણ થઈ રહ્યુ છે અને તેની નિકાસ પણ કરવામાં આવે છે. વારાણસી ઈલેક્ટ્રિક લોકોમોટીવ્ઝ અને રેલવે કોચ માટેનુ મુખ્ય કેન્દ્ર બની રહ્યુ છે અને રાયબરેલીમાં નિર્માણ પામેલા રેલવે કોચની હવે વિદેશમાં નિકાસ થઈ રહી છે.
પ્રધાનમંત્રીએ દેશમાં માળખાગત વિકાસની બાબતોને રાજકારણથી દૂર રાખવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતં કે દેશમાં માળખાગત સુવિધાઓના વિકાસથી 5 વર્ષના રાજકારણને નહીં પણ અનેક પેઢીઓને લાભ થવાનો છે. રાજકીય પક્ષોએ જો સ્પર્ધા કરવી હોય તો સ્પર્ધા માળખાગત સુવિધાની ગુણવત્તા અંગે કરવી જોઈએ, ઝડપ અને વ્યાપ અંગેની સ્પર્ધા કરવી જોઈએ. દેખાવો અને આંદોલનો દરમિયાન જાહેર મિલકતોને નુકશાન પહોંચાડવાની પ્રવૃત્તિથી દૂર રહેવાની તેમણે સલાહ આપી હતી. તેમણે કહ્યું કે વ્યક્તિએ પોતાના લોકશાહી હક ભોગવવાની સાથે સાથે દેશ તરફની ફરજ ભૂલવી ન જોઈએ.