It is imperative for development that our administrative processes are transparent, responsible, accountable and answerable to the people: PM
Fighting corruption must be our collective responsibility: PM Modi
Corruption hurts development and disrupts social balance: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદ ‘સતર્ક ભારત, સમૃદ્ધ ભારત’નું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા અને લોક ભાગીદારી દ્વારા જાહેર જીવનમાં અખંડિતતા અને પ્રામાણિકતા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે સતર્કતાના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખીને કરવામાં આવ્યું હતું.

આ પરિષદને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ અખંડ ભારત અને દેશની પ્રશાસનિક પ્રણાલીના શિલ્પી છે. દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે, તેમણે એવું વ્યવસ્થાતંત્ર ઉભું કરવાના પ્રયાસો કર્યા હતા જે દેશના સામાન્ય નાગરિક માટે રચાયું હોય અને જ્યાં નીતિઓ અખંડિતતાના આધાર પર ઘડવામાં આવેલી હોય. શ્રી નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું, દાયકાઓ સુધી દેશ એવી પરિસ્થિતિઓનો સાક્ષી બન્યો જેમાં હજારો કરોડો રૂપિયાના કૌભાંડો થયા, ભૂતિયા કંપનીઓ ઉભી થઇ, કરવેરા સતામણી અને કરચોરી થઇ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2014માં જ્યારે દેશે એક મોટું પરિવર્તન લાવવાનો અને નવી દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો ત્યારે, આ માહોલને બદલવો એ ખૂબ જ મોટો પડકાર હતો. તેમણે ઉમેર્યું હતું કે, સર્વોચ્ચ અદાલતના નિર્દેશો હોવા છતાં, કાળા નાણાં સામે સમિતિની રચનાનું કામ ખોરંભે પડેલું હતું. આ સરકાર સત્તા પર આવી પછી તાત્કાલિક આ સમિતિની રચના કરવામાં આવી હતી. આ બાબત ભ્રષ્ટાચાર સામે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, 2014થી દેશ સંખ્યાબંધ ક્ષેત્રોમાં સુધારાનો સાક્ષી બન્યો છે જેમાં, બેંન્કિંગ ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, શ્રમ, કૃષિ વગેરે સામેલ છે. તેમણે કહ્યું કે, આ સુધારાઓના આધારે, રાષ્ટ્ર પોતાની પૂર્ણ તાકાત સાથે આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે ભારતને દુનિયાના અગ્રણી દેશોમાંથી એક બનાવવાની પરિકલ્પના રજૂ કરી હતી.

પ્રધાનમંત્રીએ પારદર્શક, જવાબદાર, ઉત્તરદાયી અને જનતાને જવાબ આપવા બંધાયેલી પ્રશાસનિક પ્રણાલીની જરૂર હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ સ્વરૂપે થતો ભ્રષ્ટાચાર આની સામેનો સૌથી મોટો દુશ્મન છે. તેમણે કહ્યું કે, એક તરફ ભ્રષ્ટાચાર આપણા દેશના વિકાસને નુકસાન પહોંચાડી રહ્યો છે અને બીજી તરફ, તે સામાજિક સંતુલન ખોરવી નાંખે છે અને વ્યવસ્થાતંત્રમાંથી લોકોનો ભરોસો ઉઠી જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આથી, ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવો એ માત્ર કોઇ એક એજન્સી અથવા સંસ્થાની જવાબદારી નથી પરંતુ, આ સહિયારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારને માત્ર એકલ પ્રયાસ સાથે ડામી શકાય નહીં.

તેમણે કહ્યું કે જ્યારે સવાલ દેશનો આવે ત્યારે, સતર્કતાનો અવકાશ ખૂબ જ વ્યાપક બની જાય છે. ભ્રષ્ટાચાર, આર્થિક ગુનાખોરી, ડ્રગ્સનું નેટવર્ક, નાણાં ઉચાપત, ત્રાસવાદ, ત્રાસવાદીઓને આર્થિક સહાય જેવી કોઇપણ બાબતે હોય, હંમેશા આ બધા એકબીજા સાથે સંકળાયેલા હોવાનું અવારનવાર જોવા મળે છે.

તેમણે ઉમેર્યું હતું કે, ભ્રષ્ટાચાર સામે લડવા માટે સર્વગ્રાહી અભિગમ સાથે પદ્ધતિસર, તપાસ, અસરકારક ઓડિટ અને ક્ષમતા નિર્માણ તેમજ તાલીમની જરૂરિયાત છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ એજન્સીઓ એકબીજા સાથે તાલમેલમાં અને સહકારની ભાવના સાથે કામ કરે તે સમયની માંગ છે.

આ પરિષદ સતર્ક ભારત, સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે નવી રીતો સૂચવવાના એક અસરકારક મંચ તરીકે ઉભરી આવશે તેવી તેમણે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ 2016 દરમિયાન સતર્કતા જાગૃતિ કાર્યક્રમમાં કહ્યું હતું તે જુના સંસ્મરણો યાદ કરતા કહ્યું હતું કે, ગરીબી સામે લડી રહેલા આપણા દેશમાં ભ્રષ્ટચારનું કોઈ નામમાત્રનું પણ સ્થાન ના હોવું જોઇએ. તેમણે કહ્યું કે, દાયકાઓથી, ગરીબોને તેમના અધિકારો પ્રાપ્ત નહોતા થતાં પરંતુ હવે DBTના કારણે ગરીબોને સીધા જ લાભો પ્રાપ્ત થઇ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, માત્ર DBTના કારણે જ રૂપિયા 1.7 લાખ કરોડ કરતા વધારે રકમ ખોટા લોકોના હાથમાં જતી બચાવી શકાઇ છે.

તેમણે સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ ફરી પ્રસ્થાપિત થઇ રહ્યો હોવા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સરકાર તરફથી કોઈ આકરા હસ્તક્ષેપ ના હોવા જોઇએ અને સરકારની તદ્દન ગેરહાજરી પણ ના હોવી જોઇએ. સરકારની ભૂમિકા જરૂરિયાત અનુસાર અમુક મર્યાદા સુધી સિમિત હોવી જોઇએ. લોકોને એવું ના લાગવું જોઇએ કે, સરકાર બિનજરૂરી રીતે દખલગીરી કરે છે અથવા સરકાર જરૂર હોય ત્યારે પણ કામ કરતી નથી.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં 1500થી વધારે કાયદા નાબૂદ કરવામાં આવ્યા છે અને સંખ્યાબંધ કાયદા સરળ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, પેન્શન, શિષ્યવૃત્તિ, પાસપોર્ટ, સ્ટાર્ટઅપ વગેરે માટેની સંખ્યાબંધ અરજીઓને ઑનલાઇન કરવામાં આવી છે જેથી સામાન્ય લોકોને પડતી ઝંઝટમાં ઘટાડો લાવી શકાય.

 

પ્રધાનમંત્રીએ સંસ્કૃત અવતરણનો ઉલ્લેખ કર્યો હતો કે,

“'प्रक्षालनाद्धि पंकस्य

दूरात् स्पर्शनम् वरम्'।”

અર્થાત્, ભવિષ્યમાં સાફ કરવા કરતા બહેતર છે કે ગંદા થવું જ નહીં.

તેમણે કહ્યું કે, તેવી જ રીતે દંડાત્મક સતર્કતા કરતા નિવારાત્મક સતર્કતા બહેતર છે. તેમણે ભ્રષ્ટાચારનું કારણ બનતા સંજોગો દૂર કરવા માટે અનુરોધ કર્યો હતો.

તેમણે કૌટિલ્યના શબ્દોનો ઉલ્લેખ કરતા કહ્યું કે,

“न भक्षयन्ति ये

त्वर्थान् न्यायतो वर्धयन्ति च ।

नित्याधिकाराः कार्यास्ते राज्ञः प्रियहिते रताः ॥”

અર્થાત્, જેઓ સરકારના નાણાં પચાવી પાડવાના બદલે તેનો ઉપયોગ જનતાનું ભલું કરવા માટે કરે છે તેવા લોકોને રાજ્યના હિતમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નિયુક્ત કરવા જોઇએ.

તેમણે કહ્યું કે, અગાઉ બદલી અને નિયુક્તિમાં તરફદારી કરવા માટેનો ગોરખ ધંધો ચાલતો હતો. હવે, સરકારે સંખ્યાબંધ નીતિગત નિર્ણયો લીધા છે, જે આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાનો ઇરાદો સ્પષ્ટ દર્શાવે છે અને તેના કારણે ઉંચા હોદ્દાઓ પર નિયુક્તિ માટે થતી તરફદારીનો અંત લાવી દીધો છે. સરકારે સમૂહ B અને Cના હોદ્દાઓ પર ભરતી માટે ઇન્ટરવ્યૂની પ્રથા નાબૂદ કરી દીધી છે. તેમણે કહ્યું કે, બેંક બોર્ડ બ્યૂરોની રચનાથી, બેંકોમાં વરિષ્ઠ હોદ્દાઓ પર નિયુક્તિમાં પારદર્શકતા સુનિશ્ચિત થઇ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં સતર્કતા તંત્રને વધુ મજબૂત કરવા માટે સંખ્યાબંધ કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યા હતા અને નવા કાયદાઓ અમલમાં લાવવામાં આવ્યા છે. તેમણે સતર્કતા તંત્રને મજબૂત કરવા માટે અમલમાં લાવવામાં આવેલા નવા કાયદા જેમ કે, કાળા નાણાં વિરોધી કાયદો, બેનામી મિલકતો વિરોધી કાયદો, ભાગેડુ આર્થિક ગુનાખોરી કાયદો વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયામાં અમુક જ એવા દેશોમાંથી છે જ્યાં ફેસ-લેસ કરવેરા આકારણી તંત્ર અમલમાં મૂકવામાં આવ્યું છે. ભારત અમુક જ એવા જૂજ દેશોમાંથી છે જ્યાં ભ્રષ્ટાચાર રોકવા માટે ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકારની પ્રાથમિકતા સતર્કતા સંબંધિત એજન્સીઓને બહેતર ટેકનોલોજી, ક્ષમતા નિર્માણ, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપકરણો પૂરા પાડવાની છે જેથી તેઓ વધુ અસરકારક રીતે કામ કરી શકે અને બહેતર પરિણામો આપી શકે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર વિરોધી આ અભિયાન માત્ર એક દિવસનું અથવા માત્ર એક સપ્તાહની બાબત નથી.

તેમણે પેઢી દર પેઢી ચાલતા ભ્રષ્ટાચારને છેલ્લા દાયકાઓમાં તબક્કાવાર વધેલો એક મોટો પડકાર ગણાવ્યો હતો અને દેશમાં આવા ભ્રષ્ટાચારે પ્રચંડ પગ જમાવ્યો હોવાનું કહ્યું હતું. તેમણે પેઢી દર પેઢી ચાલતા ભ્રષ્ટાચારને એક પેઢીથી બીજી પેઢી સુધી સ્થળાંતરિત થતા ભ્રષ્ટાચાર તરીકે વર્ણવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યારે ભ્રષ્ટ લોકોની એક પેઢીને યોગ્ય દંડ ના આપવામાં આવે ત્યારે બીજી પેઢી વધુ જોશ સાથે ભ્રષ્ટાચાર આચરે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આના કારણે, તે સંખ્યાબંધ રાજ્યોમાં રાજકીય પરંપરા બની ગયો છે. તેમણે કહ્યું કે, આ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારનો વંશવેલો એક પેઢીથી બીજી પેઢી સુધી આગળ વધીને દેશને અંદરથી પોલો બનાવી દે છે. તેમણે કહ્યું કે, આ પરિસ્થિતિ દેશના વિકાસના માર્ગમાં આવતો મોટો અવરોધ છે. સમૃદ્ધ ભારત અને આત્મનિર્ભર ભારતના માર્ગનો અવરોધ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ મુદ્દા પર આ રાષ્ટ્રીય પરિષદમાં ચર્ચા કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો કે, ભ્રષ્ટાચાર સંબંધિત સમાચારો પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, જ્યારે ભ્રષ્ટાચાર સામે સમયસર લેવામાં આવેલા આકરા પગલાંના ઉદાહરણો પ્રાથમિકતાના ધોરણે બતાવવામાં આવે ત્યારે લોકોમાં વિશ્વાસ વધશે અને ભ્રષ્ટાચારમાંથી છટકવું મુશ્કેલ છે તેવો સંદેશો પણ તેમનામાં પહોંચશે.

તેમણે કહ્યું કે, દેશ જો ભ્રષ્ટાચારને નાબૂદ કરે તો વધુ મજબૂત થઇ શકે છે અને ભારતને સમૃદ્ધ તેમજ આત્મનિર્ભર બનાવીને સરદાર પટેલનું સપનું સાકાર કરી શકાય છે.

કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો દ્વારા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ના અનુસંધાને આ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં દર વર્ષે આ સપ્તાહ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવે છે. આ પરિષદમાં યોજવામાં આવતી પ્રવૃત્તિઓમાં સતર્કતા સંબંધિત મુદ્દાઓ કેન્દ્ર સ્થાને હોય છે જેનો ઉદ્દેશ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને લોકભાગીદારી દ્વારા સાર્વજનિક જીવનમાં અખંડિતા અને પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરવાનો હોય છે.

આ ત્રણ દિવસીય પરિષદમાં વિદેશી ન્યાયક્ષેત્રોમાં તપાસ સંબંધિત પડકારો; ભ્રષ્ટાચાર વિરુદ્ધ પદ્ધતિસર અંકુશ માટે નિવારાત્મક સતર્કતા; આર્થિક સમાવેશિતા માટે પદ્ધતિસર સુધારા અને બેંકોના કૌભાંડો રોકવા; વિકાસના એન્જિન તરીકે અસરકારક ઓડિટ; ભ્રષ્ટાચાર વિરોધી લડતને વેગ આપવા માટે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં તાજેતરમાં કરવામાં આવેલા સુધારા; ક્ષમતા નિર્માણ અને તાલિમ; ઝડપી અને વધુ અસરકારક તપાસ સક્ષમકર્તા તરીકે બહુવિધ એજન્સી સંકલન; આર્થિક ગુનાખોરીમાં ઉભરતા વલણો, સાઇબર ગુના અને આંતરરાષ્ટ્રીય સુનિયોજિત ગુનાખોરી-નિયંત્રણમાં લેવાના પગલાં અને ગુના અન્વેષણ એજન્સીઓ વચ્ચે શ્રેષ્ઠ કામગીરીઓનું આદાનપ્રદાન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ પરિષદમાં નીતિ ઘડનારાઓ અને પ્રેક્ટિશનરો એક સહિયારા મંચ પર આવશે અને પદ્ધતિસર સુધારા તેમજ નિવારાત્મક સતર્કતા પગલાંઓ દ્વારા ભ્રષ્ટાચાર નાથવાના સક્ષમકર્તાઓ તરીકે કામ કરશે જેથી સારા સુશાસન અને જવાબદારીપૂર્ણ પ્રશાસનની શરૂઆત થઇ શકે. ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને સક્ષમ કરવા માટે આ નોંધપાત્ર યોગદાનકર્તા પરિબળ છે.

આ પરિષદના સહભાગીઓમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો, સતર્કતા બ્યૂરો, આર્થિક ગુનાખોરી શાખા/CIDના વડાઓ, COV, CBIના અધિકારીઓ અને વિવિધ કેન્દ્રીય એજન્સીઓના પ્રતિનિધિઓ સામેલ છે. ઉદ્ઘાટન સત્રમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને DGsP પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Click here to read PM's speech 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi