પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં આયોજિત અને એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમ 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશની સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન વિદ્યાપીઠોમાંની બે તમિલનાડુ અને કાશી વચ્ચે સદીઓ જૂનાં જોડાણોની ઉજવણી કરવાનો, તેની પુષ્ટિ કરવાનો અને પુનઃશોધ કરવાનો છે. તમિલનાડુથી 2500થી વધુ પ્રતિનિધિઓ કાશીની મુલાકાત લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ એક પુસ્તક 'તિરુક્કુરલ'નું અને તેનો 13 ભાષાઓમાં અનુવાદ સાથે વિમોચન પણ કર્યું હતું. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યારબાદ આરતી પણ નિહાળી હતી.
અહીં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દુનિયામાં સૌથી પ્રાચીન જીવંત શહેરમાં આયોજિત સમારોહ પર આનંદની લાગણી વ્યક્ત કરી હતી. નદીઓ, વિચારધારા, વિજ્ઞાન કે જ્ઞાનનો સંગમ હોય, દેશમાં સંગમનાં મહત્ત્વ પર બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં સંસ્કૃતિ અને પરંપરાઓનો દરેક સંગમ ઉજવવામાં આવે છે અને તે પૂજનીય છે. તેમણે નોંધ્યું હતું કે, હકીકતમાં આ ભારતની તાકાત અને લાક્ષણિકતાનો ઉત્સવ છે, એટલે કાશી-તમિલ સંગમને અદ્વિતીય બનાવે છે.
કાશી અને તમિલનાડુ વચ્ચેનાં જોડાણ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક તરફ કાશી ભારતની સાંસ્કૃતિક રાજધાની છે, ત્યારે તમિલનાડુ અને તમિલ સંસ્કૃતિ ભારતની પ્રાચીનતા અને ગૌરવનું કેન્દ્ર છે. ગંગા અને યમુના નદીઓના સંગમની સરખામણી કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કાશી-તમિલ સંગમ પણ એટલો જ પવિત્ર છે, જેમાં અનંત તકો અને સામર્થ્યનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ મહત્ત્વપૂર્ણ સંમેલન માટે શિક્ષણ મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકારને અભિનંદન આપ્યાં હતાં તથા આ કાર્યક્રમને સાથસહકાર આપવા બદલ આઇઆઇટી, મદ્રાસ અને બીએચયુ જેવી કેન્દ્રીય યુનિવર્સિટીઓનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ ખાસ કરીને કાશી અને તમિલનાડુના વિદ્યાર્થીઓ અને વિદ્વાનોનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાશી અને તમિલનાડુ આપણી સંસ્કૃતિ અને સભ્યતાનાં કાલાતીત કેન્દ્રો છે. તેમણે માહિતી આપી હતી કે સંસ્કૃત અને તમિલ બંને અસ્તિત્વમાં રહી એવી સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક છે. પ્રધાનમંત્રીએ ઉદગાર કર્યો કે, "કાશીમાં આપણી પાસે બાબા વિશ્વનાથ છે, જ્યારે તમિલનાડુમાં આપણને ભગવાન રામેશ્વરમનાં આશીર્વાદ છે. કાશી અને તમિલનાડુ બંને શિવમાં લીન છે." સંગીત હોય, સાહિત્ય હોય કે કલા હોય, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કાશી અને તમિલનાડુ હંમેશા કળાનો સ્ત્રોત રહ્યાં છે.
ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ બંને સ્થળોને ભારતનાં શ્રેષ્ઠ આચાર્યોનાં જન્મસ્થળ અને કાર્યસ્થળ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ કાશી અને તમિલનાડુમાં આ પ્રકારની ઊર્જાનો અનુભવ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, "આજે પણ પરંપરાગત તમિલ લગ્નની શોભાયાત્રા દરમિયાન કાશી યાત્રાનું મહત્ત્વ વધી રહ્યું છે." તેમણે રેખાંકિત કર્યું હતું કે, તમિલનાડુથી કાશી માટે અનંત પ્રેમ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સૂચવે છે, જે આપણા પૂર્વજોનાં જીવનની રીત હતી.
પ્રધાનમંત્રીએ કાશીના વિકાસમાં તમિલનાડુનાં યોગદાન પર ભાર મૂક્યો હતો અને તમિલનાડુમાં જન્મેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન બીએચયુનાં વાઇસ ચાન્સેલર હતા એ વાત યાદ કરી હતી. તેમણે વૈદિક વિદ્વાન રાજેશ્વર શાસ્ત્રીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેઓ તમિલનાડુમાં તેમના મૂળ હોવા છતાં કાશીમાં રહેતા હતા. તેમણે કહ્યું કે કાશીના લોકોને કાશીના હનુમાન ઘાટ પર રહેતા પટવિરામ શાસ્ત્રીની પણ ખોટ સાલે છે. પ્રધાનમંત્રીએ કાશી કામ કોટેશ્વર પંચાયતન મંદિર વિશે માહિતી આપી હતી, જે હરિશ્ચંદ્ર ઘાટનાં કિનારે આવેલું તમિલ મંદિર છે તથા કેદાર ઘાટ પરના બસો વર્ષ જૂનાં કુમાર સ્વામી મઠ અને માર્કન્ડે આશ્રમ વિશે જાણકારી આપી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, તમિલનાડુનાં ઘણાં લોકો કેદાર ઘાટ અને હનુમાન ઘાટનાં કિનારે રહેતા આવ્યા છે તથા તેમણે અનેક પેઢીઓથી કાશી માટે અપાર પ્રદાન કર્યું છે. પ્રધાનમંત્રીએ મહાન કવિ અને ક્રાંતિકારી શ્રી સુબ્રમણ્યમ ભારતીનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેઓ તમિલનાડુનાં વતની હતા, પણ ઘણાં વર્ષો સુધી કાશીમાં રહ્યા. તેમણે સુબ્રમણ્યમ ભારતીને સમર્પિત પીઠની સ્થાપનામાં બીએચયુનાં ગૌરવ અને વિશેષાધિકાર વિશે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાશી-તમિલ સંગમ આઝાદી કા અમૃત કાલ દરમિયાન યોજાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, "અમૃત કાલમાં, આપણા સંકલ્પો સમગ્ર દેશની એકતાથી પૂર્ણ થશે." તેમણે જણાવ્યું હતું કે, ભારત એક એવો દેશ છે, જે હજારો વર્ષોથી કુદરતી સાંસ્કૃતિક એકતાનું જીવન જીવતો આવ્યો છે. સવારે ઉઠ્યા બાદ 12 જ્યોતિર્લિંગને યાદ કરવાની પરંપરા પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે આપણા દિવસની શરૂઆત દેશની આધ્યાત્મિક એકતાને યાદ કરીને કરીએ છીએ. શ્રી મોદીએ હજારો વર્ષોની આ પરંપરા અને વારસાને મજબૂત કરવાના પ્રયાસોના અભાવ અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કાશી-તમિલ સંગમમ આજે આ સંકલ્પનો મંચ બની રહેશે, ત્યારે આપણને આપણી ફરજોનું ભાન કરાવશે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા ઊર્જાનો સ્ત્રોત બનશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભાષા તોડવાનાં અને બૌદ્ધિક અંતરને વટાવી જવાનાં આ વલણ મારફતે જ સ્વામી કુમારગુરુપર કાશી આવ્યા હતા અને તેને પોતાની કર્મભૂમિ બનાવી હતી અને કાશીમાં કેદારેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પાછળથી તેમના શિષ્યોએ કાવેરી નદીના કિનારે થંજાવુરમાં કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. પ્રધાનમંત્રીએ તમિલ રાજ્ય ગીત લખનારા મનોમનિયમ સુંદરનાર જેવી હસ્તીઓનો ઉલ્લેખ કરીને તમિલ વિદ્વાનો અને કાશી વચ્ચેની કડીનો પુનરોચ્ચાર કર્યો હતો, અને તેમના ગુરુનાં કાશી સાથેનાં જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉત્તર અને દક્ષિણને જોડવામાં રાજાજીએ લખેલી રામાયણ અને મહાભારતની ભૂમિકાને પણ યાદ કરી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે, "આ મારો અનુભવ છે કે રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, રાજાજીથી સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા દક્ષિણ ભારતના વિદ્વાનોને સમજ્યા વિના આપણે ભારતીય દર્શનને સમજી શકતા નથી."
'પંચ પ્રણ'નો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમૃદ્ધ વારસો ધરાવતા દેશને તેની વિરાસત પર ગર્વ હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, વિશ્વની સૌથી જૂની જીવંત ભાષાઓમાંની એક એટલે કે તમિલ હોવા છતાં, આપણે તેનું સંપૂર્ણ સન્માન કરવામાં ઊણપ અનુભવીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તમિલના વારસાને જાળવવાની અને તેને સમૃદ્ધ કરવાની આ 130 કરોડ ભારતીયોની જવાબદારી છે. જો આપણે તમિલની અવગણના કરીશું તો આપણે રાષ્ટ્રનું મોટું નુકસાન કરીશું અને જો આપણે તમિલને નિયંત્રણોમાં જ સીમિત રાખીશું તો આપણે તેને મોટું નુકસાન પહોંચાડીશું. આપણે ભાષાકીય મતભેદો દૂર કરવા અને ભાવનાત્મક એકતા સ્થાપિત કરવાનું યાદ રાખવું પડશે," એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંગમમ એ શબ્દોથી વધારે અનુભવવાની બાબત છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, કાશીનાં લોકો યાદગાર આતિથ્ય-સત્કાર પ્રદાન કરવામાં કોઈ કસર છોડશે નહીં. પ્રધાનમંત્રીએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તમિલનાડુ અને દક્ષિણનાં અન્ય રાજ્યોમાં આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે તથા દેશના અન્ય વિસ્તારોમાંથી યુવાનો આવે અને ત્યાંની સંસ્કૃતિને આત્મસાત કરે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, આ સંગમમના લાભને સંશોધનનાં માધ્યમથી આગળ વધારવાની જરૂર છે અને આ બીજ એક વિશાળ વૃક્ષ બનવું જોઈએ.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ ડૉ. એલ. મુરુગન, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સંસદ સભ્ય શ્રી ઇલિયારાજા ઉપસ્થિત રહ્યાં હતાં.
પશ્ચાદભૂમિકા
'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના વિચારને પ્રોત્સાહન આપવું એ સરકારનાં મુખ્ય ધ્યાન ક્ષેત્રોમાંનું એક છે, જેનું માર્ગદર્શન પ્રધાનમંત્રીનાં વિઝન દ્વારા થયું છે. આ વિઝનને પ્રતિબિંબિત કરતી વધુ એક પહેલમાં કાશી (વારાણસી)માં એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમ 'કાશી તમિલ સંગમમ'નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ તમિલનાડુ અને કાશી વચ્ચે સદીઓ જૂનાં જોડાણોની ઉજવણી કરવાનો, તેની પુન:પુષ્ટિ કરવાનો અને પુનઃશોધ કરવાનો છે– જે દેશની સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન શિક્ષણ પીઠોમાંની બે છે. આ કાર્યક્રમનો હેતુ બંને પ્રદેશોના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, દાર્શનિકો, વેપારીઓ, કારીગરો, કલાકારો વગેરે સહિત જીવનનાં તમામ ક્ષેત્રના લોકોને એકસાથે આવવા, તેમનાં જ્ઞાન, સંસ્કૃતિ અને શ્રેષ્ઠ પ્રથાઓ વહેંચવા અને એકબીજાના અનુભવોમાંથી શીખવાની તક પૂરી પાડવાનો છે. તમિલનાડુથી 2500થી વધુ પ્રતિનિધિઓ કાશીની મુલાકાત લેશે. તેઓ સમાન વેપાર, વ્યવસાય અને રસ ધરાવતા સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા માટે સેમિનાર, સાઇટ વિઝિટ વગેરેમાં ભાગ લેશે. કાશીમાં બંને પ્રદેશોના હાથવણાટ, હસ્તકળા, ઓડીઓપી ઉત્પાદનો, પુસ્તકો, ડોક્યુમેન્ટરી, વાનગીઓ, કળાસ્વરૂપો, ઇતિહાસ, પ્રવાસન સ્થળો વગેરેનું એક મહિના સુધી ચાલનારું પ્રદર્શન પણ યોજાશે.
આ પ્રયાસ એનઇપી ૨૦૨૦ના જ્ઞાનની આધુનિક પ્રણાલીઓ સાથે ભારતીય જ્ઞાન પ્રણાલીઓની સંપત્તિને એકીકૃત કરવા પર ભાર મૂકવાની સાથે સુસંગત છે. આઈઆઈટી મદ્રાસ અને બીએચયુ એ આ કાર્યક્રમ માટેની બે અમલીકરણ એજન્સીઓ છે.
Kashi-Tamil Sangamam is exceptional. It is a celebration of India's diversity. pic.twitter.com/gX4495ghod
— PMO India (@PMOIndia) November 19, 2022
A special connect... pic.twitter.com/WBYRwNwqet
— PMO India (@PMOIndia) November 19, 2022
Kashi and Tamil Nadu... They are timeless centers of our culture and civilization. pic.twitter.com/Pn4GDt6gMf
— PMO India (@PMOIndia) November 19, 2022
India believes in the mantra of ‘सं वो मनांसि जानताम्’ pic.twitter.com/R0v4wPCRxn
— PMO India (@PMOIndia) November 19, 2022
Several scholars from the South have made invaluable contributions towards enriching our insights about India. pic.twitter.com/835OjPUVdc
— PMO India (@PMOIndia) November 19, 2022
It is the collective responsibility of 130 crore Indians to preserve the rich Tamil heritage. pic.twitter.com/rTDHEsLTpx
— PMO India (@PMOIndia) November 19, 2022