સ્મારક સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું
કમ્પેન્ડિઅમ ઑફ ઇન્ડિયન મિલેટ (શ્રી અન્ન) સ્ટાર્ટ-અપ્સ અને બુક ઑફ મિલેટ (શ્રી અન્ન) ધારાધોરણોનો ડિજિટલી શુભારંભ કરાવ્યો
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ રિસર્ચ ઑફ આઇસીએઆરને ગ્લોબલ સેન્ટર ઑફ એક્સેલન્સ તરીકે જાહેર કર્યું
"વૈશ્વિક બાજરી પરિષદ ભારતની વૈશ્વિક ભલાં પ્રત્યેની જવાબદારીઓનું પ્રતીક છે"
"શ્રી અન્ન ભારતમાં સંપૂર્ણ વિકાસનું માધ્યમ બની રહ્યું છે. તે ગાંવ તેમજ ગરીબ (ગામ અને ગરીબ) સાથે જોડાયેલું છે
"વ્યક્તિ દીઠ દર મહિને બાજરીનો ઘરે વપરાશ 3 કિલોગ્રામથી વધીને 14 કિલોગ્રામ થઈ ગયો છે"
"ભારતનું મિલેટ મિશન દેશના 2.5 કરોડ બાજરી ઉત્પાદક ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થશે"
"ભારતે હંમેશા વિશ્વ પ્રત્યે જવાબદારીને પ્રાથમિકતા આપી છે અને માનવતાની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે"
"આપણી પાસે ખાદ્ય સુરક્ષાની સાથે સાથે ખાદ્ય આદતોની સમસ્યા પણ છે, શ્રી અન્ન ઉકેલ પૂરો પાડી શકે છે"
"ભારત તેના વારસામાંથી પ્રેરણા લે છે, સમાજમાં પરિવર્તન લાવે છે અને વૈશ્વિક સુખાકારીને આગળ લાવે છે"
"જાડું અનાજ તેમની સાથે અનંત સંભાવનાઓ લાવે છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એનએએસસી કૉમ્પ્લેક્સ, આઇએઆરઆઈ કૅમ્પસ, પુસા નવી દિલ્હીમાં સુબ્રમણ્યમ હૉલ ખાતે ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું. બે દિવસીય આ વૈશ્વિક પરિષદમાં બરછટ અનાજ (શ્રી અન્ન) સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સત્રો યોજાશે, જેમ કે જાડું ધાન્યનાં ઉત્પાદકો, ગ્રાહકો અને અન્ય હિતધારકોમાં બાજરીને પ્રોત્સાહન અને જાગૃતિ; બાજરીની મૂલ્ય શ્રુંખલાનો વિકાસ; બાજરીનાં આરોગ્ય અને પોષક તત્વોનાં પાસાઓ; બજાર સાથે જોડાણ; સંશોધન અને વિકાસ વગેરે.

પ્રધાનમંત્રીએ એક્ઝિબિશન કમ બાયર સેલર મીટ પૅવેલિયનનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું અને તેની મુલાકાત લીધી હતી. તેમણે સ્મારક સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું પણ અનાવરણ કર્યું હતું. આ પછી પ્રધાનમંત્રીએ ડિજિટલી રીતે ઇન્ડિયન મિલેટ (શ્રી અન્ન) સ્ટાર્ટઅપ્સનો સંગ્રહ અને બાજરી (શ્રી અન્ન) ધારાધોરણોનાં પુસ્તકોનું વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય નેતાઓએ તેમના સંદેશા આપ્યા હતા. ઇથોપિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ સુશ્રી સાહલે-વર્ક ઝેવડેએ આ કાર્યક્રમનાં આયોજન માટે ભારત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે બાજરી આ સમયમાં લોકોને ખવડાવવા માટે સસ્તો અને પૌષ્ટિક વિકલ્પ પૂરો પાડે છે. ઇથિયોપિયા સબ-સહારા આફ્રિકામાં બાજરી-જાડાં ધાન્યનું ઉત્પાદન કરતો મહત્વનો દેશ છે. તેમણે બાજરીના પ્રચાર-પ્રસાર માટે જરૂરી નીતિગત ધ્યાન પર પ્રકાશ પાડવા અને તેની ઇકોસિસ્ટમ મુજબ પાકની યોગ્યતાનો અભ્યાસ કરવા માટે આ કાર્યક્રમની ઉપયોગિતા પર ભાર મૂક્યો હતો. 

ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ ઇરફાન અલીએ જણાવ્યું હતું કે ભારતે બાજરીના હેતુને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક નેતૃત્વ ધારણ કર્યું છે અને આમ કરીને તે બાકીના વિશ્વના ઉપયોગ માટે તેની કુશળતાને મૂકી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષની સફળતા લાંબા ગાળે એસડીજી લક્ષ્યો હાંસલ કરશે. ગુયાનાએ બાજરીને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મુખ્ય પરિબળ તરીકે માન્યતા આપી છે, એમ તેમણે માહિતી આપી હતી. ગુયાના ખાસ બાજરીનાં ઉત્પાદન માટે ૨૦૦ એકર જમીન ફાળવીને બાજરીનાં વ્યાપક ઉત્પાદન માટે ભારત સાથે જોડાણની શરૂઆત કરી રહ્યું છે, જ્યાં ભારત ટેકનિકલ માર્ગદર્શન અને ટેકનોલોજી સાથે મદદ પૂરી પાડશે.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગ્લોબલ મિલેટ કૉન્ફરન્સનાં આયોજન બદલ દરેકને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, આ પ્રકારનાં આયોજનો વૈશ્વિક કલ્યાણ માટે જરૂરિયાત હોવાની સાથે-સાથે વૈશ્વિક હિત માટે ભારતની જવાબદારીઓનું પ્રતીક પણ છે. સંકલ્પને ઇચ્છનીય પરિણામમાં પરિવર્તિત કરવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનાં સતત પ્રયાસો પછી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, જ્યારે વિશ્વ બાજરીનાં આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારતનું આ અભિયાન આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાજરીની ખેતી, બાજરીનું અર્થતંત્ર, સ્વાસ્થ્યને લગતા લાભો અને ખેડૂતોની આવક જેવા વિષયો પર વિચારમંથન સત્રો યોજાશે, જેમાં ગ્રામ પંચાયત, કૃષિ કેન્દ્રો, શાળાઓ, કૉલેજો અને કૃષિ યુનિવર્સિટીઓ તેમજ ભારતીય દૂતાવાસો અને ઘણા વિદેશી દેશોની સક્રિય ભાગીદારી સામેલ હશે. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, અત્યારે 75 લાખથી વધારે ખેડૂતો આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયેલા છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગની ઉજવણી કરવા માટે એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનાં અનાવરણની સાથે બાજરીનાં ધારાધોરણો પર પુસ્તકનાં વિમોચન અને આઇસીએઆરનાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ રિસર્ચની ગ્લોબલ સેન્ટર ઑફ એક્સલન્સ તરીકેની જાહેરાત પર પણ પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ પ્રતિનિધિઓને સ્થળ પર પ્રદર્શનની મુલાકાત લેવા અને એક જ છત નીચે બાજરીની ખેતી સાથે સંબંધિત તમામ પરિમાણો સમજવા જણાવ્યું હતું. તેમણે બાજરી સાથે સંબંધિત સાહસો અને ખેતી માટે સ્ટાર્ટઅપ્સ લાવવાની યુવાનોની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આ બાજરી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો સંકેત છે."

પ્રધાનમંત્રીએ વિદેશી પ્રતિનિધિઓને બાજરી માટે ભારતની બ્રાન્ડિંગ પહેલ વિશે જાણકારી આપી હતી, કેમ કે ભારત હવે બાજરીને - શ્રી અન્ન કહે છે. તેમણે વિસ્તૃત વર્ણન કર્યું હતું કે, શ્રી અન્ન માત્ર ખાદ્ય કે ખેતી પૂરતું મર્યાદિત નથી. જેઓ ભારતીય પરંપરાથી પરિચિત છે તેઓ કંઈપણ પહેલાં શ્રીથી સંબોધન કરવાનું મહત્વ સમજશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "શ્રી અન્ન ભારતમાં સંપૂર્ણ વિકાસનું માધ્યમ બની રહ્યું છે. તે ગાંવ તેમજ ગરીબ (ગામ અને ગરીબ) સાથે જોડાયેલું છે. શ્રી અન્ન - દેશના નાના ખેડૂતો માટે સમૃદ્ધિનું દ્વાર, શ્રી અન્ન - કરોડો દેશવાસીઓ માટે પોષણનો પાયો, શ્રી અન્ન - આદિવાસી સમુદાયનું સન્માન, શ્રી અન્ન - ઓછાં પાણી સાથે વધુ પાક મેળવવો, શ્રી અન્ન - રસાયણ મુક્ત ખેતી માટેનો મોટો પાયો. શ્રી અન્ન - આબોહવા પરિવર્તન સામે લડવામાં એક મોટી મદદ કરે છે," એમ તેમણે ઉમેર્યું. 

શ્રી અન્નને વૈશ્વિક ચળવળમાં પરિવર્તિત કરવા માટે સરકારના સતત પ્રયાસો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2018માં બાજરી-બરછટ અનાજને પોષક-અનાજ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યાં ખેડૂતોને બજારમાં રસ પેદા કરવા માટે તેનાં ફાયદાઓ વિશે જાગૃત કરવા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, બાજરીનું વાવેતર મુખ્યત્વે દેશનાં 12-13 વિવિધ રાજ્યોમાં થાય છે, જ્યાં વ્યક્તિદીઠ દર મહિને ઘર વપરાશ 3 કિલોગ્રામથી વધારે નહોતો, જ્યારે અત્યારે તેનો વપરાશ વધીને દર મહિને 14 કિલોગ્રામ થઈ ગયો છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે બાજરી ખાદ્ય ઉત્પાદનોના વેચાણમાં પણ આશરે 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમણે બાજરી પરની વાનગીઓને સમર્પિત સોશિયલ મીડિયા ચેનલો ઉપરાંત બાજરી કાફેઝની શરૂઆતની પણ નોંધ લીધી હતી. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "’એક જિલ્લો, એક ઉત્પાદન’ યોજના હેઠળ દેશના 19 જિલ્લાઓમાં બાજરીની પસંદગી પણ કરવામાં આવી છે."

ભારતમાં બાજરીનાં ઉત્પાદનમાં આશરે 2.5 કરોડ નાના ખેડૂતો પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે એ વિશે માહિતી આપતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તેમની પાસે બહુ ઓછી જમીન હોવા છતાં તેમણે આબોહવામાં પરિવર્તનના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતનું મિલેટ મિશન – શ્રી અન્ન માટેનું અભિયાન દેશના 2.5 કરોડ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થશે." તેમણે ધ્યાન દોર્યું હતું કે, આઝાદી પછી પહેલી વાર એવું બન્યું છે કે સરકારે બાજરી ઉગાડનારા ૨.૫ કરોડ નાના ખેડૂતોની સંભાળ લીધી છે. પ્રોસેસ્ડ અને પૅકેજ્ડ ખાદ્ય ચીજવસ્તુઓ મારફતે હવે બાજરી દુકાનો અને બજારો સુધી પહોંચી ગઈ છે એ બાબતની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે શ્રી અન્નનાં બજારને વેગ મળશે, ત્યારે આ 2.5 કરોડ નાના ખેડૂતોની આવકમાં વધારો થશે, જેથી ગ્રામીણ અર્થતંત્રને બળ મળશે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, શ્રી અન્ન પર કામ કરતાં 500થી વધારે સ્ટાર્ટઅપ્સ શરૂ થયાં છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં મોટી સંખ્યામાં એફપીઓ પણ આગળ આવી રહ્યાં છે. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે દેશમાં એક સંપૂર્ણ સપ્લાય ચેઇન વિકસિત કરવામાં આવી રહી છે જ્યાં નાનાં ગામોમાં સ્વ-સહાય જૂથોની મહિલાઓ બાજરી ઉત્પાદનો બનાવી રહી છે જે મૉલ્સ અને સુપરમાર્કેટ્સમાં પ્રવેશ કરી રહ્યાં છે.

જી-20નાં પ્રમુખપદ માટે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય જેવાં ભારતનાં સૂત્રને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે ગણવું એ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષમાં પણ પ્રતિબિંબિત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતે હંમેશા વિશ્વ પ્રત્યે ફરજની ભાવના અને માનવતાની સેવા કરવાની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપી છે." યોગનું ઉદાહરણ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે એ સુનિશ્ચિત કર્યું છે કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મારફતે યોગનો લાભ સમગ્ર વિશ્વ સુધી પહોંચે. આજે વિશ્વના 100થી વધુ દેશોમાં યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે અને વિશ્વના 30થી વધુ દેશોએ આયુર્વેદને પણ માન્યતા આપી છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, તે એક ટકાઉ ગ્રહનું નિર્માણ કરવા માટે એક અસરકારક મંચ તરીકે કામ કરી રહ્યું છે, જ્યાં 100થી વધારે દેશો આ ચળવળમાં જોડાયા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "લાઇફ મિશનનું નેતૃત્વ કરવાની વાત હોય કે પછી નિર્ધારિત સમય કરતાં વહેલા આબોહવામાં પરિવર્તનનાં લક્ષ્યાંકો હાંસલ કરવાની વાત હોય, ભારત પોતાનાં વારસામાંથી પ્રેરણા લે છે, સમાજમાં પરિવર્તન લાવે છે અને વૈશ્વિક સુખાકારીને આગળ લાવે છે." તેમણે નોંધ્યું હતું કે, આજે ભારતની 'મિલેટ મુવમેન્ટ'માં પણ આ જ પ્રકારની અસર જોવા મળી શકે છે. જુવાર, બાજરી, રાગી, સમા, કંગની, ચીના, કોડોન, કુટકી અને કુટ્ટુ જેવાં શ્રી અન્નનાં ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સદીઓથી જાડું અનાજ ભારતમાં જીવનશૈલીનો હિસ્સો રહ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેની કૃષિ પદ્ધતિઓ અને શ્રી અન્ન સાથે સંબંધિત પોતાના અનુભવોને દુનિયા સાથે વહેંચવા ઇચ્છે છે, ત્યારે અન્ય દેશોમાંથી પણ શીખવા ઇચ્છે છે. તેમણે અહીં ઉપસ્થિત મિત્ર રાષ્ટ્રોના કૃષિ મંત્રીઓને આ દિશામાં એક સ્થિર વ્યવસ્થા વિકસાવવા ખાસ વિનંતી કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક નવી સપ્લાય ચેઇન વિકસાવવી જોઈએ, જેમાં ખેતથી બજાર અને એક દેશથી બીજા દેશમાં સહિયારી જવાબદારીઓ હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ બાજરીની આબોહવામાં સ્થિતિસ્થાપકતા પર પણ પ્રકાશ પાડ્યો હતો અને જાણકારી આપી હતી કે પ્રતિકૂળ આબોહવાની સ્થિતિમાં પણ તેનું ઉત્પાદન સરળતાથી થઈ શકે છે. તેમણે માહિતી આપી હતી કે, પાણીની ખેંચ ધરાવતા વિસ્તારો માટે આ પસંદગીનો પાક છે, કારણ કે તેને ઉત્પાદન માટે પ્રમાણમાં ઓછાં પાણીની જરૂર પડે છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે બાજરી-જાડું અનાજ રસાયણો વિના કુદરતી રીતે ઉગાડવામાં આવે છે અને તેનાથી મનુષ્ય અને જમીન બંનેનાં સ્વાસ્થ્યની સુરક્ષા થાય છે.

આજની દુનિયામાં ખાદ્ય સુરક્ષાના પડકારોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ગ્લોબલ સાઉથમાં ગરીબો માટે ખાદ્ય સુરક્ષાના પડકાર અને ગ્લોબલ નોર્થમાં ખાદ્ય આદતો સાથે સંબંધિત રોગો પર પ્રકાશ પાડ્યો હતો. "એક તરફ આપણી પાસે ખાદ્ય સુરક્ષાની સમસ્યા છે, અને બીજી તરફ ખોરાકની ટેવોની સમસ્યા છે" તેમણે ઉત્પાદનમાં રસાયણોના ભારે ઉપયોગ અંગેની ચિંતાઓ તરફ ધ્યાન દોરતા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, શ્રી અન્ન આ પ્રકારની દરેક સમસ્યાનું સમાધાન પૂરું પાડે છે, કારણ કે તેને ઉગાડવામાં સરળતા છે, તેનો ખર્ચ પણ ઓછો છે અને તે અન્ય પાકોની સરખામણીએ ઝડપથી લણણી માટે તૈયાર થઈ જાય છે. પ્રધાનમંત્રીએ શ્રી અન્નના ફાયદાઓ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, આ પોષણથી ભરપૂર છે, સ્વાદમાં વિશેષ છે, ફાઇબરનું પ્રમાણ વધારે છે, શરીર અને સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે તથા જીવનશૈલીને લગતા રોગોને રોકવામાં મદદ કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "બાજરી તેની સાથે અનંત સંભાવનાઓ લાવે છે." ભારતમાં રાષ્ટ્રીય ખાદ્ય બાસ્કૅટમાં શ્રી અન્નનું યોગદાન માત્ર 5-6 ટકા છે એ વિશે જાણકારી આપતાં પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોને આ પ્રદાનને વધારવા કામ કરવા અપીલ કરી હતી તથા દર વર્ષ માટે હાંસલ કરી શકાય તેવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવાનું સૂચન કર્યું હતું. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, દેશમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને વેગ આપવા માટે પીએલઆઈ યોજના પણ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે, બાજરી ક્ષેત્રને તેનો મહત્તમ લાભ મળે અને વધારે કંપનીઓ બાજરીનાં ઉત્પાદનોનું નિર્માણ કરવા આગળ આવે. તેમણે એમ પણ ઉમેર્યું કે ઘણાં રાજ્યોએ શ્રી અન્નને તેમની પીડીએસ સિસ્ટમમાં શામેલ કર્યાં છે અને સૂચન કર્યું કે અન્ય રાજ્યો પણ આ જ રીતે અનુસરે. બાળકોને યોગ્ય પોષણ મળી તેમજ ખોરાકમાં નવો સ્વાદ અને વિવિધતા પણ ઉમેરાય તે માટે મધ્યાહ્ન ભોજનમાં શ્રી અન્નનો સમાવેશ કરવાનું સૂચન પણ તેમણે કર્યું હતું.

સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને અમલીકરણ માટે એક રોડમેપ પણ તૈયાર કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "ખેડૂતો અને તમામ હિતધારકોના સંયુક્ત પ્રયાસોથી ભારત અને દુનિયાની સમૃદ્ધિમાં ખાદ્યપદાર્થ નવી ચમક લાવશે."

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકર, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રીઓ શ્રી કૈલાશ ચૌધરી અને સુશ્રી શોભા કરંદલાજે ઉપસ્થિત રહ્યાં હતાં.

પશ્ચાદભૂમિકા

ભારતની દરખાસ્તના આધારે, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (આઇવાયએમ) જાહેર કરવામાં આવ્યું હતું. આઈવાયએમ 2023ની ઉજવણીને 'જન આંદોલન' બનાવવા અને ભારતને 'બાજરી માટેનાં વૈશ્વિક કેન્દ્ર' તરીકે સ્થાન આપવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ, કેન્દ્ર સરકારનાં તમામ મંત્રાલયો / વિભાગો, રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો, ખેડૂતો, સ્ટાર્ટ-અપ્સ, નિકાસકારો, છૂટક વ્યવસાયો અને અન્ય હિતધારકો ખેડૂત, ઉપભોક્તા અને આબોહવા માટે બાજરી જેવાં જાડાં અનાજ (શ્રી અન્ન)ના લાભો વિશે જાગૃતિ ફેલાવવા અને પ્રોત્સાહન આપવા માટે રોકાયેલા છે. ભારતમાં ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સનું આયોજન આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે.

બે દિવસીય આ વૈશ્વિક પરિષદમાં બાજરી (શ્રી અન્ન) સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સત્રો યોજાશે, જેમ કે ઉત્પાદકો, ગ્રાહકો અને અન્ય હિતધારકોમાં બાજરીને પ્રોત્સાહન અને જાગૃતિ; બાજરીની મૂલ્ય શ્રુંખલાનો વિકાસ; બાજરીનાં આરોગ્ય અને પોષક તત્વોનાં પાસાઓ; બજાર સાથે જોડાણ; સંશોધન અને વિકાસ વગેરે. આ સંમેલનમાં વિવિધ દેશોના કૃષિ મંત્રીઓ, આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો, ન્યુટ્રિશનિસ્ટ્સ, હેલ્થ એક્સપર્ટ્સ, સ્ટાર્ટ-અપ લીડર્સ અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહેશે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi