પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં રૂ. 12,100 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન– ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરની સોન નગર રેલવે લાઇન, જેનું ઇલેક્ટ્રિફિકેશન કે ડબલિંગ પૂર્ણ થયું છે એવી ત્રણ રેલવે લાઇન, રાષ્ટ્રીય રાજમાર્ગ – 56નાં ચાર લેનમાં પહોળો કરાયેલા વારાણસી-જૌનપુર સેક્શન અને વારાણસીમાં બહુવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ સામેલ છે. પ્રધાનમંત્રીએ વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ કર્યું હતું, જેમાં 15 પીડબ્લ્યુડી માર્ગોનું નિર્માણ અને નવીનીકરણ, 192 ગ્રામીણ પીવાનાં પાણીની યોજનાઓ, છ ધાર્મિક રીતે મહત્વપૂર્ણ સ્નાન ઘાટ પર ફ્લોટિંગ ચૅન્જિંગ રૂમ જેટીઓ સહિત મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટની પુનઃડિઝાઇન અને પુનર્વિકાસ અને સીપેટ કૅમ્પસ કરસરામાં સ્ટુડન્ટ્સ હૉસ્ટેલનું નિર્માણ સામેલ છે. શ્રી મોદીએ પીએમ સ્વનિધિની લોન, પીએમએવાય ગ્રામીણ આવાસોની ચાવીઓ અને આયુષ્માન ભારત કાર્ડ્સનાં વિતરણની પણ શરૂઆત કરી હતી. કાર્યક્રમનાં સ્થળે પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટનાં મૉડલને પગપાળા ચાલીને નિહાળ્યું હતું.
અત્રે જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત, ભગવાન વિશ્વનાથ અને મા ગંગાનાં આશીર્વાદ તથા વારાણસીનાં લોકોની હાજરીથી જીવન આશીર્વાદરૂપ બની જાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હજારો શિવભક્તો 'જલ' અર્પણ કરવા વારાણસી આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, એ નિશ્ચિત છે કે આ શહેરમાં વિક્રમી સંખ્યામાં યાત્રાળુઓ આવશે. "વારાણસી આવનારા લોકો હંમેશાં ખુશીની લાગણી સાથે પાછા ફરે છે." એમ પ્રધાનમંત્રીએ નાગરિકોના આતિથ્ય-સત્કાર પર પ્રકાશ પાડતા કહ્યું હતું. તેમણે જી-20ના પ્રતિનિધિઓનું સ્વાગત કરવા અને પૂજા સ્થળોનાં પરિસરને સ્વચ્છ અને ભવ્ય રાખવા બદલ કાશીના લોકોની પ્રશંસા કરી હતી.
જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો એવી આશરે રૂ. 12,000 કરોડનાં મૂલ્યની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તે કાશીના પ્રાચીન આત્માને જાળવી રાખીને તેને નવું શરીર પ્રદાન કરવાના અમારા સંકલ્પનું વિસ્તરણ છે." તેમણે આ પ્રોજેક્ટ્સ માટે લોકોને અભિનંદન આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ અગાઉ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી, તેમણે કહ્યું હતું કે, અગાઉના સમયમાં આ યોજનાઓ પાયાનાં સ્તર સાથે સંકળાયેલી નહોતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સરકારે લાભાર્થીઓ સાથે સંવાદ અને વાતચીતની નવી પરંપરા શરૂ કરી છે, જેનો અર્થ 'સીધો લાભ અને સીધો પ્રતિસાદ' એવો થાય છે. આનાં પરિણામે વિભાગો અને અધિકારીઓ દ્વારા વધુ સારી કામગીરી કરવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "આઝાદીનાં ઘણાં વર્ષો પછી લોકશાહીનો સાચો લાભ સાચા અર્થમાં સાચા લોકો સુધી પહોંચ્યો છે."
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લાભાર્થી વર્ગ સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતાનાં સૌથી સાચાં સ્વરૂપનું ઉદાહરણ બની ગયો છે, કારણ કે સરકાર દરેક યોજનામાં છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા આતુર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ અભિગમને પગલે કમિશનવાંચ્છુકો, દલાલો અને કૌભાંડીઓને ખતમ કરવામાં આવ્યા છે, જેથી ભ્રષ્ટાચાર અને ભેદભાવ દૂર થયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં સરકારે ફક્ત એક પરિવાર અને એક પેઢી માટે જ કામ નથી કર્યું, પણ ભવિષ્યની પેઢીઓનાં જીવનની ગુણવત્તા સુધારવા કામ કર્યું છે. તેમણે પીએમએવાયનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં 4 કરોડથી વધારે પરિવારોને પાકાં મકાનો સુપરત કરવામાં આવ્યાં છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ઉત્તર પ્રદેશમાં આજે 4 લાખ પાકાં મકાનો લાભાર્થીઓને આપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "આ ઘરો સુરક્ષાની ભાવના પેદા કરે છે અને માલિકોનો આત્મવિશ્વાસ વધારે છે." તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગની મકાનમાલિકો એવી મહિલાઓ છે, જેમણે તેમનાં નામે પ્રથમ વખત મિલકતની નોંધણી કરાવી છે. તેમણે કહ્યું કે આ પાકાં મકાનો આવી મહિલાઓને આર્થિક સુરક્ષાનું સાધન પૂરું પાડે છે.
સરકારી યોજનાઓની અસરને આગળ વધારતા પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજના પણ માત્ર 5 લાખ રૂપિયાની મફત સારવાર પૂરતી જ મર્યાદિત નથી, પણ તે અનેક પેઢીઓને અસર કરે છે, કારણ કે તબીબી ખર્ચ પેઢીઓને દરિદ્રતા અને દેવામાં ધકેલી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આયુષ્માન યોજના ગરીબ લોકોને આ નિયતિથી બચાવી રહી છે. તેમણે કહ્યું હતું કે, એટલે જ હું મિશન મોડમાં દરેક ગરીબને કાર્ડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છું. આજના આ કાર્યક્રમમાં એક કરોડ 60 લાખ લોકોને આયુષ્માન ભારત કાર્ડનાં વિતરણનો શુભારંભ થયો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દેશનાં સંસાધનો પરનો સૌથી મોટો દાવો ગરીબો અને વંચિતોનો છે." પ્રધાનમંત્રીએ 50 કરોડ જન ધન ખાતાઓ જેવાં નાણાકીય સર્વસમાવેશકતાનાં પગલાં અને મુદ્રા યોજના હેઠળ કોઈ પણ પ્રકારનાં કોલેટરલ વિનાની લોનનો ઉલ્લેખ કર્યો હતો. જેનો લાભ ગરીબ, દલિત, વંચિત, પછાત, આદિવાસી, અલ્પસંખ્યકો અને મહિલા ઉદ્યમીઓને મળ્યો છે.
પ્રધાનમંત્રીએ પીએમ સ્વનિધિનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, મોટા ભાગના શેરી વિક્રેતાઓ પછાત સમુદાયોમાંથી આવે છે, તેમ છતાં ભૂતકાળની સરકારોએ ક્યારેય તેમની સમસ્યાઓનું સમાધાન કર્યું નહીં અને ફક્ત તેમને પરેશાન કર્યા. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, અત્યાર સુધી પીએમ સ્વનિધિ યોજનાનો લાભ 35 લાખથી વધારે લોકોને મળ્યો છે અને અત્યારે વારાણસીમાં 1.25 લાખથી વધારે લાભાર્થીઓને લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ ઉદ્ઘોષ કર્યો કે, "ગરીબો માટે સ્વાભિમાન એ મોદીની ગૅરન્ટી છે."
પ્રધાનમંત્રીએ અગાઉનાં શાસનોની મૂળભૂત અપ્રમાણિકતા પર પ્રકાશ પાડ્યો હતો, જે ભંડોળની કાયમી ઊણપ તરફ દોરી જતી. આજે, તેમણે કહ્યું હતું કે, "ગરીબ કલ્યાણ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બજેટની કોઈ કમી નથી. એ જ કરદાતા, એ જ સિસ્ટમ, બસ સરકાર બદલાઈ ગઈ છે. જેમ જેમ ઇરાદાઓ બદલાયા તેમ તેમ પરિણામો પણ આવતાં ગયાં." ભૂતકાળનાં કૌભાંડો અને કાળાબજારના સમાચારોનું સ્થાન નવા પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને શિલાન્યાસના સમાચારે લીધું છે. તેમણે માલગાડીઓ માટે વિશેષ ટ્રેક માટેનો પ્રોજેક્ટ ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરનું ઉદાહરણ આપ્યું હતું, જે આ પરિવર્તનનું ઉદાહરણ છે. તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 2006માં વિચારવામાં આવેલા આ પ્રોજેક્ટમાં વર્ષ 2014 સુધી એક કિલોમીટર લાંબો ટ્રેક પણ જોવા મળ્યો નહોતો. છેલ્લાં 9 વર્ષમાં, આ પ્રોજેક્ટનો નોંધપાત્ર ભાગ પૂર્ણ થઈ ગયો છે અને તે વિસ્તારમાં માલગાડીઓ કાર્યરત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે પણ, દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી નવા સોનનગર સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી માલગાડીઓની ઝડપ વધવાની સાથે પૂર્વાંચલ અને પૂર્વ ભારતમાં રોજગારીની ઘણી નવી તકોનું સર્જન થશે."
દેશની ઝડપથી દોડતી ટ્રેનોની ઇચ્છા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આશરે 50 વર્ષ અગાઉ દેશમાં સૌ પ્રથમવાર રાજધાની એક્સપ્રેસ દોડાવવામાં આવી હતી, તેમ છતાં આજે તે ફક્ત 16 રૂટ પર જ દોડી શકી છે. તેમણે શતાબ્દી એક્સપ્રેસનું ઉદાહરણ પણ આપ્યું હતું, જે 30-35 વર્ષ પહેલાં શરૂ થઈ હતી, પરંતુ હાલમાં તે માત્ર 19 રૂટ પર જ ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસ પર પ્રકાશ પાડ્યો હતો અને માહિતી આપી હતી કે આ ટ્રેન 4 વર્ષના ટૂંકા ગાળામાં 25 રૂટ પર દોડી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "દેશની પ્રથમ વંદે ભારત બનારસમાં શરૂ થઈ." તેમણે માહિતી આપી હતી કે, આજે ગોરખપુરથી બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી છે- ગોરખપુર – લખનઉ અને જોધપુર – અમદાવાદ રૂટ પર. શ્રી મોદીએ કહ્યું હતું કે, "આ વંદે ભારત દેશના મધ્યમ વર્ગમાં એટલી સુપરહિટ થઈ ગઇ છે અને તેની માગમાં વધારો જ થઈ રહ્યો છે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એ દિવસ દૂર નથી, જ્યારે વંદે ભારત દેશના દરેક ખૂણેખૂણાને જોડશે.
છેલ્લાં 9 વર્ષમાં કાશીની કનેક્ટિવિટી સુધારવા માટે હાથ ધરવામાં આવેલાં અભૂતપૂર્વ કાર્યો પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી રોજગારીની ઘણી નવી તકોનું સર્જન થયું છે. તેમણે નોંધ્યું હતું કે, કાશીમાં 7 કરોડ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવ્યાં હતાં, જેમાં એક વર્ષની અંદર 12 ગણો વધારો થયો હતો, જેથી રિક્ષાચાલકો, દુકાનદારો, ધાબા અને હૉટેલ્સ તથા બનારસી સાડી ઉદ્યોગમાં કામ કરતા લોકો સુધી આવકની શ્રેષ્ઠ તકો ઊભી થઈ છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું હતું કે હલેસાં મારનારાઓને ઘણો ફાયદો થયો છે અને સાંજે ગંગા આરતી દરમિયાન હોડીઓની સંખ્યા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, "તમે લોકો બનારસની આ રીતે જ કાળજી લેતા રહો છો."
સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ આજની પરિયોજનાઓ માટે સૌને અભિનંદન આપ્યાં હતાં અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વારાણસીની વિકાસયાત્રા બાબાનાં આશીર્વાદ સાથે ચાલુ રહેશે.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ સુશ્રી આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશનાં નાયબ મુખ્યમંત્રીઓ શ્રી કેશવ પ્રસાદ મૌર્ય અને શ્રી બ્રજેશ પાઠક, કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી શ્રી મહેન્દ્ર નાથ પાંડે, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રોફેસર એસ પી સિંહ બઘેલ અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સહિત અન્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
પશ્ચાદભૂમિકા
પ્રધાનમંત્રીએ ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરનાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન– સોન નગર રેલવે લાઇન સમર્પિત કરી હતી. રૂ. 6760 કરોડથી વધારેનાં ખર્ચે નિર્મિત આ નવી લાઇન ચીજવસ્તુઓની ઝડપી અને વધારે કાર્યક્ષમ હેરફેરની સુવિધા પ્રદાન કરશે. તેમણે દેશને ત્રણ રેલવે લાઇન પણ અર્પણ કરી હતી, જેનું વીજળીકરણ કે ડબલિંગ રૂ. 990 કરોડથી વધારેનાં ખર્ચે પૂર્ણ થયું છે. જેમાં ગાઝીપુર શહેર - ઔનરીહાર રેલ લાઈન, ઔનરીહાર-જૌનપુર રેલ લાઈન અને ભટની-ઔનરીહાર રેલ લાઈનનો સમાવેશ થાય છે. આ પરિયોજનાઓએ ઉત્તર પ્રદેશમાં રેલવે લાઇનનું 100 ટકા વિદ્યુતીકરણ હાંસલ કરવામાં મદદ કરી છે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રાજમાર્ગ – 56નાં ચાર લેનમાં પહોળો કરાયેલા વારાણસી-જૌનપુર વિભાગનું લોકાર્પણ કર્યું હતું, જેનું કામ રૂ. 2750 કરોડથી વધારેનાં ખર્ચે પૂર્ણ થયું છે, જે વારાણસીથી લખનઉ સુધીની સફરને વધારે સરળ અને ઝડપી બનાવવાનાં ઉદ્દેશ સાથે પૂર્ણ થયો છે.
વારાણસીમાં વિવિધ પરિયોજનાઓનું પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું, એમાં પીડબ્લ્યુડીની 18 સડકોનું નિર્માણ અને નવીનીકરણ; બીએચયુ પરિસરમાં આંતરરાષ્ટ્રીય કન્યા છાત્રાલયનું નિર્માણ; સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ)- ગામ કરસરા- વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર; પોલીસ સ્ટેશન સિંધૌરા, પીએસી ભુલનપુર, ફાયર સ્ટેશન પિન્દ્રા અને સરકારી રહેણાંક શાળા તરસાડામાં રહેણાંક મકાનો અને સુવિધાઓ; ઇકોનોમિક ઓફેન્સિસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બિલ્ડિંગ; મોહન કટરાથી કોનિયા ઘાટ સુધી ગટર લાઇન અને રામના ગામમાં આધુનિક સેપ્ટેજ મેનેજમેન્ટ સિસ્ટમ; 30 ડબલ-સાઇડેડ બેકલિટ એલઇડી યુનિપોલ્સ; એનડીડીબી મિલ્ક પ્લાન્ટ રામનગર ખાતે ગાયનાં છાણ આધારિત બાયોગેસ પ્લાન્ટ; અને દશાશ્વમેધ ઘાટ પર એક વિશિષ્ટ ફ્લોટિંગ ચૅન્જિંગ રૂમ જેટી છે જે ગંગા નદીમાં ભક્તોને સ્નાનની સુવિધા આપશે.
પ્રધાનમંત્રીએ જે પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો, તેમાં ચૌખંડી, કડીપુર અને હરદત્તપુર રેલવે સ્ટેશનો નજીક 3 દ્વિ-લેન રેલ ઓવર બ્રિજ (આરઓબી)નું નિર્માણ; વ્યાસનગર – પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન રેલવે ફ્લાયઓવરનું નિર્માણ; અને પીડબ્લ્યુડીના ૧૫ રસ્તાઓનું બાંધકામ અને નવીનીકરણ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ આશરે ૭૮૦ કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જલ જીવન મિશન અંતર્ગત રૂ. 550 કરોડથી વધારેના ખર્ચે તૈયાર થનારી 192 ગ્રામીણ પેયજળ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેનાથી 192 ગામના 7 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે.
પ્રધાનમંત્રીએ મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટની પુનઃરચના અને પુનર્વિકાસ માટે શિલારોપણ પણ કર્યું હતું. પુનર્વિકાસ ઘાટમાં જાહેર સુવિધાઓ, પ્રતીક્ષા વિસ્તારો, લાકડાનો સંગ્રહ, કચરાનો નિકાલ અને ઇકો-ફ્રેન્ડલી સ્મશાન ચિતાઓ માટેની જોગવાઈઓ હશે.
જે અન્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તેમાં દશાશ્વમેધ ઘાટની ફ્લોટિંગ રૂમ જેટીની તર્જ પર વારાણસીમાં ગંગા નદી પર છ ધાર્મિક રીતે મહત્વપૂર્ણ સ્નાન ઘાટ પર ફ્લોટિંગ ચૅન્જિંગ રૂમ જેટી અને સીપેટ કેમ્પસ કરસરામાં સ્ટુડન્ટ્સ હૉસ્ટેલનું નિર્માણ સામેલ છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં પીએમ સ્વનિધિની લોન, પીએમએવાય ગ્રામીણ મકાનોની ચાવીઓ અને લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. એનાથી પાંચ લાખ પીએમએવાય લાભાર્થીઓના ગૃહપ્રવેશની શરૂઆત થશે, ઉચિત લાભાર્થીઓને 1.25 લાખ પીએમએસવીએનિધિ લોનનું વિતરણ થશે અને 2.88 કરોડ આયુષ્માન કાર્ડ્સનું વિતરણ થશે.
आजादी के इतने साल बाद, लोकतंत्र का सही लाभ अब सही मायने में सही लोगों तक पहुंचा है। pic.twitter.com/9nXNZ8wyCb
— PMO India (@PMOIndia) July 7, 2023
हमने सिर्फ एक परिवार और एक पीढ़ी के लिए योजनाएं नहीं बनाई हैं, बल्कि आने वाली पीढ़ियों का भविष्य भी सुधर जाए, इसको ध्यान में रखकर काम किया है। pic.twitter.com/UD1QDqY3M4
— PMO India (@PMOIndia) July 7, 2023
आज गरीब कल्याण हो या फिर इंफ्रास्ट्रक्चर, बजट की कोई कमी नहीं है। pic.twitter.com/gHYytwCViS
— PMO India (@PMOIndia) July 7, 2023
बीते 9 वर्षों में काशी की कनेक्टिविटी को भी बेहतर करने के लिए अभूतपूर्व काम हुआ है। pic.twitter.com/YGyzl5r97e
— PMO India (@PMOIndia) July 7, 2023