પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આશરે રૂ. 4400 કરોડનું મૂલ્ય ધરાવતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને કેટલાંક પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતા. આ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ તથા ખાણ અને ખનીજ વિભાગ જેવા વિવિધ વિભાગો સાથે સંકળાયેલા હતાં, જેમાં રૂ. 2450 કરોડથી વધારે મૂલ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન સામેલ હતું. પ્રધાનમંત્રીએ આશરે રૂ. 1950 કરોડનું મૂલ્ય ધરાવતા પીએમએવાય (ગ્રામીણ અને શહેરી) સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાયન્સ પણ કર્યો હતો તેમજ આ કાર્યક્રમ દરમિયાન આ યોજના અંતર્ગત નિર્માણ થયેલા આશરે 19,000 મકાનોની ચાવીઓ યોજનાના લાભાર્થીઓને સુપરત કરીને તેમનાં ગૃહપ્રવેશમાં સહભાગી થયા હતા. તેમણે વીડિયો લિન્ક મારફતે લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એકત્રિત લોકોને સંબોધન કરીને લાભાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમના માટે રાષ્ટ્રનિર્માણ એક સતત ચાલતો ‘મહાયજ્ઞ’ છે. તેમણે થોડાં મહિનામાં રાજ્યમાં સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણી પછી રચાયેલી સરકાર અંતર્ગત ગુજરાતમાં જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એના પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતનાં રૂ. 3 લાખ કરોડનાં ગરીબલક્ષી બજેટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ‘વંચિતોને પ્રાથમિકતા આપવાના’ જુસ્સામાં મોખરે રહેવા બદલ રાજ્યની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેમ કે 25 લાખ આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાંથી 2 લાખ માતાઓને મદદ, 4 નવી મેડિકલ કોલેજો અને આધુનિક માળખાગત સુવિધાના વિકાસ માટે હજારો કરોડો રૂપિયાના મૂલ્યના કાર્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ તમામ પહેલો દર્શાવે છે કે, ગુજરાતની ડબલ એન્જિનની સરકાર બમણી ઝડપ સાથે વિકાસલક્ષી કામો કરી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષ દરમિયાન લોકોએ અસાધારણ વિકાસનો અનુભવ કર્યો છે. તેમણે એ સમયને યાદ કર્યો હતો, જ્યારે નાગરિકો માટે મૂળભૂત સુવિધાઓ દુર્લભ હતી. તેમણે કહ્યું હતું કે, દેશ એ નિરાશ તબક્કામાંથી બહાર આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, સરકાર દરેક નાગરિક સુધી પહોંચવા પ્રયાસરત છે અને વિવિધ યોજનાઓના ફાયદા 100 ટકા લાભાર્થીઓને મળે એ માટે પ્રયાસો ચાલી રહ્યાં છે. સરકાર તમામ સરકારી યોજનાઓના બધા લાભાર્થીઓને લાભ આપવા આતુર છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમારા માટે દેશનો વિકાસ એક કટિબદ્ધતા છે અને એક દ્રઢ વિશ્વાસ છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારનાં આ અભિગમે ભ્રષ્ટાચાર અને ભેદભાવ જેવી સમસ્યાઓનો અંત લાવી દીધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે સરકાર સમાજમાં દરેક નાગરિકના ફાયદા માટે કામ કરે છે, ત્યારે સામાજિક ન્યાય સ્થાપિત થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે સમાજમાં તમામ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવામાં આવે, ત્યારે ખરાં અર્થમાં ધર્મનિરપેક્ષતા સ્થાપિત થાય છે.” ગયા વર્ષમાં આશરે 32,000 મકાનોનું નિર્માણ પૂર્ણ થયું છે અને લાભાર્થીઓને સુપરત કરવામાં આવ્યાં છે એવી માહિતી આપીને પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, જ્યારે ગરીબો જીવનની મૂળભૂત જરૂરિયાતો વિશે ઓછામાં ઓછા ચિંતિત હોય છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે.
પ્રધાનમંત્રીએ વર્તમાન સરકાર અને અગાઉની સરકારોની કાર્યશૈલી વચ્ચે રહેલાં વિવિધ ફરક પર ભાર મૂકીને કહ્યું હતું કે, “દેશ એની નિયતિમાં પરિવર્તન ન કરી શકે અને નિષ્ફળ નીતિઓનાં માર્ગ પર અગ્રેસર થઈને વિકસિત રાષ્ટ્ર ન બની શકે.” ગત દાયકાનાં આંકડાઓ જાહેર કરીને પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલયો માટેની નીતિઓ હોવા છતાં ત્યાં આશરે 75 ટકા મકાનો શૌચાલયોની સુવિધા ધરાવતા નહોતા. પ્રધાનમંત્રીએ તેમની વાત આગળ વધારીને કહ્યું હતું કે, વર્ષ 2014 પછી સરકારે પોતાની કામગીરી ગરીબો માટે છત પ્રદાન કરવા પૂરતી મર્યાદિત રાખી નહોતી, પણ ઘરને ગરીબી નિયંત્રિત રાખવા માટે મૂળભૂત અને મજબૂત એકમ બનાવી દીધું છે, ગરીબોની ગરિમા વધારવા માટેનું માધ્યમ બનાવી દીધું છે. પ્રધાનમંત્રીએ આ પ્રકારના મકાનોનાં જિયોટેગિંગ પર ભાર મૂકીને કહ્યું હતું કે, “પીએમએવાય અંતર્ગત લાભાર્થીઓ મકાનોના નિર્માણમાં તેમનો મત ધરાવે છે, જ્યાં સરકાર તેમના બેંક ખાતાઓમાં નાણાકીય સહાય સીધી હસ્તાંતરિત કરે છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમએવાય અંતર્ગત નિર્માણ થયેલા મકાનો ઘણી યોજનાઓનું એક પેકેજ છે. આ મકાન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય, સૌભાગ્ય યોજના અંતર્ગત વીજળીનું જોડાણ, ઉજ્જવલા યોજના અંતર્ગત નિઃશુલ્ક એલપીજી જોડાણ, જેજેએમ અંતર્ગત પાઇપ વાટે પાણીની સુવિધા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, આ ઉપરાંત ગરીબો માટે નિઃશુલ્ક તબીબી સારવાર અને મફત અનાજ પણ પ્રદાન કરવામાં આવે છે, જે તેમના માટે સુરક્ષાકવચ સમાન છે.
પ્રધાનમંત્રીએ પીએમએવાય અંતર્ગત મહિલા સશક્તિકરણના મુદ્દાને પણ સ્પર્શ કર્યો હતો. તેમણે જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષ દરમિયાન આશરે 4 કરોડ મકાનો ગરીબ પરિવારોને સુપરત થયાં છે. તેમાં 70 ટકા મકાનોની નોંધણી મહિલાઓના નામે થઈ છે. પીએમએવાય અંતર્ગત મકાનોના નિર્માણનો ખર્ચ થોડા લાખો રૂપિયામાં આવે છે એની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કરોડો મહિલા લાભાર્થીઓ અત્યારે લાખોપતિઓ બની છે. આ કરોડો મહિલાઓ પહેલી વાર કોઈ પણ મિલકતની માલિક બની છે. તેમણે આ ‘લખપતિ દીદીઓ’ને અભિનંદન આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ભવિષ્યના પડકારોને અને દેશમાં શહેરીકરણમાં વધારાને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રાજકોટમાં એક હજારથી વધારે મકાનોનું નિર્માણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને થઈ રહ્યો છે, જેમાં ઓછો સમય લાગશે અને નાણાંનો ખર્ચ પણ ઓછો થશે. વળી આ મકાનો સારી સલામતી પણ ધરાવે છે. તેમણે જાણકારી આપી હતી કે, લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ પ્રયોગ દેશનાં 6 શહેરોમાં હાથ ધરવામાં આવ્યો છે, જ્યાં ટેકનોલોજીએ સસ્તાં અને આધુનિક મકાનોનું નિર્માણ કરવામાં મદદ કરી છે. તેમણે એવી ખાતરી પણ આપી હતી કે, આ પ્રકારનો મકાનો આગામી સમયમાં ગરીબોને ઉપલબ્ધ થશે.
પ્રધાનમંત્રીએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગરીબ અને મધ્યમ-વર્ગના પરિવારો માટે વિવિધ પ્રકારની હાડમારીઓ માટે જવાબદાર હતી એવી ખરાબ રીતો અને છેતરપિંડીને દૂર કરવા વિવિધ પગલાં વિશે પણ વિગતવાર વાત કરી હતી. જ્યારે મધ્યમ વર્ગના પરિવારો ઘર ખરીદે એ સમયે જે સુવિધાઓની ખાતરી આપવામાં આવી હોય એ સુવિધાઓ તેમને ઘરનો કબજો મળે ત્યારે પ્રાપ્ત થાય એ માટે રેરા કાયદો કાયદાકીય સુરક્ષા પ્રદાન કરે છે. તેમણે મધ્યમ-વર્ગના પરિવારોએ હાઉસિંગ લોન માટે અસાધારણ રીતે બજેટ સબસિડીનો લાભ લીધો હોવાની જાણકારી પણ આપી હતી. ગુજરાતમાં 5 લાખ પરિવારોને 11 હજાર કરોડ રૂપિયાની સહાય મળી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃતકાળના 25 વર્ષમાં, ખાસ કરીને ટિઅર-2 અને ટિઅર-3 શહેરો અર્થતંત્રને વેગ આપશે. તેમણે જાણકારી આપી હતી કે, ગુજરાતનાં ઘણાં શહેરોમાં સુવિધાઓ અને વ્યવસ્થાઓ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમણે માહિતી આપી હતી કે, અમૃત અભિયાન અંતર્ગત 500 શહેરોમાં મૂળભૂત સુવિધાઓમાં ઝડપથી વધારો થયો છે. અને 100 શહેરો સ્માર્ટ સુવિધાઓ મેળવી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અત્યારે અમે શહેરી આયોજનમાં જીવનની સરળતા અને જીવનની ગુણવત્તા એમ બંને પર એકસમાન ભાર મૂકી રહ્યાં છીએ, તેમને એકસમાન મહત્વ આપી રહ્યાં છીએ.” તેમણે ભાર મૂક્યો હતો કે, દેશમાં મેટ્રો નેટવર્કનું વિસ્તરણ થઈ રહ્યું છે, જેની પાછળ વિચાર એ છે કે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરવામાં બહુ સમય પસાર ન કરવો પડે. હાલ દેશમાં 20 શહેરોમાં મેટ્રો દોડે છે એનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, દેશમાં મેટ્રો નેટવર્ક છેલ્લાં 9 વર્ષ દરમિયાન વધીને 600 કિલોમીટરનું થયું છે, જે વર્ષ 2014 અગાઉ 250 કિલોમીટરનું હતું. અત્યારે વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનો દ્વારા અમદાવાદ-ગાંધીનગર જેવા ટ્વિન શહેરો પણ જોડાઈ ગયા છે અને ગુજરાતનાં ઘણાં શહેરોમાં ઇલેક્ટ્રિક બસોનો કાફલો પણ વધી રહ્યો છે.
દેશમાં મોટા પાયે કે ટનબંધ પ્રમાણમાં પેદા થઈ રહેલા મ્યુનિસિપલ કચરાના નિકાલ માટે ગંભીરતા ન દાખવવા વિશે પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, દેશમાં કચરાનો નિકાલ કરવા માટેની પ્રક્રિયા કે વેસ્ટ પ્રોસેસિંગનું પ્રમાણ વર્ષ 2014માં ફક્ત 14થી 15 ટકા હતું, જે અત્યારે વધીને 75 ટકા થયું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “જો આ પ્રકારની કામગીરી વહેલાસર થઈ હોત, તો અત્યારે આપણા શહેરોમાં કચરાનાં ઢગલાં કે પર્વતો ઊભા ન થયા હોત.” તેમણે ધ્યાન દોર્યું હતું કે, સરકાર આપણા શહેરોમાંથી કચરાઓનાં ઢગલાંઓને દૂર કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો આપણને સ્વચ્છ પર્યાવરણ અને શુદ્ધ હવા મળે, તો જ આપણાં શહેરોમાં જીવનની ગુણવત્તા વધારવી શક્ય છે,.”
પ્રધાનમંત્રીએ ગુજરાતનાં પાણીના વ્યવસ્થાપન અને પાણી પુરવઠા મોડલની પ્રશંસા કરી હતી. તેમણે 3 હજાર કિલોમીટર લાંબી પાણીની મુખ્ય લાઇનો કે નહેરો અને 1.25 લાખ કિલોમીટર લાંબી વિતરણની લાઇનો 15 હજાર ગામડાંઓ અને 250 શહેરી વિસ્તારોમાં પાણીનો પુરવઠો પહોંચાડે છે એવો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગુજરાતમાં અમૃત સરોવર માટેના ઉત્સાહની પ્રશંસા કરી હતી.
પોતાના સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ દરેકને વિકાસની આ ગતિ જાળવી રાખવા અપીલ કરી હતી. શ્રી મોદીએ તેમની વાણીને વિરામ આપતાં કહ્યું હતું કે, “અમૃતકાળના આપણા સંકલ્પો સબ કા પ્રયાસ સાથે પૂર્ણ થશે.”
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ શ્રી સી આર પાટિલ અને ગુજરાત સરકારમાંથી મંત્રી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
પૃષ્ઠભૂમિ
આજે ઉદ્ઘાટન થયેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં બનાસકાંઠા જિલ્લામાં એકથી વધારે ગામડાને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવાની વિવિધ યોજનાઓનું વિસ્તરણ, અમદાવાદમાં નદી પર એક ઓવરબ્રિજ, નરોડા જીઆઇડીસીમાં નિકાલ થયેલા પાણીના સંગ્રહનું એક નેટવર્ક, મહેસાણા અને અમદાવાદમાં સુએજ ટ્રીટેમેન્ટ પ્લાન્ટ્સ તથા દહેગામમાં એક ઓડિટોરિયમ સામેલ હતું. સાથે સાથે આજે શિલાન્યાસ થયેલા પ્રોજેક્ટમાં જૂનાગઢ જિલ્લામાં બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ, ગાંધીનગર જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓનું વિસ્તરણ, ફ્લાયઓવર બ્રિજોનું નિર્માણ, નવું જળ વિતરણ મથક અને વિવિધ શહેરી આયોજન માર્ગો સામેલ હતાં.
પ્રધાનમંત્રીએ પીએમએવાય (ગ્રામીણ અને શહેરી) સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો તથા આ યોજના અંતર્ગત નિર્માણ થયેલા આશરે 19,000 મકાનોના ગૃહપ્રવેશમાં સહભાગી થયા હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવીઓ પણ સુપરત કરી હતી. આ તમામ પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે રૂ. 1950 કરોડ છે.
हमारे लिए देश का विकास, कन्विक्शन है, कमिटमेंट है। pic.twitter.com/UULq8pA7qI
— PMO India (@PMOIndia) May 12, 2023
हम योजनाओं के शत प्रतिशत सैचुरेशन का प्रयास कर रहे हैं। pic.twitter.com/5KSCFKIaNr
— PMO India (@PMOIndia) May 12, 2023
हमने घर को गरीबी से लड़ाई का एक ठोस आधार बनाया, गरीब के सशक्तिकरण का, उसकी गरिमा का माध्यम बनाया। pic.twitter.com/gEIZ0IaOxq
— PMO India (@PMOIndia) May 12, 2023
आज हम अर्बन प्लानिंग में Ease of Living और Quality of Life, दोनों पर समान जोर दे रहे हैं। pic.twitter.com/1UNpMOu80U
— PMO India (@PMOIndia) May 12, 2023