પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં યેલાહંકા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર યોજવામાં આવેલા એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. એરો ઇન્ડિયા 2023ની થીમ છે “ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ” (એક અબજ તકોનો રનવે) રાખવામાં આવી છે અને તેમાં લગભગ 100 વિદેશી તેમજ 700 ભારતીય કંપનીઓ સહિત સંરક્ષણ ક્ષેત્રની 800 કંપનીઓ સાથે 80થી વધુ દેશોની સહભાગીતા જોવા મળશે. પ્રધાનમંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલી ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ની દૂરંદેશીને અનુરૂપ, આ કાર્યક્રમ સ્વદેશી સાધનો/ટેક્નોલોજી પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બેંગલુરુનું આકાશ નવા ભારતની ક્ષમતાઓની સાક્ષી પૂરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "આ નવી ઊંચાઇ એ જ નવા ભારતની વાસ્તવિકતા છે, આજે ભારત નવી ઊંચાઇઓને આંબી રહ્યું છે અને તેને પાર પણ કરી રહ્યું છે".
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એરો ઇન્ડિયા 2023 એ ભારતની વધી રહેલી ક્ષમતાઓનું એક ઝળહળતું દૃશ્ટાંત છે અને આ કાર્યક્રમમાં 100થી વધુ દેશોની ઉપસ્થિતિ આખી દુનિયાને ભારતમાં જે વિશ્વાસ તે દર્શાવી રહી છે. વિશ્વની જાણીતી કંપનીઓ સાથે ભારતીય MSME અને સ્ટાર્ટઅપ્સ સહિત 700થી વધુ પ્રદર્શકો આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હોવાની તેમણે ખાસ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ એરો ઇન્ડિયા 2023ની થીમ ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ (એક અબજ તકોનો રનવે) પર પ્રકાશ પાડતા એવું કહ્યું હતું કે જેમ જેમ દિવસ વીતતા જાય છે તેમ આત્મનિર્ભર ભારતની શક્તિમાં નિરંતર વધારો થઇ રહ્યો છે.
આ શોની સાથે સાથે સંરક્ષણ મંત્રીની પરિષદ અને CEO રાઉન્ડ ટેબલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી પ્રધાનમંત્રી શ્રી મોદીએ તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં સક્રિય ભાગીદારી એરો ઇન્ડિયાની ક્ષમતાઓમાં વધારો કરશે.
પ્રધાનમંત્રીએ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિનું કેન્દ્ર ગણતા કર્ણાટકમાં એરો ઇન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આના આયોજનથી કર્ણાટકના યુવાનો માટે ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રગતિની તકોના નવા રસ્તાઓ ખુલશે. પ્રધાનમંત્રીએ કર્ણાટકના યુવાનોને દેશને મજબૂત બનાવવા માટે સંરક્ષણ ક્ષેત્રે તેમના ટેકનોલોજીકલ કૌશલ્યનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ એરો ઇન્ડિયા 2023 નવા ભારતના બદલાઇ રહેલા અભિગમને પ્રતિબિંબિત કરે તે બાબતે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે "જ્યારે દેશ નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધે છે, ત્યારે તેની પ્રણાલીઓમાં પણ નવી વિચારસરણી અનુસાર પરિવર્તન થવા લાગે છે". પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો કે જ્યારે એરો ઇન્ડિયાને ‘માત્ર એક શો’ માનવામાં આવતો હતો અને ‘ભારતને વેચવા’ માટેની વિન્ડો હતી, પરંતુ હવે તે અવધારણા બદલાઇ ગઇ છે. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, તે માત્ર સંરક્ષણ ઉદ્યોગના વ્યાપને જ દર્શાવતું નથી પણ ભારતના આત્મવિશ્વાસને પણ દર્શાવે છે અને સાથે કહ્યું હતું કે, "આજે, એરો ઇન્ડિયા માત્ર કોઇ એક શો નથી રહ્યો પરંતુ ભારતની તાકાત છે".
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની સફળતાઓ તેની ક્ષમતાઓની સાક્ષી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેજસ, INS વિક્રાંત તેમજ સુરત અને તુમાકુરમાં ઉભી કરવામાં આવેલી અદ્યતન વિનિર્માણ સુવિધાઓ આત્મનિર્ભર ભારતની ક્ષમતાઓ છે જેની સાથે વિશ્વના નવા વિકલ્પો અને તકો જોડાયેલા છે.
પ્રધાનમંત્રીએ સુધારાની મદદથી દરેક ક્ષેત્રમાં ક્રાંતિ આવી હોવાની નોંધ લેતા જણાવ્યું હતું કે, "21મી સદીનું નવું ભારત ન તો કોઇ તક ગુમાવશે કે ન તો તેમાં કોઇ પ્રયાસની કમી રહેશે". તેમણે રેખાંકિત કર્યું હતું કે, જે રાષ્ટ્ર દાયકાઓ સુધી સૌથી મોટો સંરક્ષણ આયાતકાર હતો તે દેશે હવે વિશ્વના 75 દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરવાનું શરૂ કર્યું છે.
છેલ્લા 8-9 વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રની હાલની નિકાસ 1.5 અબજ છે તેને વધારીને 2024-25 સુધીમાં 5 અબજ સુધી લઇ જવાનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અહીંથી ભારત સૌથી મોટા સંરક્ષણ વિનિર્માણ દેશોમાં સામેલ થવા માટે ઝડપથી પગલાં લેશે અને આપણા ખાનગી ક્ષેત્ર તેમજ રોકાણકારો તેમાં ઘણી મોટી ભૂમિકા ભજવશે". પ્રધાનમંત્રીએ ખાનગી ક્ષેત્રને સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આહ્વાન કર્યું હતું, જે ભારતમાં અને અન્ય ઘણા દેશોમાં તેમના માટે નવી તકો ઊભી કરશે.
શ્રી મોદીએ અમૃતકાળમાં ફાઇટર જેટ પાઇલટ સાથે ભારતની સામ્યતા દર્શાવતા કહ્યું હતું કે, "આજનું ભારત ઝડપથી વિચારે છે, દૂર સુધીનું વિચારે છે અને ઝડપથી નિર્ણયો લે છે". પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત એક એવું રાષ્ટ્ર છે જે ડરતું નથી પરંતુ નવી ઊંચાઇઓને સર કરવા માટે ઉત્સાહિત છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ભલે ગમે તેટલી ઊંચાઇઓ પર ઉડે પરંતુ તેના મૂળ સાથે હંમેશા જોડાયેલું રહે છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "એરો ઇન્ડિયાની પ્રચંડ ગર્જના ભારતના રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ (સુધારા, પ્રદર્શન અને પરિવર્તન)ના સંદેશનો પડઘો પાડે છે". તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ માટે કરવામાં આવેલા સુધારાની નોંધ આખી દુનિયા દ્વારા લેવામાં આવી રહી છે અને વૈશ્વિક રોકાણો તેમજ ભારતીય આવિષ્કારોની તરફેણ કરે તેવો માહોલ ઉભો કરવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાંનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં કરવામાં આવેલા સુધારાઓ અને ઉદ્યોગોને લાઇસન્સ આપવાની પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ તેમની માન્યતામાં વધારો કરવા માટે લેવામાં આવેલા પગલાંઓ તરફણ સૌનું ધ્યાન દોર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં વિનિર્માણ ક્ષેત્રના એકમોને આપવામાં આવતા કર લાભોમાં વૃદ્ધિ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યાં માંગ છે, કૌશલ્ય અને અનુભવ છે, ત્યાં ઉદ્યોગનો વિકાસ થાય તે સ્વાભાવિક વાત છે. તેમણે ઉપસ્થિતોને ખાતરી આપી હતી કે આ ક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયાસો હજુ પણ વધુ મજબૂત રીતે આગળ વધતા રહેશે.
કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટ સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
પ્રધાનમંત્રીએ આપેલી ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ની દૂરંદેશીને અનુરૂપ, આ કાર્યક્રમમાં સ્વદેશી સાધનો/ટેક્નોલોજી પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર પ્રધાનમંત્રી વિશેષ ભાર આપી રહ્યા છે તેવું પણ અહીં દર્શાવવામાં આવશે, કારણ કે આ કાર્યક્રમ ડિઝાઇન નેતૃત્વ, UAV ક્ષેત્રમાં વૃદ્ધિ, સંરક્ષણ અવકાશ અને ભવિષ્યલક્ષી ટેકનોલોજીઓમાં દેશની પ્રગતિ બતાવશે. આ ઉપરાંત, આ કાર્યક્રમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)-તેજસ, HTT-40, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH), લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) જેવા સ્વદેશી એર પ્લેટફોર્મની નિકાસને પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમ સ્થાનિક MSME અને સ્ટાર્ટ-અપ્સને વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં એકીકૃત કરવામાં અને સહ-વિકાસ તેમજ સહ-ઉત્પાદન માટેની ભાગીદારી સહિત વિદેશી રોકાણોને આકર્ષવામાં પણ મદદ કરશે.
એરો ઇન્ડિયા 2023માં 80થી વધુ દેશોની ભાગીદારી જોવા મળશે. એરો ઇન્ડિયા 2023માં લગભગ 30 દેશોના મંત્રીઓ અને વૈશ્વિક તેમજ ભારતીય OEMના 65 CEO ભાગ લે તેવી શક્યતા છે.
એરો ઇન્ડિયા 2023 પ્રદર્શનમાં લગભગ 100 વિદેશી અને 700 ભારતીય કંપનીઓ સહિત 800 કરતાં વધુ સંરક્ષણ કંપનીઓની સહભાગીતા જોવા મળશે. આ પ્રદર્શનમાં ભાગ લેનારી ભારતીય કંપનીઓમાં MSME અને સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે, જે દેશમાં વિશિષ્ટ ટેકનોલોજીની પ્રગતિ, એરોસ્પેસમાં વિકાસ અને સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. એરો ઇન્ડિયા 2023ના મુખ્ય પ્રદર્શકોમાં એરબસ, બોઇંગ, દાસૉલ્ટ એવિએશન, લોકહીડ માર્ટિન, ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી, બ્રહ્મોસ એરોસ્પેસ, આર્મી એવિએશન, HC રોબોટિક્સ, SAAB, સેફ્રાન, રોલ્સ રોયસ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ફોર્જ લિમિટેડ, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) અને BEML લિમિટેડનો સમાવેશ થાય છે.
आज देश नई ऊंचाइयों को छू भी रहा है, और उन्हें पार भी कर रहा है। pic.twitter.com/UK91xVPMVd
— PMO India (@PMOIndia) February 13, 2023
जब कोई देश, नई सोच, नई अप्रोच के साथ आगे बढ़ता है, तो उसकी व्यवस्थाएं भी नई सोच के हिसाब से ढलने लगती हैं। pic.twitter.com/4CIAgyCjKQ
— PMO India (@PMOIndia) February 13, 2023
भारत आज एक पोटेंशियल डिफेंस पार्टनर भी है। pic.twitter.com/h3UBxBZkyo
— PMO India (@PMOIndia) February 13, 2023
आज भारत की संभावनाओं का, भारत की सामर्थ्य का प्रमाण हमारी सफलताएँ दे रही हैं। pic.twitter.com/LyUIrAgeGV
— PMO India (@PMOIndia) February 13, 2023
21वीं सदी का नया भारत, अब ना कोई मौका खोएगा और ना ही अपनी मेहनत में कोई कमी रखेगा। pic.twitter.com/6avB98wVY4
— PMO India (@PMOIndia) February 13, 2023
आज का भारत तेज सोचता है, दूर की सोचता है और तुरंत फैसले लेता है। pic.twitter.com/PptiBIfOhA
— PMO India (@PMOIndia) February 13, 2023
Aero India की गगनभेदी गर्जना में भी भारत के Reform, Perform और Transform की गूंज है। pic.twitter.com/H6ehm7wTUU
— PMO India (@PMOIndia) February 13, 2023