પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એનપીડીઆરઆર)નાં ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લેટફોર્મનાં ત્રીજા સત્રની મુખ્ય થીમ "બદલાતી આબોહવામાં સ્થાનિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ" છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા હતા. 2023ના પુરસ્કારના વિજેતાઓમાં ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (ઓએસડીએમએ) અને લુંગલેઇ ફાયર સ્ટેશન, મિઝોરમનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આપત્તિ જોખમ ઘટાડાનાં ક્ષેત્રમાં નવીન વિચારો, પહેલ, સાધનો અને ટેક્નૉલોજીને પ્રદર્શિત કરવા માટેનાં પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ તાજેતરમાં તુર્કિયે અને સીરિયામાં ભારતીય બચાવ દળની કામગીરીની વૈશ્વિક પ્રશંસા થઈ એની નોંધ લીધી હતી, જેના પર દરેક ભારતીયને ગર્વ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે જે રીતે આપત્તિ વ્યવસ્થાપન સાથે સંબંધિત ટેક્નૉલોજી અને માનવ સંસાધનનું વિસ્તરણ કર્યું છે, તેનાથી દેશની સારી સેવા થઈ છે. તેમણે કહ્યું કે આ પુરસ્કારો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમને મજબૂત કરવા અને પ્રોત્સાહન આપવા અને તંદુરસ્ત સ્પર્ધાને પણ પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ બંને પુરસ્કાર વિજેતાઓની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બદલાતી આબોહવામાં સ્થાનિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ" કાર્યક્રમની થીમ ભારતીય પરંપરા માટે પરિચિત છે, કારણ કે આ તત્ત્વ કુવાઓ, સ્થાપત્ય અને જૂનાં શહેરોમાં સ્પષ્ટપણે દેખાય છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં આપત્તિ વ્યવસ્થાપનની વ્યવસ્થા, સમાધાન અને વ્યૂહરચના હંમેશા સ્થાનિક રહી છે. તેમણે કચ્છનાં ભુંગા ઘરોનું ઉદાહરણ આપ્યું હતું, જે ધરતીકંપમાં મહદ્અંશે બચી ગયાં હતાં. પ્રધાનમંત્રીએ નવી ટેક્નૉલોજી મુજબ આવાસ અને ટાઉન પ્લાનિંગનાં સ્થાનિક મૉડલ્સને વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "નવી ટેક્નૉલોજીથી સ્થાનિક ટેકનોલોજી અને સામગ્રીને સમૃદ્ધ બનાવવી એ સમયની જરૂરિયાત છે. જ્યારે આપણે સ્થાનિક સ્થિતિસ્થાપકતાનાં ઉદાહરણોને ભવિષ્યની તકનીક સાથે જોડીએ છીએ, ત્યારે જ આપણે આપત્તિ સામેની સ્થિતિસ્થાપકતાની દિશામાં વધુ સારું કામ કરી શકીશું", એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીતેલાં વર્ષોની જીવનશૈલી અતિ અનુકૂળ- આરામદાયક હતી અને એ અનુભવને કારણે જ દુષ્કાળ, પૂર અને અવિરત વરસાદ જેવી કુદરતી આફતોનો સામનો કેવી રીતે કરવો એ આપણને શીખવા મળ્યું હતું. તેમણે ધ્યાન દોર્યું હતું કે અગાઉની સરકારો માટે કૃષિ વિભાગ સાથે આપત્તિ રાહત મૂકવી સ્વાભાવિક હતી. તેમણે યાદ અપાવ્યું હતું કે, જ્યારે ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ આવી હતી, ત્યારે સ્થાનિક સંસાધનોની મદદથી સ્થાનિક સ્તરે તેનો સામનો કરવામાં આવ્યો હતો. જો કે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ એક નાનકડી દુનિયા છે, જેમાં આપણે અત્યારે જીવી રહ્યાં છીએ, જ્યાં એકબીજાનાં અનુભવો અને પ્રયોગોમાંથી શીખવું એ એક આદર્શ બની ગયું છે. બીજી તરફ, તેમણે એમ પણ નોંધ્યું હતું કે કુદરતી આફતો ત્રાટકવાની સંખ્યામાં પણ વધારો થયો છે. ગામડાંમાં એક જ સિંગલ ફિઝિશિયન દરેકની સારવાર કરે તેની સરખામણી કરીને પ્રધાનમંત્રીએ એ હકીકત પર પ્રકાશ પાડ્યો હતો કે, આપણી પાસે આજના યુગમાં દરેક બિમારી માટે નિષ્ણાત ડૉક્ટર્સ છે. એ જ રીતે, પ્રધાનમંત્રીએ કુદરતી આપત્તિઓનો સામનો કરવા માટે ગતિશીલ વ્યવસ્થા વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાછલી સદીની કુદરતી આફતોનો અભ્યાસ કરીને, એક સચોટ ધારણા કરી શકાય છે, જ્યારે યોગ્ય સમયે આ પદ્ધતિઓને સુધારવા પર પણ ભાર મૂકે છે, પછી ભલે તે સામગ્રી હોય કે સિસ્ટમ.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સમજણ અને સુધારા આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે બે મુખ્ય ઘટકો છે." તેમણે સમજાવ્યું હતું કે, સમજણથી કુદરતી આપત્તિઓને કારણે સંભવિત જોખમો અને ભવિષ્યમાં ક્યારે ત્રાટકશે તેની ઓળખ કરવામાં મદદ મળશે, ત્યારે સુધારો એવી વ્યવસ્થા છે, જેમાં સંભવિત કુદરતી આપત્તિનાં જોખમો ઓછામાં ઓછાં કરવામાં આવે છે. તેમણે સમયબદ્ધ રીતે સિસ્ટમને વધુ સક્ષમ બનાવીને તેને સુધારવાનું સૂચન કર્યું હતું અને શૉર્ટ-કટને બદલે લાંબા ગાળાની વિચારસરણીના અભિગમ પર ભાર મૂક્યો હતો. તેમણે પાછલાં વર્ષોમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાતને કારણે થયેલી સેંકડો જાનહાનિને યાદ કરી હતી, પરંતુ સમય અને વ્યૂહરચનામાં ફેરફાર સાથે, ભારત હવે ચક્રવાતનો સામનો કરવા માટે સક્ષમ છે, જ્યાં જાન અને સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણે કુદરતી આપત્તિઓને અટકાવી ન શકીએ, પણ આપણે વધારે સારી વ્યૂહરચનાઓ અને વ્યવસ્થાઓ સ્થાપિત કરીને ચોક્કસપણે તેની અસરોને લઘુતમ કરી શકીએ છીએ." તેમણે પ્રતિક્રિયાશીલને બદલે સક્રિય-અગમચેતીનો અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ આઝાદી પછીનાં વર્ષોમાં આપત્તિ વ્યવસ્થાપનની નબળી સ્થિતિ વિશે વાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે પાંચ દાયકા પછી પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતો કોઈ કાયદો ન હતો. ગુજરાત એવું પહેલું રાજ્ય હતું કે જે ૨૦૦૧માં રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ સાથે બહાર આવ્યું હતું. તત્કાલીન કેન્દ્ર સરકારે આ કાયદાના આધારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવ્યો હતો. ત્યાર બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી અસ્તિત્વમાં આવી હતી.
પ્રધાનમંત્રીએ સ્થાનિક સંસ્થાઓમાં આપત્તિ વ્યવસ્થાપન શાસનને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. "આપણે આયોજનને સંસ્થાકીય સ્વરૂપ આપવું પડશે અને સ્થાનિક આયોજનની સમીક્ષા કરવી પડશે. સંપૂર્ણ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ બે સ્તરે કામ કરવાની અપીલ કરી હતી. પ્રથમ, આપત્તિ વ્યવસ્થાપન નિષ્ણાતોએ લોકોની ભાગીદારી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે લોકોને ધરતીકંપ, ચક્રવાત, આગ અને અન્ય આપત્તિઓનાં જોખમો વિશે જાગૃત કરવાની સતત પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભે યોગ્ય પ્રક્રિયા, કવાયત અને નિયમો વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે. તેમણે હિતધારકોને ગામ અને પડોશના સ્તરે 'યુવક મંડળો' અને 'સખી મંડળો'ની તાલીમનો ઉપયોગ કરવાનું કહેતા જણાવ્યું હતું કે, "સ્થાનિક ભાગીદારી દ્વારા સ્થાનિક સ્થિતિસ્થાપક્તાના મંત્રને અનુસરીને જ તમને સફળતા મળશે." તેમણે આપદા મિત્ર, એનએસએસ-એનસીસી, આર્મીના દિગ્ગજોની કાર્યપ્રણાલીને વધુ મજબૂત કરવા જણાવ્યું હતું અને પ્રથમ પ્રતિસાદ માટે સામુદાયિક કેન્દ્રોમાં ઉપકરણો સુનિશ્ચિત કરવાની જરૂર છે, કારણ કે બચાવ કાર્ય સમયસર શરૂ કરવાથી ઘણા લોકોના જીવ બચાવી શકાય છે.
બીજાં સ્તરે પ્રધાનમંત્રીએ ટેક્નૉલોજીનો ઉપયોગ કરીને રિયલ ટાઇમ રજિસ્ટ્રેશન અને મોનિટરિંગ સિસ્ટમ માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "ઘરની આવરદા, ગટર, આપણી વીજળી અને પાણીની માળખાગત સુવિધાઓની સ્થિતિસ્થાપકતા જેવાં પાસાંઓ પર જાણકારી, સક્રિય-આગોતરાં પગલાં લેવામાં મદદ કરશે." પ્રધાનમંત્રીએ હિટવેવ પર તેમની તાજેતરની સમીક્ષા બેઠક દરમિયાન હૉસ્પિટલની આગ પર ચર્ચા વિશે વાત કરી હતી અને હૉસ્પિટલની આગની સજ્જતાની નિયમિત સમીક્ષા કેવી રીતે જીવન બચાવી શકે છે તે વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં ગીચ શહેરી વિસ્તારો જેવા કે હૉસ્પિટલ, ફેક્ટરી, હોટેલ કે બહુમાળી રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે, ખાસ કરીને વધતી જતી ગરમીને કારણે. તેમણે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જ્યાં વાહન દ્વારા પહોંચવું મુશ્કેલ કાર્ય છે ત્યાં ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કરવું પડે તેવા પડકારો પર પ્રકાશ પાડ્યો હતો અને આનો ઉકેલ શોધવાનો આગ્રહ રાખ્યો હતો. પ્રધાનમંત્રીએ ઊંચી ઇમારતોમાં લાગેલી આગને બુઝાવવા માટે આપણા અગ્નિશામકોનાં કૌશલ્યમાં સતત વધારો કરવા પર ભાર મૂક્યો હતો, સાથે-સાથે એ પણ સુનિશ્ચિત કરવું રહ્યું કે, લાગેલી ઔદ્યોગિક આગને બુઝાવવા માટે પર્યાપ્ત સંસાધનો છે.
પ્રધાનમંત્રીએ સ્થાનિક કૌશલ્યો અને ઉપકરણોનાં સતત આધુનિકીકરણની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે સ્વ-સહાય જૂથોની મહિલાઓની આવક વધારવા અને આગની ઘટનાઓને ઘટાડવા માટે વનનાં બળતણને જૈવઇંધણમાં પરિવર્તિત કરતાં ઉપકરણો પૂરા પાડવાની શક્યતાઓ શોધવા જણાવ્યું હતું. તેમણે જ્યાં ગેસ લિક થવાની સંભાવના વધારે છે એવા ઉદ્યોગો અને હૉસ્પિટલો માટે નિષ્ણાતોનું દળ બનાવવાની પણ વાત કરી હતી. એ જ રીતે ઍમ્બ્યુલન્સ નેટવર્કને ભવિષ્યમાં તૈયાર કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આ સંબંધમાં એઆઇ, 5જી અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી)ના ઉપયોગની શોધ કરવા જણાવ્યું હતું. તેમણે હિતધારકોને ડ્રોન, એલર્ટિંગ માટેના ગેજેટ્સ અને કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવામાં મદદ કરી શકે તેવા વ્યક્તિગત ગેજેટ્સના ઉપયોગની તપાસ કરવા પણ જણાવ્યું હતું. તેમણે નિષ્ણાતોને વૈશ્વિક સામાજિક સંસ્થાઓનાં કાર્યનો અભ્યાસ કરવા વિનંતી કરી કે જે નવી સિસ્ટમો અને ટેક્નૉલોજીઓ બનાવી રહી છે અને શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવી રહી છે.
સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સમગ્ર વિશ્વમાં આવી રહેલી આપત્તિઓ સામે ઝડપથી પ્રતિક્રિયા આપે છે અને સ્થિતિસ્થાપક માળખાગત સુવિધા માટે પહેલ પણ કરે છે અને તેનો પ્રતિસાદ પણ આપે છે. તેમણે માહિતી આપી હતી કે, દુનિયાના 100થી વધારે દેશો ભારતનાં નેતૃત્વમાં રચાયેલાં કોએલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સામેલ થયા છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આજની ચર્ચા ઘણાં સૂચનો અને સમાધાનો તરફ દોરી જશે અને એ રીતે ભવિષ્ય માટે કાર્યાન્વિત કરી શકાય તેવા મુદ્દાઓ ઊભા થશે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "પરંપરા અને ટેક્નૉલોજી આપણી તાકાત છે અને આ તાકાત સાથે આપણે માત્ર ભારત માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે આપત્તિ સામેની સ્થિતિસ્થાપકતા સાથે સંબંધિત શ્રેષ્ઠ મૉડલ તૈયાર કરી શકીએ છીએ."
એનપીડીઆરઆર ભારત સરકાર દ્વારા રચવામાં આવેલું બહુ-હિતધારક પ્લેટફોર્મ છે, જેનો ઉદ્દેશ આપત્તિ જોખમ ઘટાડાનાં ક્ષેત્રમાં સંવાદ, અનુભવો, અભિપ્રાયો, વિચારો, કાર્યલક્ષી સંશોધન અને તકો ચકાસવાની સુવિધા પ્રદાન કરવાનો છે.
After the earthquakes in Türkiye and Syria, the world has recognised and appreciated the role of India's disaster management efforts. pic.twitter.com/MpmidV4V8y
— PMO India (@PMOIndia) March 10, 2023
We have to develop models of housing or town planning at the local level. We need to encourage use of advanced technology in these sectors. pic.twitter.com/2ixjX5xThU
— PMO India (@PMOIndia) March 10, 2023
Disaster management को मजबूत करने के लिए Recognition और Reform बहुत जरूरी है। pic.twitter.com/Rm2lh23n4t
— PMO India (@PMOIndia) March 10, 2023
Tradition और technology हमारी ताकत हैं।
— PMO India (@PMOIndia) March 10, 2023
इसी ताकत से हम भारत ही नहीं बल्कि पूरे विश्व के लिए disaster resilience से जुड़े बेहतरीन मॉडल तैयार कर सकते हैं। pic.twitter.com/rK73aK5X4A