“ભારતે વર્ષના પ્રથમ મહિનાના પ્રથમ અઠવાડિયામાં એના રસીકરણ અભિયાનમાં 150 કરોડ – 1.5 અબજ રસીના ડોઝનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે”
“એક વર્ષથી ઓછા ગાળામાં 150 કરોડ ડોઝ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે અને દેશના નવી ઇચ્છાશક્તિનું પ્રતીક છે”
“આયુષ્માન ભારત યોજના વાજબી અને સર્વસમાવેશક હેલ્થકેરની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય માપદંડ બની ગઈ છે”
“પીએમ-જેએવાય અંતર્ગત સમગ્ર દેશમાં હોસ્પિટલોમાં 2 કરોડ 60 લાખ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી અને કેન્દ્રીય મંત્રીઓ ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. સુભાષ સરકાર, શ્રી શાંતનું ઠાકુર, શ્રી જોહન બાર્લા અને શ્રી નિશિથ પ્રમાણિક વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. 

અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નવું કેમ્પસ પશ્ચિમ બંગાળના લોકોને, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વાજબી અને અદ્યતન સારવાર પ્રદાન કરવામાં લાંબી મજલ કાપશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દેશના દરેક અને તમામ નાગરિકોને શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપલબ્ધ કરવાની કટિબદ્ધતાની સફરમાં અમે વધુ એક મજબૂત પગલું ભર્યું છે.”

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, દેશમાં 15થી 18 વર્ષની વયજૂથમાં બાળકો માટે રસીકરણ સાથે વર્ષની શરૂઆત થઈ છે. સાથે સાથે ભારતે ચાલુ વર્ષના પ્રથમ મહિનાના પ્રથમ અઠવાડિયામાં 150 કરોડ – 1.5 અબજ રસીના ડોઝ આપવાની ઐતિહાસિક ઉપલબ્ધિ પણ મેળવી છે. એક વર્ષથી ઓછા ગાળામાં 150 કરોડ રસીના ડોઝ એક નોંધપાત્ર ઉપલબ્ધિ છે અને દેશની ઇચ્છાશક્તિનું પ્રતીક છે. તેમણે જણાવ્યું હતું કે, આ દેશના નવા આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને ગર્વને વ્યક્ત કરે છે. તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હોવાથી રસીના 150 કરોડ ડોઝનું કવચ વધારે મહત્વપૂર્ણ બની ગયું છે. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતની 90 ટકાથી વધારે પુખ્ત વસતીને રસીનો એક ડોઝ મળ્યો છે. ફક્ત 5 દિવસમાં 1.5 કરોડથી વધારે બાળકોને રસીનો ડોઝ મળી ગયો છે. તેમણે આ ઉપલબ્ધિનો શ્રેય સંપૂર્ણ દેશ અને દરેક રાજ્યની સરકારોને આપ્યો હતો. આ ઉપલબ્ધિ માટે તેમણે દેશના વૈજ્ઞાનિકો, રસી ઉત્પાદકો અને આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત લોકોનો વિશેષ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યાર સુધી સરકાર દ્વારા પશ્ચિમ બંગાળને નિઃશુલ્ક ધોરણે કોરોના રસીના આશરે 11 કરોડ રસીના ડોઝ આપ્યાં છે. દોઢ હજારથી વધારે વેન્ટિલેટર, 9 હજારથી વધારે નવા ઓક્સિજન સીલિન્ડર પણ બંગાળને પ્રદાન કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, 49 પીએસએ નવા ઓક્સિજન પ્લાન્ટ પણ રાજ્યમાં શરૂ થયા છે. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના આરોગ્ય ક્ષેત્રની કાયાપલટ કરવા નિવારણાત્મક હેલ્થકેર, વાજબી હેલ્થકેર, પુરવઠા સામે માગ પૂરી કરવા વિવિધ હસ્તક્ષેપો હાથ ધરવા માટે યુદ્ધના ધોરણે અભિયાનોને વેગ આપવામાં આવ્યો છે. યોગ, આયુર્વેદ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, યુનિવર્સલ ઇમ્મ્યૂનાઇઝેશન નિવારણાત્મક હેલ્થકેરને મજબૂત કરે છે. એ જ રીતે સ્વચ્છ ભારત અભિયાન અને હર ઘર જલ યોજનાઓ આરોગ્યલક્ષી શ્રેષ્ઠ પરિણામોમાં પ્રદાન કરે છે. 

પ્રધાનમંત્રીએ કેન્સરથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની નાણાકીય સ્થિતિ પર થતી માઠી અસર થાય એવો ડર વ્યક્ત કર્યો હતો. ગરીબોને રોગના કારણે ઊભા થતા એ વિષચક્રમાંથી બહાર કાઢવા દેશ સસ્તી અને સુલભ સારવાર માટે સતત પગલાં લે છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં કેન્સરની સારવાર માટે જરૂરી દવાઓની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 8 હજારથી વધારે જન ઔષધિ કેન્દ્રો અતિ વાજબી દરે દવાઓ અને સર્જિકલ ચીજવસ્તુઓ પૂરી પાડે છે. આ સ્ટોર્સમાં અતિ ઓછી કિંમતે કેન્સરની 50થી વધારે દવાઓ ઉપલબ્ધ છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દર્દીઓની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે અને 500થી વધારે દવાઓની કિંમત નિયમનથી વર્ષે 3000 કરોડ રૂપિયાથી વધારેની બચત કરે છે. કોરોનરી સ્ટેન્ટના કિંમતોનું નિયમન થવાથી દર વર્ષે 4500 કરોડ રૂપિયાથી વધારેની બચત થાય છે, ની ઇમ્પ્લાન્ટના ઘટતા ખર્ચથી વરિષ્ઠ નાગરિકોને દર વર્ષે 1500 કરોડ રૂપિયાની બચત થાય છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલીસિસ કાર્યક્રમ અંતર્ગત 12 લાખ ગરીબ દર્દીઓને ફ્રી ડાયાલીસિસ સુવિધાઓ મળે છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે આયુષ્માન ભારત યોજના વાજબી અને સર્વસમાવેશક હેલ્થકેરની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય માપદંડ બની ગઈ છે. પીએમ-જેએવાય અંતર્ગત 2 કરોડ 60 લાખથી વધારે દર્દીઓને સમગ્ર દેશની હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળે છે. વિવિધ અંદાજો જણાવે છે કે, આ યોજનાની ગેરહાજરીમાં દર્દીઓને 50થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થશે. કેન્સરના 17 લાખથી વધારે દર્દીઓને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો હતો. આ યોજના કેન્સર, ડાયાબીટિસ અને હાયપર-ટેન્શન જેવા રોગોની નિયમિત ચકાસણી દ્વારા ગંભીર રોગોનાં વહેલાસર નિદાન અને સારવારને પ્રોત્સાહન પણ આપે છે. આ અભિયાનમાં આગામી હેલ્થ અને વેલનેસ કેન્દ્રો મદદરૂપ થાય છે. પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રકારના 5 હજારથી વધારે કેન્દ્રો ઊભા થયા છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, દેશમાં મુખ, ગરદન અને સ્તન કેન્સર માટે 15 કરોડથી વધારે લોકોએ પરીક્ષણ કરાવ્યું છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014 સુધી દેશમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સીટની સંખ્યા આશરે 90,000 હતી. છેલ્લાં 7 વર્ષમાં તેમાં 60,000 નવી સીટનો ઉમેરો થયો છે. વર્ષ 2014માં આપણે ફક્ત 6 એમ્સ ધરાવતા હતા અને અત્યારે દેશ 22 એમ્સના મજબૂત નેટવર્ક તરફ અગ્રેસર છે. ભારતના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજની સુનિશ્ચિત કરવા કામગીરી ચાલુ છે. કેન્સરની સારવાર માટેની માળખાગત સુવિધામાં 19 રાજ્ય કેન્સર સંસ્થા દ્વારા વધારો થશે, 20 ટર્શરી કેર કેન્સર સંસ્થાઓને મંજૂરી મળી છે અને 30થી વધારે સંસ્થાઓ પર કામગીરી ચાલુ છે. તેમણે ઉમેર્યું હતું કે, એ જ રીતે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અને આયુષ્માન ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન દેશના આરોગ્ય ક્ષેત્રને આધુનિક સ્વરૂપ આપશે. 

પ્રધાનમંત્રીએ કોરોના મહામારી સાથેની લડાઈમાં દરેક પ્રકારની સાવચેતી રાખવાની તેમની અપીલનું પુનરાવર્તન કરીને તેમનું સંબોધન પૂર્ણ કર્યું હતું. 

સીએનસીઆઈનું બીજું કેમ્પસ નિર્માણ પ્રધાનમંત્રીના દેશના તમામ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધાઓનું વિસ્તરણ કરવા અને અદ્યતન બનાવવાના દ્રષ્ટિકોણ સાથે સુસંગત રીતે થયું છે. સીએનસીઆઈ કેન્સરના દર્દીઓનો મોટો ધસારો અનુભવતી હતી અને થોડા સમયથી એનું વિસ્તરણ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. આ જરૂરિયાત બીજા કેમ્પસ દ્વારા પૂરી થશે. 

સીએનસીઆઈનાં બીજા કેમ્પસનું નિર્માણ રૂ. 540 કરોડથી વધારે ખર્ચે થયું છે, જેમાંથી આશરે રૂ. 400 કરોડ કેન્દ્ર સરકારે પ્રદાન કર્યા છે અને બાકીની રકમ પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે પ્રદાન કરી છે. આ રીતે આ કેમ્પસના નિર્માણમાં કેન્દ્ર અને રાજ્યના પ્રદાનનો રેશિયો 75:25 છે. કેમ્પસ એક 450 બેડ ધરાવતું વિસ્તૃત કેન્સર સેન્ટર એકમ છે, જે કેન્સરનું નિદાન કરવા, એ કયા તબક્કામાં છે એની ચકાસણી કરવા, સારવાર અને સારસંભાળ માટે અદ્યતન માળખાગત સુવિધા ધરાવે છે. કેમ્પસ ન્યૂક્લીઅર મેડિસિન (પીઇટી), 3.0 ટેસ્લા એમઆરઆઇ, 128 સ્લાઇસ સીટી સ્કેનર, રેડિયોન્યૂક્લાઇડ થેરપી યુનિટ, એન્ડોસ્કોપી સ્યૂટ, આધુનિક બ્રેકીથેરેપી યુનિટ વગેરે જેવી આધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે. કેમ્પસ અદ્યતન કેન્સર સંશોધન સુવિધા તરીકે પણ કામ કરશે અને કેન્સરના દર્દીઓને વિસ્તૃત સારવાર પ્રદાન કરશે, ખાસ કરીને દેશના પૂર્વ અને પૂર્વોત્તરના રાજ્યોમાંથી. 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi