“આપણી યુવા શક્તિની 'કરી શકે છે' ભાવના સૌ કોઇને પ્રેરણા આપે છે”
“અમૃતકાળમાં દેશને આગળ ધપાવવા માટે આપણે અવશ્ય આપણી ફરજો પર ભાર મૂકવો જોઇએ અને તેને સમજવી જોઇએ”
“યુવા શક્તિ એ ભારતની યાત્રાનું પ્રેરક બળ છે. આગામી 25 વર્ષ રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ જ મહત્વનાં છે”
“યુવાન બનવું મતલબ કે આપણા પ્રયાસોમાં ગતિશીલ બનવું. યુવાન બનવું મતલબ કે આપણા પરિપ્રેક્ષ્યમાં મનોહર હોવું છે. યુવાન બનવું મતલબ કે વ્યવહારિક બનવું”
“દુનિયા કહી રહી છે કે, આ સદી ભારતની સદી છે. આ તમારી સદી છે, ભારતના યુવાનોની સદી છે”
“યુવાનોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે, આપણે સકારાત્મક નવો ચીલો ચાતરીએ અને અદ્યતન રાષ્ટ્રો કરતાં પણ આગળ વધીએ તે આવશ્યક છે”
“સ્વામી વિવેકાનંદના બે સંદેશા - ઇન્સ્ટિટ્યુશન અને ઇનોવેશન દરેક યુવાનોના જીવનનો હિસ્સો હોવા જોઇએ”
“આજે દેશનું લક્ષ્ય છે - વિકસિત ભારત, સશક્ત ભારત”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના હુબલી ખાતે 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય યુવા દિવસ પર યોજવામાં આવી રહ્યો છે, જે સ્વામી વિવેકાનંદના આદર્શો, ઉપદેશો અને યોગદાનને સન્માનિત કરવા અને તેમની પ્રશંસા કરવા માટે તેમની જન્મજયંતિના રોજ ઉજવવામાં આવે છે. આ મહોત્સવની થીમ ‘વિકસિત યુવા - વિકસિત ભારત’ રાખવામાં આવી છે અને તે દેશના તમામ ભાગોમાંથી વિવિધ સંસ્કૃતિઓને એક સમાન મંચ પર લાવે છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનામાં સહભાગીઓને એકાજૂથ કરે છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કર્ણાટકનો હુબલી પ્રદેશ તેની સંસ્કૃતિ, પરંપરા અને જ્ઞાન માટે વિશેષ ઓળખ ધરાવે છે જ્યાં અનેક મહાન હસ્તીઓને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, આ પ્રદેશે પંડિત કુમાર ગાંધર્વ, પંડિત બસવરાજ રાજગુરુ, પંડિત મલ્લિકાર્જૂન મન્સુર, ભારત રત્ન શ્રી ભીમસેન જોશી અને પંડિતા ગંગુબાઇ હંગલ જેવા ઘણા મહાન સંગીતકારો આપ્યા છે અને આ હસ્તીઓને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી.

વર્ષ 2023માં રાષ્ટ્રીય યુવા દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, એક તરફ આપણી પાસે રાષ્ટ્રીય યુવા ઉત્સવ અને બીજી તરફ આઝાદી કા અમૃત મહોત્સવ છે. પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદજીને ટાંકીને કહ્યું હતું કે, “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રોકશો નહીં”, તે ભારતના યુવાનોનો જીવન મંત્ર છે અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમૃતકાળમાં દેશને આગળ લઇ જવા માટે આપણે આપણી ફરજો પર ભાર મૂકવો જોઇએ અને તેને સમજવી જોઇએ. પ્રધાનમંત્રીએ આ પ્રયાસમાં ભારતના યુવાનો દ્વારા સ્વામી વિવેકાનંદજી પાસેથી પ્રાપ્ત થયેલી પ્રેરણા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “હું આ ખાસ અવસર પર સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં મારું શિશ ઝુંકાવું છું”. પ્રધાનમંત્રીએ શ્રી સિદ્ધેશ્વર સ્વામીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમનું તાજેતરમાં જ નિધન થયું છે.

શ્રી મોદીએ કર્ણાટકની ભૂમિ સાથે સ્વામી વિવેકાનંદના જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, સ્વામીજીએ ઘણી વખત કર્ણાટકની મુલાકાત લીધી હતી અને મૈસુરના મહારાજા તેમની શિકાગો ખાતેની મુલાકાતના મુખ્ય સમર્થકો પૈકી એક હતા. તેમણે કહ્યું હતું કે, “સ્વામીજીનું ભારત ભ્રમણ રાષ્ટ્રની ચેતનાની એકતાની સાક્ષી પૂરે છે અને આ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનું શાશ્વત ઉદાહરણ છે”.

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદજીને ટાંકીને કહ્યું હતું કે, “જ્યારે આપણી પાસે યુવા શક્તિ હોય ત્યારે ભવિષ્ય અને રાષ્ટ્રનો વિકાસ સરળ બની જાય છે.” તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કર્ણાટકની ભૂમિએ રાષ્ટ્રને અસંખ્ય હસ્તીઓની ભેટ આપી છે, જેમણે રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજોને સર્વોપરી મહત્વ આપ્યું છે અને ખૂબ જ નાની ઉંમરે અસાધારણ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. પ્રધાનમંત્રીએ ચિત્તૂરના મહારાણી ચિન્નમ્મા અને સાંગોલી રાયન્નાનું ઉદાહરણ આપ્યું હતું જેમની હિંમતથી બ્રિટિશ સામ્રાજ્યનો સંકલ્પ તૂટી ગયો હતો અને 14 વર્ષની નાની ઉંમરે રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપનાર નારાયણ મહાદેવ દોનીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે લાન્સ નાઇક હનુમંતપ્પા કોપ્પડનો પણ ઉલ્લેખ કર્યો હતો જેઓ સિયાચીનમાં -55 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બચી ગયા હતા. રાષ્ટ્રની બહુમુખી યુવા પ્રતિભા વિશે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય યુવાનો દરેક ક્ષેત્રમાં પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ બદલાતા સમયના પ્રકાશમાં રાષ્ટ્રના લક્ષ્યોના બદલાતા સ્વભાવની યાદ અપાવી અને કહ્યું હતું કે, 21મી સદીનો આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, આજે ભારત એક વિશાળ યુવા જનસમુદાય ધરાવતો યુવાન દેશ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “યુવા શક્તિ એ ભારતની યાત્રાનું પ્રેરક બળ છે”. આગામી 25 વર્ષ રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. યુવા શક્તિના સપનાં અને મહત્વાકાંક્ષાઓ ભારતની દિશા અને મુકામ નક્કી કરે છે અને યુવા શક્તિનો જુસ્સો ભારતનો માર્ગ નિર્ધારિત કરે છે. આ યુવા શક્તિને ખીલવીને તેનો ઉપયોગ કરવા માટે આપણે આપણા વિચારો સાથે, આપણા પ્રયાસોથી યુવાન બનવાની જરૂર છે! યુવાન બનવું મતલબ કે આપણા પ્રયાસોમાં ગતિશીલ બનવું. યુવાન બનવું મતલબ કે આપણા પરિપ્રેક્ષ્યમાં મનોહર હોવું છે. યુવાન બનવું મતલબ કે વ્યવહારિક બનવું! તેમણે ઉમેર્યું હતું કે, જો વિશ્વ આપણી તરફ ઉકેલો માટે જુએ છે, તો તેની પાછળનું કારણ આપણી ‘અમૃત’ પેઢીનું સમર્પણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત આજે સમગ્ર દુનિયામાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને “અમારું લક્ષ્ય તેને ટોચના 3 દેશમાં લઇ જવાનું છે.” પ્રધાનમંત્રીએ કૃષિ અને રમતગમત ક્ષેત્રે ઉભરતી તકોનો પુનરોચ્ચાર કર્યો હતો અને આ ક્રાંતિનો શ્રેય યુવાનોની શક્તિને આપ્યો હતો. રાષ્ટ્રના ઇતિહાસમાં વર્તમાન ક્ષણના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે અર્થતંત્ર, શિક્ષણ, રમતગમત અને સ્ટાર્ટઅપના ક્ષેત્રોમાં મજબૂત પાયો નાખવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “રનવે તમારા ટેક-ઓફ માટે તૈયાર છે! આજે સમગ્ર વિશ્વમાં ભારત અને તેના યુવાનો પ્રત્યે ઘણો આશાવાદ રાખવામાં આવે છે. આ આશાવાદ તમારા વિશે છે. આ આશાવાદ તમારા કારણે છે. અને આ આશાવાદ તમારા માટે જ છે! આજે, આખી દુનિયા કહે છે કે, આ સદી ભારતની સદી છે. આ તમારી સદી છે, ભારતના યુવાનોની સદી છે! આ એક ઐતિહાસિક સમય છે - જ્યારે આશાવાદ અને તક એકસાથે આવી રહ્યા છે.”

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રની શક્તિને જીવંત રાખવામાં મહિલા શક્તિની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો અને સશસ્ત્ર દળો, અવકાશ ટેકનોલોજી, અવકાશ અને રમતગમતોમાં મહિલાઓ પૂરા પાડેલા જ્વલંત દૃશ્ટાંતોનો ઉલ્લેખ કર્યો હતો.

શ્રી મોદીએ 21મી સદીને ભારતની સદી બનાવવા માટે ભવિષ્યવાદી વિચાર અને અભિગમના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “યુવાનોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે, આપણે સકારાત્મક નવો ચીલો ચાતરીએ અને અદ્યતન રાષ્ટ્રો કરતાં પણ આગળ વધીએ તે આવશ્યક છે”. અદ્યતન ક્ષેત્રોનો ઉલ્લેખ કરતાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જે નોકરીઓ અસ્તિત્વમાં પણ નથી તે ભવિષ્યમાં આપણા યુવાનો માટે મુખ્ય પ્રવાહના વ્યવસાયો બનશે, તેથી, આપણા યુવાનોએ ભવિષ્યના કૌશલ્યો માટે તૈયાર થાય તે પણ મહત્વનું છે. પ્રધાનમંત્રીએ નવી શિક્ષણ નીતિ દ્વારા ઉભરી રહેલી વ્યવહારુ અને ભવિષ્યવાદી શિક્ષણ પ્રણાલીનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદના બે સંદેશો પર ભાર મૂક્યો હતો, જે આજની આ ઝડપથી બદલાઇ રહેલી દુનિયામાં દરેક યુવાનો માટે તેમના જીવનનો એક હિસ્સો હોવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, “આ બે સંદેશ છે- ઇન્સ્ટિટ્યુશન અને ઇનોવેશન!” એટલે કે “સંસ્થાઓ અને આવિષ્કાર”. પ્રધાનમંત્રીએ વધુમાં સમજાવ્યું હતું કે, જ્યારે આપણે આપણા વિચારનું વિસ્તરણ કરીએ છીએ અને ટીમ ભાવના સાથે કામ કરીએ છીએ ત્યારે સંસ્થાનું સર્જન થાય છે અને આજના દરેક યુવાનોને ટીમની સફળતાના રૂપમાં તેમની વ્યક્તિગત સફળતામાં વધારો કરવાનો તેમણે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ ટીમ ભાવના વિકસિત ભારતને 'ટીમ ઇન્ડિયા' તરીકે આગળ લઇ જશે”.

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદના આવિષ્કાર સંબંધિત વિચાર પર પ્રકાશ પાડતા ટિપ્પણી કરી હતી કે, દરેક કાર્યને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે, જે - ઉપહાસ, વિરોધ અને સ્વીકૃતિ છે. પ્રધાનમંત્રીએ ડિજિટલ પેમેન્ટ્સ, સ્વચ્છ ભારત અભિયાન, જન ધન યોજના અને સ્વદેશી બનાવટની કોવિડ રસીનું ઉદાહરણ ટાંક્યું હતું અને ટિપ્પણી કરી હતી કે, જ્યારે પહેલી વખત આને રજૂ કરવામાં આવ્યા ત્યારે તેની મજાક ઉડાવવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે ભારત ડિજિટલ પેમેન્ટ્સ મામલે સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે, જન ધન ખાતાઓ આપણી અર્થવ્યવસ્થાની મોટી તાકાત બની ગયા છે અને રસીના ક્ષેત્રમાં ભારતની સિદ્ધિ અંગે આખી દુનિયામાં ચર્ચા થઇ રહી છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “જો તમારી પાસે કોઇ નવો વિચાર હોય, તો યાદ રાખો કે તમારી મજાક ઉડાવવામાં આવશે અથવા તમારો વિરોધ થઇ શકે છે. પરંતુ જો તમને તમારા પોતાના વિચારમાં ભરોસો હોય તો તેને વળગી રહો. તેના પર વિશ્વાસ રાખો.”

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, દેશમાં યુવાનોને સાથે લઇને ઘણા નવા પ્રયાસો અને પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. સ્પર્ધાત્મક અને સહકારી સંઘવાદની સામ્યતા દર્શાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યોના યુવાનો રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, કોણ જીતે છે તેનાથી કોઇ જ ફરક પડતો નથી કારણ કે આખરે તો ભારતનો જ વિજયી થાય છે અને વધુમાં જણાવ્યું હતું કે, અહીંના યુવાનો એકબીજા સાથે માત્ર સ્પર્ધા કરશે એવું નથી પણ તેઓ સહકાર પણ આપશે. સ્પર્ધા અને સહકારની આ ભાવનાને આગળ વધારતા પ્રધાનમંત્રીએ એ વિચારને પ્રેરિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો કે આપણી સફળતા રાષ્ટ્રની સફળતાથી માપવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે, “આજે દેશનું લક્ષ્ય છે - વિકસિત ભારત, સશક્ત ભારત! અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિકસિત ભારતનું આ સ્વપ્ન પૂરું ન થાય ત્યાં સુધી આપણે અટકી શકીએ નહીં. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશના દરેક યુવાનો આ સપનાને પોતાનું સપનું બનાવશે અને દેશની જવાબદારી પોતાના ખભા પર ઉપાડશે.

આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી અનુરાગસિંહ ઠાકુર, શ્રી નિસિથ પ્રામાણિક અને કર્ણાટક સરકારના મંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

આપણા પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રનિર્માણ તરફ પ્રેરિત કરવાની સાથે સાથે રાષ્ટ્રીય સ્તરે તેમને મંચ પ્રદાન કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દેશના તમામ ભાગોમાંથી વિવિધ સંસ્કૃતિઓ આ મહોત્સવના માધ્યમથી એક સમાન મંચ પર આવે છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનામાં સહભાગીઓને એકજૂથ કરે છે. કર્ણાટકના હુબલી-ધારવાડમાં 12 થી 16 જાન્યુઆરી દરમિયાન આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ 'વિકસિત યુવા - વિકસિત ભારત' રાખવામાં આવી છે.

આ મહોત્સવ યુવા સમિટનો સાક્ષી બનશે, જે G20 અને Y20 ઇવેન્ટ્સમાંથી ઉદ્દભવેલી પાંચ થીમ એટલે કે કાર્યનું ભાવિ, ઉદ્યોગ, આવિષ્કાર અને 21મી સદીના કૌશલ્યો; આબોહવા પરિવર્તન અને આપત્તિના જોખમમાં ઘટાડો; શાંતિ નિર્માણ અને સમાધાન; લોકશાહી અને શાસનમાં સહિયારા ભવિષ્યના યુવાનો; તેમજ આરોગ્ય અને સુખાકારી પર પૂર્ણ ચર્ચાઓનું સાક્ષી બનશે. આ સમિટમાં સાઇઠથી વધુ પ્રતિષ્ઠિત નિષ્ણાતોની સહભાગીતા જોવા મળશે. અનેક સ્પર્ધાત્મક અને બિન-સ્પર્ધાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં લોક નૃત્યો અને ગીતોનો સમાવેશ થશે અને સ્થાનિક પરંપરાગત સંસ્કૃતિઓને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવશે. બિન-સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં યોગાથોનનો સમાવેશ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય લગભગ 10 લાખ લોકોને યોગ કરવા માટે એકત્રિત કરવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના કલાકારો દ્વારા આઠ સ્વદેશી રમતો અને માર્શલ આર્ટ પણ રજૂ કરવામાં આવશે. અન્ય આકર્ષણોમાં ફૂડ ફેસ્ટિવલ, યુવા કલાકાર શિબિર, સાહસપૂર્ણ રમતગમત પ્રવૃત્તિઓ અને વિશેષ નો યોર આર્મી, નેવી અને એર ફોર્સ કેમ્પ (તમારી ભૂમિસેના, નૌકાસેના અને વાયુસેનાને ઓળખો શિબિર)નો સમાવેશ થાય છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi