પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કોરોના રોગચાળા દરમિયાન વિદેશમાં વસતાં ભારતીય સમુદાયે જે તે દેશમાં ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે મારી સાથે વાતચીતમાં વિવિધ દેશોના વડાઓ તેમના દેશોમાં ડૉક્ટરો, પેરામેડિક્સ અને સાધારણ નાગરિકો તરીકે ભારતીય સમુદાયની પ્રશંસા કરે છે, ત્યારે હું ગર્વની લાગણી અનુભવું છું.” તેમણે કોરોના રોગચાળા સામે ભારતની લડાઈમાં વિદેશમાં વસતા ભારતીયોના પ્રદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Y2K સમસ્યાનું સમાધાન કરવામાં ભારત અને ભારતીયોની ભૂમિકા અને ભારતીય ફાર્મા ઉદ્યોગે ભરેલી હરણફાળનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત અને ભારતીયોની ક્ષમતાથી માનવજાતને હંમેશા લાભ થયો છે. ભારત આંતરરાષ્ટ્રીય પડકારો ઝીલીને એનું સમાધાન કરવામાં હંમેશા મોખરે રહે છે. સંસ્થાનવાદ અને આતંકવાદ સામેની લડાઈમાં ભારત મોખરે રહેવાથી આ બંને સમસ્યાઓનું સમાધાન કરવામાં દુનિયાને નવી ઊર્જા અને તાકાત મળી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં દુનિયાને જે ભરોસો છે એનો ઘણો બધો શ્રેય વિદેશમાં વસતા ભારતીય સમુદાયના ભોજન, ફેશન, પારિવારિક મૂલ્યો અને વ્યવસાયિક મૂલ્યોને જાય છે. વિદેશમાં વસતા ભારતીયોના આચારવિચારથી ભારતીય પરંપરા અને મૂલ્યોમાં રસ પેદા થયો હતો તેમજ જેની જિજ્ઞાસાવૃત્તિ સ્વરૂપે, કૌતુક સ્વરૂપે શરૂઆત થઈ હતી, એ આજે પ્રણાલી બની ગઈ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતે આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંક તરફ આગેકૂચ કરી હોવાથી વિદેશી ભારતીયો એમાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે, કારણ કે તેઓ ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરશે એટલે ભારતીય ઉત્પાદનોમાં વિશ્વાસ વધશે.
પ્રધાનમંત્રીએ વિદેશી ભારતીય સમુદાયને ભારતની રોગચાળા સામે લડવાની ક્ષમતા વિશે પણ વિગતવાર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે વાયરસ સામે આ પ્રકારની લોકતાંત્રિક એકતાનું અન્ય કોઈ ઉદાહરણ જોવા મળતું નથી. પીપીઇ કિટ, માસ્ક, વેન્ટિલેટર કે ટેસ્ટિંગ કિટ જેવી મહત્ત્વપૂર્ણ ચીજવસ્તુઓમાં આયાત પર નિર્ભર હોવા છતાં ભારતે આત્મનિર્ભર બનવા માટે ક્ષમતા વિકસાવવાની સાથે એમાંથી ઘણી બધી ચીજવસ્તુઓની નિકાસ શરૂ કરી હતી. અત્યારે ભારત ઓછામાં ઓછા મૃત્યુદર ધરાવતા અને ઝડપી સ્થિતિ સુધરવાનો દર ધરાવતા દુનિયાના દેશોમાં સામેલ છે. દુનિયાની ફાર્મસી હોવાના નાતે ભારત દુનિયાને મદદ કરી રહ્યો છે અને આખી દુનિયા ભારત તરફ મીટ માંડી રહી છે, કારણ કે દેશ બે સ્વદેશી રસીઓ સાથે દુનિયામાં સૌથી મોટા રસીકરણ અભિયાનને શરૂ કરવા સજ્જ છે.
પ્રધાનમંત્રીએ સરકારી સહાયનું લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં સીધું હસ્તાંતરણ (ડીબીટી) દ્વારા ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવા માટે દેશ દ્વારા થયેલી પ્રગતિની રૂપરેખા રજૂ કરી હતી, જેના થકી રોગચાળાના સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદોને પ્રાપ્ત થયેલી મદદની આખી દુનિયાએ એકઅવાજે પ્રશંસા કરી હતી. એ જ રીતે ગરીબોનું ઉત્થાન કરવામાં અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં હરણફાળથી પણ દેશની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ અન્ય બાબતો પર પણ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારતનાં અંતરિક્ષ કાર્યક્રમ, એની ટેક સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ, એના ‘યુનિકોર્ન્સ’ આઝાદી પછી ભારત નિરક્ષર હોવાની છાપને ભૂંસી રહ્યાં છે. તેમણે વિદેશી ભારતીયોને છેલ્લાં થોડાં મહિનાઓમાં ભારત સરકારે શિક્ષણથી લઈને ઉદ્યોગધંધાના ક્ષેત્રમાં હાથ ધરેલા વિવિધ સુધારાઓનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે આ સંબંધમાં ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ઉત્પાદન સાથે જોડાયેલી સરકારી સહાયની યોજનાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ વિદેશોમાં વસતાં ભારતીય સમુદાયને તેમની માતૃભૂમિમાંથી તમામ પ્રકારના સાથસહકારની ખાતરી આપી હતી. તેમણે વંદે ભારત અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કોરોનાના સમયગાળા દરમિયાન 45 લાખથી વધારે ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યાં હતાં. તેમણે વિદેશમાં વસતાં ભારતીયોની રોજગારીનું રક્ષણ કરવા રાજદ્વારી પ્રયાસો વિશે પણ જાણકારી આપી હતી. આ માટે ખાડીના દેશો અને અન્ય વિસ્તારોમાં સ્વદેશ પરત ફરેલા ભારતીયો માટે સ્કીલ્ડ વર્કર્સ એરાઇવલ ડેટાબેઝ ફોર એમ્પ્લોયમેન્ટ સપોર્ટ (સ્વદેસ) પહેલ શરૂ કરવામાં આવી છે. તેમણે પ્રવાસી ભારતીયો સાથે શ્રેષ્ઠ જોડાણ અને સંચાર માટે ગ્લોબલ પ્રવાસી રિશ્તા વિશે વાત પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક સુરિનામના આદરણીય રાષ્ટ્રપતિ મહામહિમ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનો એમના નેતૃત્વ અને મુખ્ય સંબોધન કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે ટૂંક સમયમાં તેમને મળવાની આશા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ પ્રવાસી ભારતીય સન્માન અને ક્વિઝ કોમ્પિટિશનના વિજેતાઓને અભિનંદન પણ આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થવા માટે વિદેશોમાં વસતાં ભારતીય સમુદાયને સહભાગી થવા જણાવ્યું હતું. તેમણે વિદેશમાં વસતા ભારતીય સમુદાયોના સભ્યો અને દુનિયાભરમાં ભારતીય એલચી કચેરામાં કાર્યરત લોકોને એક પોર્ટલ, ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવા જણાવ્યું હતું, જ્યાં ભારતની આઝાદીની લડતમાં પ્રવાસી ભારતીયોના પ્રદાનનું ડોક્યુમેન્ટેશન થઈ શકશે.