પ્રધાનમંત્રીએ દેશમાં રસીકરણની કામગીરીમાં પ્રગતિની અને કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
આ બેઠકમાં અધિકારીઓએ દેશમાં રસીકરણની પ્રગતિ પર પ્રધાનમંત્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરી હતી. પ્રધાનમંત્રીને વિવિધ વયજૂથમાં રસીકરણ વિશે ટૂંકમાં માહિતગાર કરવામાં આવ્યાં હતાં. સાથે સાથે પ્રધાનમંત્રીને વિવિધ રાજ્યોમાં આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સાધારણ જનતા વચ્ચે રસીકરણના કવરેજ વિશે પણ સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી.
અધિકારીઓએ પ્રધાનમંત્રીને આગામી મહિનાઓમાં રસીના પુરવઠા વિશે અને રસીનું ઉત્પાદન વધારવા હાલ ચાલી રહેલા પ્રયાસો વિશે જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, છેલ્લાં 6 દિવસ દરમિયાન કુલ 3.77 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે, જે મલેશિયા, સાઉદી અરેબિયા અને કેનેડા જેવા દેશોની કુલ વસ્તીથી વધારે છે. બેઠકમાં એ ચર્ચા પણ થઈ હતી કે, દેશમાં 128 જિલ્લાઓમાં 45 વર્ષથી વધારે વયજૂથ ધરાવતા 50 ટકાથી વધારે લોકોનું રસીકરણ થયું છે અને 16 જિલ્લાઓમાં 45 વર્ષથી વધારે વયજૂથ ધરાવતા લોકોનું 90 ટકાથી વધારે રસીકરણ થયું છે. પ્રધાનમંત્રીએ આ અઠવાડિયામાં રસીકરણમાં આવેલી ઝડપ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને આગ્રહ કર્યો હતો કે, રસીકરણની આ ઝડપ આગળ જતાં જળવાઈ રહે એ મહત્વપૂર્ણ છે.
અધિકારીએ પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી કે, તેઓ રસીકરણ માટે લોકો સુધી પહોંચવાની નવીન પદ્ધતિઓ ચકાસવા અને એનો અમલ કરવા રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે. પ્રધાનમંત્રીએ આ પ્રકારના પ્રયાસોમાં સેવાભાવી સંસ્થાઓ (એનજીઓ) અને અન્ય સંસ્થાઓને સામેલ કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા રાજ્યો સાથે કામ કરવાની સૂચના આપી હતી કે, પરીક્ષણની ઝડપ ઘટવી ન જોઈએ, કારણ કે કોઈ પણ વિસ્તારમાં ઇન્ફેક્શનમાં વધારા પર નજર રાખવા અને એને નિયંત્રણમાં લેવા પરીક્ષણ અતિ મહત્વપૂર્ણ અને ઉપયોગી માધ્યમ છે.
અધિકારીઓએ પ્રધાનમંત્રીને દુનિયાભરમાં કોવિન પ્લેટફોર્મમાં રસ વધી રહ્યો હોવાની જાણકારી પણ આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોવિન પ્લેટફોર્મ સ્વરૂપે ભારતની ટેકનોલોજીકલ કુશળતા સાથે એમાં રસ ધરાવતા તમામ દેશોને મદદ કરવા પ્રયાસો કરવા પડશે.