નવા વિદ્યુતીકૃત રેલવે સેક્શન્સ દેશને સમર્પિત કર્યા અને ઉત્તરાખંડને 100% વિદ્યુત ટ્રેક્શન રાજ્ય જાહેર કર્યું
"દિલ્હી-દહેરાદૂન વંદે ભારત એક્સપ્રેસ 'ઈઝ ઑફ ટ્રાવેલ-મુસાફરીની સરળતા' સુનિશ્ચિત કરશે અને સાથે-સાથે નાગરિકોને વધુ સુવિધા પણ આપશે
"જ્યારે અર્થતંત્રને મજબૂત કરવાની અને ગરીબી સામે લડવાની વાત આવે છે, ત્યારે ભારત દુનિયા માટે આશાનું કિરણ બની ગયું છે"
"આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બનવા જઈ રહ્યો છે"
"દેવભૂમિ વિશ્વની આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બનશે"
"ઉત્તરાખંડ માટે વિકાસનાં નવરત્નો પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે"
"ડબલ એન્જિન સરકાર ડબલ પાવર અને ડબલ સ્પીડ સાથે કામ કરી રહી છે"
"21મી સદીનું ભારત માળખાગત સુવિધાઓની સંભવિતતાને મહત્તમ બનાવીને વિકાસની વધુ ઊંચાઈઓ સર કરી શકે છે"
"પર્વતમાલા પ્રોજેક્ટ આગામી દિવસોમાં રાજ્યનું ભાગ્ય બદલવા જઈ રહ્યો છે"
"યોગ્ય ઇરાદો, નીતિ અને સમર્પણ વિકાસને આગળ ધપાવે છે"
દેશ હવે અટકવાનો નથી, દેશે હવે તેની ગતિ પકડી લીધી છે. વંદે ભારતની ગતિએ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દહેરાદૂનથી દિલ્હી સુધીની વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તેમણે નવા વિદ્યુતીકૃત રેલવે સેક્શનો પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અને ઉત્તરાખંડને 100 ટકા વિદ્યુત ટ્રેક્શન રાજ્ય જાહેર કર્યું હતું. 

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દહેરાદૂન અને દિલ્હી વચ્ચે આયોજિત 'વંદે ભારત એક્સપ્રેસ'નાં ઉદ્‌ઘાટન માટે ઉત્તરાખંડનાં તમામ લોકોને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, આ ટ્રેન દેશની રાજધાનીને ઉત્તરાખંડની દેવભૂમિ સાથે જોડશે. તેમણે માહિતી આપી હતી કે બંને શહેરો વચ્ચે મુસાફરીનો સમય વધુ ઘટશેઅને ઓનબોર્ડ સુવિધાઓ મુસાફરીનો સુખદ અનુભવ કરશે.

જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઑસ્ટ્રેલિયાની ત્રણ દેશોની યાત્રા પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વ ભારતને ઊંચી આશાઓ સાથે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે અર્થતંત્રને મજબૂત કરવાની અને ગરીબી સામે લડવાની વાત આવે છે, ત્યારે ભારત વિશ્વ માટે આશાનું કિરણ બની ગયું છે."તેમણે કોરોનાવાયરસ મહામારીને પહોંચી વળવા માટે ભારત અને દેશમાં હાથ ધરવામાં આવેલાં વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે દુનિયાભરનાં લોકો ભારત આવવા ઇચ્છે છે ત્યારે ઉત્તરાખંડ જેવાં સુંદર રાજ્યોએ આજની સ્થિતિનો મહત્તમ લાભ લેવો જોઈએ. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન ઉત્તરાખંડને પણ આ તકનો સંપૂર્ણ લાભ લેવામાં મદદરૂપ થશે.

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કેદારનાથની પોતાની મુલાકાતને યાદ કરી હતી અને 'આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બનવા જઈ રહ્યો છે' એ વિધાનને યાદ કર્યું હતું. તેમણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને મજબૂત રાખવાની સાથે રાજ્યના વિકાસને વેગની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, 'દેવભૂમિ વિશ્વની આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બનશે.' તેમણે કહ્યું કે આપણે આ ક્ષમતાને સાકાર કરવા માટે કામ કરવું પડશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ચાર ધામ યાત્રા માટે યાત્રાળુઓની સંખ્યા જૂના વિક્રમો તોડતી રહે છે. તેમણે બાબા કેદાર, હરિદ્વારમાં કુંભ/અર્ધકુંભ અને કંવર યાત્રાનાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ઘણાં રાજ્યોમાં આટલી સંખ્યામાં ભક્તોનું આગમન થતું નથી અને તે એક ભેટ તેમજ એક મહાન કાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે, "ડબલ એન્જિન સરકાર આ 'ભગીરથ' કાર્યને સરળ બનાવવા ડબલ પાવર અને ડબલ સ્પીડ સાથે કામ કરી રહી છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે વિકાસનાં 9 રત્નો 'નવરત્ન' પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, પ્રથમ રત્ન કેદારનાથ-બદ્રીનાથ ધામમાં 1300 કરોડ રૂપિયાના કાયાકલ્પનું કામ છે. બીજું, ગૌરીકુંડ-કેદારનાથ અને ગોવિંદ ઘાટ- હેમકુંટ સાહિબમાં 2500 કરોડ રૂપિયાનો રોપ-વે પ્રોજેક્ટ. ત્રીજું, માનસ ખંડ મંદિર માલા કાર્યક્રમ હેઠળ કુમાઉનાં પ્રાચીન મંદિરોનું નવીનીકરણ. ચોથું, સમગ્ર રાજ્યમાં હોમસ્ટેનું પ્રમોશન, જ્યાં રાજ્યમાં 4000થી વધુ હોમસ્ટેની નોંધણી થઈ છે. પાંચમું, 16 ઇકોટુરિઝમ સ્થળોનો વિકાસ. છઠ્ઠું, ઉત્તરાખંડમાં આરોગ્ય સેવાઓનું વિસ્તરણ. ઉધમસિંહ નગરમાં એઈમ્સનું સેટેલાઈટ સેન્ટર બની રહ્યું છે. સાતમું, 2000 કરોડ રૂપિયાનો ટિહરી લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. આઠમું, હરિદ્વાર ઋષિકેશનો યોગ અને સાહસિક પર્યટનની રાજધાની તરીકે વિકાસ અને છેલ્લે, તનાકપુર બાગેશ્વર રેલ લાઇન. 

તેમણે કહ્યું કે આ નવરત્નોને રાજ્યમાં માળખાગત વિકાસના નવા વેગ સાથે એકીકૃત કરવામાં આવી રહ્યા છે. 12,000 કરોડ રૂપિયાની ચાર ધામ મહાપરિયોજના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, એમ તેમણે માહિતી આપી હતી. દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસ વે મુસાફરીને ઝડપી અને સરળ બનાવશે. તેમણે ઉત્તરાખંડમાં રોપ-વે કનેક્ટિવિટી વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "પર્વત માલા પ્રોજેક્ટ આગામી દિવસોમાં રાજ્યનું ભાગ્ય બદલવા જઈ રહ્યો છે." તેમણે કહ્યું હતું કે, રૂ. 16,000 કરોડનો ઋષિકેશ-કરણપ્રયાગ રેલ પ્રોજેક્ટ 2-3 વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ ઉત્તરાખંડના મોટા ભાગને સુલભ બનાવશે અને રોકાણ, ઉદ્યોગ અને રોજગારીને વેગ આપશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકારની મદદથી ઉત્તરાખંડ પ્રવાસન, એડવેન્ચર ટૂરિઝમ, ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન અને વેડિંગ ડેસ્ટિનેશનનાં કેન્દ્ર સ્વરૂપે બહાર આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યનાં પ્રવાસન સ્થળો દુનિયાભરમાંથી મુલાકાતીઓને આકર્ષી રહ્યાં છે અને વંદે ભારત એક્સપ્રેસ તેમનાં માટે અતિ લાભદાયક પુરવાર થશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જે લોકો તેમનાં પરિવારજનો સાથે હોય છે, તેમનાં માટે ટ્રેનમાં મુસાફરી કરવી એ પ્રથમ પસંદગી છે અને વંદે ભારત ધીમે ધીમે પરિવહનનો માર્ગ બની રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "21મી સદીનું ભારત માળખાગત સુવિધાઓની સંભવિતતાને મહત્તમ કરીને વિકાસની વધુ ઊંચાઈઓ સર કરી શકે છે." તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભૂતકાળની સરકારો માળખાગત સુવિધાઓનું મહત્ત્વ સમજી શકી ન હતી, જ્યારે તે ભ્રષ્ટાચાર અને વંશવાદી રાજકારણમાં વ્યસ્ત હતી. અગાઉની સરકારો દ્વારા ભારતમાં હાઈ-સ્પીડ ટ્રેનો અંગે મોટા પાયે વચનો આપવામાં આવ્યા હોવા છતાં, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તે રેલવે નેટવર્કમાંથી માનવરહિત ફાટકોથી છુટકારો મેળવવામાં પણ નિષ્ફળ ગયા હતા, જ્યારે રેલવે લાઇનોનાં વીજળીકરણની સ્થિતિ વધુ ખરાબ હતી. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014 સુધીમાં દેશનાં ફક્ત એક તૃતિયાંશ રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ થયું, જેનાં કારણે ઝડપથી દોડતી ટ્રેન વિશે વિચારવું અશક્ય બની ગયું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "રેલવેની કાયાપલટ કરવા માટે વર્ષ 2014 પછી સંપૂર્ણ કામગીરી શરૂ થઈ હતી."  તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેમી હાઈસ્પીડ ટ્રેનો માટે આખું નેટવર્ક તૈયાર કરવાની સાથે-સાથે દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેનનું સ્વપ્ન સાકાર કરવાનું કામ પૂરજોશમાં શરૂ થયું હતું. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014 અગાઉ દર વર્ષે સરેરાશ 600 કિલોમીટરની રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થયું હતું, ત્યારે આજે દર વર્ષે 6,000 કિલોમીટરની રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે દેશનાં 90 ટકાથી વધારે રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ થઈ ગયું છે. ઉત્તરાખંડમાં સંપૂર્ણ રેલવે નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ થઈ ગયું છે," એમ પ્રધાનમંત્રીએ માહિતી આપી.

પ્રધાનમંત્રીએ વિકાસલક્ષી કાર્યોનો શ્રેય યોગ્ય ઇરાદા, નીતિ અને સમર્પણને આપ્યો હતો. વર્ષ 2014ની સરખામણીમાં રેલવે બજેટમાં થયેલા વધારાનો સીધો લાભ ઉત્તરાખંડને થયો છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 અગાઉ રાજ્ય માટેનું સરેરાશ બજેટ રૂ. 200 કરોડથી ઓછું હતું, ત્યારે અત્યારે રેલવે બજેટ રૂ. 5,000 કરોડ હતું, જે 25 ગણું વધારે છે. પ્રધાનમંત્રીએ પર્વતીય રાજ્યમાં કનેક્ટિવિટીનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જ્યાં ગામડાંનાં લોકો કનેક્ટિવિટીનાં અભાવે સ્થળાંતર કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર આગામી પેઢીઓ માટે આ પીડાને અટકાવવા ઇચ્છે છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, આપણી સરહદો સુધી સરળતાથી પહોંચવામાં આધુનિક કનેક્ટિવિટીનો પણ ઘણો ઉપયોગ થશે અને દેશનું રક્ષણ કરતા સૈનિકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થવી જોઈએ.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિન ધરાવતી સરકાર ઉત્તરાખંડનાં વિકાસ માટે કટિબદ્ધ છે, જ્યાં ઉત્તરાખંડનો ઝડપી વિકાસ ભારતના ઝડપી વિકાસમાં પણ મદદરૂપ થશે. દેશ હવે અટકવાનો નથી, દેશે હવે તેની ગતિ પકડી લીધી છે. આખો દેશ વંદે ભારતની ગતિએ આગળ વધી રહ્યો છે અને આગળ વધતો રહેશે, " એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

પશ્ચાદભૂમિકા

ઉત્તરાખંડમાં રજૂ થયેલી આ પહેલી વંદે ભારત છે. વૈશ્વિક કક્ષાની સુવિધાઓ સાથે, તે આરામદાયક મુસાફરીના અનુભવોના નવા યુગની શરૂઆત કરશે, ખાસ કરીને રાજ્યમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે. આ ટ્રેન સ્વદેશી છે અને કવચ ટેકનોલોજી સહિતની અદ્યતન સલામતી સુવિધાઓથી સજ્જ છે. નવી વંદે ભારત એક્સપ્રેસ દહેરાદૂનથી દિલ્હી વચ્ચેનું અંતર ૪.૫ કલાકમાં કાપશે.

જાહેર પરિવહનનાં સ્વચ્છ માધ્યમો પ્રદાન કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનથી પ્રેરિત થઈને ભારતીય રેલવે દેશમાં રેલવે માર્ગોનું સંપૂર્ણપણે વિદ્યુતીકરણ કરવા આતુર છે. આ દિશામાં આગળ વધતાં પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં નવા વિદ્યુતીકૃત રેલવે લાઇન વિભાગોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે, રાજ્ય પાસે તેના સંપૂર્ણ રેલ માર્ગને 100% વીજળીકરણ થયું છે. ઇલેક્ટ્રિફાઇડ વિભાગો પર ઇલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા ચલાવવામાં આવતી ટ્રેનોનાં પરિણામે ટ્રેનોની ગતિમાં વધારો થશે અને હોલેજ ક્ષમતામાં વધારો થશે. 

 

 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi