પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનની શરૂઆત ઇન્દોરમાં એક મંદિરમાં રામનવમી દરમિયાન થયેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને કરી હતી અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિવારો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે આ દુર્ઘટના દરમિયાન ઇજાઓમાંથી સાજા થનારા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ મધ્યપ્ર દેશનાં લોકોને તેમની પ્રથમ વંદે ભારત ટ્રેન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ ટ્રેન દિલ્હી અને ભોપાલ વચ્ચેની મુસાફરીનો સમય ઘટાડશે તથા વ્યાવસાયિકો અને યુવાનો માટે ઘણી સગવડો અને સુવિધાઓની શરૂઆત કરશે.
પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી હતી કે, તેઓ આજનાં સ્થળ રાની કમલાપતિ સ્ટેશનનાં સ્થળનું પણ ઉદ્ઘાટન કરવા બદલ નસીબદાર છે. તેમણે ભારતની અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસને દિલ્હી માટે લીલી ઝંડી આપવાની તક મળવા બદલ પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારતીય રેલવેના ઇતિહાસમાં આજનો દિવસ ભાગ્યે જ જોવા મળતો પ્રસંગ છે કે, કોઈ પણ પ્રધાનમંત્રીએ ખૂબ જ ટૂંકા ગાળામાં એક જ રેલવે સ્ટેશનની બે વખત મુલાકાત લીધી હોય. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજનો પ્રસંગ આધુનિક ભારતમાં નવી વ્યવસ્થા અને નવી પરંપરાઓનું નિર્માણ થવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે શાળાનાં બાળકો સાથેની તેમની વાતચીત વિશે વાત કરી હતી તથા બાળકોમાં ટ્રેન વિશે કુતૂહલ અને રોમાંચની લાગણી પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વંદે ભારત એક પ્રકારે ભારતનાં ઉત્સાહ અને રોમાંચનું પ્રતીક છે. તે આપણાં કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ક્ષમતાઓનું પ્રતિનિધિત્વ કરે છે."
પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં પર્યટન માટે ટ્રેનના ફાયદાઓ વિશે પણ જણાવ્યું હતું જેમાં સાંચી, ભીમબેટકા, ભોજપુર અને ઉદયગિરી ગુફાઓમાં વધુ લોકોની અવરજવર શરૂ થશે. તેનાથી રોજગાર, આવક અને સ્વરોજગારની તકોમાં પણ સુધારો થશે.
21મી સદીના ભારતની નવી વિચારસરણી અને અભિગમ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ અગાઉની સરકારે નાગરિકોની જરૂરિયાતો પૂર્ણ કરવાના ભોગે કરેલાં તુષ્ટિકરણને યાદ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, "તેઓ મતબૅન્કનાં તુષ્ટિકરણમાં વ્યસ્ત હતા, અમે નાગરિકોની જરૂરિયાતોને સંતોષવા (સંતુષ્ટિકરણ) માટે પ્રતિબદ્ધ છીએ." પ્રધાનમંત્રીએ ભારતીય રેલવેને, સામાન્ય પારિવારિક પરિવહન તરીકે ગણાવીને પૂછ્યું હતું કે, શા માટે અગાઉ તેનું અપગ્રેડેશન અને આધુનિકરણ ન થયું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સરકારો અગાઉથી અસ્તિત્વમાં રહેલાં રેલવે નેટવર્કને સરળતાપૂર્વક અપગ્રેડ કરી શકી હોત, જે ભારતે આઝાદી પછી હસ્તગત કર્યું હતું, પણ સ્થાપિત રાજકીય હિતોને કારણે રેલવેના વિકાસનું બલિદાન આપી દેવામાં આવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના દાયકાઓ પછી પણ પૂર્વોત્તરનાં રાજ્યો રેલવે નેટવર્ક સાથે જોડાયેલાં રહ્યાં નહોતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરકાર ભારતીય રેલવેને દુનિયાનું શ્રેષ્ઠ રેલ નેટવર્ક બનાવવા પ્રયાસરત છે. વર્ષ 2014 અગાઉ ભારતીય રેલવેને મળેલા નકારાત્મક પ્રચાર પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આ વિસ્તૃત રેલવે નેટવર્કમાં જીવલેણ અકસ્માતોનું કારણ બનતા હજારો માનવરહિત ગેટની સમસ્યા વિશે વાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે બ્રોડગેજ નેટવર્ક આજે માનવરહિત ફાટકોથી મુક્ત છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, અગાઉ રેલવે અકસ્માતોને કારણે જાનમાલને નુકસાન થાય તેવા સમાચારો સામાન્ય હતા, પરંતુ ભારતીય રેલવે આજે વધુ સુરક્ષિત બની ગઈ છે. તેમણે મુસાફરોની સુરક્ષાને મજબૂત કરવા માટે મેડ ઇન ઇન્ડિયા 'કવચ'ના વ્યાપને વિસ્તૃત કરવા પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરક્ષા માટેનો અભિગમ માત્ર અકસ્માતો પૂરતો મર્યાદિત નથી, પણ મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારની કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક ધ્યાન આપવામાં આવે છે, જે મહિલાઓને અતિ લાભદાયક છે. સ્વચ્છતા, સમયબદ્ધતા અને ટિકિટોના કાળાબજાર આ તમામ બાબતો પર ટેક્નૉલોજી અને મુસાફરોની ચિંતા સાથે ધ્યાન આપવામાં આવ્યું છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 'એક સ્ટેશન, એક ઉત્પાદન' પહેલ મારફતે રેલવે સ્થાનિક કારીગરોનાં ઉત્પાદનોને એક સ્થળેથી બીજી જગ્યાએ લઈ જવા માટેનાં એક શક્તિશાળી સાધન તરીકે બહાર આવ્યું છે. આ યોજના હેઠળ મુસાફરો જિલ્લાનાં સ્થાનિક ઉત્પાદનો જેવા કે હસ્તકળા, કળા, વાસણો, કાપડ, પેઇન્ટિંગ વગેરે સ્ટેશન પર જ ખરીદી શકે છે. દેશમાં લગભગ 600 આઉટલેટ્સ પહેલેથી જ કાર્યરત છે અને એક લાખથી વધુ ખરીદી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે ભારતીય રેલવે દેશના સામાન્ય પરિવારો માટે સુવિધાનો પર્યાય બની રહી છે." તેમણે આ સંદર્ભે રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ, 6000 સ્ટેશનો પર વાઇફાઇ સુવિધાઓ અને 900 સ્ટેશનો પર સીસીટીવી જેવા અપગ્રેડ્સની યાદી આપી હતી. તેમણે યુવાનોમાં વંદે ભારતની લોકપ્રિયતા અને દેશના દરેક ખૂણેથી વંદે ભારતની વધતી માગ પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ આ વર્ષનાં બજેટમાં રેલવે માટે વિક્રમજનક ફાળવણીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "જ્યારે ઇચ્છાશક્તિ હોય છે, ઇરાદા સ્પષ્ટ હોય છે અને દ્રઢ નિશ્ચય હોય છે, નવા માર્ગો ઉદ્ભવે છે." શ્રી મોદીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં રેલવે બજેટમાં સતત વધારો કરવામાં આવ્યો છે અને મધ્ય પ્રદેશને રેલવે સાથે સંબંધિત બજેટમાં રૂ. 13,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે વર્ષ 2014 અગાઉનાં વર્ષોમાં સરેરાશ રૂ. 600 કરોડ હતી.
રેલવેનાં આધુનિકીકરણનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દર બીજા દિવસે દેશના કેટલાક ભાગોમાં રેલવે નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ થઈ રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, મધ્ય પ્રદેશનો પણ એ 11 રાજ્યોમાં સમાવેશ થાય છે, જ્યાં 100 ટકા વીજળીકરણ થયું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2014 પછી દર વર્ષે રેલવે રુટનું સરેરાશ વીજળીકરણ 10 ગણું વધીને 600 કિલોમીટરથી 6,000 કિલોમીટર થયું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે મધ્ય પ્રદેશ સતત વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. કૃષિ હોય કે ઉદ્યોગ, આજે મધ્ય પ્રદેશની તાકાત ભારતની તાકાતમાં વધારો કરી રહી છે." તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, મધ્ય પ્રદેશની કામગીરી વિકાસના મોટા ભાગનાં માપદંડોમાં પ્રશંસનીય છે, જેના પર રાજ્યને એક સમયે 'બિમારુ' કહેવામાં આવતું હતું. પ્રધાનમંત્રીએ ઉદાહરણો ટાંક્યાં હતાં કે, ગરીબો માટે મકાનોનું નિર્માણ કરવામાં મધ્ય પ્રદેશ અગ્રણી રાજ્યોમાં સામેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય દરેક ઘરને પાણી પહોંચાડવામાં પણ સરસ કામ કરી રહ્યું છે. તેમણે રાજ્યના ખેડૂતોને પણ સ્પર્શ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ ઘઉં સહિત ઘણા પાકનાં ઉત્પાદનમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તેમણે રાજ્યના ઉદ્યોગોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે સતત નવાં ધોરણો તરફ આગળ વધી રહ્યું છે, જેથી યુવાનો માટે અનંત તકો ઉભી થાય છે.
પ્રધાનમંત્રીએ દેશની અંદર અને દેશની બહારથી તેમની છબીને દૂષિત કરવાના સંયુક્ત પ્રયાસો વિશે લોકોને ચેતવણી આપી હતી. તેમણે લોકોને દેશના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેતા જણાવ્યું હતું કે, "ભારતનો ગરીબ, ભારતના મધ્યમ વર્ગ, ભારતના આદિવાસીઓ, ભારતના દલિતો-પછાત, દરેક ભારતીય મારું રક્ષણાત્મક કવચ બની ગયો છે." પ્રધાનમંત્રીએ સમાપન કરતા કહ્યું હતું કે, "આપણે વિકસિત ભારતમાં મધ્ય પ્રદેશની ભૂમિકાને વધારે વધારવી પડશે. આ નવી વંદે ભારત એક્સપ્રેસ આ સંકલ્પનો એક ભાગ છે."
આ પ્રસંગે મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચાદભૂમિકા
વંદે ભારત એક્સપ્રેસે દેશમાં મુસાફરોની મુસાફરીના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે. રાણી કમલાપતિ રેલવે સ્ટેશન, ભોપાલ અને નવી દિલ્હી રેલવે સ્ટેશન વચ્ચે શરૂ કરવામાં આવી રહેલી આ નવી ટ્રેન દેશની 11મી વંદે ભારત સેવા અને 12મી વંદે ભારત ટ્રેન છે. સ્વદેશમાં તૈયાર કરવામાં આવેલો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેટ અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે. તે રેલ વપરાશકારો માટે ઝડપી, વધારે આરામદાયક અને વધારે અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે, પ્રવાસનને વેગ આપશે અને વિસ્તારમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.
जो श्रद्धालु जख्मी हुए हैं, जिनका अस्पताल में इलाज जारी है, मैं उनके जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 1, 2023
आज MP को अपनी पहली वंदे भारत एक्सप्रेस ट्रेन मिली है। pic.twitter.com/Ew3TiQ0mRJ
— PMO India (@PMOIndia) April 1, 2023
भारत अब नई सोच, नई अप्रोच के साथ काम कर रहा है। pic.twitter.com/nzmNbaT4W6
— PMO India (@PMOIndia) April 1, 2023
आज रेलवे में कैसे आधुनिकीकरण हो रहा है इसका एक उदाहरण- Electrification का काम भी है। pic.twitter.com/sMEORYCqiQ
— PMO India (@PMOIndia) April 1, 2023