પ્રધાનમંત્રીએ સ્મારક ખાતે સંગ્રહાલય ગેલેરીઓનું પણ ઉદ્ઘાટન કર્યું
જલિયાવાલા બાગની દિવાલો પર ગોળીઓના નિશાનોમાં નિર્દોષ છોકરાઓ અને છોકરીઓના સપનાં હજુ પણ દેખાય છે: પ્રધાનમંત્રી
13 એપ્રિલ 1919ની એ 10 મિનિટ આપણી સ્વંત્રતાના સંગ્રામની અમર કહાની બની ગઇ છે, તેના કારણે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા માટે સમર્થ બન્યા છીએ: પ્રધાનમંત્રી
કોઇપણ દેશ તેમના ભૂતકાળની ભયાનકતાને ભૂલી જાય તે ઠીક નથી. આથી, ભારતે દર વર્ષે 14 ઑગસ્ટને ‘ભાગલાની ભયાનકતાના સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે: પ્રધાનમંત્રી
આપણા આદિવાસી સમુદાયે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે અને સ્વતંત્રતામાં તેમનું ઘણું મોટું બલિદાન છે, તેમના યોગદાનને ઇતિહાસના પુસ્તકોમાં ખાસ એવું કોઇ સ્થાન મળ્યું નથી જે તેમને મળવું જોઇએ: પ્રધાનમંત્રી
કોરોના હોય કે અફઘાનિસ્તાનની કટોકટી, ભારત હંમેશા ભારતીયોની પડખે ઉભું છે: પ્રધાનમંત્રી
અમૃત મહોત્સવ દરમિયાન, સ્વાતંત્ર્ય સેનાનીઓને દરેક ગામમાં અને દેશના દરેક ખૂણામાં યાદ કરવામાં આવી રહ્યાં છે: પ્રધાનમંત્રી
સ્વતંત્રતાના સંગ્રામ અને દેશના નાયકો સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળોની જાણવણી માટે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવીનીકરણ કરાયેલા જલિયાવાલા બાગ સ્મારક સંકુલને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે સ્મારક ખાતે શરૂ કરવામાં આવેલી સંગ્રહાલય ગેલેરીઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરકારે આ સંકુલને અપગ્રેડ કરવા માટે હાથ ધરેલી વિકાસની બહુવિધ પહેલો દર્શાવવામાં આવી હતી.

પ્રધાનમંત્રી પંજાબની શૌર્યવાન ભૂમિને અને જલિયાવાલા બાગની પવિત્ર ધરતીને વંદન કર્યા હતા. તેમણે સ્વતંત્રતાની જ્યોતને પ્રજ્વલિત કરવા માટે અભૂતપૂર્વ અમાનવીય કૃત્યનો ભોગ બનેલા માં ભારતીના સંતાનોને સલામ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નિર્દોષ છોકરાઓ અને છોકરીઓ, બહેનો અને ભાઇઓના સપનાં આજે પણ જલિયાવાલા બાગની દિવાલો પર લાગેલા ગોળીઓના નિશાનો પર જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે આપણે એવી અસંખ્ય માતાઓ અને બહેનોના પ્રેમ અને જીવનને યાદ કરી રહ્યાં છીએ જે શહીદી દિવાલ પર તેમના પાસેથી છીનવાઇ ગયા હતા.

પ્રધાનમંત્રી ટિપ્પણી કરી હતી કે, જલિયાવાલા બાગ એવી જગ્યા છે જેણે ભારતની સ્વતંત્રતા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું તેવા અસંખ્ય ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમકે, સરદાર ઉદમ સિંહ, સરદાર ભગત સિંહને પ્રેરણા આપી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 13 એપ્રિલ 1919ના રોજની એ 10 મિનિટ આપણા સ્વતંત્રતાના સંગ્રામમાં અમર કહાની બની ગઇ છે, તેના કારણે જ આપણે આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા માટે સમર્થ બની શક્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે, આવા પ્રસંગે આઝાદીના 75મા વર્ષમાં જલિયાવાલા બાગ સ્મારકનું આધુનિક સંસ્કરણ આપણા સૌના માટે ખૂબ જ મોટી પ્રેરણાની તક સમાન છે.

પ્રધાનમંત્રીએ સ્મૃતિ યાદ કરતા કહ્યું હતું કે, જલિયાવાલા બાગ હત્યાકાંડ પહેલાં, અહીં પવિત્ર વૈશાખીના મેળાનું આયોજન થતું હતું. ‘સરબત દા ભાલા’ની ભાવના સાથે ગુરુ ગોવિંદ સિંહજી ખાલસા પંથની સ્થાપના આ દિવસે જ થઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે, આપણી આઝાદીના 75મા વર્ષે, જલિયાવાલા બાગ સ્માકરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જે નવી પેઢીને આ પવિત્ર સ્થળ વિશે યાદ અપાવશે અને તેમને આ સ્થળના ભૂતકાળમાંથી ઘણું શીખવા માટે પ્રેરણા આપશે.

પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, ઇતિહાસની જાળવણી કરવાની જવાબદારી દરેક રાષ્ટ્રની છે કારણ કે તે આપણને શીખવે છે અને આગળ વધવાની દિશાનું સૂચન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, કોઇપણ દેશ તેમના ભૂતકાળની ભયાનકતાઓને ભૂલી જાય તે ઠીક નથી. તેમણે ઉમેર્યું હતું કે આથી જ, ભારતે દર વર્ષે 14 ઑગસ્ટને ‘ભાગલાની ભયાનકતાના સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. ભારતના ભાગલા વખતે દેશ જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવી જ ભયાનકતાનો સાક્ષી બન્યો હતો. તેમણે કહ્યું હતું કે, પંજાબના લોકોએ ભાગલા સમયે ખૂબ જ ભોગવવું પડ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભારતના દરેક ખૂણામાં અને ખાસ કરીને પંજાબના પરિવારો ભાગલા વખતે જે કંઇપણ બન્યું તેની પીડા હજુ પણ આપણે અનુભવીએ છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જો ભારતીયો આખી દુનિયામાં ગમે ત્યાં મુશ્કેલીમાં હોય તો, ભારત હંમેશા પોતાની તમામ તાકાત લગાવીને તેમની પડખે ઉભું રહે છે. કોરોના હોય કે પછી અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી કટોકટીની સ્થિતિ હોય, દુનિયાએ આ બાબતનો સતત અનુભવ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, અફઘાનિસ્તાનના સેંકડો મિત્રોને ઓપરેશન દેવી શક્તિ અંતર્ગત ભારતમાં લાવવામાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ‘ગુરુ કૃપા’થી સરકાર પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબનું ‘સ્વરૂપ’ ભારતના લોકો સાથે અહીં લાવી શકી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુરુઓના બોધપાઠોએ આવા સંજોગોમાં પીડાઇ રહેલા લોકો માટે નીતિઓ તૈયાર કરવામાં મદદ કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મહત્વને રેખાંકિત કરે છે અને આત્મનિર્ભરતા તેમજ આત્મવિશ્વાસની જરૂરિયાતને પણ રેખાંકિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઘટનાઓ આપણને દેશનો પાયો વધારે મજબૂત અને કાર્યશીલ બનાવવા માટે માર્ગદર્શન આપે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃત મહોત્સવમાં, દરેક ગામમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વતંત્રતાના સંગ્રામના મહત્વપૂર્ણ તબક્કાઓ અને રાષ્ટ્રના નાયકો સાથે સંકળાયેલા સ્થળોની જાળવણી માટે અને લોકો સમક્ષ તેને લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દેશભરમાં જલિયાવાલા બાગની જેમ અલ્હાબાદ સંગ્રહાલયમાં આવેલી ઇન્ટરએક્ટિવ ગેલેરી, કોલકાતામાં આવેલી બિપ્લોબી ભારત ગેલેરી વગેરે રાષ્ટ્રીય સ્મારકોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આંદામાનમાં જ્યાં નેતાજીએ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તે સ્થળને નવી ઓળખ આપીને સ્વતંત્રતાના સંગ્રામમાં આઝાદ હિન્દ ફૌજ (INA)ના યોગદાનને લોકો સમક્ષ લાવવામાં આવ્યું છે. આંદામાનમાં ટાપુઓના નામ સ્વતંત્રતાના સંઘર્ષને સમર્પિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા આદિવાસી સમુદાયે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે અને સ્વતંત્રતા માટે તેમણે ઘણું મોટું બલિદાન આપ્યું છે. પ્રધાનમંત્રી એ તથ્ય અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો કે, ઇતિહાસના પુસ્તકોમાં આ લોકોને જે મહત્વ મળવું જોઇતું હતું એટલું આપવામાં આવ્યું નથી. તેમણે માહિતી આપી હતી કે, આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરેલા કાર્યો અને તેમના સંઘર્ષની વાતનો લોકો સમક્ષ લાવવા માટે દેશમાં 9 રાજ્યોમાં સંગ્રહાલયો પર કામ ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સૈનિકો માટે રાષ્ટ્રીય સ્મારક માટે દેશ પ્રેરિત છે. તેમણે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી કે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક આજે પણ દેશના યુવાનોમાં રાષ્ટ્રની સુરક્ષાની ભાવના જગાવે છે અને દેશ માટે કોઇપણ બિલદાન આપવાની લાગણી જન્માવે છે.

પંજાબની શૌર્યપૂર્ણ પરંપરાનો ખાસ ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુઓના માર્ગને અનુસરીને પંજાબના દીકરાઓ અને દીકરીઓ દેશની સમક્ષ આવેલા કોઇપણ જોખમો સામે નિર્ભય થઇને ઉભા રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ ભવ્ય વારસાની જાળવણી માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, સદભાગ્યે ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશોત્સવ, ગુરુ ગોવિંદ સિંહજીના 350મા પ્રકાશોત્સવ, ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશોત્સવ જેવા શુભ પ્રસંગોનું છેલ્લા સાત વર્ષથી આયોજન કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારે આ પવિત્ર પ્રસંગોના માધ્યમથી ગુરુઓના ઉપદેશોનો વધુને વધુ પ્રસાર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આ ભવ્ય વારસાને યુવાનો સુધી લાવવા માટેના પ્રયાસોને ગણાવ્યા હતા અને સ્વદેશ દર્શન યોજના અંતર્ગત સુલતાનપુર લોધીનું હેરિટેજ ટાઉનમાં પરિવર્તન, કરતારપુર કોરિડોર, પંજાબની અન્ય દેશો સાથેની એર કનેક્ટિવિટી, ગુરુ સ્થાનો સાથેની કનેક્ટિવિટી અને આનંદપુર સાહિબ – ફતેહગઢ સાહિબ – ચામકુર સાહિબ – ફીરોઝપુર – અમૃતસર – ખાતકર કલાન – કલનૌર – પટિયાલા હેરિટેજ સર્કિટના વિકાસ જેવી વિવિધ પહેલો અંગે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આપણી સ્વતંત્રતાનો અમૃત કાળ આખ દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ અમૃત કાળમાં તેમણે દરેક વ્યક્તિને વારસો અને વિકાસ બંનેને આગળ ધપાવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પંજાબની ભૂમિએ હંમેશા આપણને પ્રેરણા આપી છે અને આજે દરેક સ્તરે અને દરેક દિશામાં પંજાબ પ્રગતિ કરે તે જરૂરી છે. આ માટે તેમણે અનુરોધ કર્યો હતો કે, દરેક વ્યક્તિ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવના રાખીને સાથે મળીને કામ કરે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, જલિયાવાલા બાગની આ ભૂમિ દેશને પોતાના લક્ષ્યો ટૂંક સમયમાં જ પરિપૂર્ણ કરવાના સંકલ્પો નિર્ધારિત કરવાની ઉર્જા સતત પ્રદાન કરશે.

કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી, રાજ્ય સાંસ્કૃતિક મંત્રી, પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી, લોકસભા અને રાજ્યસભામાં પંજાબના સાંસદો, જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મૃતિ ટ્રસ્ટના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ વિગતો માટે અહીં બેકગ્રાઉન્ડર જુઓ

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi