સ્મારક સિક્કો અને સ્ટેમ્પ બહાર પાડી
"નવી સંસદ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સ્વપ્નોનું પ્રતિબિંબ છે"
"આ આપણી લોકશાહીનું મંદિર છે, જે વિશ્વને ભારતના સંકલ્પનો સંદેશ આપે છે"
"જ્યારે ભારત આગળ વધે છે, ત્યારે વિશ્વ આગળ વધે છે"
"આ આપણું સદ્‌ભાગ્ય છે કે આપણે પવિત્ર સેંગોલની ગરિમા પુનઃસ્થાપિત કરી શક્યા. સેન્ગોલ ગૃહની કાર્યવાહી દરમિયાન આપણને પ્રેરણા આપતો રહેશે"
"આપણી લોકશાહી આપણી પ્રેરણા છે અને આપણું બંધારણ એ આપણો સંકલ્પ છે"
"અમૃત કાલ એ આપણા વારસાને જાળવવાની સાથે સાથે વિકાસનાં નવાં પરિમાણો રચવાનો સમયગાળો છે"
"આજનું ભારત ગુલામીની માનસિકતાને પાછળ છોડી રહ્યું છે અને કલાના તે પ્રાચીન મહિમાને અપનાવી રહ્યું છે. આ નવું સંસદ ભવન આ પ્રયાસનું જીવતું જાગતું ઉદાહરણ છે"
આપણે આ ઈમારતના દરેક કણમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાના સાક્ષી છીએ"
"આ પહેલીવાર છે જ્યારે નવી સંસદમાં શ્રમિકોનાં યોગદાનને અમર કરવામાં આવ્યું છે"
આ નવાં સંસદ ભવનની દરેક ઇંટ, દરેક દિવાલ, દરેક કણ ગરીબોનાં કલ્યાણ માટે સમર્પિત કરવામાં આવશે"
"140 કરોડ ભારતીયોનો આ સંકલ્પ છે, જે નવી સંસદને પવિત્ર બનાવે છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવાં સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. દિવસની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ નવાં સંસદ ભવનમાં પૂર્વ-પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને ટોચ પર નંદી સાથે સેન્ગોલ સ્થાપિત કર્યો હતો. તેમણે દીપ પ્રગટાવીને સેન્ગોલને ફુલ અર્પણ કર્યા હતા.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક દેશના ઇતિહાસમાં એવી કેટલીક ક્ષણો આવે છે, જે અમર થઈ જાય છે. કેટલીક તારીખો સમયના ચહેરા પર અમર હસ્તાક્ષર બની જાય છે, પ્રધાનમંત્રીએ કહ્યું કે 28 મે, 2023નો દિવસ એવો જ એક દિવસ છે. તેમણે કહ્યું હતું કે, "ભારતનાં લોકોએ અમૃત મહોત્સવ માટે પોતાની જાતને ભેટ આપી છે." પ્રધાનમંત્રીએ આ ગૌરવશાળી પ્રસંગે દરેકને અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ માત્ર એક ઇમારત નથી, પણ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સ્વપ્નોનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું હતું કે, "આ આપણી લોકશાહીનું મંદિર છે, જે દુનિયાને ભારતના સંકલ્પનો સંદેશ આપે છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ નવી સંસદની ઇમારત આયોજનને વાસ્તવિકતા સાથે, નીતિને સાકાર કરવા સાથે, ઇચ્છાશક્તિને અમલીકરણ સાથે અને સંકલ્પને સિદ્ધિ સાથે જોડે છે." સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સપનાઓને સાકાર કરવાનું આ એક માધ્યમ બની રહેશે. તે આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે અને વિકસિત ભારતની અનુભૂતિ જોશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ નવી ઇમારત પ્રાચીન અને આધુનિક સહઅસ્તિત્વનું ઉદાહરણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "નવા માર્ગો પર ચાલીને જ નવાં મૉડલ સ્થાપિત કરી શકાય છે." તેમણે જણાવ્યું હતું કે, નવું ભારત નવા લક્ષ્યાંકો હાંસલ કરી રહ્યું છે અને નવા માર્ગોનો માર્ગ મોકળો કરી રહ્યું છે. તેમણે ઉદ્‌ઘોષ કર્યો કે, "એક નવી ઊર્જા, નવો ઉત્સાહ, નવો ઉમંગ, નવી વિચારસરણી અને નવી યાત્રા છે. તેમાં નવા દ્રષ્ટિકોણો, નવી દિશાઓ, નવા સંકલ્પો અને એક નવો વિશ્વાસ છે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ ભારતના દ્રઢ નિશ્ચય, એના નાગરિકોનાં જોમ અને ભારતમાં માનવશક્તિનાં જીવનને આદર અને આશા સાથે જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, "જ્યારે ભારત આગળ વધે છે, ત્યારે દુનિયા આગળ વધે છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવું સંસદ ભવન ભારતના વિકાસથી દુનિયાના વિકાસને વેગ આપશે.

પવિત્ર સેન્ગોલની સ્થાપનાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાન ચોલા સામ્રાજ્યમાં સેન્ગોલને સેવા ફરજ અને રાષ્ટ્રના માર્ગનાં પ્રતીક સ્વરૂપે જોવામાં આવતું હતું.  તેમણે જણાવ્યું હતું કે, રાજાજી અને આદીનમ્‌નાં માર્ગદર્શન હેઠળ આ સેન્ગોલ સત્તા હસ્તાંતરણનું પવિત્ર પ્રતીક બન્યું હતું. પ્રધાનમંત્રીએ આજે સવારે આ પ્રસંગે આશીર્વાદ આપવા આવેલા આદીનમ્‌ સંતોને ફરી એકવાર નમન કર્યા હતા. "આ અમારું સદ્‌ભાગ્ય છે કે અમે આ પવિત્ર સેન્ગોલની ગરિમા પુનઃસ્થાપિત કરી શક્યા. આ સેન્ગોલ ગૃહની કાર્યવાહી દરમિયાન આપણને પ્રેરણા આપતું રહેશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત માત્ર લોકતાંત્રિક રાષ્ટ્ર જ નથી, પણ લોકશાહીની જનની પણ છે." તેમણે નોંધ્યું હતું કે, વૈશ્વિક લોકશાહી માટે દેશ મુખ્ય પાયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહી એ માત્ર ભારતમાં પ્રચલિત વ્યવસ્થા નથી, પણ તે એક સંસ્કૃતિ, વિચાર અને પરંપરા છે. વેદોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે આપણને લોકશાહી વિધાનસભાઓ અને સમિતિઓના સિદ્ધાંતો શીખવે છે. તેમણે મહાભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો જ્યાં કોઈ પણ પ્રજાસત્તાકનું વર્ણન શોધી શકે છે અને કહ્યું હતું કે વૈશાલીમાં ભારતે લોકશાહી જીવી અને શ્વસી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "ભગવાન બસ્વેસ્વરના અનુભવ મંટપ્પા આપણા બધા માટે ગર્વની વાત છે." તમિલનાડુમાં 900 એ.ડી.ના શિલાલેખો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજના યુગમાં પણ તેનાથી દરેકને આશ્ચર્ય થાય છે. "આપણી લોકશાહી આપણી પ્રેરણા છે અને આપણું બંધારણ એ આપણો સંકલ્પ છે." શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ સંકલ્પનો સૌથી મોટો પ્રતિનિધિ ભારતની સંસદ છે. એક શ્લોકનું પઠન કરતા પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, જે લોકો આગળ વધવાનું બંધ કરી દે છે તેમના માટે નસીબ પલાયન થઈ જાય છે, પરંતુ જે લોકો આગળ વધતા રહે છે તેમનું ભાગ્ય સતત ઊંચું જતું રહે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષોની ગુલામી પછી, આટલું બધું ગુમાવ્યા પછી, ભારતે તેની યાત્રા ફરી શરૂ કરી અને અમૃત કાલ સુધી પહોંચ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમૃત કાલ એ આપણા વારસાને જાળવવાની સાથે-સાથે વિકાસનાં નવાં આયામો રચવાનો સમયગાળો છે. દેશને નવી દિશા આપવાની આ અમૃત કાલ છે. આ અગણિત આકાંક્ષાઓ પૂર્ણ કરવાનો અમૃત કાલ છે." એક શ્લોક મારફતે લોકશાહી માટે નવા પ્રાણ ફૂંકવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહીનું કાર્યસ્થળ એટલે કે સંસદ પણ નવું અને આધુનિક હોવું જોઈએ.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારતની સમૃદ્ધિ અને માળખાના સુવર્ણકાળને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે સદીઓની ગુલામીએ આપણું આ ગૌરવ આપણી પાસેથી છીનવી લીધું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીનું ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે. "આજનું ભારત ગુલામીની માનસિકતાને પાછળ છોડી રહ્યું છે અને કલાના તે પ્રાચીન મહિમાને અપનાવી રહ્યું છે. આ નવું સંસદ ભવન આ પ્રયાસનું જીવતું જાગતું ઉદાહરણ છે." "આ ઇમારતમાં વિરાસત તેમજ વાસ્તુ (સ્થાપત્ય), કલા તેમજ કૌશલ, સંસ્કૃતિ તેમજ સંવિધાન (બંધારણ)ની નોંધો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, લોકસભાના આંતરિક ભાગો રાષ્ટ્રીય પક્ષી મોર અને રાજ્યસભાનાં રાષ્ટ્રીય ફૂલ કમળ પર આધારિત છે. સંસદ પરિસરમાં રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. નવી ઇમારતમાં દેશના વિવિધ ભાગોની વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  તેમણે રાજસ્થાનના ગ્રેનાઇટ, મહારાષ્ટ્રના લાકડાં અને ભધોઇના કારીગરોની કાર્પેટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "આપણે આ ઇમારતના દરેક કણમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાના સાક્ષી છીએ."

પ્રધાનમંત્રીએ સાંસદોને સંસદનાં જૂનાં ભવનમાં કામ પૂર્ણ કરવામાં પડતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું હતું તથા ટેકનિકલ સુવિધાઓનો અભાવ અને ગૃહમાં બેઠકોની અછતને કારણે ઊભા થયેલા પડકારોનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવી સંસદની જરૂરિયાત પર દાયકાઓથી ચર્ચા થઈ રહી હતી અને નવી સંસદનો વિકાસ થાય એ સમયની માગ હતી. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે નવું સંસદ ભવન નવીનતમ તકનીકથી સજ્જ છે અને હૉલ પણ સૂર્યપ્રકાશિત છે.

નવી સંસદનાં નિર્માણમાં પ્રદાન કરનારા 'શ્રમિક' લોકો સાથેની તેમની વાતચીતને યાદ કરીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સંસદનાં નિર્માણ દરમિયાન 60,000 શ્રમિક લોકોને રોજગારી આપવામાં આવી હતી અને તેમનાં યોગદાન પર પ્રકાશ ફેંકતી નવી ગૅલેરી ગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "શ્રમિકોનાં યોગદાનને નવી સંસદમાં સૌપ્રથમ વાર અમર કરવામાં આવ્યું છે."

પ્રધાનમંત્રીએ છેલ્લાં 9 વર્ષ વિશે વાત કરતાં કહ્યું હતું કે, કોઈ પણ નિષ્ણાત આ 9 વર્ષને પુનર્નિર્માણનાં વર્ષ અને ગરીબ કલ્યાણનાં વર્ષ તરીકે ગણશે. તેમણે કહ્યું હતું કે, નવાં ભવન માટે ગર્વની આ ઘડીમાં તેમણે ગરીબો માટે 4 કરોડ મકાનો માટે સંતોષ પણ અનુભવ્યો હતો. એ જ રીતે, પ્રધાનમંત્રીએ 11 કરોડ શૌચાલયો, ગામડાઓને જોડવા માટે 4 લાખ કિમીથી વધુ માર્ગો, 50 હજારથી વધુ અમૃત સરોવરો અને 30 હજારથી વધુ નવાં પંચાયત ભવનો જેવાં પગલાંઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "પંચાયત ભવનથી લઈને સંસદ સુધી ફક્ત એક જ પ્રેરણાએ અમને માર્ગદર્શન આપ્યું છે, તે છે દેશ અને તેના લોકોનો વિકાસ."

સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક દેશના ઇતિહાસમાં એક સમય એવો આવે છે, જ્યારે એ દેશની ચેતના જાગૃત થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આઝાદીનાં 25 વર્ષ અગાઉ ગાંધીજીનાં અસહકારનાં આંદોલન દરમિયાન ભારતમાં આવો જ સમય આવ્યો હતો, જેણે સમગ્ર દેશને એક વિશ્વાસથી ભરી દીધો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ગાંધીજીએ સ્વરાજના સંકલ્પ સાથે દરેક ભારતીયને જોડ્યા હતા. આ તે સમય હતો જ્યારે દરેક ભારતીય સ્વતંત્રતા માટે લડતો હતો." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પરિણામ સ્વરૂપે 1947માં ભારતને આઝાદી મળી હતી.  શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત કાલ સ્વતંત્ર ભારતનો એક તબક્કો છે, જેને ઐતિહાસિક સમયગાળા સાથે સરખાવી શકાય છે. તેમણે નોંધ્યું હતું કે, ભારત આગામી 25 વર્ષમાં તેની આઝાદીનાં 100 વર્ષ પૂર્ણ કરશે, જે 'અમૃત કાલ' છે.

પ્રધાનમંત્રીએ દરેક નાગરિકનાં યોગદાન સાથે આ 25 વર્ષોમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "ઇતિહાસ સાક્ષી છે કે ભારતીયોનો વિશ્વાસ માત્ર દેશ પૂરતો જ મર્યાદિત નથી." તેમણે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીની લડતે એ સમયે દુનિયાના ઘણા દેશોમાં એક નવી ચેતના જગાડી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "જ્યારે વિવિધતાઓથી ભરેલો ભારત જેવો દેશ, વિવિધ પડકારોનો સામનો કરતી વિશાળ વસતિ ધરાવતો દેશ, એક વિશ્વાસ સાથે આગળ વધે છે, ત્યારે તે વિશ્વના ઘણા દેશોને પ્રેરણા આપે છે. ભારતની દરેક સિદ્ધિ આગામી દિવસોમાં વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ દેશો માટે એક સિદ્ધિ બની રહેશે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની જવાબદારી વધારે મોટી થઈ રહી છે, કારણ કે તેનો વિકાસ કરવાનો નિર્ધાર અન્ય ઘણા દેશોની તાકાત બનશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવું સંસદ ભવન તેની સફળતામાં દેશનો વિશ્વાસ મજબૂત કરશે અને દરેકને વિકસિત ભારત માટે પ્રેરિત કરશે. "આપણે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આગળ વધવું પડશે. આપણે બધાથી ઉપર કર્તવ્યનો પથ રાખવો પડશે. આપણી જાતને સતત સુધારતી વખતે આપણે આપણાં આચરણનું ઉદાહરણ બનવું પડશે. આપણે આપણા પોતાના રસ્તે ચાલવું પડશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવી સંસદથી દુનિયાની સૌથી મોટી લોકશાહીને નવી ઊર્જા અને તાકાત મળશે. તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણા શ્રમજીવીઓએ સંસદને આટલી ભવ્ય બનાવી છે, ત્યારે સાંસદોની એ જવાબદારી છે કે તેઓ પોતાનાં સમર્પણ સાથે તેને દિવ્ય બનાવે. સંસદનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 140 કરોડ ભારતીયોનો સંકલ્પ જ સંસદને પવિત્ર બનાવે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, અહીં લેવાયેલા દરેક નિર્ણયથી આવનારી સદીઓને શણગારવામાં આવશે અને આવનારી પેઢીઓ મજબૂત થશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વંચિતોના વિકાસને પ્રાથમિકતા આપવાની સાથે ગરીબ, દલિત, પછાત, આદિવાસી, અશક્ત અને સમાજના દરેક વંચિત પરિવારોનાં સશક્તીકરણનો માર્ગ આ સંસદમાંથી પસાર થશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "આ નવાં સંસદ ભવનની દરેક ઇંટ, દરેક દિવાલ, દરેક કણ ગરીબોનાં કલ્યાણ માટે સમર્પિત હશે." આગામી 25 વર્ષમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નવાં સંસદ ભવનમાં બનનારા નવા કાયદાઓ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે, ભારતમાંથી ગરીબી દૂર કરવામાં મદદ કરશે અને દેશના યુવાનો અને મહિલાઓ માટે નવી તકોનું સર્જન કરશે.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સંસદનું નવું નિર્માણ નવા, સમૃદ્ધ, મજબૂત અને વિકસિત ભારતનાં નિર્માણનો પાયો બનશે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "આ એક એવું ભારત છે, જે નીતિ, ન્યાય, સત્ય, ગરિમા અને કર્તવ્યના માર્ગે ચાલે છે અને વધારે મજબૂત બને છે."

આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ નારાયણ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage