પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામનાં ગુવાહાટીમાં રૂ. 3,400 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ એઈમ્સ ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કૉલેજો દેશને અર્પણ કરી હતી. તેમણે આસામ એડવાન્સ હેલ્થ કેર ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ (એએએચઆઇઆઇ)નો શિલાન્યાસ પણ કર્યો હતો અને પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) કાર્ડ્સનું વિતરણ કરીને 'આપકે દ્વાર આયુષ્માન' અભિયાન શરૂ કર્યું હતું.
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ રોંગલી બિહુના પાવન પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આસામ અને પૂર્વોત્તરનાં સ્વાસ્થ્ય સંબંધિત માળખાને નવી તાકાત મળી છે, કારણ કે પૂર્વોત્તરને તેની પ્રથમ એઈમ્સ મળી છે અને આસામને ત્રણ નવી મેડિકલ કૉલેજો મળી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આઇઆઇટી ગુવાહાટી સાથે સહયોગમાં અદ્યતન સંશોધન માટે 500-પથારીની સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, આસામના લાખો નાગરિકોને આયુષ્માન કાર્ડ્સનું વિતરણ કરવા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પડોશી રાજ્યો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને મિઝોરમના નાગરિકોને પણ આજની વિકાસલક્ષી પરિયોજનાઓનો લાભ મળશે. પ્રધાનમંત્રીએ આજની પરિયોજનાઓ માટે દરેકને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરમાં કનેક્ટિવિટી વધારવાના પ્રયાસોનો તથા છેલ્લાં 8થી 9 વર્ષમાં માર્ગ, રેલવે અને એરપોર્ટની માળખાગત સુવિધામાં દેખીતા સુધારાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૌતિક માળખાગત સુવિધાઓની સાથે-સાથે સામાજિક માળખાગત સુવિધાને પણ આ વિસ્તારમાં મોટું પ્રોત્સાહન મળ્યું છે, કારણ કે અભૂતપૂર્વ રીતે શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓનું વિસ્તરણ થયું છે. પ્રધાનમંત્રીએ તેમની છેલ્લી મુલાકાત દરમિયાન સંખ્યાબંધ મેડિકલ કૉલેજો પ્રસ્તુત કરી હતી અને આજે તેમણે એઈમ્સ અને ત્રણ મેડિકલ કૉલેજો પ્રસ્તુત કરી હતી. પ્રધાનમંત્રીએ તબીબી સુવિધાઓને ટેકો આપવા પર પણ ભાર મૂક્યો હતો અને તેનાં પગલે આ વિસ્તારમાં રેલવે-રોડ કનેક્ટિવિટીમાં સતત સુધારાથી દર્દીઓને ટેકો આપવાની વાત પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, અગાઉનાં શાસનકાળમાં જશ લેવાની ભૂખ અને જનતા પર પ્રભુત્વ મેળવવાની ભાવનાએ દેશને કેવી રીતે લાચાર બનાવ્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાન્ય જનતા એ ઈશ્વરનું સ્વરૂપ છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ ઉત્તરપૂર્વ તરફ અલગતાની ભાવના ઉભી કરી હતી અને તેને મુખ્ય ભૂમિથી ખૂબ દૂર ગણાવી હતી. પરંતુ, વર્તમાન સરકાર, પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે સેવાલક્ષી માન્યતા સાથે આવે છે, જે પૂર્વોત્તરને ખૂબ જ સુલભ બનાવે છે અને નિકટતાની લાગણી ક્યારેય બંધ થતી નથી.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, પૂર્વોત્તરનાં લોકોએ તેમનાં ભાગ્ય અને વિકાસનો હવાલો સંભાળી લીધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે પૂર્વોત્તરના વિકાસ મારફતે ભારતના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. વિકાસની આ ચળવળમાં કેન્દ્ર સરકાર મિત્ર અને સેવક તરીકે સાથ આપી રહી છે," એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
આ ક્ષેત્રના લાંબા ગાળાના પડકારોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે વંશવાદ, પ્રાદેશિકવાદ, ભ્રષ્ટાચાર અને અસ્થિરતાનું રાજકારણ હાવી થવાનું શરૂ થાય છે, ત્યારે વિકાસ અશક્ય બની જાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ આપણી હેલ્થકેર સિસ્ટમ સાથે થયું છે. તેમણે 50ના દાયકામાં સ્થપાયેલી એઈમ્સનું ઉદાહરણ આપીને એ વાતનું ઉદાહરણ આપ્યું હતું અને દેશના અન્ય ભાગોમાં એઈમ્સ ખોલવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. શ્રી અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન આ પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પછીનાં વર્ષોમાં પ્રયાસો આગળ વધ્યા નહોતા અને વર્ષ 2014 પછી જ હાલની સરકારે આ મુદ્દાઓનું સમાધાન કર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે તાજેતરનાં વર્ષોમાં સરકારે 15 એઈમ્સ પર કામ શરૂ કર્યું છે અને તેમાંની મોટાભાગનીમાં સારવાર અને અભ્યાસક્રમો શરૂ થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એઈમ્સ ગુવાહાટી પણ એ હકીકતનું ઉદાહરણ છે કે અમારી સરકાર તમામ સંકલ્પોને પૂર્ણ કરે છે."
પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, અગાઉની સરકારોની નીતિઓએ દેશમાં ડૉક્ટર્સ અને તબીબી વ્યાવસાયિકોની અછત ઊભી કરી હતી તથા ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવા સમક્ષ એક દિવાલ ઊભી કરી હતી. છેલ્લાં 9 વર્ષમાં, પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સરકારે દેશમાં તબીબી માળખાગત સુવિધાઓ અને તબીબી વ્યાવસાયિકોને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે કામ કર્યું છે. તબીબી માળખાગત સુવિધાનાં ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં આશરે 300 મેડિકલ કૉલેજો કાર્યરત થઈ છે, જ્યારે વર્ષ 2014 અગાઉના એક દાયકામાં માત્ર 150 મેડિકલ કૉલેજો બની હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં દેશમાં એમબીબીએસની બેઠકોની સંખ્યા બમણી થઈને 1 લાખ આસપાસ પહોંચી ગઈ છે, જ્યારે પીજીની બેઠકોમાં 110 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં તબીબી શિક્ષણનાં વિસ્તરણ માટે નેશનલ મેડિકલ કમિશનની સ્થાપના સાથે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પછાત કુટુંબોમાંથી આવતા યુવાનો ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરી શકે એ માટે અનામતની ખાતરી પણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ચાલુ વર્ષનાં બજેટનાં ભાગરૂપે 150થી વધારે નર્સિંગ કૉલેજોને પણ જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પૂર્વોત્તરમાં છેલ્લાં 9 વર્ષમાં બેઠકોની સંખ્યાની સાથે-સાથે પ્રદેશમાં મેડિકલ કૉલેજોની સંખ્યા બમણી થઈ ગઈ છે, જ્યારે ઘણી નવી માટે કામ ચાલી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ તબીબી અને આરોગ્ય સેવા ક્ષેત્રમાં નક્કર કામગીરીનો શ્રેય કેન્દ્રની મજબૂત અને સ્થિર સરકારને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારોની નીતિ, ઇરાદાઓ અને પ્રતિબદ્ધતા સ્વાર્થથી પ્રેરિત નથી, પરંતુ 'રાષ્ટ્ર પ્રથમ - દેશવાસીઓ પ્રથમ'ની ભાવનાથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે, એટલા માટે સરકારનું ધ્યાન વૉટ બૅન્ક પર નહીં પરંતુ નાગરિકોની સમસ્યાઓ ઓછી કરવા પર છે. પ્રધાનમંત્રીએ ગરીબ પરિવાર માટે તબીબી સારવાર માટે નાણાકીય સંસાધનોની અછતની દુર્દશા વિશેની પોતાની સમજ વ્યક્ત કરી હતી અને આયુષ્માન યોજના વિશે વાત કરી હતી, જે રૂ. 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર પ્રદાન કરે છે. એ જ રીતે 9000 જન ઔષધિ કેન્દ્રો પર સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે સ્ટેન્ટ અને ઘૂંટણના ઈમ્પ્લાન્ટ્સની કિંમત પરની ટોચ મર્યાદા અને દરેક જિલ્લામાં નિ: શુલ્ક ડાયાલિસિસ કેન્દ્રોનો પણ ઉલ્લેખ કર્યો હતો. 1.5 લાખથી વધુ વેલનેસ સેન્ટર્સ વહેલા નિદાન અને વધુ સારી સારવાર માટે મહત્વપૂર્ણ પરીક્ષણો પ્રદાન કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન દેશ અને ગરીબોના મુખ્ય તબીબી પડકારને પણ સંબોધિત કરી રહ્યું છે. સ્વચ્છતા, યોગ અને આયુર્વેદ મારફતે અટકાયતી આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સુખાકારીમાં સુધારો થશે અને રોગથી બચી શકાશે.
સરકારી યોજનાઓની સફળતાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમને લોકોની સેવા કરવાની તક મળવા બદલ તેઓ ધન્યતા અનુભવે છે. તેમણે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજનાનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, આ યોજના ગરીબો માટે રૂ. 80,000 કરોડની બચત કરવામાં મદદરૂપ થવા સાથે એક સહાયક વ્યવસ્થા બની ગઈ છે. તેમણે મધ્યમ વર્ગને 20,000 કરોડ રૂપિયાની બચત કરવામાં મદદ કરવા માટે જન ઔષધિ કેન્દ્રોને શ્રેય આપ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્ટેન્ટ્સ અને ની ઇમ્પ્લાન્ટના ખર્ચમાં ઘટાડો થવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને દર વર્ષે 13,000 કરોડ રૂપિયાની બચત થઇ રહી છે, જ્યારે મફત ડાયાલિસિસની સુવિધાથી કિડનીના ગરીબ દર્દીઓને 500 કરોડ રૂપિયાની બચત કરવામાં મદદ મળી છે. પ્રધાનમંત્રીએ એ બાબતની પણ નોંધ લીધી હતી કે, આસામમાં આશરે 1 કરોડ આયુષ્માન ભારત કાર્ડ્સ સુપરત કરવાનું અભિયાન પણ શરૂ થઈ ગયું છે, જે તેમને વધારે નાણાંની બચત કરવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય સેવાનાં ક્ષેત્રમાં લેવામાં આવેલાં પગલાંની મહિલાઓનાં કલ્યાણ પર પડેલી અસર પર વિસ્તૃત વાતો કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, મહિલાઓ તેમનાં સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવાની પરંપરાગત રીતે અનિચ્છા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, શૌચાલયોના પ્રસારથી તેઓ ઘણી બિમારીઓથી બચી ગયાં છે અને ઉજ્જવલા કનેક્શને તેમને ધુમાડા સાથે સંબંધિત સમસ્યાઓમાંથી ઉગારી લીધાં છે. જલ જીવન મિશને પાણીજન્ય રોગોમાં મદદ કરી અને મિશન ઇન્દ્રધનુષે ગંભીર રોગો માટે મફત રસીકરણ દ્વારા તેમને બચાવ્યાં. આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને રાષ્ટ્રીય પોષણ અભિયાનથી મહિલાઓમાં સ્વાસ્થ્ય સંબંધિત માપદંડોમાં સુધારો થયો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "જ્યારે સરકાર સંવેદનશીલ હોય છે અને ગરીબો પ્રત્યે સેવાની ભાવના હોય છે, ત્યારે આ પ્રકારનું કામ થાય છે."
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "અમારી સરકાર 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ ભારતનાં સ્વાસ્થ્ય ક્ષેત્રનું આધુનિકીકરણ પણ કરી રહી છે." તેમણે આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ મિશન અને ડિજિટલ હેલ્થ આઇડીની યાદી આપી હતી, જે એક ક્લિક પર નાગરિકોનાં સ્વાસ્થ્યનાં રેકોર્ડ્સ બનાવશે અને હૉસ્પિટલ સેવાઓમાં સુધારો કરશે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, અત્યાર સુધીમાં 38 કરોડ હેલ્થ આઇડી ઇશ્યુ કરવામાં આવ્યાં છે અને 2 લાખથી વધારે હેલ્થ ફેસિલિટીઝ અને 1.5 લાખ હેલ્થ પ્રોફેશનલ્સની ચકાસણી કરવામાં આવી છે. ઇ-સંજીવનીની વધતી જતી લોકપ્રિયતાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ આ યોજના મારફતે 10 કરોડ ઇ-કન્સલ્ટેશન પૂર્ણ કરવાની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતની હેલ્થકેર સિસ્ટમમાં પરિવર્તનનો સૌથી મોટો આધાર સબ કા પ્રયાસ છે." તેમણે કોરોનાવાયરસની કટોકટી દરમિયાન સબ કા પ્રયાસની ભાવનાને યાદ કરી હતી અને નોંધ્યું હતું કે, સમગ્ર વિશ્વ, વિશ્વનાં સૌથી મોટા, ઝડપી અને સૌથી અસરકારક કોવિડ રસીકરણ અભિયાનની પ્રશંસા કરી રહ્યું છે. તેમણે આશા કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ, પ્રાથમિક સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનાં યોગદાનની નોંધ લીધી હતી, જેમાં તેમણે અતિ ટૂંકા ગાળામાં અંતરિયાળ વિસ્તારોમાં પણ મેડ ઇન ઇન્ડિયા રસી વિતરણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આટલો મોટો મહાયજ્ઞ ત્યારે જ સફળ થાય છે જ્યારે સબ કા પ્રયાસ અને સબ કા વિશ્વાસ હોય." તેમણે સૌને સબ કા પ્રયાસની ભાવના સાથે આગળ વધવા અને સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારતનાં મિશનને નવી ઊંચાઈઓ પર લઈ જવા અપીલ કરીને સંબોધનનું સમાપન કર્યું હતું.
આ પ્રસંગે આસામના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા, આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સરમા, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. ભારતી પવાર અને આસામ સરકારના મંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં.
પશ્ચાદભૂમિકા
ગુવાહાટીમાં એઈમ્સ કાર્યરત થવાથી આસામ રાજ્ય અને સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્ર માટે આ એક મહત્વપૂર્ણ અવસર હશે. આ બાબત સમગ્ર દેશમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાનો પણ પુરાવો છે. આ હૉસ્પિટલનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીએ મે 2017માં કર્યો હતો. રૂ. 1120 કરોડથી વધારેના ખર્ચે નિર્મિત એઇમ્સ ગુવાહાટી અત્યાધુનિક હૉસ્પિટલ છે, જેમાં 30 આયુષ પથારીઓ સહિત 750 પથારીની ક્ષમતા છે. આ હૉસ્પિટલમાં દર વર્ષે એમબીબીએસના 100 વિદ્યાર્થીઓની વાર્ષિક ઇન્ટેક ક્ષમતા હશે, સાથે જ પૂર્વોત્તરના લોકોને વિશ્વકક્ષાની સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પ્રધાનમંત્રીએ ત્રણ મેડિકલ કૉલેજો – નલબારી મેડિકલ કૉલેજ, નલબારી; નાગાંવ મેડિકલ કૉલેજ, નાગાંવ; અને કોકરાઝાર મેડિકલ કૉલેજ, કોકરાઝારપણ દેશને અર્પણ કરી હતી જેનું નિર્માણ અનુક્રમે રૂ. 615 કરોડ, રૂ. 600 કરોડ અને રૂ. 535 કરોડના ખર્ચે થયું છે. દરેક મેડિકલ કૉલેજમાં સંલગ્ન 500 પથારીની ટીચિંગ હૉસ્પિટલ છે, જેમાં ઓપીડી/આઇપીડી સેવાઓ છે, જેમાં ઇમરજન્સી સેવાઓ, આઇસીયુ સુવિધાઓ, ઓટી અને નિદાન સુવિધાઓ વગેરે સામેલ છે. દરેક મેડિકલ કૉલેજમાં એમબીબીએસના ૧૦૦ વિદ્યાર્થીઓની વાર્ષિક પ્રવેશ ક્ષમતા હશે.
પ્રધાનમંત્રી દ્વારા 'આપકે દ્વાર આયુષ્માન' અભિયાનનો ઔપચારિક શુભારંભ એ કલ્યાણકારી યોજનાઓમાં 100 ટકા સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા માટે દરેક લાભાર્થી સુધી પહોંચવાના તેમના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. પ્રધાનમંત્રીએ ત્રણ પ્રતિનિધિરૂપ લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) કાર્ડનું વિતરણ પણ કર્યું હતું, જે પછી રાજ્યના તમામ જિલ્લાઓમાં આશરે 1.1 કરોડ એબી-પીએમજેએવાય કાર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આસામ એડવાન્સ હેલ્થ કેર ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ (એએએચઆઇઆઇ)નો શિલાન્યાસ સ્વાસ્થ્ય સાથે સંબંધિત ક્ષેત્રોમાં પ્રધાનમંત્રીનાં 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા'નાં વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. દેશમાં આરોગ્યસેવામાં વપરાતી મોટાભાગની ટેક્નોલૉજીની આયાત કરાય છે અને તેને એક અલગ સંદર્ભમાં વિકસાવવામાં આવે છે, જે ભારતીય પર્યાવરણમાં કામ કરવા માટે અત્યંત ખર્ચાળ અને જટિલ છે. એ.એ.એચ.આઈ.આઈ.ની કલ્પના આવા સંદર્ભમાં કરવામાં આવી છે અને તે એવી રીતે કાર્ય કરશે કે 'આપણે આપણી પોતાની સમસ્યાઓ માટે આપણા પોતાના ઉકેલો શોધીએ'. આશરે રૂ. 546 કરોડના ખર્ચે એએએચઆઇઆઇનું નિર્માણ થશે અને તે ચિકિત્સા અને હેલ્થકેરમાં અત્યાધુનિક શોધ અને સંશોધન અને વિકાસની સુવિધા આપશે, સ્વાસ્થ્ય સાથે સંબંધિત દેશની વિશિષ્ટ સમસ્યાઓની ઓળખ કરશે અને આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે નવી ટેક્નૉલોજીના વિકાસને પ્રોત્સાહન આપશે.
On the auspicious occasion of Bihu, Assam and entire Northeast gets AIIMS and other healthcare infrastructure projects. pic.twitter.com/bRWxEH5xuK
— PMO India (@PMOIndia) April 14, 2023
Social infrastructure has significantly improved in the Northeast in last nine years. pic.twitter.com/1mzpIVoEZA
— PMO India (@PMOIndia) April 14, 2023
We work with 'Seva Bhaav' for the people. pic.twitter.com/oMhdlT0K9H
— PMO India (@PMOIndia) April 14, 2023
हमारी सरकारों में नीति, नीयत और निष्ठा किसी स्वार्थ से नहीं बल्कि- राष्ट्र प्रथम, देशवासी प्रथम की भावना से तय होती है। pic.twitter.com/w3xzz8zGHF
— PMO India (@PMOIndia) April 14, 2023
हमारी सरकार ने जो योजनाएं शुरू कीं, उसका बहुत बड़ा लाभ महिलाओं की सेहत को हुआ है। pic.twitter.com/soBPcAVSxW
— PMO India (@PMOIndia) April 14, 2023
भारत के हेल्थकेयर सिस्टम में परिवर्तन का सबसे बड़ा आधार है- सबका प्रयास। pic.twitter.com/WirhWhMbJl
— PMO India (@PMOIndia) April 14, 2023