આશરે 3700 કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો
થિરુથુરાઇપુન્ડી અને અગસ્થિયમપલ્લી વચ્ચે 37 કિલોમીટરના ગેજ કન્વર્ઝન સેક્શનનું ઉદ્‌ઘાટન કર્યું
તંબારામ અને સેનગોટ્ટાઇ વચ્ચે એક્સપ્રેસ સેવાને અને થિરુથુરાઇપુન્ડીથી– અગસ્થિયમપલ્લી ડેમુ સેવાને લીલી ઝંડી આપી
"તમિલનાડુ ઇતિહાસ અને વારસાનું ઘર છે, ભાષા અને સાહિત્યની ભૂમિ છે"
"અગાઉ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો અર્થ ડિલે (વિલંબ) થતો હતો, પરંતુ હવે તેનો અર્થ ડિલિવરી(સોંપણી) થાય છે"
"કરદાતાઓ જે દરેક રૂપિયા ચૂકવે છે તેના માટે સરકાર જવાબદાર માને છે"
"અમે માનવીય ચહેરા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છીએ. તે આકાંક્ષાઓને સિદ્ધિ સાથે, લોકોને શક્યતાઓ સાથે અને સ્વપ્નોને વાસ્તવિકતા સાથે જોડે છે"
"તમિલનાડુનો વિકાસ સરકાર માટે ઘણી પ્રાથમિકતા ધરાવે છે"
"ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં નવાં સંકલિત ટર્મિનલ બિલ્ડિંગની ડિઝાઇન તમિલ સંસ્કૃતિની સુંદરતાને પ્રતિબિંબિત કરે છે"
"તમિલનાડુ એ ભારતનાં વિકાસ એન્જિનોમાંનું એક છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં ચેન્નાઈમાં અલ્સ્ટ્રોમ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ (ફેઝ-1)નું ઉદ્‌ઘાટન કર્યું હતું અને ચેન્નાઈમાં ચેન્નાઈ-કોઇમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.

 

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તમિલનાડુ ઇતિહાસ અને વારસાનું ઘર છે, ભાષા અને સાહિત્યની ભૂમિ છે. આપણાં ઘણાં સ્વતંત્રતા સેનાનીઓ તમિલનાડુનાં છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ રાજ્ય દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તમિલનાડુ પુથાંડુ નજીકમાં છે અને તેમણે કહ્યું હતું કે, આ નવી ઊર્જા, આશા, આકાંક્ષાઓ અને નવી શરૂઆતનો સમય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઘણા નવા માળખાગત પ્રોજેક્ટ્સ આજથી લોકોની સેવા કરવા માટે શરૂ થશે, જ્યારે કેટલાક તેમની શરૂઆતનાં સાક્ષી બનશે." તેમણે કહ્યું હતું કે, રેલવે, રોડવેઝ અને એરવેઝને લગતા નવા પ્રોજેક્ટ્સ નવાં વર્ષની ઉજવણીમાં વધારો કરશે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ઝડપ અને વ્યાપ દ્વારા સંચાલિત માળખાગત સુવિધાની ક્રાંતિનું સાક્ષી બન્યું છે. વ્યાપનો ઉલ્લેખ કરતાં તેમણે માહિતી આપી હતી કે, આ વર્ષનાં બજેટમાં માળખાગત વિકાસ માટે રૂ. 10 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે વર્ષ 2014નાં બજેટ કરતાં પાંચ ગણો વધારો છે, જ્યારે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભંડોળની ફાળવણી વિક્રમી ઊંચી સપાટીએ છે. પ્રધાનમંત્રીએ ઝડપ વિશે બોલતા જાણકારી આપી હતી કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં દર વર્ષે ઉમેરવામાં આવતા રાષ્ટ્રીય રાજમાર્ગોની લંબાઈ બમણી થઈ ગઈ છે, દર વર્ષે રેલવે લાઇનોનું વિદ્યુતીકરણ 600 રૂટ કિલોમીટરથી વધીને 4,000 રૂટ કિલોમીટર થયું છે અને એરપોર્ટ્સની સંખ્યા 74થી વધીને લગભગ 150 થઈ ગઈ છે. વેપાર માટે લાભદાયક એવા તમિલનાડુના વિશાળ દરિયાકિનારાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં બંદરોની ક્ષમતા વધારવાની ક્ષમતા પણ બમણી થઈ ગઈ છે.

પ્રધાનમંત્રીએ દેશના સામાજિક અને ડિજિટલ માળખાગત સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો અને માહિતી આપી હતી કે, દેશમાં મેડિકલ કૉલેજોની સંખ્યા વર્ષ 2014 અગાઉ 380 હતી, જે અત્યારે વધીને 660 થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં નવ વર્ષમાં દેશે ઉત્પાદિત એપ્સની સંખ્યા ત્રણ ગણી કરી છે, ડિજિટલ વ્યવહારોમાં દુનિયામાં નંબર વન બની ગયો છે, તે દુનિયાનાં સૌથી સસ્તા મોબાઇલ ડેટામાં સામેલ છે તથા આશરે 2 લાખ ગ્રામ પંચાયતોને જોડતા 6 લાખ કિલોમીટરથી વધારેનાં ઓપ્ટિક ફાઇબર બિછાવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, "અત્યારે ભારતમાં શહેરી વપરાશકર્તાઓ કરતાં ઇન્ટરનેટનો ઉપયોગ વધારે થાય છે."

 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સકારાત્મક ફેરફારો કાર્યસંસ્કૃતિ અને વિઝનમાં પરિવર્તનનું પરિણામ છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, અગાઉ માળખાગત પ્રોજેક્ટ્સનો અર્થ ડિલે (વિલંબ) થતો હતો, પણ હવે તેનો અર્થ થાય છે ડિલિવરી (સોંપણી) અને ડિલેથી ડિલિવરી સુધીની આ સફર કાર્યસંસ્કૃતિનું પરિણામ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર નિર્ધારિત સમયમર્યાદા અગાઉ જ પરિણામો હાંસલ કરવા કામ કરે છે, ત્યારે કરદાતાઓ જે દરેક રૂપિયા ચૂકવે છે, તેના માટે સરકાર જવાબદાર હોવાનું અનુભવે છે. અગાઉની સરકારોથી વિઝનમાં રહેલા તફાવત પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માળખાગત સુવિધાને માત્ર કૉંક્રિટ, ઇંટો અને સિમેન્ટ તરીકે જ જોવામાં આવતી નથી, પણ માનવીય ચહેરા સાથે જોવામાં આવે છે, જે આકાંક્ષાને સિદ્ધિ સાથે, લોકોને શક્યતાઓ સાથે અને સ્વપ્નોને વાસ્તવિકતા સાથે જોડે છે.

પ્રધાનમંત્રીએ આજના પ્રોજેક્ટનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, રોડવેઝ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ વિરુધુનગર અને તેનકાસીના કપાસના ખેડૂતોને અન્ય બજારો સાથે જોડે છે, ચેન્નાઈ અને કોઇમ્બતુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ નાના વ્યવસાયોને ગ્રાહકો સાથે જોડે છે તથા ચેન્નાઈ એરપોર્ટનું નવું ટર્મિનલ દુનિયાને તમિલનાડુમાં લાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તે રોકાણ લાવશે, જે અહીંના યુવાનો માટે આવકની નવી તકો ઊભી કરશે. "તે માત્ર વાહનો જ નથી જે ગતિ મેળવે છે, પરંતુ લોકોનાં સપના અને એન્ટરપ્રાઇઝની ભાવના પણ ગતિ મેળવે છે. અર્થતંત્રને વેગ મળે છે." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક માળખાગત પ્રોજેક્ટ કરોડો પરિવારોનાં જીવનમાં પરિવર્તન લાવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "તમિલનાડુનો વિકાસ સરકાર માટે ખૂબ જ પ્રાથમિકતા ધરાવે છે." તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યને ચાલુ વર્ષનાં બજેટમાં રેલવે માળખાગત સુવિધા માટે રૂ. 6,000 કરોડથી વધારેની અત્યાર સુધીની સર્વોચ્ચ રકમ ફાળવવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૦૯-૨૦૧૪ દરમિયાન દર વર્ષે ફાળવવામાં આવેલી સરેરાશ રકમ રૂ.૯૦૦ કરોડથી પણ ઓછી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2004 અને 2014 વચ્ચે તમિલનાડુમાં રાષ્ટ્રીય રાજમાર્ગોની લંબાઈ આશરે 800 કિલોમીટર હતી, પણ વર્ષ 2014થી 2023 વચ્ચે આશરે 2000 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગોનો ઉમેરો થયો હતો. તમિલનાડુમાં રાષ્ટ્રીય રાજમાર્ગોનાં વિકાસ અને જાળવણીમાં રોકાણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014-15માં આશરે રૂ. 1200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે વર્ષ 2022-23માં આ ખર્ચ 6 ગણો વધીને રૂ. 8200 કરોડથી વધારે થયો છે.

 

પ્રધાનમંત્રીએ છેલ્લાં થોડાં વર્ષોમાં તમિલનાડુમાં અનેક મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને ભારતની સુરક્ષાને વધારે મજબૂત કરતો ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, પીએમ મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક અને બેંગલુરુ-ચેન્નાઈ એક્સપ્રેસવે માટે શિલારોપાણનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચેન્નાઈ નજીક મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્કનું નિર્માણ પણ ચાલી રહ્યું છે, જ્યારે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ મમલ્લાપુરમથી કન્યાકુમારી સુધીના સમગ્ર ઇસ્ટ કોસ્ટ રોડને સુધારવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ત્રણ મહત્ત્વપૂર્ણ શહેરો ચેન્નાઈ, મદુરાઈ અને કોઇમ્બતુરને ઉદ્‌ઘાટન કે શરૂ કરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સનો સીધો લાભ મળી રહ્યો છે. તેમણે ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉદ્‌ઘાટન કરાયેલાં ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આ પ્રવાસીઓની વધતી જતી માગને પૂર્ણ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એરપોર્ટની ડિઝાઇન તમિલ સંસ્કૃતિની સુંદરતાને પ્રતિબિંબિત કરે છે. "છત, ફ્લોરિંગ, સીલિંગ અથવા ભીંતચિત્રોની ડિઝાઇન હોય, તે દરેક તમિલનાડુનાં કેટલાંક પાસાંની યાદ અપાવે છે." તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, એરપોર્ટમાં પરંપરા ઝળકે છે, ત્યારે તેનું નિર્માણ ટકાઉપણાની આધુનિક જરૂરિયાતો માટે પણ થયું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તેનું નિર્માણ ઇકો-ફ્રેન્ડલી મટિરિયલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે તથા એલઇડી લાઇટિંગ અને સૌર ઊર્જા જેવી ઘણી ગ્રીન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે ચેન્નાઈ-કોઈમ્બતુર વચ્ચે આજે લીલી ઝંડી બતાવાઇ એ નવી વંદે ભારત એક્સપ્રેસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, 'મેડ ઇન ઇન્ડિયા'નું આ ગૌરવ મહાન વીઓ ચિદમ્બરમ પિલ્લાઈની ભૂમિમાં સ્વાભાવિક છે.

 

કોઇમ્બતુર ઔદ્યોગિક પાવરહાઉસ રહ્યું છે, પછી તે ટેક્સટાઇલ ક્ષેત્ર હોય, એમએસએમઇ હોય કે ઉદ્યોગો હોય, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક કનેક્ટિવિટીથી તેનાં લોકોની ઉત્પાદકતામાં વધારો થશે. તેમણે જાણકારી આપી હતી કે, વંદે ભારત એક્સપ્રેસને કારણે ચેન્નાઈ અને કોઇમ્બતુર વચ્ચેની સફર ફક્ત 6 કલાકની થશે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી સલેમ, ઇરોડ અને તિરુપુર જેવાં ટેક્સટાઇલ અને ઔદ્યોગિક કેન્દ્રોને પણ લાભ થશે. પ્રધાનમંત્રીએ મદુરાઈનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આ શહેર તમિલનાડુની સાંસ્કૃતિક રાજધાની છે અને દુનિયાનાં સૌથી પ્રાચીન શહેરોમાંનું એક છે. તેમણે ઉમેર્યું હતું કે, આજની પરિયોજનાઓ આ પ્રાચીન શહેરની આધુનિક માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપશે.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમિલનાડુ એ ભારતના વિકાસનાં એન્જિનમાંનું એક એન્જિન છે. "જ્યારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં રોજગારીનું સર્જન કરે છે, ત્યારે આવકો વધે છે અને તામિલનાડુ વધે છે. જ્યારે તમિલનાડુનો વિકાસ થાય છે, ત્યારે ભારતનો વિકાસ થાય છે," એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર એન રવિ, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ કે સ્ટાલિન અને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી શ્રી એલ મુરુગન, શ્રીપેરુમ્બુદુરના સંસદ સભ્ય શ્રી ટી. આર. બાલુ અને તમિલનાડુ સરકારના મંત્રીઓ અને અન્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીએ આશરે રૂ. 3700 કરોડનાં મૂલ્યનાં રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મદુરાઈ શહેરમાં 7.3 કિલોમીટરની લંબાઈ ધરાવતા એલિવેટેડ કોરિડોર અને રાષ્ટ્રીય રાજમાર્ગ 785ના 24.4 કિલોમીટર લાંબા ફોર લેન માર્ગનું ઉદ્‌ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રાજમાર્ગ – 744ની માર્ગ પરિયોજનાઓનાં નિર્માણ માટે શિલારોપણ પણ કર્યું હતું. રૂ. 2400 કરોડથી વધારેનાં મૂલ્યના આ પ્રોજેક્ટથી તમિલનાડુ અને કેરળ વચ્ચે આંતર-રાજ્ય કનેક્ટિવિટીને પ્રોત્સાહન મળશે તથા મદુરાઈમાં મીનાક્ષી મંદિર, શ્રીવિલિપુથુરમાં એન્ડલ મંદિર અને કેરળમાં સબરીમાલામાં યાત્રાળુઓ માટે સુવિધાજનક પ્રવાસ સુનિશ્ચિત થશે.

પ્રધાનમંત્રીએ થિરુથુરાઇપુન્ડી અને અગસ્થિયમપલ્લી વચ્ચે 37 કિલોમીટરનાં ગેજ કન્વર્ઝન સેક્શનનું પણ ઉદ્‌ઘાટન કર્યું હતું, જે રૂ. 294 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે. આનાથી નાગાપટ્ટિનમ જિલ્લાના અગસ્થિયમપલ્લીથી ખાદ્ય અને ઓદ્યોગિક મીઠાની અવરજવરને ફાયદો થશે.

પ્રધાનમંત્રીએ તંબારામ અને સેનગોટ્ટાઇ વચ્ચે એક્સપ્રેસ સેવાને પણ લીલી ઝંડી આપી હતી. તેમણે થિરુથુરાઇપુન્ડી-અગસ્થિયમપલ્લીથી ડિઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (ડેમુ) સેવાને પણ લીલી ઝંડી આપી હતી, જેનો કોઇમ્બતુર, તિરુવરુર અને નાગાપટ્ટિનમ જિલ્લાઓના પ્રવાસીઓને લાભ થશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi